નિકાસ બજારમાં ટકી રહેવા માટે ભારતે કોરોના કાળ બાદ આક્રમક પગલા લેવાના રહેશે


વર્તમાન વર્ષના સપ્ટેમ્બરમાં જોવા મળેલા વધારાએ દેશના નિકાસકારોની અપેક્ષા વધારી હતી અને કોરોનાની અસર વિશ્વમાં ઓછી થઈ છે માટે નિકાસમાં હવે વધારો જોવા મળશે તેવી નિકાસકારોને તથા દેશના નીતિવિષયકોને આશા બંધાઈ હતી. પરંતુ તેમની આ આશા ઓકટોબર બાદ નવેમ્બરમાં પણ ઠગારી નિવડી હતી. ઓકટોબરમાં ઘટયા બાદ દેશની નિકાસમાં નવેમ્બરમાં સતત બીજા મહિને ઘટાડો જોવા મળ્યો છે. ઓકટોબરમાં ૫.૧૦ ટકાની સરખામણીએ નવેમ્બરની નિકાસ ૮.૭૦ ટકા નીચી આવી છે. કોરોનાના કેસ ફરી વધવા લાગતા અને લોકડાઉનના પગલાં હાથ ધરાતા વિદેશની કેટલીક બજારોમાંથી નિકાસ માગ પર અસર પડી હતી. વર્તમાન વર્ષમાં ફેબુ્રઆરી બાદ સપ્ટેમ્બરમાં નિકાસમાં વધારો જોવા મળ્યો હતો. 

નવેમ્બરમાં નિકાસના આંકડાઓ પર નજર નાખીએ તો પેટ્રોલિયમ પ્રોડકટસની નિકાસમાં ૫૯ ટકા તથા એન્જિનિયરિંગ માલસામાનની નિકાસ ૮.૧૨ ટકા ઘટી છે. શ્રમ લક્ષી આઈટેમ્સ જેમ કે લેધર તથા તેના પ્રોડકટસની નિકાસ ૨૯ ટકા જ્યારે રેડીમેડ ગારમેન્ટસની નિકાસમાં બે ટકા ઘટાડો નોંધાયો છે. ભારતના કેટલાક વેપાર ભાગીદાર દેશોમાં નવેસરથી પ્રતિબંધો આવતા નિકાસ પર અસર પડી હોવાનો દાવો કરાઈ રહ્યો છે. નિકાસમાં ઘટાડા માટે કોરોનાની અસર ઉપરાંત ઘરઆંગણે નિકાસકારોને નડતા બીજા કેટલાક મુદ્દાઓ પણ કારણભૂત જણાવાઈ રહ્યા છે. વર્તમાન નાણાં વર્ષની વાત કરીએ તો પ્રથમ આઠ મહિનામાં નિકાસ વાર્ષિક ધોરણે ૧૭.૭૬ ટકા ઘટી ૧૭૩.૬૬ અબજ ડોલર રહી છે જ્યારે આયાત ૩૩.૫૦ ટકા ઘટી ૨૧૫.૬૯ અબજ ડોલર રહી છે. 

કોરોનાના કાળમાં નિકાસમાં જોવા મળી રહેલા ઘટાડાને ધ્યાનમાં રાખી ભારતે અનેક મુદ્દાઓ પર ધ્યાન આપવાનો સમય પાકી ગયો છે. આ મુદ્દાઓમાં માલસામાન તથા સેવામાં વૈશ્વિક સ્તરની કવોલિટી, નિકાસ નીતિમાં સ્થિરતા, ટેકનોલોજીના વપરાશમાં વધારો, ઝડપી ક્લિઅરન્સ જેવી બાબતોનો સમાવેશ થાય છે. ભારતના ઉત્પાદકો વિશ્વ બજારમાં ઊભી થતી માગને ઝડપથી પહોંચી વળાય તેવી ટેકનોલોજિકલ ક્ષમતાનો આજે પણ અભાવ ધરાવે છે. ભારતની સરખામણીએ ચીન આવી તકોને ઝડપી લેવામાં માહિર છે. કૃષિ ક્ષેત્ર ભારતના અર્થતંત્રનો મુખ્ય હિસ્સો હોવા છતાં આ ક્ષેત્રના વિકાસ માટે ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગનો અપેક્ષિત વિકાસ થયો નથી. 

