- શિયાળાના પગલે સાઉથમાં નોર્થની માગ પણ વધ્યાના નિર્દેશો
દેશમાં વિવિધ રાજ્યોના સંદર્ભમાં જોઈએ તો વિવિધ રાજ્યોમાં વિવિધ ખાદ્યતેલોનું પ્રભુત્વ વિશેષ દેખાઈ આવે છે. આ વાત લક્ષમાં રાખીએ તો ગુજરાતમાં તથા મહારાષ્ટ્રમાં સિંગતેલનો વપરાશ વિશેષરૂપે થતો જોવા મળે છે જ્યારે નોર્થ તરફ મસ્ટર્ડ તથા રાઈનો તેલનો વપરાશ વધુ થાય છે. દક્ષિણ- ભારતની વાત કરીએ તો દક્ષિણમાં કોપરેલનું ચલણ વિશેષ જોવા મળતું આવ્યું છે. જોકે તાજેતરના વર્ષોમાં આયાતી પામતેલ, આયાતી સોયાતેલ તથા આયાતી સનફલાવર તેલનો બજાર હિસ્સો દેશવ્યાપી ધોરણે વધ્યો છેે છતાં હજી પણ વિવિધ રાજ્યોમાં પરંપરાગત ખાદ્યતેલો પર પણ વપરાશકારોની પસંદગી જળવાઈ રહી છે જ્યારે ખાદ્યતેલોના ભાવ વધે છે ત્યારે તેના પગલે જે તેલીબિયાંના પિલાણ પછી આ ખાદ્યતેલો ઉપલબ્ધ બને છે તે તેલીબિયાંના ભાવ પણ ઊંચા જતા જોવા મળે છે. તાજેતરમાં આવો બજાર પ્રવાહ કોપરા તથા કોપરેલના સંદર્ભમાં જોવા મળ્યો છે. દેશમાં કોપરા તથા કોપરેલનું ઉત્પાદન વિશેષરૂપે દક્ષિણ ભારતમાં થાય છે અને કોપરા અને કોપરેલનો વપરાશ પણ દક્ષિણ ભારતમાં વિશેષ થતો રહ્યો છે. દક્ષિણ ભારતના બજારો તથા ખાસ કરીને કેરળના બજારોમાંથી તાજેતરમાં મળેલા સમાચાર મુજબ કોપરા તથા કોપરેલના ભાવ ઊંચા જતા જોવા મળ્યા છે.
કેરળમાં કોચી બજારમાંથી તાજેતરમાં બહાર આવેલા નિર્દેશો મુજબ મિલીંગ કોપરા તથા એડીબલ કોપરા આ બંને પ્રકારના કોપરાના ભાવ તાજેતરમાં ૩થી ૪ સપ્તાહના ગાળામાં ખાસ્સા વધી આવ્યા છે. આ ઉપરાંત નાળીયેરના ભાવ પણ જથ્થાબંધ તથા રિટેલબજારમાં ઊંચા બોલાતા થયા છે. મિલીંગ કોપરાના ભાવમાં આશરે ૨૫થી ૩૦ ટકાની વૃધ્ધિ જોવા મળી છે તથા આ ભાવ ઉંચકાઈ તાજેતરમાં કિલોદીઠ રૂ.૧૩૦થી ૧૩૫ આસપાસ કેરળ તથા તામિલનાડુના બજારોમાં ટ્રેડ થતા જોવા મળ્યા છે. આ દરમિયાન ઉત્પાદક મથકોએ કોપરેલના ભાવ પણ ઉંચકાઈ કિલોના રૂ.૧૮૫થી ૧૯૦ વચ્ચે ટ્રેડ થતા દેખાયા છે.
દરમિયાન, કર્ણાટકથી મળેલા સમાચાર મુજબ ત્યાં બોલ કોપરાના નામે ઓળખાતા કોપરાની સૌથી મોટી બજાર ટીપરુટની મંડી ગણાય છે. આવા ટીપરુટની બજારમાં મોડલ ભાવ જે નવેમ્બરના આરંભના દિવસોમાં કિવ. દીઠ આશરે રૂ.૧૨૩૦૦ આસપાસ રહ્યા હતા તે ભાવ ત્યાર પછીના ગાળામાં વધતા રહી તાજેતરમાં રૂ.૧૫ હજારની સપાટીને આંબી ગયાના વાવાડ ત્યાંથી મળ્યા છે. સામાન્યપણે દર વર્ષે શિયાળાની ઠંડી શરૂ થાય તે દરમિયાનના ગાળામાં દક્ષિણ ભારતના બજારોમાં કોપરા માટે નોર્થ ભારતની ખરીદી નિકળતી હોય છે. નોર્થ ભારતમાં વિશેષરૂપે શિયાળાની મોસમમાં કોપરાનો વપરાશ વધતો હોય છે.
