- કોરોના વખતે તો રોબોટ માનવ જગતના મિત્ર બનીને રહ્યા છે પણ આ જ રોબોટનું મગજ ફરશે તો કોરોના કરતા પણ ભયાનક રંજાડ વિશ્વમાં ફેલાવી શકે છે
- કમ્પ્યુટરો ભૂતપૂર્વ વિશ્વ ચેસ ચેમ્પિયન ગેરી કાસ્પારોવને હરાવી ચૂક્યા છે. ટોચના કાર રેસરો પણ કમ્પ્યુટર કાર પાસે છૂક છૂક ગાડી જેવા પૂરવાર થયા
'એન્ડ્રોઇડ'નો ડિક્ષનેરી અર્થ જાણો છો ?
સ્વ. વિજ્ઞાાની સ્ટીફન હોકિંગે બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂ બાદ વિજ્ઞાાન વર્તુળમાં ખાસ્સા વિવાદ વમળ સર્જાયા હતા. હોકિંગનું કહેવું હતું કે 'માનવીના દિમાગની ઉત્ક્રાંતિ ખાસ્સી મંદ ગતિની પુરવાર થઇ છે. તેની તુલનામાં મશીનો વધુ તેજ અને એક કરતાં વધુ કામો એકસાથે કરી શકે છે. જો ભવિષ્યમાં મશીન (રૉબોટ) આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેળવીને આપણા પર પ્રભુત્વ સ્થાપવા માંડશે તો માનવજગતને તેઓ સર્વનાશ તરફ દોરી જવા નિમિત્ત બની શકે તેમ છે. 'કોરોના કરતા પણ સામાજિક આર્થિક અને માનસિક કટોકટી સર્જાશે તો તે માટે AI જવાબદાર હોઈ શકે''
હોલિવુડમાં અને તેની ભદ્દી ઉઠાંતરી કરીને બોલિવૂડમાં પણ આવી ઘણી ફિલ્મો બની છે. પણ આ તમામ ફિલ્મોમાં તો સર્વનાશ કરવા તૈયાર કરેલી વિરાટ રોબોટ્સની ટોળકી કે કોઈ એક રૉબોટના પારાવાર રંજાડ બાદ આખરે માનવીનો વિજય બતાવાય તે સ્વાભાવિક છે. આથી જ આપણા સુપર હીરોને ફિલ્મમાં રોબોટ કરતા સવાયા તાકતવર બતાવવા પડે છે. ભવિષ્યમાં આપણે રોબોટ સામે ટકી ન જ શકીએ. રોબોટ આપણા પર હાવી કે સરમુખત્યાર થઇ જશે તે પહેલાં આપણને માનસિક અને શારીરિક રીતે અપંગ-ગુલામ બનાવી દેશે. તે પછી આપણા હક્કો, સ્વતંત્રતા પર જુલમ કરતાં કબજો લઇ લેશે. ધારે તો કત્લેઆમ પણ કરીને ખોફ ફેલાવે.
બસ, આવો જ કંઇક અણધાર્યો ભય મશીનો કૃત્રિમ બુધ્ધિથી કાર્યરત થાય તે પહેલાં વિજ્ઞાાનીઓને જામતો જાય છે. હજુ તો મશીનો (ટેકનોલોજી) એ કૃત્રિમ બુદ્ધિ નથી કેળવી ત્યાં સુધીમાં તો મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ જગતને આપણે આપણી સોચ, કોમ્યુનિકેશનની પદ્ધતિ સોંપી નેટિઝન બનવાનુંગૌરવ અનુભવીએ છીએ. આપણે માનવીય (મેન્યુલ) અને યાંત્રિક (મિકેનિકલ) સિસ્ટમને સમૂળગી બદલીને (રીપ્લેસ) કે ફગાવી દઇને (આઉટડેટેડ) ૨૧મી સદીના નાગરિકોનો કેફ પણ ધરાવતા થયા છે. વસ્તી, વિકાસ, માંગ-પુરવઠો, સેવા, વ્યાપારનો વ્યાપ પણ એ હદે વકરી રહ્યો છે કે મશીન વગર હવે માત્ર માનવબળ કે માનવકલાકોથી પહોંચી ન શકાય. યંત્રો પણ પાછા પડે. ચીપ અને સર્કિટથી જ શક્ય બને.
