વિનોદના બંગલાના ગેટમાં જ છરાથી એની હત્યા કરી કોણે ?

- વંદના પ્રેગ્નન્ટ થઈ ગઈ ત્યારે પારાવાર પસ્તાવા સાથે રાત્રે એ પંખે લટકવા જતી હતી ત્યારે એની બા જાગી ગઈ અને એ પરિવારમાં ધરતીકંપ આવ્યો


'ગ ણાત્રા, ગુડ મોનગ. આજે સવારથી જ ધંધે લાગી જવું પડશે. ફટાફટ ઊભો થઈને સીધો ગુજરાત કૉલેજ પાસે પહોંચી જા. ત્યાં જયભારતી સોસાયટી તો જોયેલી છેને? એમાં પાંચ નંબરના બંગલાવાળા શેઠિયાનું મર્ડર થઈ ગયું છે. તું પહોંચી જા. હું પણ વીસેક મિનિટમાં નીકળું છું.'

સબઈન્સ્પેક્ટર ગણાત્રાને આદેશ આપતી વખતે ઈન્સ્પેક્ટર તખુભાના અવાજમાં અધિકારી તરીકેના રૂઆબને બદલે આત્મીયતા છલકાતી હતી. ત્યાં જવાનો આદેશ આપીને એમણે ઉમેર્યું. 'સાંભળ. તને ફોન કરતા પહેલા અવિનાશને ત્યાં રવાના કરી દીધો છે. ત્રણ કોન્સ્ટેબલ સાથે એ ત્યાં પહોંચી ગયો છે અને કામ શરૂ કરી દીધું છે.' 

પોલીસ સ્ટેશનમાં તખુભાના હાથ નીચે ચાર સબઈન્સ્પેક્ટર હતા. એ છતાં, ગણાત્રા સાથે એમને વધારે ફાવતું હતું. સબઈન્સ્પેક્ટર તરીકેની તાલીમ પૂરી કરીને અવિનાશ તો હજુ દસેક દિવસ અગાઉ જ અહીં મૂકાયો હતો. એ યુવાન પૂરેપૂરો ઘડાય એ માટે તખુભા એને વધુ દોડાવતા હતા.

તખુભા પહોંચે એ અગાઉ ગણાત્રા ત્યાં પહોંચી ચૂક્યો હતો. અવિનાશ, ગણાત્રા અને તખુભા એ ત્રણેય અધિકારીઓએ સ્થળ ઉપર પહોંચીને જે જે માહિતી મેળવી એના આધારે આખી ઘટના કઈ રીતે બનેલી એની પ્રાથમિક જાણકારી મળી ગઈ હતી.

પાંચ નંબરના બંગલાના માલિક વિનોદની નરોડામાં ફેક્ટરી હતી. કરોડપતિ વિનોદનો દેખાવ સાવ સાધારણ હતો. એની પત્ની રસિલા અત્યંત રૂપાળી હતી. વિનોદના બાળપણના બે જિગરી દોસ્તાર લતેશ લંબૂ અને જ્યોતિષ જાડિયાની સાથે હજુ પણ દોસ્તી અડીખમ હતી. મહિને એકાદ વાર ત્રણેય મિત્રો વિનોદના બંગલે જ ભેગા થતા હતા. વિનોદ પાસે દારૂની પરમીટ હતી એટલે પેલા બંને જ્યારે આવે ત્યારે એમને વિનોદની આ મહેમાનગતિનો લાભ મળતો હતો. ગઈ રાત્રે પણ એ બંને બંગલે આવ્યા હતા. રાત્રે દારૂની મહેફિલ જામી હતી. રસિલા દારૂને સ્પર્શ પણ નહોતી કરતી, પરંતુ પતિ અને તેના મિત્રો માટે નાસ્તાની વ્યવસ્થા બહુ પ્રેમથી કરતી હતી અને એમની વાતોમાં પણ ઉત્સાહથી સહભાગી બનતી હતી.

