તબીબી વિજ્ઞાાન આજેય અનેક રોગોને હંફાવી શક્યું નથી

- વર્ષોથી માનવજાત માટે ખતરારૂપ કેન્સર, ડાયાબિટીસ, સ્ટ્રોક હૃદયરોગ અને એઈડ્સ જેવી અનેક બિમારી કાયમી ધોરણે કયારે નાબૂદ કરી શકાશે?


તા જેતરમાં કોરોના મહામારીએ આખા જગતના શ્વાસ અધ્ધર કરી નાંખ્યા છે. અખબારો વાંચો તો એવું લાગે જાણે કોવિદ-૧૯ સિવાય કોઈ બીમારી અસ્તિત્વમાં જ નથી. જયાં જુઓ ત્યાં કોરોનાના જ કારનામા! વાસ્તવિકતા એ છે કે આજે આપણે એવી અનેક વ્યાધિ-ઊપાધિનો  સામનો કરીએ છીએ જેનો આજે પણ કોઈ સચોટ-ઈલાજ મળ્યો નથી. ત્યાં એવા હઠીલા રોગોમાં કોરોનાની બીમારીનું નામ ઉમેરાયું છે.

વિજ્ઞાાનની સિધ્ધિઓ અપરંપાર છે. અનેક  ક્ષેત્રોમાં માનવીએ કલ્પના પણ નહોતી કરી એટલી હરણફાળ વિજ્ઞાાને ભરી છે. અનેક રોગના ત્વરિત ઉપચારો શક્ય બન્યા છે. આમ છતાં કેટલાંક નવા રોગ દેખાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ અમુક જૂના રોગ પણ માથું ઊંચકી રહ્યાં છે. થોડા વરસ પૂર્વે સુરતમાં પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો હતો. હમણાં મગજના તાવ ડેંગ્યુના રોગે દેખા દીધી હતી. વિશ્વમાં દર વર્ષે એક લાખ લોકો એઈડ્સનો ભોગ બને છે. જ્યારે મેલેરિયાથી  દસ લાખ અને ડાયેરિયાથી ૪૦ લાખ લોકો મૃત્યુ પામે છે. હૃદયરોગથી એક કરોડ ૮૦ લાખ લોકો મરણ પામે છે. તો કેન્સરથી મરનારાઓની  સંખ્યા  પણ ઓછી નથી.

હાલમાં જગતભરમાં કોવિદ-૧૯થી થયેલા મોતનો આંકડો ૧૦ લાખનો આંક વટાવી ગયો છે ત્યારે મેડીકલ પ્રોફેશનલોએ કોવિદ અને નોન-કોવિદ કેસોની સારવારમાં બેલેન્સ (સંતુલન) રાખવાનો અનુરોધ કર્યો છે. તબીબોએ આ સંદર્ભમાં એવો નિર્દેશ કર્યો છે કે દર વરસે દુનિયાભરમાં હૃદય સંબંધી બીમારીઓથી લગભગ ૧ કરોડ ૮૦ લાખ, કેન્સરથી આસરે ૯૬ લાખ અને શ્વસન તંત્રના ગંભીર રોગોથી ૪૦ લાખ લોકોના મોત થાય છે. મેડીકલ જર્નલ લેન્સરના રિપોર્ટ 'ગ્લોબલ બર્ડન ઓફ ડીસીજીસ'માં જણાવ્યા મુજબ બીજા એવા કમકેકમ ૧૫ રોગ છે જે દર વરસે દુનિયાના ૧૦ લાખતી વધુ લોકોનો ભોગ લે છે.

