રાજાને એક વ્યક્તિનો ખજાનો જોવાની ઈચ્છા થઈ

રાજા હોય કે પ્રજા બધા અસલામતીના ઓથાર હેઠળ  જીવે છે


એ ક સમ્રાટ છૂપા વેશમાં રોજ રાત્રે નગરચર્યા કરવા નીકળતા. તેમને એક માણસને જોઇને ખૂબ નવાઈ લાગી. એક ખૂબસુરત યુવક રોજ રાત્રે શેરીની એક કોરે એક ઝાડ નીચે ઊભેલો તેને રોજ જોવા મળતો. અંતે તેની કુતૂહલતા એટલી વધી ગઈ કે તેણે ઘોડાને ઊભો રાખ્યો અને તે યુવકને પૂછયું, 'તમે સૂવા માટે શા માટે જતા નથી ?'

યુવકે જવાબ આપ્યો, 'લોકોને રક્ષણ કરવા માટે કાંઈ હોતું નથી તેથી તેઓ ઊંઘી જાય છે. મારી પાસે તે એવો ખજાનો છે કે હું સૂવા જઈ શકુ તેમ નથી. મારે ખજાનાની રક્ષા કરવાની છે.'

રાજાએ કહ્યું, 'સમજાતું નથી. મને તો અહીં કોઇ ખજાનો દેખાતો નથી.'

યુવક એટલો ખૂબસૂરત હતો કે તે જગ્યાએ ઊભા રહેવાનું સમ્રાટને માટે રોજિંદી કાર્ય બની ગયું. યુવક જે કાંઈ કહે તેનાઉપર સમ્રાટ કલાકો સુધી વિચાર કરે. સમ્રાટને તે યુવકમાં એટલો રસ જાગ્યો અને તેના પ્રત્યે એટલો ભાવ જાગ્યો કે તેને લાગવા માંડયું કે આ વ્યકિત ખરેખર એક સંત છે કારણ કે તેનો ખજાનો તો તેની ચેતના, પ્રેમ, શાંતિ, મૌન, ધ્યાન અને બુધ્ધધ્તવ - આ બધું તેનો ખજાનો હતો. આ ખજાનાની તે ચોકી કરતો હતો અને તેથી સૂઈ શકતો નહોતો. સૂવાનું તેને પોષાય તેમ નહોતું. 

વાતની શરૂઆત તો કુતૂહલને કારણે થઈ હતી પણ ધીમે ધીમે રાજાએ તે વ્યક્તિને લગભગ એક આધ્યાત્મિક રાહબર તરીકે આદર-સત્કાર આપવાનું શરૂ કરી દીધું. એક દિવસે રાજાએ તે વ્યક્તિને કહ્યું, 'મને ખબર છે કે તમે મારી સાથે મારા મહેલમાં નહિ આવો પણ હું તો અહર્નિશ તમારા જ વિચારો કર્યા કરું છું. હું તમને વારંવાર યાદ કરું છું. જો તમે મારા મહેલમાં મારા મહેમાન થાઓ તો મને આનંદ થશે.'

રાજા એવું વિચારતો હતો કે તે વ્યક્તિ સંમત થશે નહિ. સંતો તો સંસારથી પર હોય છે તેવો તેનો જૂનો ખ્યાલ હતો પણ પેલા યુવકે કહ્યું, 'જો આપને આટલી બધી મારી યાદ સતાવતી હતી તો આપે મને પહેલા કેમ ન કહ્યું ? એક બીજો ઘોડો લાવો. હું આપની સાથે આવું છું.'

રાજાને જરાક વહેમ આવ્યો, 'કંઈ જાતનો આ માણસ છે ? તુરત તૈયાર થઈ ગયો ?' પણ હવે તો ઘણું મોડુ થઈ ગયું હતું. તેણે આમંત્રણ તો આપી જ દીધું હતું.