રાત્રે બાર વાગ્યા સુધી રસિલા, વિનોદ, લંબૂ અને જાડિયો ચારેય સાથે હતા. ત્રણેય પુરુષો રાજાપાઠમાં હતા. બાર વાગ્યે જ્યોતિષ જાડિયો ઊભો થયો અને પોતાના ઘેર ગયો. લતેશ લંબૂને કોઈ ઉતાવળ નહોતી એટલે રસિલા અને વિનોદ સાથે વાતોના તડાકા મારવા માટે એ રોકાયો હતો. છેક દોઢ વાગ્યે એને ઘર યાદ આવ્યું એટલે એ ઊભો થયો. ઊભો થયો કે તરત લથડયો. એની હાલત જોઈને વિનોદને લાગ્યું કે આવી દશામાં એ કાર નહીં ચલાવી શકે. વિનોદે એને રોકાઈ જવાનું કહ્યું, પણ એણે તો ઘેર જવાની જીદ પકડી. આ હાલતમાં તું કાર ચલાવીશ તો તું મરીશ અને જોડે મનેય ભાલે ભરાવી દઈશ.. એમ કહીને વિનોદ પોતાની કારમાં બેસાડીને એને એના ઘેર મૂકવા ગયો હતો.

એને મૂકીને વિનોદ તરત પાછો આવ્યો, ત્યારે મોત એની રાહ જોઈને જ બેઠું હતું. બંગલાના ગેટ પાસે જ લપાઈને હત્યારો એની રાહ જોઈને બેઠો હતો. કારમાંથી ઊતરીને વિનોદ બંગલાનો ગેટ ખોલતો હતો, એ જ વખતે ખૂનીએ ગળા ઉપર છરો એવી રીતે માર્યો કે ધોરી નસ કપાઈ ગઈ. બીજા ચાર ઘા પેટમાં એવી ક્રૂરતાથી મારેલા હતા કે વિનોદના આંતરડાં બહાર આવી ગયાં હતાં.

ડોગ સ્ક્વોડ, ફોરેન્સિક ટીમ અને ફોટોગ્રાફર પણ આવીને એમની પધ્ધતિ મુજબ ફટાફટ કામમાં પરોવાઈ ગયા હતા.

કાયદેસરની બધી વિધિ પૂરી થઈ ત્યારે બપોરના ત્રણ વાગ્યા હતા. પાછા પોલીસ સ્ટેશન જતી વખતે તખુભાએ એક બાઈકવાળા કોન્સ્ટેબલને નાસ્તાની વ્યવસ્થા માટે સૂચના આપી. પોલીસસ્ટેશને પહોંચીને બધા તખુભાની ચેમ્બરમાં ભેગા થયા અને નાસ્તો આવ્યો એટલે એના ઉપર તૂટી પડયા. નવા સબ ઈન્સ્પેક્ટર અવિનાશને જ્ઞાાન આપવાની એકેય તક તખુભા છોડતા નહોતા. નાસ્તો કરતી વખતે વ્યવહારૂ જ્ઞાાન આપવા તખુભાએ સમજાવ્યું. 'જો અવિનાશ, અત્યારે કોઈ અહીં આવે તો આપણને જોઈને એમ જ માને કે મારા બેટા પોલીસવાળા નાસ્તા-પાણીના જલસા કરે છે. પણ એ ડફોળને ખબર ના હોય કે સવારે આઠ વાગ્યાથી ધંધે લાગેલા, તો છેક અત્યારે ખાવા મળ્યું છે. મારી વાત સમજાય છેને? આપણે સાચા હોઈએ તો દુનિયાની પરવા નહીં કરવાની.'

અવિનાશે હકારમાં માથું હલાવ્યું. એ પછી આખી ટીમ સામે જોઈને તખુભાએ આગળની વ્યુહરચના સમજાવી.

 'પોસ્ટમોર્ટમ પછી લાશ મળશે એટલે સાંજે અગ્નિસંસ્કાર કરશે. આપણું કામ કાલે બપોરથી શરૂ થશે. વિનોદના મિસિસ રસિલાબહેનને પૂછેલું કે તમને કોના ઉપર શંકા છે? તમારા પતિ વિનોદને આવી દુશ્મનાવટ કોની સાથે હતી? પરંતુ એ બહેન અત્યારે અત્યારે આઘાતમાં હતા એટલે એમણે સરખો જવાબ ના આપ્યો. ધણીની આવી રીતે હત્યા થઈ હોય, એ બૈરું તાત્કાલિક જવાબ ના જ આપી શકે. કાલે શાંતિથી પૂછીશું તો એમાંથી કંઈક છેડો મળશે.'

