હાથીભાઈ લેખક બન્યા .


લી લાવન નામે એક જંગલ; આમ તો જંગલ પ્રાણીઓથી હરું-ભરું, પણ નવા નવા પ્રાણીઓ અવારનવાર વસવાટ કરવા આવે. આ વનમાં ચિંટુ નામે હાથી રહે છે. જે ખૂબ ભોળો અને ભાવનાવાળો હતો.

મહારાજા સિંહે થોડા જ સમય પહેલાં વર્તમાનપત્રોની શરૂઆત કરી. ધીરે ધીરે કરતાં બધાં ઘરોમાં વર્તમાનપત્રો આવવા લાગ્યા. ચિંટુભાઈને વાંચનનો શોખ વર્તમાનપત્રોમાંથી જાગ્યો! વળી, તેના મન પર એટલી ઘેરી અસર થઈ કે તે એકાએક બોલી ઉઠયો, ''મારે લેખક બનવું છે..!''

બસ અહીંથી શરૂઆત થઈ 'કાગળ-કલમની દુનિયા'. બીજા દિવસે મંદિરમાં જઈ ભગવાનને થોડા લાડ લડાવી પોતાની વાત ગણપતિબાપા સામે મૂકી. આમ તો મંદિરમાં કદી ન જાય. ત્યારબાદ ચિંટુભાઈની સવારી ઉપડી કાગળ-કલમ ખરીદવા.

ત્યાં વળી હાથીભાઈના પ્રસ્તાનમાર્ગમાં સસલાભાઈ આડા આવી કહે, ''અરે..રે, ક્યા ચાલ્યા હાથીભાઈ?'' હાથીભાઈ કહે, ''મારે લેખક બનવું છે, આથી કાગળ અને કલમ લેવા જાઉં છું.''

સસલાએ ચિંટુની મજાક ઉડાડતા કહ્યું, ''તમે અને લેખક, હીં..હીં..હીં... તમારું તન માત્ર મોટું છે, મન નહીં! આ નાના મનમાં લેખકની વાત. ભૂલી જાવ!''

હાથીભાઈ ખચકાયા પણ આગળ ચાલ્યા. ત્યાં શિયાળ આડું આવ્યું. શિયાળને ચાલાકી તો ગૂળથૂથીમાં પીવડાવાય છે. ચતુર શિયાળ બોલ્યું, ''ક્યાં ચાલ્યા ગજરાજ?'' ગજરાજ કહે, ''મારે લેખક બનવું છે. આથી, કાગળ-કલમ લેવા ચાલ્યો.''

શિયાળ બોલ્યું, ''મોટા મોટા લેખકો સામે તમારું શું આવે? તમે તેની સાથે સ્પર્ધા તો શું! ઊભા પણ ન રહી શકો.'' હાથીભાઈ હિંમત હારવા લાગ્યા.

અરે! પ્રજાના મહારાજા સિંહે કહ્યું કે, ''કલમ પકડતા ન આવડે, એ લેખક શું બની શકે?''

તો વળી, રૂપના રાજા હંસ કહે કે, ''તમે મનને એકાગ્ર પણ નથી કરી શકતા એ લેખક બની શકે? તમારું કામ નહીં..!''

આ જ તરાહથી વાંદરા, જિરાફ અને અન્ય પ્રાણીઓએ ચિંટુની ઠેકડી કરી.

હિંમત હારેલા હાથીભાઈ હવે રડવા લાગ્યા. એ કરુણ રૂદન સાંભળી એક કીડી બહાર આવી અને કહેવા લાગી, ''શા માટે રડો છો?'' હાથીએ પોતાની આપવિતિ કહી. કીડીએ પ્રેરણા આપતા કહ્યું, ''શું તમે એટલી વાતથી હિંમત હારી ગયા! અમારા સામે જુઓ. શરીરના વજન કરતાંય વધારે ભાર ઊંચકીએ છીએ...'' એવી પ્રેરણાદાત્રી વાર્તાએ હાથીમાં હિંમતનો દીવો પ્રગટાવ્યો.

ત્યાં એક કાગળ ઉડતો આવ્યો. એ ચિંટુએ વાંચ્યો. જેમાં સ્વામિ વિવેકાનંદના પ્રેરણાદાયી સૂત્રો હતા ઃ જે ડરપોક હોય તેમની જીવનનૌકા મોજથી થરથરે, બાકી બળવાન તેની પર નજર પણ ન નાખે, બહાદુર બનો કારણ ઃ નિર્બળ માણસો જ પાપ કરે છે, પ્રચંડ ખંત + દ્રઢ ઇચ્છાશક્તિ = સફળતા.

આ પ્રેરણાસ્ત્રોત વાક્યોએ હાથીના હિંમતના દીવામાં ઘી રેડયું.

અંતે તેણે લેખ લખવાની શરૂઆત કરી. એકાગ્ર ચિત્ત અને રસપ્રદતાથી કાર્ય કરવા લાગ્યો. પરિણામે તેણે લેખકની સિદ્ધિ પ્રાપ્ત કરી.

આવી રીતે, મારા પ્યારા, જિજ્ઞાાસુ મિત્રો, દુનિયામાં કંઈ જ અપરાધ નથી. દુનિયા તમને તમારા ગમતા કાર્ય વિરુદ્ધ ગમે તે કહે, વિચારે... ભલે! કહે! ભલે! વિચારે! તેના મત અનુસાર નહીં, આપણે જ આપણા ભાગ્યાના વિધાતા છીએ. હિંમત અને ખંત સાથે ગમે તે કાર્ય પાર પાડી સફળતાના શિખરો પ્રાપ્ત કરો.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38fQ2ni
Previous
Next Post »