સાડત્રીસ સાન્તાક્લોઝની ગિફટ


સો મકાકાને શેરી અને આસપાસના સૌ બાળકો ઓળખે તેમને બાળકો પ્રત્યે અપાર પ્રેમ.

સોમકાકાને રમકડાંની દુકાન. કુટુંબમાં કોઈ હતું નહિ. સ્વભાવના બહુ જ ઉદાર. બાળકોને મદદ કરવામાં તેમને બહુ જ આનંદ આવે. આસપાસમાં રહેતાં ગરીબ બાળકોને તેઓ દેખીતી અને છૂપી રીતે બહુ મદદ કરતા એમાં શેરીના બાળકો પણ જોડાય..માનવતાનું કામ કરી હરખાય.

આવતા-જતાં તેઓ બાળકોને ચોકલેટ આપે..મીઠાઈઓ આપે...કો'ક બાળક માંદું હોય તો દવાખાને લઈ જાય..બાળકોને શાળા માટે ગણવેશ ન હોય તો જાતે સીવડાવી આપે. કો'ક બાળકને ભણવા માટે પુસ્તકો ન હોય તો તરત લાવી આપે.. જરૂર પડયે બાળકો માટે અન્યની મદદ પણ લે.

અવારનવાર ઘરના ઓટલે કેટલાંય બાળકો એકઠાં થાય.. અલક-મલકની વાતો થાય. સોમકાકા દરેકને સારો નાગરિક થવાની સમજ આપે... સ્વચ્છતા અને શિક્ષણનું મહત્ત્વ સમજાવે.

સોમકાકા તહેવારો પણ બાળકો સાથે ઉજવે. ભલે દિવાળી હોય કે હોળી..ઉતરાયણ હોય કે નાતાલ...તેઓ બાળકોને ખૂબ મજા કરાવે, હોં !

બાળકો પણ દિવાળીએ ફટાકડાં મેળવે કે ઉતરાયણે પતંગ..તેમને તો મજા જ મજા ! વળી, નાતાલના દિવલે સાન્તા ક્લોઝ બનીને સોમકાકા બાળકોને મજાનાં રમકડાં, ભેટ કે પુસ્તકો આપે... તો હોળીના તહેવારે બાળકો સાથે રંગબેરંગી રંગોથી રંગાઈ જાય... સોમકાકા સૌ બાળકોને ખૂબ...ખૂબ...ખૂબ.. વ્હાલા...!

બાળકો સોમકાકાને જોઈ મલકી ઊઠે.. કોઈ રડતું હોય ને.. તો.. સોમકાકા એવી ગલીપચી કરે...એવી ગલીપચી કરે.. કે રડતું બાળક પણ ખડખડાટ હસી જ પડે, ભાઈ... હસી જ પડે, હોં !

સોમકાકા રમુજી ટુચકા સંભળાવે... વાર્તાઓ પણ કહે..અને એમની મસ્ત-મજાની વાતો સાંભળવા બાળકો દોડી-દોડી આવે...સોમકાકા અને બાળકો વચ્ચે આવો અનોખો નાતો બંધાઈ ગયેલો...

આમને આમ નદીનાં રેલાંની જેમ સર...સર...દિવસો વિતવા લાગ્યા, પછી સૌથી કપરો સમય આવ્યો.. કોરોના કાળ ! લોકડાઉન...આ સમયમાં સોમકાકાને મોટો ફટકો પડયો. મંદી અને નુકસાન સાથે કોરોનામાં ઘણાંની રોજગારી છીનવાઈ તો ઘણાંના જીવ ! ઘણાંની ખુશીઓ છીનવાઈ તો ઘણાંની આશાઓ !

સોમકાકાનો ધંધો પણ ઠપ્પ થઈ ગયો. મોટી ખોટ જતાં તેઓ ઉદાસ રહેવા લાગ્યા. ચિંતામાં ને ચિંતામાં બાળકો સાથે બોલવાનું ઓછું થઈ ગયું.

આમ ને આમ દિવાળીનો તહેવાર પણ આવ્યો ને જતો રહ્યો. સોમકાકા વિચારમાં પડી ગયા કે નાતાલનો તહેવાર નજીક છે.

દર વર્ષની જેમ આ વર્ષે બાળકોને હું શું ગિફટ આપીશ..? હું ગરીબ બાળકોને જરૂરી વસ્તુઓ કઈ રીતે લાવી આપીશ ?

બીજી બાજુ શેરીના બાળકો પણ વિચારી રહ્યાં કે આ સોમકાકાને થયું છે શું ? શાની ચિંતા છે ? અને કારણ શોધતાં કંઈ વાર ન લાગી. 'કોરોના'એ સોમકાકાની શાંતિ હણી નાખી હતી. એમના ચહેરાનું નૂર ઉડાવી મૂક્યું હતું.

ફેનીએ મિત્રોને ગઈ સાલનો નાતાલનો તહેવાર યાદ કરાવ્યો. સોમકાકા બાળકો માટે લાલ રંગનો કોટ અને ટોપી પહેરીને આવ્યા હતા. ખભે મોટો થેલો લટકાવેલો હતો.. અને એમાંથી અંતર-મંતર કરીને બધાં બાળકો માટે રમકડાં, પુસ્તકો, ચોકલેટ કાઢી આપતા હતા.