એમણે અવિનાશ અને ગણાત્રા સામે જોયું. 'તમે બંને પોતપોતાની રીતે તપાસ શરૂ કરીને આગળ વધો. આજુબાજુના બંગલાવાળાને ખોતરશો તોય ઘણું જાણવા મળશે.'

ત્રીજા દિવસે રાત્રે તખુભા અને ગણાત્રા ચર્ચા કરતા હતા. એમની સાથે બેસીને અવિનાશ ચૂપચાપ સાંભળતો હતો.

'એ રૂપસુંદરી મગનું નામ મરી નથી પાડતી. એના ગોળ ગોળ જવાબ સાંભળીને મને તો આ કારસ્તાન એનું જ લાગે છે.' અનુભવના આધારે તખુભાએ આત્મવિર્શ્વાસથી કહ્યું. 'ક્લિયરકટ કેસ છે. સાધારણ દેખાવનો શેઠિયો પૈસાના જોરે આરસની પૂતળી જેવી પદમણીને પરણે, એમાં પ્રોબ્લેમ તો થાય જ! પેલીએ કોઈ મનના માણીગરને મધલાળ ચટાડીને સકંજામાં લઈ લીધો હોય. મીઠું હસીને એ પ્રેમથી આદેશ આપે એટલે પેલો પરિણામની પરવા ના કરે.પેલીના પતિદેવને પતાવી દે. એ પછી આપણી ઝપટે ચડે ત્યારે એને એની મૂર્ખામીનું ભાન થાય. એ જેલના સળિયા ગણે એ દરમ્યાન પેલીએ તો કોઈ બીજો આશિક શોધી લીધો હોય. પેલીના રૂપમાં પાગલ બનેલા એ અડબંગને એટલું વિચારવાની અક્કલ ના હોય કે જે બૈરું એના સગા ધણીનું નથી થયું, એ મને શું લાટો આપશે?'

એમની વાત સાંભળીને ગણાત્રાએ પૂછયું. 'સાહેબ, આ રમતમાં બે ખેલાડી મેદાનમાં છે. એક લતેશ લંબૂ અને બીજો જ્યોતિષ જાડિયો. તમને વધુ શંકા કોના ઉપર છે?' 'શંકા નહીં, મને તો પૂરેપૂરી ખાતરી છે કે આ ખેલ લતેશ લંબૂનો જ છે. જ્યોતિષ પેલીનો આશિક છે એ કબૂલ પણ એ જાડિયાની જિગર નથી ખૂન કરવાની. તું સમજ. બાર વાગ્યા સુધી ચારેય સાથે હતા.બાર વાગ્યે જાડિયો જતો રહ્યો અને લંબૂ રોકાયો હતો. રાઈટ?' આટલું કહીને એમણે બંનેની સામે જોયું એટલે બંનેએ હકારમાં માથું હલાવ્યું.

'એ પછી લંબૂના સ્ટેટમેન્ટ મુજબ દોઢ વાગ્યે વિનોદ પોતાની કારમાં એને એના ઘેર મૂકીને પાછો ગયેલો. એણે જે કહ્યું એ ગળે નથી ઊતરતું. એ બદમાશ ઉપર વિશ્વાસ મૂકવાની બેવકૂફી ના કરાય, ગણાત્રા! મેં એના વિશે તપાસ કરી તો ખબર પડી કે બદરીનાથ જવાનું કહીને બેંગકોક પહોંચી જાય એવો એ ગીલીન્ડર છે! આ નોકરીમાં બત્રીસ વર્ષ થયા. ક્યા ભડભડિયા ઉપર કેટલો ભરોસો મૂકાય એ તો એનું થોબડું જોઈને કાચી સેકન્ડમાં ખ્યાલ આવી જાય.' તખુભાએ ખુમારીથી ઉમેર્યું. 'કાળા ડગલાવાળા વકીલો અને કોર્ટને બદલે ન્યાય કરવાની સત્તા સીધી અમારા જેવાને આપવામાં આવે તો ક્રાઈમ રેટ ઝીરો થઈ જાય. અડબોથની ઉધારી ના હોય એમ ફટાફટ ફેંસલો કરવાની સરકાર સત્તા આપે તો ગાભા કાઢી નાખું. એકેય ગુંડો કે મવાલી મેદાનમાં ના રહે.'