બીજા મહારાજાઓને ઊતારવાનો મહેલમાંનો સર્વોત્તમ મહેમાન-કક્ષ તેને માટે કાઢી આપ્યો. રાજા એવું વિચારતો હતો કે તે વ્યક્તિ તેનો ઇન્કાર કરશે અને કહેશે, 'હું તો રહ્યો સાધુ. હું આવા ભોગ-વિલાસમાં રહી શકું નહિ.' પણ આવું કાંઈ તેણે કહ્યું નહિ. તેણે તો કહ્યું, 'ઘણું સરસ.'

રાજા આખી રાત સૂઈ શક્યો નહિ. તેણે વિચાર્યું, 'આ માણસે, મને છેતર્યો હોય તેવું લાગે છે. આ કાંઈ સંત-બંત હોય તેવું લાગતું નથી.' બે-ત્રણ વાર રાજાએ બારીમાં નજર પણ કરી. સંત તો આરામથી સૂતા હતા. આ માણસ તો કદી સૂતો નહોતો. તે તો હંમેશ ઝાડ નીચે ઊભો રહેતો હતો. હવે તે તેના ખજાનાની રક્ષા કરતો નહોતો. રાજાએ વિચાર્યું, 'હું છેતરાઇ ગયો છું. આ માણસ ખરેખર ઠગ છે.'

બીજે દિવસે તેણે રાજા સાથે ખાણું લીધું. સ્વાદિષ્ટ ભોજન, કોઇ પરેજી નહિ. ઉપરથી તેણે ખૂબ માણ્યું. શહેનશાહ પહેરે તેવો પોષાક રાજાએ તેને આપ્યો તો તે પણ તેણે પહેરી લીધો. રાજાએ વિચાર્યું, 'હવે આ માણસથી કેવી રીતે છૂટકારો મેળવવો ? સાત દિવસમાં તો રાજા થાકી ગયો. તેને લાગ્યું, 'આ કોઈ ચલતો-પૂર્જો માણસ લાગે છે. તેણે મને છેતર્યો છે.'

સાતમે દિવસે તેણે પેલી અજનબી વ્યક્તિને પૂછ્યું, 'હું આપને એક સવાલ પૂછવા માગું છું.'

અજનબી વ્યક્તિએ કહ્યું, 'મને આપના પ્રશ્નની ખબર છે. આપ તો તે પ્રશ્ન સાત દિવસ પહેલાં જ મને પૂછવા માગતા હતા પણ શિષ્ટાચાર અને સભ્યતાને કારણે તમે તેને દબાવી રાખ્યો છે તે હું જોઈ રહ્યો હતો. હું તમારા પ્રશ્નનો જવાબ અહીં નહિ આપુ. તમે પ્રશ્ન પૂછજો. પછી આપણે સવારની લાંબી લટાર માટે ઘોડા ઉપર નીકળી પડીશું. તમારા પ્રશ્નનો જવાબ એક નિશ્ચિત જગ્યા આવશે એટલે હું તમને આપીશ.'

રાજાએ કહ્યું, 'ભલે. મારો પ્રશ્ન છે કે હવે મારામાં અને તમારામાં શું ફેર છે ? તમે સંત હતા પણ અત્રે શહેનશાહના ઠાઠથી રહી રહ્યા છો. હવે તમે સંત રહ્યા નથી.'

પેલી વ્યક્તિએ કહ્યું, 'ઘોડા તૈયાર કરો !' તેઓ નીકળી પડયા. રાજાએ ઘણી વાર પેલી વ્યક્તિને યાદ દેવરાવ્યું, 'આપણે કેટલે દૂર જવાનું છે ? હવે તો તમે જવાબ આપી શકો છો.'

અંતે તેઓ એક નદીના કિનારે પહોંચ્યા. અહીં તેના રાજ્યની સરહદ હતી. રાજાએ કહ્યું, 'હવે આપણે રાજ્યની સીમાએ પહોંચી ગયા છીએ. નદીના સામા કાંઠે બીજા રાજાનું રાજ્ય છે. જવાબ આપવા માટે આ સારું સ્થળ છે.'

તેણે કહ્યું, 'હા, હું જાઉં છું. તમે બંને ઘોડા લઈ જઈ શકો છો અથવા તો તમે મારી સાથે આવી શકો છો.'

