પ્રિય ભરત! તમારા સ્મરણથી તો સઘળાં અમંગળ દૂર થઈ જાય છે!


પા વન અયોધ્યા નગરીથી રામના રાજ્યાભિષેકની સઘળી સામગ્રી લઈને ચિત્રકૂટની પુણ્યભૂમિ પર આવેલા વૈરાગી ભરતે કુલગુરુ વશિષ્ઠને વિનંતી કરી કે આપ તો રઘુકુળના સદા-સર્વદા સન્માનનીય કુળગુરુ છો. આપની આજ્ઞાા સહુ કોઈ શિરોધાર્ય હોય, તો હવે આપણે રઘુકુલતિલક રામના રાજ્યાભિષેકના અવસરનું ઉમંગભર્યું આયોજન કરીએ.

ભરતના આ પ્રસ્તાવ વિશે ગુરુ વશિષ્ઠે ઉત્તર આપ્યો કે આપણે એ ઉકેલ આણીએ કે રાજપુત્ર ભરત પ્રિય શત્રુધ્ન સાથે ચિત્રકૂટના વનમાં નિવાસ કરે અને અવધપુરીના આત્મા સમા રામ અવધપુરીનું રાજ-સિંહાસન સ્વીકારે. કુલગુરુ વશિષ્ઠના આ શબ્દો સાંભળીને ભરત અત્યંત આનંદવિભોર બની ગયા. આ સમયે કુલગુરુ વશિષ્ઠે ભરતને કહ્યું કે આ તો મારો પ્રસ્તાવ છે. આનો અંતિમ નિર્ણય તો શ્રીરામે કરવાનો છે.

રાજપુરોહિત કુલગુરુ વશિષ્ઠ સહુની સાથે પ્રસ્તાવ લઈને રામ પાસે આવે છે અને રામ સમક્ષ સર્વપ્રથમ ઇક્ષ્વાકુ વંશની ગરિમાનું વર્ણન કરે છે. એમ પણ કહે છે કે આ સંસારમાં જન્મેલ પુરુષને આચાર્ય, પિતા અને માતા એ ત્રણ ગુરુઓ હોય છે. માતા-પિતા જન્મ આપે છે અને ગુરુ એમને ધર્મયુક્ત શિક્ષણ આપીને સદ્બુધ્ધિનું દાન કરે છે અને તેથી એ ગુરુ કહેવાય છે. ગુરુ તરીકે હું આપને અયોધ્યાના રાજ્યાભિષેક અંગે નિર્ણય કરવાનું અને સર્વની સાથે ત્યાગી ભરતનું હિત સધાય તેવો ઉપાય બતાવો. કુલગુરુ કહે છે- 

સબકે ઉર અંતર બસહું, જાનહું ભાઈ કુભાઉ ।

પુરજન જનની ભરત હિત, હોઈ સો કહિએ ઉપાઉ ।।

(શ્રીરામચરિતમાનસ, અયોધ્યાકાંડ)

'તમે સર્વના હૃદયની અંદર વસો છો અને સર્વના ભાવ-કુભાવ જાણો છો, માટે જેમાં નગરવાસીઓનું માતાઓનું અને ભરતનું હિત સધાય એવો ઉપાય બતાવો.'

સહુ કોઈ રામનો ઉત્તર સાંભળવા માટે આતુર બની ગયા. રામ ચિત્રકૂટ વનમાંથી અવધપુરીમાં આવવાનું સ્વીકારે છે કે અસ્વીકાર કરે છે ? રામે શાંતિથી કહ્યું,' ગુરુદેવ, મારે શું કહેવાનું હોય ? જેમાં મારો પ્રિય લઘુબંધુ  ભરત પ્રસન્ન થાય, એવો જે કોઈ નિર્ણય હોય, તે મને સ્વીકાર્ય છે. મારા લઘુબંધુના દિલ લેશમાત્ર પણ દુભાય એવી મારી ઇચ્છા નથી એટલે આપણે પ્રથમ ભરતની વિનંતી સાંભળીશું અને એ પછી સાધુમત, લોકમત, રાજનીતિ અને વેદોના સાર પ્રમાણે યોગ્ય કરીશું.'

રામનો ભરત પ્રત્યેનો નિશ્ચલ સ્નેહ જોઈને સહુના હૃદય ભીનાં થઈ ગયાં, ત્યારે રામે કહ્યું,'ગુરુદેવ, આપના સોગંદ અને પિતાનાં ચરણની દુહાઈ આપીને હું કહું છું કે આ જગતમાં ભરત સમાન કોઈ ભાઈ થયો નથી. મને તો લઘુબંધુ પ્રત્યે અપાર સ્નેહ છે અને સાથોસાથ આપના જેવા કુલગુરુનો પણ એને અપાર સ્નેહ પ્રાપ્ત થતો રહ્યો છે. માટે એનો નિર્ણય આપણને સહુને સ્વીકાર્ય છે.

