ખોબેખોબા રોમાંસ રેડનાર સિંગર ઉદિત નારાયણ


એ ક અભિનેતાની સફળતામાં એના ભાગ્ય અને પરિશ્રમ ઉપરાંત ઘણાં બધા લોકોનો ફાળો હોય છે. લેખક, દિગ્દર્શક, ગીતકાર, સંગીતકાર, કોરિયોગ્રાફર, ફોટોગ્રાફર, મેકઅપમેન વગૈરે વગૈરે. સુપરસ્ટાર શાહરુખ ખાનની જ વાત કરીએ. એક અંદાજ મુજબ શાહરુખના દુનિયા આખીમાં મળીને ૩ અબજથી વધુ ફેન્સ છે. છેલ્લા ૩ દાયકાથી એ લોકોના દિલો પર રાજ કરી રહ્યો છે. રોમાંટિક ફિલ્મોએ અભિનેતાને પ્રચંડ લોકપ્રિયતા અપાવી છે. આ ફિલ્મોની સફળતામાં એના ગીતકાર અને સંગીતકાર ઉપરાંત એના ગાયકનો પણ અમૂલ્ય ફાળો છે. એ ગાયક છે ઉદિત નારાયણ. દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે (૧૯૯૫), દિલ તો પાગલ હૈ (૧૯૯૭) અને કુછ કુછ હોતા હૈ (૧૯૯૮) કિંગ ખાનની સૌથી મોટી રોમાંટિક હિટ છે. આ ત્રણેય ફિલ્મોના રોમાંટિક સોંગ્સને ઉદિત નારાયણે પોતાની ગાયકીથી એવા બહેલાવ્યા છે કે આજે બે દાયકા પછી પણ એ બધા ગીત આપણને એકદમ તરોતાજા લાગે છે. ઉદિતે ગીતના શબ્દોને પોતાના વેલ્વેટ વોઇસથી એવા પરોવ્યા કે પડદા પર ખાનને બંને હાથ પહોળા કરી ગીતો ગાતી જોઈને યુવિતો એની દિવાની થઈ ગઈ.

ઉદિત નારાયણના કંઠે એક લાંબા અરસા સુધી રોમાંસને હિન્દી ફિલ્મોનો આત્મા બનાવી દીધો હતો એમ કહીએ તો એમાં અતિશયોક્તિ નથી. શાહરુખ જેવા જ એક બીજા ખાન સુપરસ્ટારની વાત કરીએ. આમિર ખાનની ડેબ્યુ ફિલ્મ 'કયામત સે કયામત તક' ૧૯૮૮માં રિલીઝ થઈ. એ વખતે હજુ એક્શન ફિલ્મોનો પુરેપુરો સૂર્યાસ્ત નહોતો થયો. એક્શન ફિલ્મો દર્શકોને હજુ ગમતી હતી. એવા સમયમાં આમિરની રોમાંટિક ડેબ્યુ ફિલ્મ કયામત સે કયામત તક સુપરહિટ થઈ ગઈ. ફિલ્મોના રોમાંસને પ્રેક્ષકોએ ઉમળકાભેર વધાવી લીધો. એનો ઘણો બધો શ્રેય આનંદ-મિલિન્દના સંગીત, મજરૂહ સુલતાનપુરીના ગીતો અને ઉદિત નારાયણની સુમધુર ગાયકીને જાય છે. આજે ૩ દાયકા પછી પણ આપણને ફિલ્મના ગીતો સાંભળવાની મજા પડે છે. પછી એ 'પાપા કહેતે હૈં બડા નામ કરેગા' હોય, 'અય મેરે હમસફર' હોય કે 'અકેલે હૈં તો ક્યા ગમ હૈ' હોય. એ વખતે નવા નવા આવેલા ઉદિતે કયામત સે કયામત તકના સોંગ્સમાં પોતાનો જીવ રેડી દીધો હતો. એણે મજરૂહના ગીતોના દરેક શબ્દને પોતાની કર્ણમંજુબ ગાયકીથી એક નવો અર્થ આપી દીધો. ટુંકમાં, આમિર ખાનની કરીયર બનાવવામાં પણ આ 'નારાયણ'નો ફાળો નાનોસુનો નહોતો.