ઉદાહરણ તરીકે બૅન્કિંગ, રેલ, ઍરલાઈન, શોપિંગ બધું જ મશીનને હવાલે સોંપતા જઇએ અને અડધા કલાક માટે પણ સર્વર ઠપ્પ થઇ જાય તો કેવી અરાજકતા ફેલાઈ જાય તે આપણે અનુભવ કરીએ છીએ. ઇલેક્ટ્રિક ગ્રીડ ઠપ્પ થઇ જાય તો ? ડેમથી માંડી સોસાયટીના પાણીના બોર યંત્રને આધીન છે. પ્રકાશ અને ઍરકન્ડિશનનો નાતો કાર્યક્ષમતા જોડે બંધાઈ ગયો છે. તબીબી ક્ષેત્રે મેડિકલ રિપોર્ટથી માંડી સર્જરી બધું જ હવે મશીનને અવલંબિત છે. તબીબો કબૂલે છે કે અમે મશીને આપેલા રિપોર્ટના આધારે જ દર્દીનું નિદાન કરી શકીએ છીએ. ઑપરેશન થિયેટરો હાઈટેક, ગૂગલ ગ્લાસ, રૉબોટિક સર્જરીથી સજ્જ છે.
મોબાઈલના એપ્લિકેશન્સ પણ અકલ્પનીય સુવિધાઓ આપે છે. પણ સાથે સાથે તે માનવને લાચાર બનાવતા જશે. આપણે સંપૂર્ણપણે સ્માર્ટ ફોન, પહેરી શકાય તેવી સ્માર્ટ વૉચ, સ્માર્ટ એસેસરિઝ અને તેવા જ કપડાં (વીઅરેબલ) ટેકનોલોજીના તાબે થતા જઇએ છીએ.
મગજનો ઉપયોગ કરીને રખાતી, કેળવાતી યાદશક્તિ ક્ષીણ થઈ રહી છે. આંકડાકીય ગણતરીમાં પાંચ ગુણ્યા બે દસ કરવા પણ કેલક્યુલેટરની જરૂર પડે જ છે ને ? કોઈ રેકોર્ડ, રેફરન્સ, શબ્દો, માહિતી હવે આપણે યાદ રાખવાની પરવા નથી કરતા. સર્ચ એન્જિન હાજર જ છે ને ! જરા વિચારો, હવે આપણે ફરી 'બેક ટુ પાસ્ટ ડેઝ' તરફ જવાની શારિરીક કે માનસિક ક્ષમતા પુનઃ મેળવી શકીએ ખરા ? હા, આ રીતે ન્યૂનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરનારો વર્ગ આગળ જતા એક માનવ સમૂહ (કલ્ટ) બની શકે પણ ઑવરઓલ માહિતી, મનોરંજન, સિસ્ટમ, સેવા, કોમર્સ, શોપિંગ બધું જ ટેકનોલોજીને આધીન હશે. જો ટેકનોલોજી ઠપ્પ થઇ જશે તો આપણે બેબાકળાં બની જઈશું. તનાવ હેઠળ મનોબીમારી કે ઘર્ષણ, મારામારી માટે મજબૂર થઇશું. જેઓ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની સૂઝબૂઝ નહીં ધરાવે તેઓ પછાત, અવિકસિત અને મુખ્ય પ્રવાહથી વિમુખ ગણાશે. ટેકનોલોજિકલ હેન્ડીકેપ્ડ સમુદાયને ડિપ્રેશન સાથે સમાજબહાર મૂકવામાં આવ્યા હોય તેવી મનોદશા સ્વીકારવી જ પડશે.
અને એબોવ ઑલ મશીનો જે બેકારી સર્જશે તે આંતરવિગ્રહને જન્મ આપશે તેવું પણ દૂરંદેશી વિદ્વાનો ડંકે કી ચોટ પર કહે છે.