રામનો આ નિર્ણય સાંભળી ભરત વિમાસણમાં પડી ગયો. વિચાર્યું કે સ્વામીને તે વળી સેવક કઈ રીતે માર્ગદર્શન આપે ? વળી પોતાને કારણે રામ પર આવાં અપાર સંકટો આવ્યાં છે. એમના સંક્ટમાં એ કઈ રીતે ઉમેરો કરી શકે ? એક બાજુ ભરત રામના અસીમ હૃદયઔદાર્યનો અનુભવ કરે છે, તો બીજી બાજુ અયોધ્યાના રામ અવધપુરીના સિંહાસન પર બેસે એ ભાવના એના અંતઃકરણને ખળભળાવી રહી છે.

કુલગુરુએ પણ ભરતને કહ્યું,'રાજપુત્ર ભરત, હવે તમે સર્વસંકોચ ત્યજીને નિશ્ચિંત મને તમારા પ્રિય ભાઈ પાસે હૃદયની વાત કરો.'

ભરત વિમાસણમાં પડે છે. કઈ રીતે કહેવું એ એને સૂઝતું નથી. જેણે સદૈવ રામના આદેશનું પાલન કર્યું છે એવા રામને કઈ રીતે એ કોઈ આદેશ કરી શકે ? વળી ભરતનું ચિત્ત વિચારે ચડે છે કે પોતાને કારણે રામને કંઈ ઓછાં દુઃખો વેઠવાં પડયાં નથી. હવે એના ઉત્તરને પરિણામે વળી કંઈક એવું બને અને રામને એક વધુ દુઃખ વેઠવાનો વારો આવે તો ? ભરત અતિ વિમાસણમાં છે, તો સામે પક્ષે કુલગુરુ વશિષ્ઠ ભરતનાં વચનો સાંભળવા આતુર છે. રામની સ્નેહભરી નજર ભરત પર ઠરી અને ભરતની ભાવના જાણનારા અન્ય સહુ કોઈ એનાં વચનો વિશે અને રામના પ્રતિભાવ વિશે મનોમન મંથન કરે છે.

ભરત વિચારે છે કે વળી બાલ્યાવસ્થાથી જ રામ પ્રત્યેના પ્રેમ અને સંકોચને વશ થઈને પોતે કદી કોઈ વચન બોલ્યો નથી અને આજે એને આવાં વચનો ઉચ્ચારવાનો વારો આવ્યો છે ! આ સઘળી પરિસ્થિતિના મૂળમાં એ પોતે જ છે. પોતાને કારણે રામને મુનિવેશ ધારણ કરી પગપાળા વનમાં વિચરવું પડયું. એવા રામ કે જેમના પ્રત્યે સહુ કોઈ ઋષિમુનિઓ અને નિષાદો પણ આપોઆપ સ્નેહ અનુભવતા હોય, એમને પોતાને કારણે અપાર કષ્ટ સહેવાં પડયાં.

ભરતને પ્રસ્તાવ મૂકવાને બદલે મનોમન પારાવાર દુઃખ અનુભવે છે અને પોતે જ આ સઘળાં દુઃખોની જડ છે એમ માને છે. પોતાને કારણે જ કૈકેયીને કુબુધ્ધિ જાગી અને પિતાનું મૃત્યુ થયું. ઓહ ! આખું જગત આજે એનું સાક્ષી છે. એ પોતે મારા કૌશલ્યા અને માતા સુમિત્રા તરફ નજર નાખી શક્તો નથી, તો બીજી બાજુ અયોધ્યા નગરીના સ્ત્રી-પુરુષો રામના વિરહથી અતિ વ્યથિત છે.

ભરત વિચારે છે કે 'મહીં સકલ અનરથ કર મૂલા' ' આ સર્વ અનર્થનું મૂળ હું જ છું.' અને આમ રામ સમક્ષ પ્રસ્તાવ મૂકવાને બદલે ભરત સ્વયં ઊંડા શોકમાં ગરકાવ થઈ જાય છે અને ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે એવો ખેદ છવાઈ ગયો છે કે જાણે કમળનાં વન પર હિમ પડયું ન હોય ! આ સમયે કુલગુરુ વશિષ્ઠ ભરતને સાંત્વના આપે છે. રામ પણ કહે છે કે જીવની ગતિ ઇશ્વરને આધીન જાણો. તમે કોઈ અમંગળ પરિસ્થિતિનું સર્જન કર્યું નથી, બલ્કે માત્ર તમારાં સ્મરણથી જ સઘળું અમંગળ દૂર થઈ જાય છે. આ રીતે રામ ભરતને કહે છે, કે તમે મનને પ્રસન્ન કરી સંકોચ ત્યજી જે નિર્ણય આપવો હોય તે આપો.

