કોલસામાં કોરોના કાળની સૂસ્તી ખંખેરી બજારમાં ફરી જોવા મળેલો ગરમાવો...


- જોકે કોરોના પૂર્વે ટનદીઠ ભાવ રૂ.૨૩૦૦ હતા તે તૂટયા પછી ફરી વધી તાજેતરમાં રૂ.૧૫૦૦થી ૧૬૦૦ આસપાસ ટ્રેડ થતા દેખાયા

વૈ શ્વિક સ્તરે તથા ઘરઆંગણે ૨૦૨૦ના વિદાય લેતા વર્ષમાં ચીનના ઘાતક કોરોના વાયરસનો ઉપદ્રવ વિવિધ દેશોમાં ફેલાતાં વેપાર તથા ઉદ્યોગ જગતને ખાસ્સો ફટકો પડયો છે. કોરોનાના પગલે ઉદ્યોગ જગતમાં ચક્રો ધીમા પડી જતા આ ઉદ્યોગ ક્ષેત્રે કાચામાલ તરીકે વપરાતી વિવિધ કોમોડિટીઝના ભાવ પર પણ તેની વિપરીત અસર દેખાઈ હતી તથા આવી ચાવીરૂપ ગણાતી કોમોડિટીઝની માગને પણ પ્રતિકુળ અસર જોવા મળી હતી.

વૈશ્વિક સ્તરે આવી મહત્ત્વની કોમોડિટીઝની યાદી બનાવીએ તો તેમાં કોલસાનું નામ અવશ્ય આવે છે. કોલસો તથા ક્રૂડ ઓઈલ જેવી કોમોડિટીઝની માગ વિવિધ સંકેતો વિશ્વબજારમાં આપતી હોય છે. આવી માગ વધે તો ઈન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે વિકાસ વધી રહ્યાના સંકેતો મળતા હોય છે તથા તેનાથી વિપરીત ચાવી માગ ઘટે છે, ત્યારે વૈશ્વિક સ્તરે મંદીના એંધાણ માગ ઘટે છે. ત્યારે વૈશ્વિક સ્તરે મંદીના એંધાણ પણ મળે છે. આવા કોલસાથી બજારના સૂત્રોના જણાવ્યા મુજબ તાજેતરમાં ઘણા મહિનાઓ માગની મંદીના રહ્યા પછી હવે સૂસ્તી ખંખેરી આ ક્ષેત્રે નવેસરથી માગ તથા પૂછપરછોની ચહલપહલ પાછી ફરી હોવાના સંકેતો મળ્યા છે.

કોરોનાનો ઉપદ્રવ ઘટતાં તથા અનલોકની પ્રક્રિયામાં ઔદ્યોગિક ક્ષેત્રે એકટીવીટી વધતાં કોલસાની માગમાં વૃધ્ધિ થઈ રહ્યાના નિર્દેશો મળ્યા છે. જોકે હજી પણ કોરોના અગાઉની સ્થિતિએ પહોંચવા માટે સમય લાગશે એવી ગણતરી બજાર તથા વેપાર ઉદ્યોગના જાણકારો બતાવી રહ્યા છે. આમ છતાં મંથલી ધોરણે સરખામણી કરીએ તો કોલસાનું ઉત્પાદન તથા માગનો ગ્રાફ ઊંચો જઈ રહ્યાના સંકેતો મળ્યા છે. કોલસાનું ઉત્પાદન એપ્રિલ મહિનામાં આ વર્ષે આશરે ૨૪થી ૨૫ ટકા જેટલું ઘટયું હતું તે ત્યારબાદ મે તથા જૂન મહિનામાં પણ આશરે ૧૪થી ૧૫ ટકા જેટલું ઘટયું હતું. જોકે ત્યાર પછીના ગાળામાં ઉત્પાદનમાં ધીમી ગતીએ વૃધ્ધિ થતી જોવા મળી છે. જૂન પછીના ગાળામાં કોલસાની માગમાં પણ ધીમી ગતીએ સુધારો જોવા મળ્યો છે. આગળ ઉપર આવી માગ વૃધ્ધિનો દર ૩થી ૪ટકાનો રહેવાનો અંદાજ જાણકારો બતાવી રહ્યા છે.