૨૦૦૯માં ફાટી નીકળેલા સ્વાઇન ફ્લુના રોગચાળાએ એક જ વરસમાં લગભગ ૫ લાખ લોકોના અને ૧૯૧૮ના સ્પેનિશ ફ્લુએ અંદાજે ૫ કરોડ લોકોના મોત નીપજાવ્યા હતા. અલબત્ત, કોવિદે દુનિયાભરના દેશોમાં હોસ્પિટલો અને સારવાર કેન્દ્રોની ક્ષમતા વધારવાની ફરજ પાડી છે કારણ  કે તાજેતરના ભૂતકાળમાં બીજા કોઈ રોગચાળામાં દર્દીઓને આટલી મોટી અભૂતપૂર્વ સંખ્યામાં હોસ્પિટલોમાં ઉપચાર કરાવવાની જરૂર ઊભી નથી થઈ. કોવિદ-૧૯નો વાયરસ બહુ જ ચેપી હોવાથી ટુંકા ગાળામાં ઘણી મોટી સંખ્યામાં લોકો આ મહામારીનો શિકાર બને છે.  આરોગ્ય તંત્ર કોવિદના સામના માટે સજ્જ થયું ત્યારે મોટાભાગની બીજી આરોગ્ય સેવાઓ સ્થગિત કરી દેવાઈ.

કોવિદને કારણે મોટાભાગના દેશોમાં અન્ય આરોગ્ય સેવાઓ ખોરવાઈ ગઈ હતી એવું દર્શાવતા એક સર્વેને ટાંકી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇજેશન (ડબલ્યુએચઓ)ના ડાયરેક્ટર જનરલ ડો. ટ્રેડોસ ઘેબરેસિસે કહ્યું હતું કે આજે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે કેન્સર, હૃદયરોગ અને ડાયાબિટીસ જેવી વ્યાધિઓ માટે જેમને સારવારની જરૂર હોય એવા દર્દીઓ પર હોસ્પિટલો અને ડોક્ટરો ધ્યાન નથી આપી શકતા. આ હકીકત નીચે લીટી દોરતા દિલ્હીની એઇમ્સના એક પ્રોફેસર કહે છે, 'અમારી હોસ્પિટલમાં રોજ પક્ષપાત અને હાર્ટ એકેટકના ૩ થી ૪ પેશન્ટ મૃત અવસ્થામાં લવાય છે. ફરક માત્ર એટલો છે કે કોવિદથી થતા મોતની ગણતરી થાય છે જ્યારે બીજા રોગથી થતા મૃત્યુની નોંધ લેવાતી નથી.'

દુનિયાભરના ૭,૦૦૦થી વધુ આરોગ્ય કર્મીઓના કોવિદથી મોત થયા છે. 

એક જમાનામાં 'આરોગ્ય પરમો લાભ' અને સર્વે સન્તુ નિરામયા જેવી  સંસ્કૃત ઉક્તિઓ પણ પ્રચલિત હતી અને અભણ લોકોમાં એવી માન્યતા હતી કે રોગ ઈશ્વરની નારાજગી કે કુદરતના કોપને કારણે થાય છે. વસતિ ખૂબ વધી જાય ત્યારે ભગવાન  જુદા જુદા રોગને ધરતી ઉપર મોકલીને વસતિને નિયંત્રણમાં રાખે છે. પણ વિજ્ઞાાનની પ્રગતિ પછી એલેકઝાન્ડર ફ્લેમીંગે શોધેલી 'વન્ડર ડ્રગ' ગણાતી દવા પેનીસીલીનની મદદથી અનેક રોગનો ઉપચાર શક્ય બન્યો છે. એડવર્ડ જેનરે રોગ ન થાય તેની અગમચેતીરૂપે મૂકાતી રસીની શોધ કરી તેના લીધે રોગ નિયંત્રણ વધુ શક્ય બન્યું. રસીને કારણે લાખો લોકો બાળકો અને મોટી વયના લોકોમાં લકવો,  ડિફ્થેરિયા અને ક્ષય  જેવા રોગનું પ્રમાણ ઘટયું. તબીબી વિજ્ઞાાન ક્ષેત્રે ટેક્નોલોજીની  પ્રગતિનાં સમન્વયથી બીજા અનેક રોગનો ઉપચાર શક્ય બન્યો, પરંતુ રક્તપિત્ત, કેન્સર, એઈડ્સ જેવા જીવલેણ રોગની સંપૂર્ણ નાબૂદીની મંઝિલ હજી ઘણી દૂર છે.