૧૯૮૭માં વર્સેટાઇલ ગાયક કિશોર કુમારના આવસાન સાથે હિન્દી ફિલ્મોના ગીતોમાં એક શૂન્યાવકાશ સર્જાયો હતો. એ અરસામાં શબ્બીર કુમાર, સુરેશ વાડકર, અમિત કુમાર અને મોહમ્મદ અઝીઝ દંતકથારૂપ ગાયકો મોહમ્મદ રફી અને કિશોર કુમાર જેવો જાદુ પાથરવા ભરસક પ્રયાસ કરી રહ્યા હતા. એ વખતે ઉદિત નારાયણનો ઉદય થયો. એક દશક સુધી સંઘર્ષ કરીને લાઇમલાઇટમાં આવેલા આ સિંગર ધીમે ધીમે સફળતાની સીડી ચડવા લાગ્યો. ૧૯૯૦ના દાયકાની શરૂઆતમાં એને કુમાર સાનુની લોકપ્રિયતા પણ નડી. પરંતુ ઉદિતને કયામત સે કયામત તક અને દિલ જેવી ફિલ્મો બાદ આમિર ખાનના વોઇસ તરીકે માન્યતા મળ્યા બાદ એણે પાછુ વળીને જોવુ નહોતું પડયું.

૧૯૯૫થી ૨૦૦૫ સુધી નારાયણે મોટાભાગે આનંદ-મિલિન્દ અને જતીન-લલિત જેવા યુવાન સંગીતકારો માટે જ ગીતો ગાયા. પરંતુ પછી એમની પ્રતિભાનો પરિચય થતા એ. આર. રહેમાન, નદીમ-શ્રવણ, વિજુ શાહ, રાજેશ રોશન અને અનુ મલિકે પણ એમને પોતાની ટીમમાં સામેલ કર્યા. એમાં ઉદિતની ગાયકીને એક નવો ટચ મળ્યો.

નવા મિલેનીયમમાં બોલીવુડમાં એક નવા મેગાસ્ટાર હૃતિક રોશનનો ઉદય થયો. હૃતિકે પહેલી જ ફિલ્મ 'કહો ના પ્યાર હૈ' પોતાનો સિક્કો જમાવી દીધો. આ ફિલ્મમાં પણ અભિનેતાના કાકા સંગીતકાર રાજેશ રોશને સરસ રોમાંટિક ગીતો આપ્યા, જેમાં ઉદિતે ગાયેલુ 'પ્યાર કી કશ્તી મેં' સર્વોપરિ પુરવાર થયું. એ પછી આમિર અને શાહરુખની જેમ નારાયણે હૃતિકના પણ ઘણાં યુગલ ગીતોને પોતાના મખમલી અવાજથી ચાર્ટબસ્ટર બનાવી દીધા.

૨૦૧૦ પછી ઉદિત નારાયણની કરીયરની ગાડી ધીમી પડતી ગઈ અને આજે અરિજિત સિંહ અને અર્માન મલિકે એમનું સ્થાન લઈ લીધું છે. પરંતુ ૧૯૯૦ના દશકના ગીતોની વાત આવે ત્યારે ઉદિત નારાયણનો ઉલ્લેખ કર્યા વિના કોઈ રહી ન શકે. આજે આટલા વરસો પછી પણ એમના ગીતો સાંભળીએ ત્યારે એક અજીબ પ્રકારનો રોમાંચ દિલોદિમાગ પર છવાઈ જાય છે. લતાદીદીએ પણ 'દિલ તો પાગલ હૈ'ના વર્ષા-ગીતમાં જાણે ઉદિત નારાયણ માટે જ ગાયું છે ઃ

'કોઈ લડકા હૈ, જબ વો ગાતા હૈ,

સાવન આતા હૈ, ધુમડ ધુમડ ધુમ ધુમ.'



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3muC5qK
Previous
Next Post »