દરમિયાન ઓક્ટોબર અંતસુધીના ગાળામાં બોલ કોપરાના મોડલ ભાવ કર્ણાટકમાં મિનીમમ સપોર્ટ પ્રાઈસ ટેકાના ભાવની સપાટી કરતાં પણ નીચા બોલાતા જોવા મળ્યા હતા. આવા ટેકાના ભાવ કિવ.ના રૂ.૧૦૩૦૦ નક્કી કરવામાં આવ્યા હતા અને આ ગાળામાં બજાર ભાવ ટેકાના ભાવથી નીચા સરકતાં નેશનલ એગ્રીકલ્ચરલ કો-ઓપરેટીવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા નાફેડ દ્વારા કોપરાની ખરીદી કરાતી પણ જોવામ ળી હતી. દરમિયાન, બજારના સૂત્રોના જણાવ્યા મુજબ ૨૦૨૦ની વર્તમાન મોસમમાં નાફેડ દ્વારા બોલ કોપરાની ખરીદી વધી તાજેતરમાં થયેલા આંકડા મુજબ પાંચ હજાર ટનની સપાટી વટાવી ગઈ છે.
આ આંકડા કર્ણાટકના મળ્યા છે જ્યારે તામિલનાડુના મળેલા આંકડાઓ મુજબ ત્યાં નાફેડ દ્વારા બોલ કોપરાની ખરીદી કર્ણાટકની સરખામણીએ નોંધપાત્ર ઓછી જોવા મળી છે. આ દરમિયાન, નાફેડ દ્વારા તામિલનાડુમાં મિલીંગ કોપરાની પણ ખરીદી કરાયાના નિર્દેશો મળ્યા છે તથા આવી ખરીદી કિવ. દીઠ રૂ.૯૯૬૦ના ટેકાના ભાવોએ કરવામાં આવી હોવાનું ત્યાંની બજારના જાણકારોએ જણાવ્યું હતું.
કેરળના કોચી બજારમાંથી મળેલા સમાચાર મુજબ કોચીન ઓઈલ મર્ચન્ટ્સ એસોસીએશનના સૂત્રોના જણાવ્યા મુજબ તાજેતરમાં ઓનમ ફેસ્ટીવલની મોસમમાં બજારમાં કોપરેલના ભાવ ઉંચા ગયા છે તથા કોપરેલ ઉપરાંત સનફલાવર તેલ, રાઈસબ્રાન તેલ, પામતેલ વિ. જેવા અન્ય ખાદ્યતેલોના ભાવમાં પણ વૃધ્ધિનો પ્રવાહ જોવા મળ્યો છે. કેરળના બજારોમાં નાળીયેરના ભાવ જથ્થાબંધ બજારોમાં વધી તાજેતરમાં કિલોદીઠ રૂ.૫૮થી ૫૯ આસપાસના સ્તરે પહોંચ્યા છે.
હકીકતમાં વિશ્વબજારમાં તાજેતરમાં વિવિધ ખાદ્યતેલોના ભાવમાં ટૂંકા ગાળામાં નોંધપાત્ર વૃધ્ધિ જોવા મળી છે અને તેની અસર ઘર આંગણાના ખાદ્યતેલોના બજાર પર પણ પોઝીટીવ પડી છે અને આવા માહોલમાં કોપરા તથા કોપરેલની બજારમાં પણ તેજીનો ચમકારો વિશેષરૂપે દેખાયો છે. જોકે હવે બજારના ખેલાડીઓની નજર કેરળમાં આગળ ઉપર ટૂંકમાં શરૂ થનારી નવી મોસમ પર રહી છે.
કેરળમાં આવી નવી મોસમ ડિસેમ્બરના મધ્યથી શરૂ થતી હોય છે તથા જાન્યુઆરીમાં નવી આવકો વેગ પકડતી હોય છે. ભારત નાળીયેરનો મોટો ઉત્પાદક દેશ ગણાય છે તથા દેશમાં ૨૦૧૯- ૨૦ની નાળીયેરની મોસમમાં ઉત્પાદનમાં ખાસ્સી વૃધ્ધિ દેખાઈ હતી. કોપરેલની નિકાસ કરતા નિકાસકારોને આયાતી કોપરાની સપ્લાય ઘટતાં તેમની ખરીદી દેશી કોપરામાં આવી છે અને તેની અસર પણ બજાર ભાવ પર જોવા મળી છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2J6nzrw
ConversionConversion EmoticonEmoticon