પ્રેમ રૂપા આત્મિક આંતરિક ભક્તિ


પ્રે મરૂપા આંતરિક ભક્તિનું પહેલામાં પહેલું કાર્ય સમગ્ર જીવનનો આત્મ સમર્પણનો શુદ્ધ, હૃદયપૂર્વકનો સંકલ્પ ભક્તે કરવાનો હોય છે. અને પોતાની સમસ્ત ભાવના, વિચાર અને બળ એકત્ર કરીને પોતાની જાતને પરમાત્માના હાથમાં મૂકી જ દેવાની હોય છે, અને સત્ય સ્વરૂપ અને આત્મિક ભક્ત કશી શરતો કરતો નથી, કશું માંગતો નથી, આમ નિર્હેતુક ભક્તિ કરવાનો અંતરથી નિશ્ચય કરે છે, ભક્ત આવી શુદ્ધ આત્મિક સત્ય સ્વરૂપા ભક્તિ દ્વારા કાઈ પણ પ્રાપ્ત થાય તેવો અંતરમાં ભાવ પણ રાખતો નથી.

આવી શુદ્ધ પ્રેમ રૂપા ભક્તિ દ્વારા ભક્ત જીવનમાં આત્મિક પ્રેમ દ્વારા જ આત્મિક અને આંતરિક રીતે નિરંતર પરમાત્માને પોતાના શુદ્ધ હૃદયમાં સ્થાપીને નિરંતર સ્મરણ કરે છે, તેજ સત્ય રૂપા અને પ્રેમ રૂપા ભક્તિનું રૂપ ધારણ કરે છે, આવી ભક્તિ જ જીવનમાં પરમ સંતોષ અને પરમ તૃષ્ણાથી મુક્ત જીવન ભક્ત પ્રદાન કરે છે.

આમ છતાં આત્મિક પ્રેમ અને આત્મિક ભક્તિની આધ્યાત્મિક અવસ્થાઓમાં રહેલું અંતર તપાસી જોવા જેવું તો છે, માણસના આંતરિક પ્રેમનો માર્ગ હંમેશા કંટક ભર્યો જ છે, અને દૂરહ પણ છે, પ્રેમમાં લજ્જા છે, સંકોચ છે, ભય છે, શોક છે, વિષાદ પણ છે, આ છે, આત્મિક સત્ય સ્વરૂપ પ્રેમની પ્રેમીની અવસ્થા, એમાં સુખ છે, અને દુઃખ પણ છે, સંતોષ પણ છે, અને તૃષ્ણા પણ છે, આમ પ્રેમ મિશ્રિત છે, જો પ્રેમી પોતાના જીવનમાં તમામ દ્વદ્વને સમાન ભાવે સ્વીકારીને જીવન જીવે તો પરમ સંતોષ પ્રાપ્ત કરે છે, એ જ પ્રેમનું સુફળ છે.

માણસની આંતરિક આધ્યાત્મિક શુદ્ધ સત્ય સ્વરૂપા ભક્તિમાં નથી લજ્જા, નથી સંકોચ, નથી ભય, નથી શોક, નથી મોહ, નથી વિષાદ છે માત્ર શુદ્ધ સત્યસ્વરૂપ આત્મિક શરણા ગતિ અને સમર્પણનો શુદ્ધ હૃદયથી સ્વીકાર, આવો શુદ્ધ અંતરની ભાવનાવાળો ભક્ત સર્વથા, સર્વ રીતે, સંપૂર્ણપણે નિર્ભય, નિરદ્વદ્વ, નિશંક, નિર્લોભ નિસ્વાર્થ, અને પદાર્થની પકડથી મુક્ત બની સાવજ અનાસક્ત બને છે, અને નિરંતર પોતાના જ આત્મામાં પરમાત્માને સ્થાપીત કરીને તેના મય થઈ જીવન જીવે છે, અને આ રીતે તમામ પ્રકારની તૃષ્ણા અને વાસનાથી મુક્ત થઈને પરમ સંતોષમાં જીવન જીવે છે, આ છે પ્રેમ રૂપ ભક્તિનું ફળ.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KzQhkN
Previous
Next Post »