આટલી ભૂમિકા બાદ થોડી AI એટલે કે 'આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ'ની વાત કરીએ.
વિજ્ઞાાનસાહિત્યના ત્રણ ધુરંધરો આર્થર ક્લાર્ક, હેનીક્લેન અને આઈસાક ઓઝિમોવ (અસીમોવ પણ કહી શકાય) છેક '૫૦ના દાયકાથી તેમની નવલકથા, ટૂંકી વાર્તાઓમાં અંતરિક્ષ, પરગ્રહના માનવી અને રૉબોટની કલ્પનાને સંશોધન કરીને સર્જન કરતા હોય તે શૈલીથી પીરસી છે. ૧૯૫૦માંમ ઓઝિમોવે‘ I, Robot’ નામક વાર્તાસંગ્રહ બહાર પાડયો હતો. તે પરથી ૨૦૦૪માં આ જ વિષયની ફિલ્મ બની હતી. ફિલ્મનો નાયક વિલ સ્મિથ હતો. ફિલ્મના કેન્દ્ર સ્થાને એક એવો રૉબોટ હતો જે કૃત્રિમ બુદ્ધિ અને લાગણીતંત્રની પ્રાપ્તિથી લગભગ માનવી પર કબજો લઇ લે.
જો કે અગાઉથી જ વિજ્ઞાાનીઓને રૉબોટિક ક્ષેત્રમાં દિલચશ્પી જાગી જ હતી. ૧૯૪૮માં બ્રિટિશ ગણિતજ્ઞા, કમ્પ્યુટર વિજ્ઞાાની અને માત્ર ૪૨ વર્ષની આવરદા ભોગવનાર જીનિયસ એલાન ટયુરિંગે 'ટયુરિંગ મશીન' બનાવીને મોટું યોગદાન આપ્યું. ટયુરિંગ (૧૯૧૨ થી ૧૯૫૪)ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ખ્યાલ આપનાર પ્રણેતા માનવામાં આવે છે. કમ્પ્યુટરના સેન્ટ્રલ પ્રોસેસિંગ (સીપીયુ)ની મહત્તમ ક્ષમતા 'ટયુરિંગ મશીન' આપી શકે છે. કમ્પ્યુટરની ક્ષમતા કઇ રીતે વધારી શકાય, કઇ હદ સુધી લઇ જઈ શકાય તેના તેણે પેપર્સ રજૂ કર્યા. ઘણી વખત ખાસ પ્રકારના કામ માટે ચીપ કે સર્કિટ બનાવાય ત્યારે શોધકે કલ્પ્યા ન હોય તેવા અન્ય એપ્લિકેશન્સનો આપોઆપ જન્મ થઇ જતો હોય છે. માનવીના મગજની જેમ કોઈ કમ્પ્યુટર કે એપ્લિકેશન્સ માટેની ડિઝાઈન કેલિડોસ્કોપની જેમ અવનવા કાર્યોની ડિઝાઇનને જન્મ આપી
દે છે.
અનંત શક્યતાઓ, સંભાવનાઓથી કમ્પ્યુટરની ક્ષિતિજો વિસ્તરતી જ રહેશે. આમાંથી જ મશીનની કૃત્રિમ બુધ્ધિનો જન્મ થઇ જશે. માનવીએ કોઈ નિશ્ચિત કાર્ય અને નિયંત્રણો સાથે ચીપ કે સર્કિટ બનાવી હોય પરંતુ એવું બીજું કંઇક બની જાય કે અન્ય કાર્યો પણ તે કરવા માંડે જે લગભગ માનવમગજની નજીક હોય. 'ટયુરિંગ ટેસ્ટ'માં એવું જોવા મળેલું કે કેટલાક કોમ્પ્યુટર તેના જે પ્રોગ્રામ માટે બનાવેલા તેના કરતાં જુદા પ્રકારના ઘણા મહત્ત્વપૂર્ણ કામો આપતા હતા.