આ બધા પ્રયાસો અને શોધ-સંશોધનો છતાં હજી ઘણું કરવાનું બાકી છે. બેક્ટેરિયાની શોેધને વર્ષો વીતા ગયાં છતાં હજી અનેક રોગ અસાધ્ય છે. કેટલાંક રોગનું માત્ર થોેડા સમય પૂરતું શમન શક્ય બન્યું છે. નિર્મૂલન નહિ. રક્તપિત્ત, કેન્સર અને એઈડ્સ જેવા જીવલેણ રોગનું પ્રમાણ વધી રહ્યું છે. 

આ બધા રોગમાંથી સંપૂર્ણ સ્વસ્થ થવાની શક્યતા નથી. માટે તેમાં  અગમચેતી જ ઉપયોગી બને છે. ક્ષય, કોલેરા,  ન્યુમોનિયા, મેલેરિયા જેવા  રોગ નાબૂદ થયા નથી. ત્યારે ઓરી-અછબડા, ઈન્ફ્લુએન્ઝા જેવા ચેપી રોગનું પ્રમાણ પણ વધી રહ્યું છે. સ્ટ્રોક, અલ્ટ્રામાયમેર, મેલેરિયા અને ક્ષય રોગના દર્દીઓની સંખ્યા દિન-પ્રતિદિન વધતી જાય છે. વર્ષ ૧૯૬૫માં મેલેરિયાના એક લાખ દર્દીઓ હતા. આ પ્રમાણ વર્ષ ૧૯૭૬માં વધીને ૬૫ લાખ થયું. ત્યાર પછી મલેરિયાના દર્દીઓનું પ્રમાણ ઘટીનેે ૨૫ લાખ થયું છતાં તેના જોખમો યથાવત્ રહ્યાં.

  પ્લાઝમોડિયમ ફોલ્સિપેરમ સૌથી ઘાતક મેલેરિયા છે. ૧૯૯૦માં ક્ષયરોગને કારણે વિશ્વમાં ૨૫ લાખ લોકોનાં મૃત્યુ થયાં હતાં. જેમાં છ લાખ લોકો ભારતમાં મૃત્યુ પામ્યા હતા. ૨૦૨૧માં ક્ષયરોગનો ભોગ બનનારાઓનો મરણાંક  ૪૦ લાખના આંકને વટાવે તેવી સંભાવના છે.

સરકાર ક્ષયરોગ ડામવાની બાબતને ખૂબ જ ઓછો અગ્રક્રમ આપે છે. આરોેગ્ય  બજેટમાં ક્ષયરોગ સારવાર પ્રત્યે ૦.૨ ટકા રકમ જ ફાળવવામાં  આવે છે.  લોકોએ ક્ષયરોગને ગંભીર બીમારી નહીં ગણવાનું વલણ અપનાવતાં સરકારે પણ ક્ષયરોગના દર્દીઓની સારવાર માટેના બજેટમાં ધરખમ કાપ મૂક્યો છે. પરિણામે સંશોેધનો અટકી પડયાં છે. લોકો હવે એવું માનતા થયા છે કે એઈડ્સ, ક્ષયથી પણ વધુ ઘાતક છે. ભારતમાં પ્રતિ વર્ષ એઈડ્સના પંદર લાખ નવા કેસ  જોવા મળે છે.  જેમાંના  પાંચ લાખ દરદીઓમાં  ક્ષયરોગ  અને એઈડ્સ એક સાથે જોવા મળે છે. આ બંને રોગ એકસાથે હોય ત્યારે તે અસાધ્ય બની જાય છે. 

 વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ અનુસાર મે ૧૯૯૫માં ક્ષયરોગમાં અનેક દવા નિષ્ફળ જતી હોવાનું  માલૂમ પડયું હતું. ચાલુ દાયકામાં ક્ષયરોગને કારણે માર્યા ગયેલાઓનો આંકડો ત્રણ કરોડને આંબી જવાની સંભાવના છે. આમાં  આપણે ત્યાં તબીબોની બેદરકારીથી મરનારાઓનું પ્રમાણ પણ ઘણું ઊંચું છે.  

થોડા સમય પૂર્વે લોકોએ એક નવા રોગનું નામ સાંભળ્યું. 'ક્રિમેઅન કોંગો હેમરેજીક ફિવર'. જેને મનુષ્યમાં ફેલાવવાનો શ્રેય જાય છે ક્રિમેઅન કોંગો હેમરેજીક વાયરસને. દુધાળા પશુને લાગતી બગાઈ, ચીપકી, ઈતરડી દ્વારા આ વાયરસ મનુષ્ય સુધી પહોંચી શક્યો છે. ભારતમાં આ રોગનાં સૌપ્રથમ કેસ ગુજરાતના સાણંદના કોલટ ગામે નોધાયા છે. થોડા સમય માટે ત્રણેક લોકોનાં ભોગ લેનાર ‘CCHF’ નાં કારણે લોકોની સાથે સાથે ડોક્ટરોમાં પણ ભય વ્યાપી ગયો હતો.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન  (WHO)નાં રિપોર્ટ પ્રમાણે 'પોલીઓ' જેવો રોગ પણ વિશ્વના અન્ય ખૂણે એટલે કે સાઉથ આફ્રિકાનાં કોંગોમાં તરખાટ મચાવી રહ્યો છે. કોંગોમાં જે વાયરસ અને ફીવરનાં પ્રથણ કેસ નોંધાયા તે ક્રિમેઅન કોંગો ફિવર ભારતમાં ફફડાટ ફેલાવી ગયો છે.

વિશ્વમાં એવા ઘણા રોગો છે જેનાથી લોકોને ખતરો છે. આવા સમયે એક નાનાં ભોળા બાળકનાં મનમાં પેદા થાય તેવો સવાલ જરૂર આપણા મગજમાં પણ ઘંટડી વગાડી જાય તેમ છે. ''શું ખતરનાક અને ફફડાટ ફેલાવનાર રોગોને જળમુળથી ઉખાડીને ફેંકી શકાય નહીં?''

વૈજ્ઞાાનિકો કેટલાંક રોગોને જડમુળથી ઉખાડીને ફેંકી દેવાના મૂડમાં છે. તેઓએ તો કેટલાંક રોગો માટે 'ડેડલાઈન' પણ ફિક્સ કરી રાખી છે. તેઓ માને છે કે ત્યારબાદ આવાં રોગ મનુષ્યોને ફરીવાર સતાવશે જ નહીં. અત્યાર સુધી શીતળા એટલે કે 'સ્મોલ પોક્સ' એવો રોગ છે જેને વૈજ્ઞાાનિકોએ જડમુળથી દૂર કરી નાખ્યો છે. હવે ફરીવાર 'શિતળા'નો રોગ માનવજાતને સતાવી શકે તેમ નથી.

મેલેરીયા બાબતે કહેવાય છે કે 'યુરોપ'માંથી મેલેરીયા સંપૂર્ણ નાબુદ થઈ ચુક્યો છે. વૈજ્ઞાાનિકોનાં અથાગ મહેનત અને હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ઉમદા કામગીરીને કારણે સુંદર પરીણામ મળ્યું છે પરંતુ પુરી પૃથ્વી પરથી 'મેલેરીયા' નાબુદ થાય ત્યારે કહેવાય કે હવે પૃથ્વી પર મેલેરીયા નામનો રોગ બચ્યો નથી.