જોકે આ ક્ષેત્રે એક ભયસ્થાન પણ બતાવાઈ રહ્યું છે. રિન્યુએબલ એનર્જી તરફ ફોક્સ વધી રહ્યો છે તથા ઉર્જાના વૈકલ્પીક સાધનો તરફ લક્ષ વધ્યું છે ત્યારે આગળ ઉપર કોલસાની માગ ઓછી રહેશે તથા કોલસામાં રહેતી માગ વૈકલ્પીક ઉર્જા તરફ વળી જવાની ગણતરી પણ અમુક વર્ગ બતાવી રહ્યો છે. દરમિયાન સપ્ટેમ્બર મહિનાથી કોલસાની માગ તથા ઉત્પાદનમાં વૃધ્ધિનો ધીમો સળવળાટ જોવા મળ્યો છે. જોકે પાછલા વર્ષે ૨૦૧૯માં ખાસ કરીને સપ્ટેમ્બર તથા ઓક્ટોબર મહિનામાં કોલસાની ખાણો ધરાવતા વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ થતાં ગયા વર્ષે આ મહિનામાં કોલસાના ઉત્પાદનમાં તે પૂર્વેના વર્ષની સરખામણીએ આશરે ૧૮થી ૨૦ ટકાનો ઘટાડો ૨૦૧૯માં આ ગાળામાં નોંધાયો હતો. તેની સરખામણીએ હવે ચાલુ વર્ષે સપ્ટેમ્બર તથા ઓક્ટોબરમાં કોલસામાં ઉત્પાદનમાં વૃધ્ધિ દેખાઈ છે. દેશમાં કોલસાનું જે કુલ વાર્ષિક ઉત્પાદન થાય છે એ પૈકી એકલા કોલ ઈન્ડિયામાં આશરે ૮૨થી ૮૩ ટકા જેટલું ઉત્પાદન થાય છે એવું કોલસા બજારના જાણકારોએ જણાવ્યું હતું. આ ક્ષેત્રે ૨૦૨૦- ૨૧ના નાણાવર્ષના પ્રથમ ક્વોટરમાં કોલસાનું ઉત્પાદન આશરે ૨૦થી ૨૧ ટકા તથા કોલસાની માગ આશરે ૧૧થી ૧૨ ટકા જેટલી ઘટી છે. જોકે ત્યારબાદ ઓગસ્ટમાં ઉત્પાદન વૃધ્ધિ આશરે ૯થી ૧૦ ટકા તથા માગ વૃધ્ધિ આશરે ૭થી ૮ ટકા જોવા મળી છે. આ પછી સપ્ટેમ્બરમાં આવી ટકાવારી ૩૧થી ૩૨ ટકા સુધી પણ પહોંચી છે.

દેશમાં કોલસાનું ઉત્પાદન વાર્ષિક ધોરણે સરેરાશ ૭૨થી ૭૩ કરોડ જેટલું થાય છે તથા વાર્ષિક ધોરણે કોલસાની આયાત આશરે ૨૪થી ૨૫ કરોડ ટન જેટલી થાય છે. દેશમાં કોલસાનું જેટલું ઉત્પાદન થાય છે એ પૈકી આશરે ૭૫થી ૮૦ ટકા કોલસાનો વપરાશ થર્મલ પાવર ક્ષેત્રે થાય છે જ્યારે બાકીના ૨૦થી ૨૫ ટકા કોલસાનો વપરાશ નોન- પાવર ક્ષેત્ર તથા વિશેષરૂપે સ્ટીલ, સિમેન્ટ, સ્પોન્જ આયર્ન વિ. ક્ષેત્રમાં થતો રહ્યો છે. તાજેતરમાં લોકડાઉનના ગાળામાં કોલસા બજારમાં રહેતી ઔદ્યોગિક તથા કોમર્શિયલ માગ ઘટી હતી ત્યારે સામે ઘરગથ્થુ માગ તથા કૃષી ક્ષેત્રની માગ સારી રહી હતી. લોકડાઉન પછીના ગાળામાં તાજેતરમાં કોલસાના ઈ-ઓકશનમાં ભાવ ઊંચા ગયાના સંકેતો મળ્યા છે. જોકે કોરોના પૂર્વે કોલસાના ભાવ ટનદીઠ આશરે સરેરાશ રૂ.૨૩૦૦ જેટલા ઉપજતા હતા તે ભાવ હાલ તાજેતરમાં રૂ.૧૫૦૦થી ૧૬૦૦ આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા છે. કોલ કન્ઝયુમર એસોસીએશનના સૂત્રોના જણાવ્યા મુજબ કોલસાની માગમાં તાજેતરના મહિનાઓમા ચમકારો દેખાયો છે. એપ્રિલથી ઓગસ્ટના ગાળામાં પાવર ક્ષેત્રે કોલસાની માગમાં આશરે ૨૭થી ૨૮ ટકાની વૃધ્ધિ જોવા મળી છે.

દરમિયાન, દિલ્હીથી મળતા સમાચાર મુજબ દેશમાં કોલસાની માર્કેટિંગ વિષયક નિતીમાં ફેરફાર કરવાનું કેન્દ્ર સરકાર વિચારી રહી છે. કોલસાના વપરાશકારોને મહત્તમ સંતોષ મળે એવા હેતુસર આવા ફેરફારો થશે એવા સંકેતો મળી રહ્યા છે. કેન્દ્ર સરકારના કોલ એન્ડ માઈન્સ મંત્રાલયમાંથી આવા સંકેતો આવ્યા છે. મલ્ટીપલ પ્રકારના ઓક્શનોના બદલે  વન- કોમન પ્લેટફોર્મ બનાવી આ ક્ષેત્રે સરળીકરણ આવવા પ્રયાસો શરૂ થયા છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Wx9bLZ
Previous
Next Post »