રાજાએ કહ્યું, 'સમજાયું નહીં. હું મારૂ રાજ, મારો ખજાનો, મારો માન મરતબો, વૈભવ, મારી રૈયત દ્વારા પોષાતો મારોઅહંકાર છોડીને થોડો તમારી સાથે આવું ?'

તે પછી રાજાએ ઉમેર્યું કે, 'હું તારી જોડે બીજા રાજ્યની સીમા વટાવીશ તે સાથે જ રાજા મટી સામાન્ય નાગરિક બની જઈશ. મને ત્યાં કોણ ઓળખશે... ના ભાઇ ના... મારે નથી આવવું. આટલું કહી રાજાએ પેલી અજનબી વ્યક્તિને કહ્યું, 'પણ હવે તમે ક્યાં જાવ છો ?'

અજનબી વ્યક્તિએ કહ્યું કે, 'મારો ખજાનો મારી સાથે છે. જ્યાં પણ હું જઈશ ત્યાં મારો ખજાનો મારી સાથે જ રહેશે.'

રાજા પોતાની જાતને રંક માની તેમના ઘોડા પર પરત આવ્યો. તેની પાછળ ખાલી ઘોડો તેને અનુસરતો હતો.

ઈશોપનિષદમાં ''તેન ત્યક્તેન ભૂંજિયા'' ત્યાગીને ભોગવવાની મહત્તા દર્શાવાઈ છે. રાજા જોડે જ રાજાની આગતા-સ્વાગતા ભોગવનાર વ્યક્તિ એક જ ઝાટકે પળનો વિલંબ પણ કર્યા વગર ફરી જંગલમાં કે ફૂટપાથ પર રહી શકે છે. પણ રાજા તેની સત્તા, સંપત્તિ અને અહંકારને ત્યજી શકતો નથી.

રાજાની વાત જવા દો. સંન્યાસીઓને પણ તેમના આશ્રમ, કુટિર, ગોદડી, બે સમયનું મળતું ભોજન અને સત્સંગીઓ દ્વારા કરાતા નતમસ્તક વંદનનો એક 'કમ્ફર્ટ ઝોન' હોય છે. આવી સંન્યાસીને ગાદી કે સભામાં કેન્દ્ર સ્થાન કે પગે લાગનારા ન મળે તો તેઓ ડીપ્રેશનમાં સરકી જાય છે. 

જે ઓળખથી દૂર રહેવા માંગતો હોય તે જ 'અવધૂત'. જેમણે ખરો ત્યાગ કર્યો છે તેવા રંગ કે બાલ અવધૂતને તો તેમની ધ્યાન સમાધી કે મસ્તીમાં ખલેલ પાડી આપણે બહાર સમાજમાં ખેંચી લાવવા પડે છે. આપણું પૂણ્યકર્મ હોય તો આપણા સંપર્કમાં તેઓ આવે કે આપણને તેમની કૃપાદ્રષ્ટિ સાંપડે. અવધૂતના જીવનનો એક જ મંત્ર હોઈ શકે ''આવો તો એક સલામ ન આવો તો સો સલામ.'' 'દિગંબર' એટલે સ્થૂળ નગ્નતા નહીં પણ જે આઠેય દિશાઓમાં એટલે કે સકળ વિશ્વમાં સમાન આત્મિક મસ્તી સાથે કોઈપણ અવલંબન કે ભૌતિક પદાર્થોની પ્રાપ્તિની ખેવના વગર તત્વમાં જ ભળી જઈને સદેહે આપણી નજરે વિહરતો હોય.