ભરતની જીભ સીવાઈ ગઈ. એ વિચારે છે કે આ અંતર્યામીને હું શું કહું ? આ કૃપાના સમુદ્ર કઈ રીતે વાત કરું ? આમ ભરતના હૃદયમાં તુમુલ ઘર્ષણ ચાલતું હોય છે, ત્યાં જ જનકપુરીથી આવેલા ચાર રાજદૂતોએ કુલગુરુ વશિષ્ઠને સંદેશો આપ્યો કે મહારાજ જનક અહીં પધારી રહ્યા છે. વાતાવરણમાં એકાએક પરિવર્તન આવી ગયું. મહારાજ જનકનું સ્વાગત કરવાના વિચારમાં સહુ ડૂબી ગયા. એમના આગમનના સમાચારથી રામના હૃદયમાં સંકોચ જાગ્યો. ગુરુ વશિષ્ઠ હર્ષ પામ્યા અને સાથે આવેલા અવધવાસીઓ મહારાજ જનકનાં દર્શન માટે આતુર બની રહ્યા.

મહારાજ જનકને જ્યારે ચિત્રકૂટના દર્શન થયા, ત્યારથી એ રથમાંથી ઉતરીને આ પાવનભૂમિ પર પગપાળા ચાલીને આવતા હતા. ચિત્રકૂટના ઋષિમુનિઓને વંદન કરીને મહારાજ જનક રામ પાસે આવ્યા. મહારાજ જનક, કુલગુરુ વશિષ્ઠ, ત્રણેય માતાઓ અને રામ, સીતા, લક્ષ્મણ, ભરત, શત્રુધ્ન પાસે આવ્યા. પરાક્રમી રાજા દશરથના પુત્ર અંગે એમનો શોક વ્યક્ત કર્યો. જનક રાજની પત્ની સુનયાનાએ પણ સહુને આશ્વાસન આપ્યું.

એ પછી માતા કૌશલ્યાએ સુનયનાને કહ્યું,'મહારાજ જનકનું આગમન અમારે માટે મહાભાગ્યનું આગમન છે. અમને સહુને એક મોટી વિમાસણ છે. અયોધ્યા નગરીથી અમે સહુ ચિત્રકૂટમાં રામ પાસે આવ્યા.

એમના રાજ્યાભિષેક માટેની સામગ્રી પણ સાથે લાવ્યા, પણ હવે કોણ આ કહે ? એની દ્વિધાના વમળમાં સહુ ફસાઈ ગયા છીએ. અયોધ્યાનું ભાવિ અનિશ્ચિત બની ગયું છે. મહારાજ દશરથની વિદાયને ઘણો વખત વીતી ગયો, પરંતુ અયોધ્યાનું રાજસિંહાસન રાજકર્તા વિહોણું છે. કોઈ પણ રાજ રાજકર્તા વિહોણું હોય, તો તેના પર શત્રુઓની નજર ઠરેલી હોય છે. અમે રામ રાજ્યાભિષેક માટે સંમત થાય તે માટે અયોધ્યાથી અહીં આવ્યા છીએ, પરંતુ રામ તો કહે છે કે ભરત કહેશે એમ કરીશ. અને ભરત કહે છે કે હું તો રામનો સેવક, મારાથી રામને કંઈ કહેવાય નહીં. કુલગુરુ વશિષ્ઠ પણ આ વિશે તટસ્થ રહ્યા છે. જ્યાં સર્વત્ર પ્રેમ હોય, ત્યાં પદનો કશો મહિમા નથી એ અમને સમજાય છે, પરંતુ સાથોસાથ મહારાજની વિદાય પછી રઘુવંશના આ રાજસિંહાસનને કોઈએ તો સાંભળવું પડશે ને ! તમે મહારાજ જનકને અમારા વતી વિનંતી કરો કે તેઓ આ મડાગાંઠનો કોઈ ઉકેલ આપે અને એ ઉકેલ અમને સહુને સ્વીકાર્ય બનશે.'

જનકરાજના પત્ની સુનયનાએ માતા કૌશલ્યાની વાત સાંભળી અને વિચાર્યું કે મહારાજ જનકને માટે પણ આ નિર્ણય આપવો ઘણો કપરો છે. આમ છતાં બંને પરિવારના મોભી તરીકે એમને કોઈ નિર્ણય તો આપવો પડશે. સુનયના વિચારમાં ડૂબેલા હતા ત્યાં માતા કોશલ્યા બોલ્યા, 'મહારાજ જનકનો નિર્ણય દુઃખદાયી હશે, તો પણ રામ એને સ્વીકારી લેશે. પણ હા, મહારાજ જનકને આ વિશે કહો ત્યારે એટલું ખાસ કહેજો કે એ એવો નિર્ણય આપે કે જેથી વ્યથિત ભરતના દુઃખમાં વધારો ન થાય ! 

(ક્રમશઃ)



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/388ucSN
Previous
Next Post »