માણસાઈનો ટેસ્ટ કરવો એટલે માણસની વૃત્તિ અને પ્રવૃત્તિ તરફ નિગરાની રાખવી. માણસાઈનો ટેસ્ટ એટલે અંતરાત્માનો અવાજ સાંભળવો ચિં તકોનું કહેવું થાય છે કે આ જિંદગી એક કસોટી છે. ડગલેને પગલે માણસને ટેસ્ટ આપવો પડે છે. જીવનના વિવિધ તબક્કાઓમાં માણસે અભ્યાસથી લઈ રમતગમત તેમજ વ્યવહારિક ક્ષેત્રે અલગ-અલગ ટેસ્ટમાંથી પસાર થવું પડે છે. અભ્યાસમાં પાસ થવા મોટેભાગે ગોખણપટ્ટીનો ઉપયોગ થતો હોય છે. જ્યારે રમતગમત તેમજ કલાઓમાં રાત-દિવસ રીયાઝ કરવો પડતો હોય છે. માણસની અથાગ મહેનત, એનો પરિશ્રમ એની શ્રધ્ધા એનું સપનું માણસને મંઝિલે પહોંચાડવામાં મદદ કરે છે.
જેમ દરેક માણસ એક સરખો નથી હોતો તેમ દરેક માણસની જિંદગીની કસોટી પણ અલગ અલગ હોય છે. દરેકના ટેસ્ટ જુદા જુદા હોય છે. માણસ જ્યારે પોતાની જિંદગીમાં આવતા ટેસ્ટને સુપેરે પસાર કરે છે ત્યારે એને ગૌરવ કે ગુમાનની પ્રતિતિ થતી હોય છે. કેટલાકને આત્મજ્ઞાાન પણ થાય છે.ળ
આજકાલ ગૌરવ કે ગુમાન નહિં, પણ હાશકારનો ટેસ્ટ ચાલી રહ્યો છે. કોરોના વાયરસનો ટેસ્ટ કરાવતાં લોકો ડરી રહ્યા છે. કોરોનાનો ટેસ્ટ નેગેટિવ આવતાં માણસે ઇડરીયો ગઢ જીત્યો હોય એવું ફીલ થતું હોય છે. જ્યારે પોઝિટીવ આવે તો ઘરમાં તેમજ આજુબાજુ ચિંતાનું મોજું ફરી વળે છે. સામાન્ય તાવ, શરદી કે ઉધરસ આવે તો લોકો એકવાર કોરોના ટેસ્ટ કરવાની સલાહો આપતા હોય છે. અને ટેસ્ટ કરાવતી વખતે પોતાના ઇષ્ટદેવને કોરોના નેગેટીવ આવે એવી મનોમન પ્રાર્થના પણ થતી હોય છે. આજદીન લગી પોઝિટીવીટીના ગુણલા ગાતો માણસ કોરોનાના કિસ્સામાં નેગેટિવિટી ઇચ્છતો થઈ જાય છે.
જો કે કોરોના વાયરસ તો હમણાં આવ્યો. પણ અત્યાર સુધી આપણે માણસ છીએ તો આપણી માણસાઈનો ટેસ્ટ કરવાનું આપણને હજુસુધી સુઝ્યું નથી. માણસ છીએ તો માણસાઈનો ટેસ્ટ તો હોવો જ જોઈએ ને ? સવાલ એ થાય કે ધારો કે માણસાઈનો ટેસ્ટ થયો તો એ પોઝિટિવ હોવો જોઈએ કે નેગેટિવ ? માણસ છીએ તો માણસાઈ તો હોવી જ જોઈએ. કોરોનાનો ટેસ્ટ નેગેટીવ ચાલે, પણ માણસાઈનો ટેસ્ટ તો પોઝિટીવ જ હોવો જોઈએ. જો માણસાઈનો ટેસ્ટ નેગેટિવ આવે તો ખાના-ખરાબી સર્જાય. એટલે તો ગાળ બોલીએ છીએ..' મારા હાળા માણસાઈ તો રાખ..!!'
માણસાઈના ટેસ્ટના મશીનો હજુ શોધાયા નથી. શોધવાના પણ નથી. માણસાઈનો ટેસ્ટ કરવાની હોસ્પીટલ એટલે માણસનું મન અને હૃદય. માણસના આચાર અને વિચાર. માણસાઈનો ટેસ્ટ કરવો એટલે માણસની વૃત્તિ અને પ્રવૃત્તિ તરફ નિગરાની રાખવી. માણસાઈનો ટેસ્ટ એટલે અંતરાત્માનો અવાજ સાંભળવો. આપણી ચોપાસ હરતા-ફરતા તેમજ સંપર્કમાં આવતા દરેક માણસમાં માણસાઈ ભરેલી હોય એવું તમે છાતી ઠોકીને ન કહી શકો. મોટેભાગે તો હાલતા-ચાલતા પૂતળા જ દેખાય.
જેનો માણસાઈનો ટેસ્ટ નેગેટિવ છે એવા લોકો જ સમાજને, દેશને, અર્થતંત્રને તથા એક આખી વ્યવસ્થાને ડામાડોળ કરી બગાડી નાખે છે. ભ્રષ્ટાચાર, અનીતિ, બેઈમાની, ચોરી, છેતરપિંડી, દગો, પ્રપંચ, કાવા- દાવા, હિંસા, હત્યા આ બધા જ લક્ષણો તમારી માણસાઈ નેગેટિવ છે એ સાબિત કરે છે. જો તમારી માણસાઈ પોઝિટિવ હશે તો તમારામાં દયા પ્રેમ, કરૂણા ,નીતિ, સચ્ચાઈ, આનંદ, ઉત્સાહ, ઉમંગ કાયમ ટકેલા રહેશે. અમુક માણસો અલગ અલગ ભ્રમમાં જીવતા હોવાથી તેઓ માણસાઈ ખોઈ બેસે છે. એટલે એક ધર્મપ્રેમી માણસે પોતાની માણસાઈને જીવંત કરવા પહેલા તો પોતાની ભ્રમણાઓને ઓળખી એને ભાંગવી પડશે. તો જ માણસાઈ ફૂટે. ભ્રાંતિઓ નાબૂદ કરવાને માણસાઈ પ્રગટાવવા રાજેસ વ્યાસ મિસ્કીન સાહેબે સુંદર ટકોર કરી છે.
તારું કશું ન હોય તો છોડીને આવ તું.
તારું બધું જ હોય તો છોડી બતાવતું.
- અંજના રાવલ
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/388WeNS
ConversionConversion EmoticonEmoticon