'પ્રે મના નવા પ્રમેય બનાવીએ... દિલ કહે ચાલને ગણિત ગણિત રમીએ... સુખોનો સરવાળો અને દુઃખોની બાદબાકી કરી, ચાલ ને પ્રેમના નવા સમીકરણ બનીએ...' આ પંક્તિઓ વાંચતાની સાથે જ એવો વિચાર આવવો સ્વાભાવિક છે કે, 'કોરોનાના કઠણાઇભર્યા આ કાળમાં પ્રેમપિપાસાંમાં સરી પડાય તેવું કંઇક રોમેન્ટિક વાંચવા તો મળશે...' આ વિચાર આવ્યો હોય તો તેને તાત્કાલીક ધોરણે દિમાગના કમ્પ્યુટરમાંથી 'કન્ટ્રોલ એક્સ' દબાવી વિદાય જ આપી દેજો. કેમકે, આપણે આજે 'લવ'ની નહીં પણ 'લવ' એટલે કે શૂન્ય સાથે જે નાતો ધરાવે છે તે ગણિતની વાત કરવાની છે.
વાત જાણે એમ છે કે, ૨૨ ડિસેમ્બરે દિગ્ગજ ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજની જયંતિ છે અને ૨૦૧૨ના વર્ષથી આપણા દેશમાં તેની ઉજવણી 'નેશનલ મેથેમેટિક્સ ડે' તરીકે કરવામાં આવે છે. ગણિત એક એવો વિષય છે જેનું નામ પડતાં જ મોટાભાગના વિદ્યાર્થીઓનું હૃદય ટેન્શનને કારણે 'બુલેટ ટ્રેન'ની ઝડપે ધબકવા લાગે, તો કોઇને વળી ઠંડીમાં પણ એવા વિચારે પરસેવો છૂટી જાય કે, પરીક્ષા બાદ અનેક વિદ્યાર્થીઓને વિચાર આવતો હશે કે, 'બાકી બધા વિષયમાં તો આરામથી પાસ થઇ જઇશું, આ ગણિત મારી માર્કશીટનું ગણિત બગાડશે. 'પરંતુ આજે એવા દિગ્ગજની વાત કરવાની છે જેમણે ગણિતના ક્ષેત્રમાં સફળતા હાંસલ કરીને આપણા દેશની ખ્યાતિ પણ વધારી છે.
આ ગણિતશાસ્ત્રી એટલે શ્રીનિવાસ રામાનુજન. ૨૨ ડિસેમ્બર ૧૮૮૭ના તામિલનાડુના ઇરોડમાં જન્મેલા શ્રીનિવાસ રામાનુજન નોખી માટીના હતા અને તેની પ્રતિતિ તેમના વિદ્યાર્થીકાળમાં જ થઇ ગઇ હતી. બન્યું એમ કે, સ્કૂલમાં ગણિતની પરીક્ષા વખતે એવી સૂચના આપવામાં આવી કે સાતમાંથી કોઇ પણ પાંચ દાખલા ગણો. રામાનુજને સાતેય દાખલાનો ઉત્તર આપી દીધો, આ પછી ઉત્તરવહીની શરૂઆતમાં મોટા અક્ષરે લખ્યું કે, 'કોઇ પણ પાંચ જવાબ ચકાસો.' રામાનુજનના પિતા કાપડના વેપારીને ત્યાં મુનિમ હોવાથી તેમની આર્થિક સ્થિતિ સાધારણ હતી. પરંતુ ગણિતના વિષયમાં રૂચી હોવાથી તેમને સ્કોલરશિપ મળતી ગઇ અને હાઇસ્કૂલ સુધી પહોંચ્યા હતા. પરંતુ ગણિત સિવાયના વિષયમાં તેમનો દેખાવ સાારણ હોવાથી તેમની સ્કોલરશિપ અટકી અને સાથે અભ્યાસ ઉપર પણ બ્રેક લાગી ગયો હતો.