ફેનીના નાના ભાઈ જેકે તો જબરું કર્યું હતું. તેઓ સૂતા પહેલાં મનોમન પ્રાર્થના કરી: 'હે સાન્તા દેવ, મારે વ્હાલા સોમકાકાને એક ગિફટ આપવી છે. શું આપું કાંઈ સૂઝતું નથી. તમે જે ગિફટ આપશો તે હું સોમકાકાને આપી દઈશ !' પછી જેક ઓશિકા પાસે એક મોજુ રાખી સૂઈ ગયેલો.

ફેનીએ આ વાત સોમકાકાને જણાવી ત્યારે બંને પેટ પકડીને કેવા હસ્યા હતા ! પછી છે ને સોમકાકાએ છાનામાના જેકના મોજામાં સરસ કાંડા ઘડિયાળ મૂકી દીધેલી. સવારમાં ઉઠતાં જ જેક સોમકાકા પાસે દોડયો.. સૂઈ રહેલા સોમકાકાને ઢંઢોળીને ઉઠાડેલા...અને એમણે જ મૂકેલી ઘડિયાળ નિર્દોષભાવે એમને જ ગિફટમાં આપેલી. સાચી વાત જાણતા સોમકાકા અને ફેની એકબીજા સામે જોઈ હસવું દાબી રહેલાં...!

પણ હાલ સોમકાકા આર્થિક નુકસાનથી ઉદાસ હતા. ફેનીએ મિત્રો સાથે મળી અંદરોઅંદર કંઈક નક્કી કર્યું.ને વાહ ભૈં ! એક મજાની વાત બની, હોં ! નાતાલના દિવસે શું થયું ખબર છે ? સોમકાકા નિરાશ...ઉદાસ..એકલા ઘરમાં બેઠા હતાં.. તેવામાં ઘરનો દરવાજો ખટ..ખટ..કોઇકે ખખડાવ્યો.

સોમકાકા વિચારોમાંથી જાગ્યા. દરવાજો ખોલ્યો તો આ શું ? પાંચ...દસ..વીસ..ત્રીસ ને પૂરા સાડત્રીસ ! હા, હોં.. ! પુરા સાડત્રીસ નાના..નાના ટચૂકડાં સાન્તા ક્લોઝ ઘરમાં દોડી આવ્યા !

ઘડીકમાં ઘર ચોખ્ખું ચણાક ! પછી છે ને સૌ સાન્તાક્લોઝે જુદી જુદી ભેટ આપી કોઈ સાન્તા ક્લોઝે ડબ્બામાં અનાજ ભર્યું તો કોઈકે કઠોળ ! કોઈકે કાજુ ભર્યા તો કોઈકે બદામ ! કો'ક શાકભાજી લાવ્યું તો કો'ક ફળ... ! કોઈ મીઠાઈ લાવ્યું તો કોઈ વાનગી ! સાથે વ્હાલ અને મરક..મરક..હાસ્ય પણ, હોં ! કોના માટે ? અરે, વ્હાલા સોમકાકા માટે સ્તો ! આ બધી ભેટ સોમકાકા અન્ય ગરીબ-ભૂખ્યાં બાળકોને આપવાના હતા. જોતજોતામાં સોમકાકાની ચિંતા દૂર થઈ ગઈ ! સૌના વ્હાલા સોમકાકા માટે સાડત્રીસ સાન્તા ક્લોઝ અનોખી ભેટ લાવ્યા હતા. બાદમાં આખી ટોળ સોમકાકા સાથે નીકળી પડી.. ક્યાં ? વસ્તુઓ વહેંચવા....માનવતા અને મૈત્રીભાવ ફેલાવવા...!

બધાં બાળ સાન્તાક્લોઝ એકસાથે બોલી ઊઠયા: ''સોમકાકા, ચિંતા ના કરશો, હોં ! જરાં હસો તો ખરાં...!''

સોમકાકા બાળકોનો પ્રેમ જોઈ હરખ્યા... પછી તો ખડ..ખડ... કરતા હસે છે કાંઈ..હસે છે કાંઈ...! ટચૂકડાં સાડત્રીસ સાન્તાક્લોઝે કમાલ કરી નાખી હતી, નહિ ?

ઘણાં સમય પછી સોમકાકાના ચહેરા પર હાસ્ય જોવા મળ્યું. જોકે પોતાનું મોજું સોમકાકાને દેખાડયું..સોમકાકા કહે: ''અરે..આ વખતે તો મેં કોઈ ગિફટ આપી જ નથી ! મોજું ખાલી છે !''

જેક બોલ્યો : 'ના, સોમકાકા, આમાં તમારો, વ્હાલ સદાય ભરેલો ને ભરેલો જ છે ! એ કદી ખાલી નહિ થાય...!'

સોમકાકા બાળકોનો પ્રેમ જોઈ મલકી રહ્યા... મલકતા સોમકાકાને જોઈ સૌ બાળકો હરખે છે કાંઈ..હરખે છે કાંઈ...!

- વિજયકુમાર જી. ખત્રી



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37uIGxc
Previous
Next Post »