પ્રત્યેક રાજા, શ્રીમંત કે સંન્યાસીનો જ્યાં અહંકાર કે વૈભવ સચવાતો હોય તે જ સ્થાન પર તે રહે. સેલિબ્રિટી કે સર્જકનું પણ એવું જ છે. ઉદાહરણ તરીકે એક શહેર, રાજ્ય કે દેશમાં તેની ઓળખ અને માન મરતબો મળતો હોય તેથી જ તેને ત્યાં ફાવે. એવા કોઈ પ્રદેશમાં જાય કે જ્યાં તેને કોઈ ઓળખતું જ ના હોય કે પછી તેની સુખ-સગવડો, હોદ્દો, તાકાત તેને તે અજ્ઞાાત બની જવાના કારણે પ્રાપ્ય ન હોય તો તે માનસિક બીમાર બની જશે. તમારે જો જીવનમાં પ્રગતિ કરવી હોય તો તમારો 'કમ્ફર્ટ ઝોન' ત્યજી દો તેવા મોટિવેશન પ્રવચનો આપનારાઓને પણ તેમની રાજા જેવું માન-પાન-ખાન અને ભક્તો દ્વારા થતી 'જીહજૂરી' વગર ઘાંઘા થઈ જતા હોય છે.

આખું જીવન ભજન, કિર્તન, ધ્યાન અને સત્સંગમાં વીતાવીને અને તત્વજ્ઞાાનના થોથા વાંચીને જ્ઞાાની કે આત્મસાક્ષાત્કાર કર્યા હોવાનો દાવો કરનારાઓ પણ ઈશ્વર પર શ્રદ્ધા રાખીને એક પણ નિર્ણય કે પરિસ્થિતિ છોડતા નથી. ભારે અસલામતી, કંજૂસાઈ, અન્ય પર અવિશ્વાસ અને રોજેરોજ તેની મૂડી ગણી લે છે. ''આપણને તો ભોજન મળે તો પણ હરિ ઈચ્છા અને ન મળે તો પણ હરિ ઈચ્છા'' કહેનારાને ગળા સુધી બે ટંક ઓડકાર આવશે તેટલું ભોજન મળતું જ રહેશે તેની ખાતરી હોય છે. એક ટંક ભોજન ન મળે તો તેઓની મનોસ્થિતિ જોવા જેવી હોય છે.

આજે સમાજની સૌથી વિકટ સમસ્યા એ છે કે વ્યક્તિ ત્યાગી પણ શકતો નથી કે ભોગવી પણ શકતો નથી. આવા વાતાવરણમાં 'ત્યાગીને ભોગવવું' જેવી સમજ આપતો સંસ્કૃતનો શ્લોક રસપાનમાં મીઠો લાગે છે પણ તેનો અમલ તેટલો આસાન નથી.

એક બહોળો વર્ગ એવો છે કે આપણને એમ થાય કે ''ભલે ત્યાગી ન શકે પણ ભાઈ ભોગવ તો ખરો.'' પણ ન તે સારા આવાસમાં ન રહે, ન સંતાનોને ઉચ્ચ ગુણવત્તાભર્યું શિક્ષણ આપે, ન પ્રવાસ કરે, ન સારા કપડાં ધારણ કરે, ન સારા વ્યંજનો આરોગે, ન મર્યાદામાં રહીને પણ જીવનના રંગો માણે. તેના કરતા તેના દસમા ભાગની આવક ધરાવનારાઓનું જીવનધોરણ ગુણવત્તા અને ભૌતિક સુખની રીતે ચઢિયાતું હોય તેવું બનતું જ હોય છે.

આખરી ધ્યેય તો ત્યાગીને ભોગવવાનો જ છે. એટલે કે ભોગવો પણ તેમાં સ્વકેન્દ્રી અને મમત્વ, આસક્તિ કે વ્યસની જેવું અવલંબન ન હોવું ંજોઈએ. જે ભોગવતા હો તે એકપણ ધબકારામાં ફર્ક ન પડે તેમ ત્યજવાનું આવે તો પણ સહજ લાગવું જોઈએ. તે હદની કક્ષા ન હોય તો સામાન્ય નાગરિક કરતા આપણો  કંઈક ગુમાવ્યા પછીનો અફસોસ, આઘાત કે રીકવરી સમય ઓછો હોવો જોઈએ.

'સદેહે વિદેહી'ની જનક રાજાની વાત તો ભારે રસપૂર્વક કથાકાર કે પોથી પંડિત કરે છે પણ તેનામાં તેના દસમા ભાગનો પણ ગુણ ન હોય તો શું કામનું?



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oQWWGp
Previous
Next Post »