૧૯૬૮માં આર્થર ક્લાર્ક દ્વારા જેનો સ્ક્રીન પ્લે લખાયો હતો તે 2001 & A space odyssey’ ફિલ્મ રજૂ થઇ, જેમાં HAL9000 નામનું ખતરનાક કમ્ય્પુટર બતાવાયું હતું જે માનવીની જેમ પૃથક્કરણ, સંવેદના અને લાગણી અનુભવી શકે. ફરી કૃત્રિમ બુધ્ધિનાં ભયમિશ્રિત રોમાંચની ચર્ચાએ વેગ પકડયો.
અમેરિકા અને યુરોપની સરકાર ડરી ગઈ કે AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)ને જન્મ આપતી ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા જેવું નથી. આવા પ્રોજેક્ટસ, પેપર્સ માટેના ફંડિંગ બંધ કરી દેવાયા. ૧૯૭૪થી ૧૯૮૫નો આવો સમયગાળો 'વિન્ટર ઓફ AI તરીકે ઓળખાય છે. તે દરમ્યાન ૧૯૭૮માં 'બેટલસ્ટોર ગાલાકિલ' નામની ટીવી શ્રેણીમાં 'સાયલોન્સ' તરીકે ઓળખાતા ખુંકાર યુદ્ધ કરી શકે તેવા રૉબોટ બતાવાયા.
૧૯૪૮માં 'ટર્મિનેટર' ફિલ્મમાં એવો ભય વ્યક્ત કરાયો કે માનવજગતને મોતને ઘાટ ઉતારી શકે તેવા મશીન હવે દૂર નથી. સ્કાયનેટ નામની AI ના સંચાલન હેઠળ ફિલ્મમાં આ કિલર મશીન ચાલતા હોય છે. ૧૯૮૭માં ટીવી શ્રેણી 'સ્ટાર ટ્રેક'માં લેફ્ટેનન્ટ કમાન્ડર ડાટા દ્વારા આવો જ જાતે નિર્ણય લઇ શકે તેવો ‘Android’ રજૂ કરાયો. આજે આપણે આ શબ્દનો અર્થ જાણવાની પરવા પણ નથી કરતા. ગૂગલ એન્ડ્રોઇડનો ડિક્શનરી અર્થ 'માનવની જેમ અને તેના જેવડું દેખાતું યંત્ર (રૉબોટ)' એવો થાય છે. તમે તો જાણો છો કે હવે એન્ડ્રોઇડ્સ આપણા સ્માર્ટ ફોનમાં હાથવગા છે.
૧૧ મે, ૧૯૯૭નો દિવસ માનવજગત માટે ભલે સિદ્ધિની રીતે જોવાય પણ આને ખતરાની પહેલી ઘંટડી તરીકે પણ લેવાની જરૂર હતી. જી હા.... આ દિવસે 'ડીપ બ્લ્યુ' નામના કોમ્પ્યુટરે તત્કાલીન વર્લ્ડ ચૅમ્પિયન ગેરી કાસ્પારોવને ચેસમાં હાર આપી હતી. હા, તે કમ્પ્યુટર વિચારી શક્તું હતું. પૃથક્કરણ, તર્ક અને વ્યૂહના આટાપાટા ખેલી શક્તું હતું, તેને જીત મેળવવાની છે તેવી યાંત્રિક લાગણી અને ધ્યેય હતો.