ચીનના આર્થિક વિકાસમાં સૌથી મોટું યોગદાન રહ્યું હોય તો તે છે, નિકાસ લક્ષી ઉત્પાદનમાં વધારો. આર્થિક વિકાસના પ્રારંભિક તબક્કામાં આયાતી ટેકનોલોજી અને કાચા માલસામાનના આધારે ઊંચી ગુણવત્તાના નિકાસલક્ષી પ્રોડકટસ બજારમાં મૂકયા બાદ ચીને પોતાને ત્યાંજ કાચા માલનું ઉત્પાદન શરૂ કરી નિકાસલક્ષી પ્રોડકટસને સસ્તી કિંમતે બજારમાં મૂકવાનો વ્યૂહ અપનાવ્યો હતો. આને કારણે  સ્પર્ધામાં ટકી રહેવામાં ટેકો મળ્યો હતો.

ભારતની નિકાસ કામગીરી નબળી રહેવાના અનેક કારણો રહેલા છે. તાજુ જ ઉદાહરણ જોવા જઈએ તો આયાત-નિકાસ માટે આવશ્યક એવા કન્ટેનરોની અછતને લગતું છે. કોરોનાને કારણે તથા સંરક્ષણવાદની નીતિને પરિણામે વર્તમાન વર્ષમાં ભારતની આયાતમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આયાત ઘટતા કન્ટેનરોની અછત ઊભી થઈ છે જેની સીધી અસર નિકાસ પર પડવાનો ભય ઊભો થયો છે. કન્ટેનરોની અછતનો લાભ લઈ શિપિંગ લાઈન્સે કન્ટેનરના ભાડામાં વધારો કર્યો છે જેને કારણે દેશનો નિકાસ ખર્ચ વધી ગયો છે.

ભારતની સરખામણીએ ચીન કન્ટેનરની બાબતમાં ઘણું સલામત ગણાય છે. વિશ્વમાં ચીન કન્ટેનરોનું સૌથી મોટું ઉત્પાદક રાષ્ટ્ર છે.  આ ઉપરાંત વિવિધ પરવાનગીઓ  મેળવવામાં લાગી જતો સમય તથા વેરા વહીવટીતંત્ર દ્વારા કથિત  કનડગત નિકાસકારો માટે મોટી સમશ્યા બની રહે છે.આવા પ્રકારની ક્ષમતા ઊભી કરવામાં  ભારત નિષ્ફળ રહ્યું છે એમ કહીશું તો ખોટું નહીં ગણાય. કોરોનાના કાળમાં ભારતના ફાર્મા ઉદ્યોગની નિકાસમાં ઝડપથી વધારો થયો છે, પરંતુ ફાર્મા કંપનીઓએ આજે પણ એકટિવ ઈનગ્રીડિયન્ટસ તથા ખાસ પ્રકારના કાચા માલ માટે આયાત પર જ આધાર રાખવો પડે છે.

દેશની ફાર્મા કંપનીઓ પોતાના આ કાચા માલોનું ભારતમાં ઉત્પાદન શરૂ કરી શકી નથી. આ કાચો માલ મોટેભાગે ચીનમાંથી મંગાવવો પડે છે.ભારતે જો કે ઓટો ક્ષેત્રમાં આ સિદ્ધિ મેળવી છે પરંતુ તે માત્ર ઘરેલું બજાર પૂરતી જ મર્યાદિત રહી છે અને નિકાસ બજારમાં નહીં. ભારત આજે ઓટો તથા ઓટો કમ્પોનેન્ટસની વિશ્વ બજારમાં સ્પર્ધા કરવાની તાકાત ધરાવે છે, કારણ કે ઓટો માટેના કમ્પોનેન્ટસનું મોટેપાયે ઘરઆંગણે જ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. પરંતુ કોરોનાના કાળમાં ઓટો પાર્ટસની  આયાત  પણ ૩૨.૭૦ ટકા ઘટી રૂપિયા ૩૭૭૧૦ કરોડ રહી હતી જ્યારે નિકાસ ૨૩.૦૬ ટકા ઘટી રૂપિયા ૩૯૦૦૩ કરોડ રહી હતી.  

નિકાસકારોને જીએસટીના રિફન્ડસ મેળવવામાં હજુપણ  ઢીલ તથા મુશકેલીઓ  પડી રહી છે.  સસ્તા લેબરથી વિશ્વ બજારમાં ભાવની દ્રષ્ટિએ સ્પર્ધાત્મક બનવામાં લાભ થાય છે.  દેશની નિકાસને ફરી સ્પર્ધાત્મક બનાવવી હશે તો નિકાસ પ્રોત્સાહનોમાં સાતત્યતા જાળવી રાખવાની રહેશે.  છાશવારે નીતિ બદલતા રહેવાના વલણને અટકાવાશે તો જ વિશ્વ બજારમાં ભારતના માલસામાન તથા સેવા માટેનું આકર્ષણ ઊભું કરવામાં મદદ મળશે અને નિકાસ બજારમાં ટકી રહેવાશે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nDYa7J
Previous
Next Post »