લોકડાઉનમાં ઘેર બેઠેલા દર્શકોનો સાથી બની ગયેલું ઓટીટી હવે ભંગાર ફિલ્મો માટે આશ્રયસ્થાન બની ગયું છે?


લોકડાઉનમાં થિયેટરો બંધ હોવાથી અને નાગરિકો ઘરમાં કેદ હોવાથી ઓટીટી મનોરંજન માટેનું એકમાત્ર સાધન બની ગયું હતું. ઓટીટીએ ઘણી ફિલ્મનોને મંચ પૂરુ પાડયુ હતું.

ઓટીટીના લાભ અનેક હતા પણ હવે ગેરલાભ નજરે પડી રહ્યા છે. સંજય દત્ત અને આલિયા ભટ્ટની બહુ ચર્ચિત સડક ૨ દર્શકોની અપેક્ષા મુજબ ન નીકળી. ઉપરાંત અક્ષયની લક્ષ્મી પણ ઉણી ઉતરી. સુશાંત રાજપૂતની ગયા વર્ષે રજૂ થયેલી ડ્રાઈવને પણ મોળો પ્રતિસાદ મળ્યો. હવે એવું જાણવા મળે છે કે વરુણ ધવન અને સારા અલી ખાનની કૂલી નં.૧ને રજૂ કરવા અગાઉ એક ઓટીટી મંચે તેના વિશેષ સ્ક્રીનિંગની માગણી કરી છે.

એનો અર્થ એવો થયો કે મોડેથી પણ ઓટીટી મંચોને જાણ થઈ છે કે તેમનો ઉપયોગ ભંગાર ફિલ્મોને ફેંકી દેવા માટે કરવામાં આવતો હતો.

જો કે કેટલાક જાણકારોનું માનવું છે કે ઓટીટીને ભંગાર ફિલ્મોની કચરા પેટી કહેવું ખોટું છે કારણ કે દરેક ક્ષેત્રની જેમ અહીંં પણ સફળતા અને નિષ્ફળતા સહન કરવી પડે છે.

બીજી તરફ ફિલ્મ નિર્માતાઓ પણ જણાવે છે કે તેમણે ઓટીટીનો ઉપયોગ ખરાબ ફિલ્મોના પ્રદર્શન માટે નથી કર્યો. અભિષેક બચ્ચન સાથે બિગ બુલ બનાવનાર આનંદ પંડિતે જણાવ્યું કે કેટલીક ફિલ્મો ઓટીટી પર પસંદ ન આવી તે કમનસીબી કહેવાય. એનો અર્થ એવો નથી કે ઓટીટીનો ઉપયોગ કચરા પેટી તરીકે થઈ રહ્યો છે. અહીં પણ ફિલ્મો વેંચવી આસાન નથી. આપણા દેશમાં માત્ર ગણ્યા ગાંઠયા ઓટીટી મંચ છે. તેમને દર બેથી ત્રણ મહિને એક નવી ફિલ્મની જરૂર હોય છે. બીજી તરફ થિયેટરમાં દર અઠવાડિયે બેથી ત્રણ ફિલ્મની જરૂર હોય છે.

ઉલ્લેખનીય છે કે લૂટકેસ જેવી નાની ફિલ્મ ઓટીટી પર લોકોનું ધ્યાન ખેંચી ગઈ હતી. ફિલ્મના દિગ્દર્શકે જણાવ્યું કે દર્શકો હવે પોતાની પસંદગી બાબતે અત્યંત સજાગ થઈ ગયા છે. ઉપરાંત ઓટીટી પર તમારે વિશ્વની શ્રેષ્ઠ ફિલ્મો સાથે સ્પર્ધા કરવાની હોય છે.

એક ઓટીટી મંચના નિર્માતાએ જણાવ્યું કે હવે અમને ફિલ્મ રજૂ થવા અગાઉ તેના વિશે વધુ જાણકારી મળે છે જે અગાઉ શક્ય નહોતું. ફિલ્મ નિર્માતાઓએ પણ જણાવ્યું કે ઓટીટી મંચ ફિલ્મ મેળવવા અથવા તેનું નિર્માણ કરવા માટે સારી એવી રકમ ખર્ચે છે. ઉપરાંત કોઈપણ નિર્માતા તેની ફિલ્મ કેટલા લોકોને પસંદ આવી તેની સાચી હકીકત ક્યારેપણ નથી જણાવવાનો. એથી ઓટીટીનો ઉપયોગ નિર્માતાઓ કચરા પેટી તરીકે કરી રહ્યા છે તે વાતમાં સચ્ચાઈ નથી.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2W39fmy
Previous
Next Post »