જૂન ૨૯, ૨૦૦૧ના રોજ સ્ટીવન સ્પીલબર્ગની મૂળ સ્ટાનલી ક્યુબ્રિકે ડેવલપ કરેલી‘‘A.I. & Artificial Intelligence’’ મૂવી રિલીઝ થઈ. સ્પીલબર્ગે તેની ફિલ્મોમાં રૉબોટને લાગણીશીલ અને માનવીના મિત્ર તરીકે રજૂ કર્યો છે. જેવી રીતે પરગ્રહની સૃષ્ટિ અંગે સંશોધન કરતો, પ્રોજેક્ટ યુએફઓ છે તે જ રીતે મશીન ઇન્ટેલિજન્સ ઇન્સ્ટિટયૂટ પણ કાર્યરત છે. જેમાં યુરોપ, અમેરિકાના કમ્પ્યુટર વિજ્ઞાાનીઓની ટીમ છે. મોટે ભાગે તેઓ સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં કોન્ફરન્સ યોજીને પેપર્સ રજૂ કરે છે. તેઓ હકારાત્મક અભિગમ રાખીને એ દિશા તરફ કામ કરી રહ્યા છે કે કૃત્રિમ બુદ્ધિ થકી પણ મશીનો માનવજગતના મિત્રો જેવું પ્રદાન આપે. આવા મશીનોનો સમુદાય ‘Singularity’ તરીકે ઓળખાશે. તો બીજી તરફ વિજ્ઞાાનીઓનો એક વર્ગ માનવીને હરીફાઈમાં પાછળ પાડી શકે તેવા મશીન બનાવતા રહ્યા.
'ડીપ બ્લ્યુ' કમ્પ્યુટર પછી સ્ટેનફોર્ડે કારરેસરોની સાથે રણપ્રદેશમાં યોજાયેલી સ્પર્ધામાં માનવ ડ્રાઇવર રહિત કાર ઉતારી. ૧૬૧ માઇલની આ રેસ કે જે ‘DARPA Grand Challange’ તરીકે ઓળખાય છે તેમાં માનવ રેસરો હારી ગયા હતા.
વિશ્વના અવ્વલ મનાતા કમ્પ્યુટર વિજ્ઞાાની કુર્ઝવેલે આગાહી કરી છે કે ૨૦૪૫ સુધીમાં બુદ્ધિશાળી મશીનો માનવજગત પર પ્રભુત્વ જમાવતા થઇ જશે. આ આગાહી સાચી પડે તેવી એક ઘટના થોડા અરસામાં જ બની.
૨૦૧૧માં આઈબીએમના વોટસન કમ્પ્યુટરે 'જિયોપાર્ડી' નામની અમેરિકન ક્વિઝ ટીવી શ્રેણીમાં ચૅમ્પિયન બનતા ડિફેન્ડિંગ ચૅમ્પિયન બ્રાડ રૂટર અને કેન જેનિંગ્સની જોડીને પરાજય આપતા વિજ્ઞાાનીઓ પણ ચોંકી ગયા હતા. આ કમ્પ્યુટરમાં તમામ માહિતી-જ્ઞાાનભંડાર ઠાલવવામાં આવેલો પણ તેને વિષય પ્રમાણે વર્ગીકૃત કરવામાં નહોતી આવી છતાં કમ્પ્યુટર વિષયની કેટેગરી જાતે જ પામી જઈ લાખો સંભાવનામાંથી યોગ્ય ઉત્તર આપી શક્તું હતું.
ઑક્ટોબર ૧૪, ૨૦૧૧ના રોજ 'એપલ' એ આઈફોન ૪જીમાં પર્સનલ આસિસ્ટન્ટ જેવું‘‘Siri’ આપ્યું. તો જૂન ૨૦૧૨માં ગૂગલની ઇમેજ મૂકીને તેની સિસ્ટમને તેમાંથી બિલાડીનું ચિત્ર ઓળખી બતાવવા કહ્યું. આ બ્રેઇન કમ્પ્યુટર ક્લસ્ટરે તેમ કરી બતાવ્યું !
