સહિયર સમીક્ષા
મારા લગ્નને દસ વર્ષ થયા છે. પરંતુ હું ખુશ નથી. લગ્ન પછી મને ખબર પડી કે મારા પતિ કોઈ અન્ય યુવતીને ચાહતા હતા. પરંતુ ઘરવાળાની મરજીને કારણે તેમણે મારી સાથે લગ્ન કર્યા હતા. મારા પતિ મને પ્રેમ કરે છે. મારું ધ્યાન પ ણ રાખે છે. પરંતુ તે મારી સાથે લડે છે ત્યારે મને અસુરક્ષાની ભાવના સતાવે છે. મારી જાણ પ્રમાણે મારા પતિને હવે તેની પ્રેમિકા સાથે કોઈ સંબંધ નથી. તેના પણ લગ્ન થઈ ગયા છે. તે પણ તેના ઘરસંસારમાં સુખી છે. પરંતુ મારા મગજમાંથી આ વાત દૂર થતી નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
- એક યુવતી (સુરત)
* તમારા પતિનો વ્યવહાર અનુચિત નથી તો પણ તમે ગભરાવ છો. આમાં વાંક તમારો છે. તમારે તમારા પતિના ભૂતકાળને મોટો ઈશ્યુ બનાવવાની શી જરૂર છે? એ જ વાત મને સમજાતી નથી. ભૂતકાળને ભૂલી વર્તમાનકાળમાં જીવવાનું શીખો. ઉપરથી તમારા પતિની ભૂતપૂર્વ પ્રેમિકા તેના સંસારમાં સુખી છે. તો પછી તમારે આ વાત ભૂલી જવામાં જ હિત છે. યુવાનીમાં પ્રેમસંબંધ બંધાય એ સ્વાભાવિક છે. ભૂતકાળ ભૂલી જઈ વર્તમાન અને ભવિષ્ય પર ધ્યાન આપો.
મારી ઉંમર ૨૪ વર્ષની છે. મારે બે સંતાનો છે. મારા પતિએ એક અન્ય સ્ત્રી સાથે લગ્ન કર્યા છે અને આ લગ્ન રજીસ્ટર પણ કરાવ્યા છે. હું એમને પૂછું છું ત્યારે તેઓ આ વાતનો અસ્વીકાર કરે છે. અને મને છૂટાછેડા આપવાની ધમકી આપે છે. શું તેઓ આમ કરી શકે છે. મારી તેમ જ તેમના બીજા લગ્નની પત્નીની કાયદેસરની કઈ સ્થિતિ છે? શું તેઓ અમારું ભરણપોષણ કરવા કાયદાથી બંધાયેલા છે. મારે છૂટાછેડા જોઈતા નથી.
- એક બહેન (અમલસાડ)
તમારા કાયદેસર રીતે છૂટાછેડા થયા નથી ત્યાં સુધી તમારા પતિના બીજા લગ્ન કાયદેસર ગણાય નહીં. આથી કાયદા અનુસાર માત્ર તમે કાયદેસરના વારસ ગણાવ. અને બીજી પત્નીને તમારા પતિ પર કે તેની સંપત્તિ પર કાયદેસરનો કોઈ અધિકાર નથી. તમારે તેની બીજી પત્નીથી ગભરાવાની જરૂર નથી. કારણ કે તે તમારા હક્કો પર તરાપ મારી શકશે નહીં. કાયદેસર કાર્ય કર્યું હોવાથી તમારો પતિ તેનો લાભ ઉઠાવીને તમને તલાક આપી શકશે નહીં. તમારું અને તમારા બાળકોનું ભરણપોષણ તેમણે જ કરવું પડશે. તમારે છૂટાછેડા લેવાની કોઈ જરૂર નથી. તમારા સ્થાનિક વકીલની સલાહ લઈ આગળ પગલા ભરવા.
હું ૨૫ વર્ષની હિન્દુ યુવતી છું, ૪૦ વર્ષના મારા બોસ સાથે મારા સંબંધ છે. હું જાણું છું કે તેઓ પરિણીત છે આમ છતાં પણ હું મારી જાતને આમાંથી મુક્ત કરી શકતી નથી. અમારી વચ્ચે જાતીય સંબંધ પણ છે. શું મારે તેમની સાથે લગ્ન કરવા. લગ્ન કરુ તોે ઉંમરમાં રહેલો તફાવત અમારી વચ્ચે સમસ્યા નિર્માણ કરશે? શું મારે તેમને ભૂલી જઈ મારા માતાપિતાની મરજી મુજબ લગ્ન કરવા?
- એક બહેન (વડોદરા)
* આટલી મોટી ઉંમરના પુરુષ સાથે પ્રેમ કરીને તમે ઘણી મુર્ખાઈ કરી છે. મારી સલાહ એ જ છે કે તેને ભૂલીને તમારા માતા-પિતાની મરજી મુજબ લગ્ન કરી લો. બને તેટલી ઝડપથી આ નોકરી છોડી નવી નોકરી શોધી લો. આ સંબંધમાં આશાનું કિરણ ખોળવું મુશ્કેલ છે. આથી આ બાલિશ સંબંધ તોડી નાખવામાં જ ભલાઈ છે.
મારી ઉંમર ૨૫ વર્ષ છે. મને મારી ભાભીના ભાઈ સાથે પ્રેમ છે. તેને પણ મારી સાથે પ્રેમ છે. મારે તેની સાથે લગ્ન કરવા છે. આ વાત ઘરમાં કેવી રીતે જણાવવી?
- એક યુવતી (હાલોલ)
* તમે તમારા ભાઈ-ભાભીને તમારા મનની વાત કહી શકો છો. તમારો પ્રેમી લગ્નની જવાબદારી સ્વીકારમાં સમર્થ હોય તો તમારા લગ્નને કોઈ વાંધો આવે એવું મને લાગતું નથી. તમારા ભાઈ-ભાભીને બંનેના માતા-પિતાને સમજાવવાની જવાબદારી સોંપો.
- નયના
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nVua7v
ConversionConversion EmoticonEmoticon