'બાપુ, બૈરાંની બાબતમાં તો જ્યોતિષ જાડિયાની મથરાવટી પણ મેલી છે.' ગણાત્રાએ હળવેથી કહ્યું. 'અત્યારે હું એની પાછળ જ છું. એની કુંડળી મેળવવા ગયો ત્યારે એના પાડોશીઓએ જાણકારી આપી કે એના લફરાંઓને લીધે એના ઘરમાં કાયમ ઝઘડા થાય છે. એ મીંઢી ઘોને પણ રિમાન્ડ ઉપર લેવાની જરૂર છે.'

'એ પણ કરીશું.' ગણાત્રાને જવાબ આપીને તખુભાએ અવિનાશ સામે જોયું. 'અલ્યા અવિનાશ, તારું લશ્કર ક્યાં લડે છે? ઈન્વેસ્ટિગેશનમાં એકલા ફાવે એવું ના હોય તો ગણાત્રાની સાથે જોડાઈને પેલા જાડિયાની ઝીણામાં ઝીણી વિગત ભેગી કર.'

'જી.' અવિનાશે નમ્રતાથી કહ્યું. 'પ્રયત્ન ચાલુ છે. તમારું જોઈને ધીમે ધીમે શીખું છું.'

બીજા ચાર દિવસ સુધી તખુભા લતેશ લંબૂની લેફ્ટરાઈટ લેતા રહ્યા અને ગણાત્રા જ્યોતિષ જાડિયાની જાણકારી માટે દોડતો રહ્યો. સાંજે એ બંને ચાની ચૂસકી સાથે ચર્ચા કરતા હતા એ વખતે જીપનો અવાજ આવ્યો અને પાંચ મિનિટ પછી અવિનાશ ચેમ્બરમાં પ્રવેશ્યો ત્યારે એના ચહેરાની ચમક જોઈને ગણાત્રા અને તખુભાને આશ્ચર્ય થયું. 

'ગેમ ઈઝ ઓવર.' ઉત્સાહથી આટલું કહીને એણે તખુભા સામે જોયું. 'બાપુ! આજે રાત્રે તમારે પાર્ટી આપવી પડશે.' એણે હસીને ઉમેર્યું.'તમે ના પાડશો તો હું પાર્ટી આપીશ. તમારા આશીર્વાદથી કેરિયરના પહેલા કેસમાં પાસ થઈ ગયો છું. વિનોદના હત્યારાઓને પકડી લાવ્યો છું.'

'હત્યારાઓ?' ગણાત્રાએ ચોંકીને પૂછયું.

'જી.' અવિનાશે સમજાવ્યું. 'લાશને પહેલી વાર જોઈ ત્યારે જ ખ્યાલ આવી ગયેલો કે આ કામ કોઈ બે માણસે સાથે મળીને કર્યું છે. એકલો માણસ આ રીતે મારી ના શકે. એક વ્યક્તિએ વિનોદને પકડી રાખ્યો હશે અને બીજાએ કચકચાવીને ઘા કર્યા હશે એવું મને લાગેલું. એને લીધે મગજમાંથી લંબૂ અને જાડિયાની બાદબાકી કરી નાખેલી.'  અચરજ સાથે તખુભા અને ગણાત્રા એની સામે જિજ્ઞાાસાથી તાકી રહ્યા હતા. એ બંનેની સામે જોઈને અવિનાશ નમ્રતાથી બોલતો હતો.

'આપ બંને તો મારાથી સિનિયર છો, એ છતાં રસિલાના ચક્કરમાં ગોથું ખાઈ ગયા. 

ત્યાં પીન ચોંટી ગઈ એટલે બીજી દિશામાં વિચારવાને બદલે પેલા લંબૂ અને જાડિયા માટે જાળ ગૂંથવામાં પરોવાઈ ગયા. મેં અલગ રીતે વિચાર્યું.વિનોદની પત્નીએ બેવફાઈ કરીને એને મરાવી નાખ્યો કે એના ખુદના લખ્ખણમાં જ કંઈક ખામી હતી? એક માણસ આટલી ક્રૂરતાથી બીજાને ક્યારે મારે? હૈયામાં હડહડતો ધિક્કાર હોય એ જ આવું હિચકારું કામ કરવાની હિંમત કરે એ ધારણાના આધારે વિનોદની કુંડળી મેળવીને મેં એની ઑફિસના કર્મચારીઓને ખોતરવાનું શરૂ કર્યું,એમાં એક છેડો મળ્યો એ પકડીને આગળ વધ્યો.'

