સા માન્યપણે બોલીવુડમાં કોઈ ફિલ્મ હિટ કે સુપર હિટ થાય ત્યારે એના કલાકારોને એનો લાભ મળે છે. નવા આવેલા એકટરોની ગાડી ઇન્ડસ્ટ્રીમાં પુરપાટ દોડવા માંડે છે. યશરાજ ફિલ્મસની શાહરુખ ખાન સ્ટારર સુપર હિટ ફિલ્મ 'ચક દે! ઇન્ડિયા' એમાં એક દુખદ અપવાદ બની ગઈ છે. ફિલ્મમાં મહિલા હોકી પ્લેયરો તરીકે ચમકેલી એક પણ અભિનેત્રીને બોલીવુડમાં સફળતા નથી મળી. એમાં વિદ્યા માલવડેનો પણ સમાવેશ છે. ૨૦૦૭માં રિલીઝ થયેલી ચકદેમાં વિદ્યાએ હોકી ટીમની કેપ્ટનનો રોલ કર્યો હતો. પહેલી જ ફિલ્મને દર્શકોનો જબર્જસ્ત પ્રતિસાદ મળતા વિદ્યાને એકટર તરીકે સફળ થવાની આશા બંધાણી હતી, જે સમયાંતરે ઠગારી નીવડી.
થોડા જ વખતમાં ગણીગાંઠી ફિલ્મોમાં ક્ષુલ્લક રોલ કર્યા બાદ માલવડેની કરીયરનો ધ એન્ડ આવી ગયો. એવું તે શું બન્યું કે અભિનેત્રીની કારકિર્દીનું બાળમરણ થઈ ગયું? વિદ્યા જરાય ખચકાયા વિના એકદમ સ્વસ્થતા સાથે એનો જવાબ આપે છે, 'સર, ચકદે! ઇન્ડિયા કે બાદ મૈંને નાના પાટેકર, સંજય દત્ત ઔર સુનીલ શેટ્ટી જૈસે બડે હિરો કે સાથ ફિલ્મેં સાઇન કી થી, પરંતુ એ ફિલ્મોની સ્ક્રીપ્ટ એકદમ ભંગાર હતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ મંદી ઘેરી વળતા ફિલ્મો ફ્લોપ થઈ રહી હતી. પછી મને પોતાને પણ એમ લાગ્યું કે હું ફિલ્મોમાં ઝાઝુ યોગદાન આપી શકું એમ નથી. એટલે બોલીવુડમાં મેં જોયેલું મોટુ સપનું ચકનાચુર થઈ ગયું. એ વખતે એકટરો માટે બીજા વૈકલ્પિક પ્લેટફોર્મસ નહોતા એટલે મારી પાસે ઇન્ડસ્ટ્રીને બાય બાય કહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. જોકે, હવે હું કમબેક કરી રહી છું. ઓટીટી પ્લેટફોર્મસ પર મારી ઘણી વેબ સિરીઝ રિલીઝ થવાની છે. હવે મારા જીવનમાં મોટુ પરિવર્તન આવ્યું છે. મને આજે બોલીવુડમાં સફળ ન થવાનો બહુ અફસોસ નથી થતો. ફિલ્મોનો ઢાંચો પણ હવે તો બદલાયો છે. ફિલ્મો સ્ટાર પાવર પર ચાલતી નથી અને એમાં હવે માત્ર એકટર, એકટ્રેસ મહત્ત્વના નથી રહ્યા.'
વિદ્યા ધીમે ધીમે ખુલી રહી હોવાથી અમે એની સામે એક દરખાસ્ત મુકીએ છીએ, 'વિદ્યા, તારા જીવનના કપરા સમય વિશે વિસ્તારથી જણાવ. અમારા વાચકોને એ જાણવું ગમશે.' એકટ્રેસ હસતા ચહેરે અમારી દરખાસ્ત સ્વીકારી લેતા કહે છે, 'સર, મેરી લાઇફ બહોત ટફ રહી હૈ, અને બોલીવુડમાં પગદંડો જમાવવો તો બહુ જ અઘરો હતો. ઇન્ડસ્ટ્રીના શરૂઆતના વરસોમાં મારા પર ૨૪ટ૭ રૂપાળા દેખાવાનું પ્રેશર રહેતું. હું મારા લુક વિશે બીજા લોકોના મત માગ્યા કરતી. ફિલ્મો છોડી દીધા બાદ મને બ્રહ્મજ્ઞાાન લાદ્યું કે તમે પોતાને જેવા છો એવા સ્વીકારી લો એટલે બધુ બદલાઈ જાય છે. તમને જીવન સુંદર લાગવા માંડે છે. કોરોના મહામારી દરમ્યાન મેં ઘણા લોકોને યોગ શીખવાડીને મદદ કરી છે. એમને પણ મેં પોતાની જાતને સહર્ષ સ્વીકારતા શીખવ્યું છે. એને લીધે ઘણા ઘરમાં સુખ-શાંતિ આવી છે. આજે મારું લગ્નજીવન એકદમ ખુશખુશાલ છે. મને બાગકામનો શોખ છે અને મારો એક પેટ ડોગ પણ છે. એ મને બહુ આનંદમાં રાખે છે.
બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે વિદ્યા માલવડે એક સારી યોગ પ્રશિક્ષક છે. 'તુ કેટલા સમયથી યોગ કરે છે અને તારા જીવનમાં યોગનું કેટલું મહત્ત્વ છે?' એમ વિદ્યાને એક છેલ્લો પ્રશ્ન કરી લઈએ છીએ. એ શાંતિથી જવાબ આપે છે, 'હું લગભગ ૧૨ વર્ષથી નિયમિત યોગાભ્યાસ કરું છું. ૨૦૦૦ની સાલમાં મારા પહેલા પતિનું એક વિમાની અકસ્માતમાં મોત થતા મારી પર્સનલ લાઇફમાં ઝંઝાવાત આવ્યો હતો. મારુ જીવન વિકેરાઈ ગયું હતું અને ત્યારે યોગ મારી મદદે આવ્યો. યોગને લીધે મારામાં ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે વર્ણવ્યો છે એવો નિર્લેપ ભાવ આવ્યો. મને એક તટસ્થ દ્રષ્ટિ મળી અને મારા જીવનમાં શાંતિ પાછી ફરી.
છેલ્લા છ વરસથી હું યોગની તાલિમ પણ આપું છું. યોગના વર્કશોપ્સ યોજવા હું લંડનથી લખનઉ સુધી આખી દુનિયા ઘુમી વળી છું. મને એમાંથી ઘણું બધું શીખવા મળ્યું છે. તમે યોગની જેટલા નજીક જાવ એટલા તમારા વિચારોના સીમાડા વિસ્તરતા જાય. તમે એક પ્રકારનો દિવ્ય આનંદ અનુભવતા થઈ જાવ.'
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nwnmwH
ConversionConversion EmoticonEmoticon