એક સમયે ખતરનાક ગણાતો ગીનીઆ વોર્મ ડીસીઝ, વિશ્વનાં ૨૦ કરતાં વધારે દેશોમાં પોતાનો પગપેસારો કરી ચુક્યો હતો. આજે આફ્રિકાનાં ચારેક દેશોમાં વર્ષે દહાડે ૩૫ લાખ કેસ નોંધાય છે. અમેરીકા ખંડમાં પોલીયોનાં એકપણ કેસ નોંધાયા નથી. આફ્રીકા, ભારત, રશિયા અને તેની આસપાસનાં દેશોમાં હજી પોલીયોનાં કેસ નોંધાતા રહે છે.

વિશ્વને ભરડામાં લેનાર અન્ય એક રોગ છે Lymphetic Filarisis જેને 'એલીફેન્યાસીસ' પણ કહે છે. ગુજરાતીમાં આપણે તેને 'હાથી પગા' તરીકે ઓળખીએ છીએ. મચ્છરો દ્વારા ફેલાતો આ રોગ બીજો વ્યાપક રોગ છે. અત્યાર સુધી ૧૨ કરોડ લોકો તેનો ભોગ બન્યા. કેટલીક આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ બનાવનારી કંપનીઓ તેની ટ્રીટમેન્ટમાં વપરાતી દવા મફતમાં આપવા તૈયાર થઈ છે. આ રોગને સામુહીક સારવાર (માસ ટ્રીટમેન્ટ) આપીને ૨૦૨૧ સુધીમાં ખતમ કરવાનું નવું 'ટાર્ગેટ' વૈજ્ઞાાનીકો મુકી ચુક્યાં છે.

ઓરી એટલે કે મિસલ્સ એ દુનિયાનાં લગભગ દરેક દેશનાં નાગરીકને સતાવતો બીજો 'ગ્લોબલ' રોગ છે. મિસલ્સ વાયરસથી આ રોગ ફેલાય છે. ૨૦૦૨ સુધીમાં અમેરીકાએ અને ત્યાર બાદ ભારતે પણ આ રોગ ઉપર કાબુ મેળવી લીધો હતો. પરંતુ ત્યારબાદ ઓરીનાં નવાં કેસો સર્વત્ર નોંધાતા રહે છે. એક વર્ષમાં પુરા વિશ્વમાં લગભગ 'ઓરી'નાં એક કરોડ નવાં કેસ નોંધાય છે.

કેન્સર અને AIDS માટે તો હજી યોગ્ય સારવાર અને જડમુળથી નાબુદ કરી શકાય તેવી રસી કે ડ્રગ્સ વિકસાવવાનાં હજી બાકી છે. નવજાત શિશુમાં 'હુબેલા' વાયરસ, ખોડખાંપણ નોંતરે છે.

૨૦૦૮માં દર પાંચમાંથી ત્રણના મોત કેન્સર, સ્ટ્રોક, ડાયાબિટિઝ અને કાર્ડિયોવેસ્ક્યુલર ડિસિઝ (સીવીડી) જેવા નોન-કમ્યુનિકેબલ ડિસિઝ (એનસીડી)ને કારણે થયા હતા. સૌથી ખરાબ બાબત એ છે કે આ બીમારીઓને કારણે થનારા મોતના દરમાં આગામી દાયકામાં ૧૫ ટકાનો વધારો થવાની ધારણા છે. ૨૦૧૮માં ૪ કરોડના મોત  આવી  બીમારીઓથી થયા હતા અને ૨૦૨૦માં ૪.૪ કરોડ લોકો આ કારણે મરશે. તથા ૨૦૩૦માં આ સંખ્યા પાંચ કરોડના આંકને વટાવી જશે.

૨૦૨૦માં  એનસીડીથી સૌથી વધુ એટલે કે ૧.૭ કરોડ લોકોનાં મોત  અગ્નિ એશિયામાં થવાની વકી છે. આ વાત ભારત માટે  ચિંતાજનક છે કારણ કે  આમાંથી  ૮૦ ટકા  મોત ઓછી અને મધ્યમ આવક ધરાવતાં દેશોમાં થશે એવું વર્લ્ડ હેલ્થ  ઓર્ગેનાઇઝેશન (હૂ) દ્વારા બહાર પાડવામાં આવેલા એનસીડી પરના પહેલાં ગ્લોબલ સ્ટેટસ રિપોર્ટમાં છે. આને ઘણા દેશના લોકોના સ્વાસ્થ્ય, સમાજ તથા  અર્થતંત્ર પર તોળાઇ રહેલી આફત પણ કહી શકાય છે.

