મા નવ જીવનમાં બાહ્યાચારો એ કોઈ સાધના જ નથી, એટલે યોગની સાધનાને બાહ્યાચારો સાથે કોઈ લાગતું વળગતું જ નથી એ માનવજાતને પ્રથમ સમજી લેવા જેવી હકીકત છે.
યોગ એ કોઈ મીમાંસા કે બાહ્યાચારી ધર્મની પેઠે તત્વજ્ઞાાનની પુસ્તકોની દલીલો કે માન્યતાઓ પર આધારિત નથી. તે તો પ્યોરલી માણસના આંતરિક અનુભવ પર જ આધારિત છે.
આમ યોગ એ માત્રને માત્ર માણસની આંતરિક અનુભૂતિ અને સાક્ષાત્કાર પર જ આધારિત છે, અને દરેક માણસની અનુભૂતિ જુદી હોય છે.
એટલે માણસનો જેવો પોતાનો સ્વભાવ હોય છે, જેવા વિચાર હોય છે, જેવી વૃત્તિઓ હોય છે, ભાવનાઓ હોય છે, તે અનુસાર સત્યની અનુભૂતિ થતી હોય છે.
પરમતત્વ એટલું વિશાળ છે, કે તેને કોઈ પણ સમગ્ર રીતે જાણી શકે કે સમજી શકે જ નહીં અને અનુભવી શકે નહીં, પરમતત્ત્વ એટસે સમગ્ર અસ્તિત્વ.
યોગની કે કોઈપણ આંતરિક સાધના દ્વારા પરમ આંતર શુધ્ધતા પ્રાપ્ત થતાં જ માત્ર કોઈ એક બિંદુ જેટલુ સત્ય સાધના દ્વારા જ જાણી શકાય છે. આમ એક બિંદુ જેટલી જ અનુભૂતિ થઈ શકતી હોય છે, તે સ્વાભાવિક છે.
એટલે યોગની સાધનાને એક લાકડી ચલાવી શકાય નહીં, દરેક માણસે માણસે અનુભુતી જુદી હોય છે, અને એક વિષયને લઈને યોગ હંમેશા આગળ વધે છે.
આમ યોગ એ કોઈ જાહેર સ્થળે કરવાની કે દેખાડવાની પ્રવૃત્તિ નથી, કે ટોળામાં કરવાની પ્રવૃત્તિ પણ નથી.
તે તો એકલાએ જ કરવાની આંતર સાધના છે, યોગનો સાક્ષાત્કાર તો માણસને એક વિરાટ સચેતન અને પરમાત્માના સત જોડે મિલન અને આપણને દ્વેતમાંથી અદ્વેતમાં સ્થિર કરીને આ લૌકિક અને અદ્ભુત એવા આંતરજ્ઞાાનમાં સ્થિર કરે છે.
આચાર્ય શંકરાચાર્યના કહેવા અનુસાર જ્ઞાાન જેવી પવિત્ર ચીજ આ દુનિયામાં કોઈ જ નથી, અને જ્ઞાાન એ જ મુક્તિ છે, તેની પ્રાપ્તિ આંતરિક નિદિ ધ્યાસન દ્વારા જ થાય છે, એનું નામ જ યોગ છે. શંકરાચાર્યે તો કર્મકાંડો અને કર્મ ક્રિયાઓ દ્વારા કશું પણ પ્રાપ્ત થાય જ નહિ, તેમ સ્પષ્ટ કહ્યું છે, આમ જોવા જઈએ તો એ કોઈ સાધના જ નથી.
યોગ દ્વારા જ પરમ તત્ત્વ સાથે મિલન હમેશા તાજો કરી શકાય અને અંતરમાંથી જ પારખી શકાય એવો એ અદ્રષ્ટ સત્તા જોડેના અદ્વેતનો સચેતન સાક્ષાત્કાર સ્થૂળ પાર્થિવ જગતના અને દ્રશ્ય વસ્તુઓના આપણા જ સચેતન અનુભવ જેટલો સત્ય અને વાસ્તવિક હોય છે એવા દ્રશ્ય રૂપોની અદ્રશ્ય બુધ્ધિમય ભૂમિકા જોડે રોજ આપણે સતત આપલે કરતા જ હોઈએ છીએ.
યોગની પ્રગતિ સચેત અદ્વેત દ્વારા જ થાય છે. આમ સચેતન કારણનો આશરો લઈને જ યોગની સાધના થઈ શકે છે. જ્યારે અચેતન જોડે સચેતનનું અદ્વેત સ્થાપન કરી જ ન શકાય તે વાસ્તવિક સત્ય છે.
આમ યોગની સાધનાનો એ સાક્ષાત્કાર માનવ ચૈતન્યથી પર જ છે, તથા સમાધિની અવસ્થામાં માનવ ચૈતનની સામાન્ય દશાથી તેનું ચૈતન્ય પર જાય છે.
પરંતુ એનો અર્થ એવો તો નથી થતો કે માનવની ચેતનાનો વિનાશ થાય છે, તેમાં જ માનવતાની વર્તમાન મર્યાદાઓનું ફક્ત ઉલ્લંઘન કરી માનવ ચેતન તેની સપાટી પર જતી રહે છે અને પરમ ચેતનામાં તે વિલીન થાય છે. આમ યોગનો સાધક પોતે આમુલ પરિવર્તિત થઈ જાય છે. પોતે આંતરિક રીતે પરમ શુધ્ધ અને સ્થિર થઈ જાય છે અને પોતાના સમગ્ર જીવનમાં આત્મિક સત્યાચરણમાં સ્થિર થઈ રહે છે.
યોગનો સાધક કદી પદાર્થની પકડમાં કે અહંકારમાં કે લાભ લોભમાં કે આસક્તિ કે મોહમાં ફસાયેલો હોય શકે જ નહીં, તે માનવના પ્રકારના તમામ દુર્ગુણોથી મુક્ત હોય છે અને ત્રિગુણાતીત અવસ્થામાં સ્થિર હોય છે. આ છે યોગની સિધ્ધી.
- તત્વચિંતક વી. પટેલ
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nuXqSb
ConversionConversion EmoticonEmoticon