૧૮ ડિસેમ્બર, ૨૦૧૩ના રોજ 'હર' નામની હોલિવૂડ ફિલ્મમાંહીરો જોકિન ફિનિક્સ AI
ધરાવતી રૂપકડી મહિલા રૉબોટના પ્રેમમાં પડે છે તેવી વાર્તા હતી. તો ૧૦ એપ્રિલ, ૨૦૧૪માં જોહની ડેપ 'ટ્રાન્સેડન્સ' નામની ફિલ્મમાં એવા સંશોધકનો રોલ કરે છે કે જે કમ્પ્યુટરના મગજને તેના મગજમાં લોડ કરે છે. વિજ્ઞાાનકથાથી બનેલી ફિલ્મો અને વાસ્તવિક દુનિયા સમાંતર જતી હોય એવું બનતું જ રહ્યું. ૭ જૂન, ૨૦૧૪ના રોજ AI ક્ષેત્રે વધુ એક ચોંકાવનારી ઘટના બની. 'ચેટબોટ હ્યુજેન ગુસ્ટમેન' નામનું કમ્પ્યુટર યુનિવર્સિટી ઓફ રીડિંગ (બર્કશાયર, ઇંગ્લેન્ડ)માં લેવાયેલા 'ટયુરિંગ ટેસ્ટ'માં પાસ થયું. એટલે કે મગજની કાર્યક્ષમતાની નજીક જઈને તેણે ઉત્તરો આપ્યા. એલાન ટયુરિંગે બનાવેલા મશીનની પરીક્ષા કમ્પ્યુટરો સાવ ડાબા હાથનો ખેલ હોય તેમ પાસ કરવા માંડયા હોઈ AI ના સંશોધન માટે કાર્યરત કમિટીએ નવું ટયુરિંગ મશીન બનાવવાનું કાર્ય માથે ઉપાડયું છે. તો બીજી તરફ કમ્પ્યુટર વિજ્ઞાાનીઓ સાયબોર્ગ (અર્ધમાનવ અર્ધ યંત્રમાનવ)ની અવનવી દુનિયા અને નવી સંભાવના તરફ ઘણા આગળ નીકળી ચૂક્યા છે. કોરોના વખતે તો રોબોટે માનવીના મિત્રો બનીને ચેપી દર્દીથી ડોક્ટર, નર્સ કે તેની કાળજી, સર્વિસ આપનાર દૂર રહી શકે તેથી પોતે જ બધા કામ ઉપાડી લીધા.
વિજ્ઞાાનીઓ માને છે કે AI આવશે જ. માત્ર તેને માનવમિત્ર કે ઉપકારક વિચારો આવે તેવો બનાવવામાં જ આપણા સંશોધકોએ ધ્યાન આપવું જોઇએ.
જ્યારે હોકિંગ અને મસ્ક જેવા વિજ્ઞાાનીઓનો બહોળો વર્ગ છે, જેઓને ભય છે કે સત્તા, હકૂમતના લાલચુ અને સામ્રાજ્યવાદી માલિકો અને રાજકારણીઓ રાક્ષસ જેવા મશીનોને જન્મ આપશે. જેવા ઇચ્છીએ તેવા સંતાન (ક્લોનિંગ)ના સંશોધન માટે પશ્ચિમના દેશોની સરકાર પ્રોત્સાહન કે ફંડ નથી આપતી તેમ AI ના સંદર્ભમાં પણ વિચારવા જેવું ખરું. અત્યારે તો એમ લાગે છે કે બૉટલમાંથી જીન બહાર નીકળી ગયો છે. શરૂમાં જીન આપણો ગુલામ બની બતાવે પણ આગળ જતા ?
જો ચીન એક પ્રબળ ધારણા પ્રમાણે વિશ્વને રંજાડનાર વાયરસ બનાવી શકે તેવી જ રીતે ચીન સહિત વિશ્વના કેટલાક દેશો, વિકૃત વિજ્ઞાાનીઓ કે મહત્વકાંક્ષી વ્યક્તિઓ ખતરનાક રોબોટ હાલ વિકસાવી પણ રહ્યા હોય. ઇરાનના જે પરમાણુ વિજ્ઞાાનીની હત્યા થઇ તે કોઈ વ્યક્તિ દ્વારા ન હતી થઇ પણ સેટેલાઇટ કંટ્રોલથી ધડાકો કરવામાં આવ્યો હતો. આપણો ડેટા પણ મશીનોના હાથમાં છે. પ્રત્યેક સરકારે આવા ડેટા, રોબોટિક કે અદ્રશ્ય હૂમલાની તૈયારીનું તંત્ર ગોઠવવું જ રહ્યું જેથી ઉંઘતા ન ઝડપાઈએ.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JeobLV
ConversionConversion EmoticonEmoticon