હૂના ડાયરેક્ટર જનરલ ડૉ.માર્ગારેટ ચાને કહ્યું હતું કે, દીર્ઘકાલીન એનસીડીને કારણે વિકાસ પર બમણો ફટકો પડે છે.  આનાથી રાષ્ટ્રની આવકને અબજો ડોલરનું નુકસાન થાય છે અને લાખો લોકો ગરીબી રેખાની નીચે ધકેલાઇ જાય છે.

અહેવાલમાં જણાવ્યા અનુસાર ૨૦૧૮માં વૈશ્વિક સ્તરે થયેલા ૬ કરોડ લોકોના મોતમાંથી ૬૩ ટકા એનસીડીને લીધે  થયા હતા. દર વરસે ૬૦ વર્ષથી ઓછી વયના  ૯૦ લાખ લોકો એનસીડીનો ભોગ બને છે. ઓછી અને મધ્યમ આવક ધરાવતાં દેશમાં બે તૃતીયાંશથી અધિક લોકો કેન્સરથી, ૯૦ ટકા ક્રોેનિક ઓબ્સ્ટ્રક્ટીવ પલ્મોનરી ડિસીઝથી, ૮૦ ટકા કાર્ડિયોવેસ્કયુલર ડિસીઝ અને ડાયાબિટિઝથી મરે છે.

ભારત જેવા દેશમાં એનસીડીને કારણે યુવા વયમાં જ વધુ લોકોનું જીવન પૂરું થઇ જાય છે. આપણા દેશમાં એનસીડીથી થતાં મોતમાં ૨૯ ટકા ૬૦ વર્ષથી અંદરના હોય છે. જ્યારે ઊંચી આવક ધરાવતાં દેશમાં આ ટકાવારી ૧૩ ટકા છે.

એનસીડીથી થતાં મોતમાં લગભગ ૮૦ ટકા કેન્સર, શ્વસનતંત્રની બીમારી અને ડાયાબિટિઝ કારણભૂત હોય છે અને તમાકુંનું સેવન, શારીરિક પ્રવૃત્તિનો અભાવ, શરાબનો અતિરેક અને નબળો આહાર આ માટે જવાબદાર છે.

અલબત્ત, માનવી અત્યારે રોગના ઉપચાર માટેની લડતમાં જેટલો સફળ થયો છે એટલી સફળતા અગાઉ મળી ન હતી. ફક્ત 'જરાસી સાવધાની જિંદગીભર આસાની' બની શકે. પછી તે એઈડ્સ હોય, ક્ષયરોગ હોય કે કેન્સર હોય.

શિતળાની રસી શોધનાર બ્રિટીશ ડોક્ટર કમ વૈજ્ઞાાનિક એડવર્ડ જેનરે ૧૮૦૧માં લખ્યું હતું કે 'મનુષ્ય જાતને હેરાન પરેશાન કરનાર સ્મોલ પોક્સનો ખાત્મો બોલાવવો, મારાં સંશોધનથી શક્ય બને તેમ છે.' ટુંકા ભવિષ્યમાં વિશ્વ શિતળા વિહીન હોવાનું સ્વપ્ન એડવર્ડ જેનરે જોયું હતું. આપણે જાણીએ છીએ કે એડવર્ડ જેનરનાં સ્વપ્નને સાકાર થવા માટે ૨૦૦ વર્ષો જેટલો લાંબો સમય લાગ્યો છે. આશાવાદ અમર છે. ભવિષ્યનાં કોઈ એક દિવસે પૃથ્વી પરથી ખતરનાક અને જાનલેવા 'રોગો' સદાકાળ માટે દુર થઈ જશે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nfuPQP
Previous
Next Post »