અભ્યાસ અટકી પડતાં રામાનુજને પોર્ટમાં નોકરી શરૂ કરી અને ૧૯૧૩માં કેમ્બ્રિજની પ્રખ્યાત ટ્રિનીટી કોલેજના ગણિતશાસ્ત્રી વોકર સાથે તેમનો પત્ર પરિચય થયો. વોકર રામાનુજનની પ્રતિભાથી અંજાઇ ગયા હતા અને તેમણે પત્ર દ્વારા પૂછયું કે 'વધુ અભ્યાસ શા માટે નથી કરતા ?' રામાનુજને પત્ર લખીને એમ ઉત્તર આપ્યો કે, 'હું બીજા વિષયમાં નબળો હોવાથી મને મદ્રાસની કોલેજમાં એડ્મિશન મળતું નથી. 'આ વાત જાણને ટ્રિનીટી કોલેજના ગણિતશાીએ મદ્રાસ યુનિવસટીના વડાને પત્ર લખીને રામાનુજનને એડમિશન અપાવવા ભલામણ કરી. રામાનુજનને કેળ એડ્મિશન મળ્યું પણ તે સમયે ખૂબ જ ઊંચી કહેવાય તેવી તેવી ૭૫ રૂપિયાની સ્કોલરશિપ પણ મેળવી. અભ્યાસ દરમિયાન તેમણે કેમ્બ્રિજ યુનિવસટીના પ્રો. હાર્ડી સાથે પત્રમૈત્રી વિકસાવી. પ્રો. હાર્ડી પણ રામાનુજનથી પ્રભાવિત થયા અને તેમણે રામાનુજનને કેમ્બ્રિજમાં અભ્યાસ કરવા આમંત્રણ આપ્યું. જોકે, રામાનુજને પરદેશમાં અભ્યાસ કરવાની વાત કરી તો એ સમયના રૂઢિચુસ્ત લોકોએ તેમનો એમ કહીને વિરોધ કર્યો કે દરિયો પાર કરવાથી ધર્મ ભ્રષ્ટ થઇ જાય.
લોકોના અભિપ્રયાની પરવા કર્યા વિના રામાનુજન કેમ્બ્રિજમાં અભ્યાસ માટે પહોંચી ગયા અને તે સમયે તેમની પાસે કોઇ ડિગ્રી નહોતી. કેમ્બ્રિજ યુનિવસટીમાં પ્રવેશ બાદ તેમના ગણિતના જ્ઞાાાનની ખ્યાતિ દેશ-વિદેશના લોકો સુધી પહોંચવા લાગી. ઇંગ્લેન્ડની રોયલ સોસાયટીમાં તેમને ફેલો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. મદ્રાસની કોલેજમાં પ્રવેશ નહોતો મળી શક્યો તે વ્યક્તિને કેમ્બ્રિજની ટ્રિનીટી કોલેજમાં ફેલો બનવાની તક મળી. આ દરમિયાન રામાનુજનનું સ્વાસ્થ્ય સતત કથળી રહ્યું હતું અને પ્રથમ વિશ્વયુદ્ધને કારણે તેઓ બ્રિટન છોડીને ભારત આવી શકે તેમ પણ નહોતા. છેવટે ૧૯૧૯માં ભારત પાછા આવ્યા અને તેમને બચાવવા ડોક્ટરોએ ખૂબ મહેનત કરી, પરંતુ ૩૦ માર્ચ ૧૯૨૦ના રામાનુજને અંતિમ શ્વાસ લીધો.
વિખ્યાત ગણિતશાસ્ત્રી હાર્ડી જેમને ન્યૂટન સાથે સરખાવતા એવા રામાનુજન ૩૨ વર્ષની વયે મૃત્યુ પામ્યા હતા. અમૃત ઘાયલનું વિખ્યાત કાવ્ય 'રસ્તો નહીં મળે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઇ મરી જવાના? એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે, હર જખ્મને નજરથી ટાંકા ભરી જવાના' આ પંક્તિઓ જાણે તો ઘણા છે પણ તેનો વાસ્તવમાં અમલ ખૂબ જ ઓછા લોકો કરી શકે છે અને તેમાં રામાનુજનનો સમાવેશ થાય છે. આપણે ત્યાં નેતાઓને નામે સ્ટેચ્યુ, બ્રિજ, એરપોર્ટ બને છે પણ રામાનુજન જેવી હસતિઓની કદર કરવામાં કાયમ ઉણા ઉતરીએ છીએ.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/382ryhi
ConversionConversion EmoticonEmoticon