પોતાની સામે તાકી રહેલા બંને અધિકારીઓ પાસે એણે પાનાં ખુલ્લાં કર્યાં. 'જે માણસ પૈસાના જોરે રૂપાળી પત્ની મેળવી શકે, એના માટે પોતાને ત્યાં કામ કરતી પંદર હજારની પગારદાર યુવતીને પટાવવાનું કામ તો ડાબા હાથના ખેલ જેવું ગણાય. વિનોદની ફેક્ટરીમાં વંદના નામની યુવતી દસ વર્ષથી નોકરી કરતી હતી.

પિતાના અવસાન પછી ઓગણીસ વર્ષની એ યુવતીએ પોતાની મા અને નાના બે ભાઈઓ માટે થઈને પરણવાનો વિચાર માંડી વાળીને કમાવાનું શરૂ કર્યું હતું. ઑફિસમાં અગાઉ કાકાનો વહીવટ ચાલતો હતો. ત્યારે દાણા નાખવાનું કામ વિનોદ માટે શક્ય નહોતું. બે વર્ષ અગાઉ એમના અવસાન પછી વિનોદે કારોબાર સંભાળી લીધેલો. કંઈક આંબા-આંબલી બતાવીને વિનોદે વંદનાને લપેટમાં લીધી હતી. ઑફિસમાં પણ એમના સંબંધની ચર્ચા થતી હતી.

વંદના પ્રેગ્નન્ટ થઈ ગઈ ત્યારે પારાવાર પસ્તાવા સાથે રાત્રે એ પંખે લટકવા જતી હતી ત્યારે એની બા જાગી ગઈ અને એ પરિવારમાં ધરતીકંપ આવ્યો. વંદનાએ રડીને જે કબૂલાત કરી એ સાંભળીને માતા તો માથું કૂટીને રડતી હતી, પણ આ કથા સાંભળીને વીસ અને બાવીસ વર્ષના વંદનાના બે ભાઈઓના મગજમાં એક રાક્ષસી વિચાર આવ્યો. સતત અભાવમાં ઉછરેલા એ બંને ભાઈઓએ આ આફતને અવસર બનાવવાનો કારસો કર્યો. ઑફિસમાં જઈને વિનોદને ધમકાવીને એક કરોડ રૂપિયાની માગણી કરી. નફ્ફટ વિનોદે એબોર્શન કરાવવાની સલાહ સાથે પચાસ હજાર આપીને એ બંને બેવકૂફને ઑફિસમાંથી ભગાડી મૂક્યા. ધૂંધવાયેલા એ બંને હીરાઓ રાત્રે વિનોદના બંગલે આવ્યા. અંદરથી હાહાહીહીના અવાજ આવતા હતા એટલે ધીરજથી રાહ જોઈને ગેટ પાસે સંતાઈને બેસી રહ્યા. લતેશને મૂકીને વિનોદ એકલો પાછો આવ્યો ત્યારે એમણે તક ઝડપી લીધી. ગેટ ખોલવા માટે વિનોદ કારમાંથી બહાર નીકળ્યો એ જ વખતે એ બંને તૂટી પડયા..'

પૂરી સ્વસ્થતાથી અવિનાશ સમજાવતો હતો.

'ચોથા બંગલાના ચોકીદારે બાતમી આપેલી કે રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ એણે બે યુવાનોને બંગલા પાસે જોયેલા. એણે જે અલપઝલપ વર્ણન કરેલું એ સાંભળીને શકમંદની યાદીમાંથી લંબૂ અને જાડિયાના નામ મેં કાઢી નાખેલા. એ પછી મારી રીતે ઑફિસ સ્ટાફને ખોતરીને છેડા મેળવી લીધા અને વંદનાના ભાઈઓ સુધી પહોંચી ગયો. આપણી ભાષામાં રિમાન્ડની બીક બતાવી કે તરત એ લોકો ઢીલા થઈ ગયા. એ બંને હીરાઓને અત્યારે લાવીને લોકઅપમાં નાખી દીધા છે. હવે આગળની કાર્યવાહી આપ સંભાળી લો.'

એ બોલતો હતો. ગણાત્રા અને તખુભા આશ્ચર્ય અને આદરભાવથી એની સામે તાકી રહ્યા હતા.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3phHnYt
Previous
Next Post »