નવેમ્બર મહિનામાં અભિનેત્રી ઈલેના ડિ'ક્રુઝે હરિયાણા ખાતે પોતાની ફિલ્મ 'અનફેર એન્ડ લવલી'નું શૂટિંગ કર્યું હતું. આ મૂવીમાં તેનો સહકલાકાર રણદીપ હૂડા છે. તેમણે હરિયાણાના કર્નાલ ખાતે આ ચિત્રપટનું શૂટિંગ આટોપ્યું ત્યારબાદ થોડાં દિવસે ઈલેનાએ સોશ્યલ મીડિયા પર એક તસવીર મૂકી હતી. આ ફોટામાં અભિનેત્રી ઈજાગ્રસ્ત દેખાઈ હતી.
આ ફોટો મૂકવા સાથે અભિનેત્રીએ લખ્યું હતું કે રોમાંટિક કોમેડી ફિલ્મ કરતી વખતે કોઈ ઈજા પામે ખરું? પણ હું આ મૂવીનું શૂટિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થઈ. વાસ્તવમાં મને ટ્રક પર ચડવાનું એક સાવ સરળ દ્રશ્ય આપવાનું હતું. પરંતુ આ સીન આપતી વખતે મારા હાથમાં ચીરો પડી ગયો. પણ મને લાગે છે કે જે થાય તે સારા માટે. આ દ્રશ્ય એક વખતમાં જ ઓકે થઈ ગયું.
અત્રે ઉલ્લેખનીય છે કે 'અનફેર એન્ડ લવલી'નું દિગ્દર્શન બલવિન્દર સિંહ જાંજુઆ ('સાંડ કી આંખ'ના પટકથા લેખક)એ કર્યું છે. તેનું શૂટિંગ હરિયાણામાં કરવામાં આવ્યું છે. તેમાં ભારતીય પ્રજાને ગોરી ચામડીનું કેટલું વળગણ છે તે દર્શાવવામાં આવ્યું છે. ઈલેનાએ તેમાં પહેલી વખત રણદીપ હૂડા સાથે કામ કર્યું છે. અદાકારાએ કહ્યું હતું રણદીપ સ્વયં હરિયાણાનો હોવાથી જ્યારે હરિયાણવી હાવભાવ ઈત્યાદિ આપવાના આવતાં ત્યારે રણદીપ મને ઘણી મદદ કરતો.
અભિનેતા સાથેની પોતાની દોસ્તી વિશે ઈલેના કહે છે કે સામાન્ય રીતે લોકો એમ માને છે કે તે બહુ ગંભીર પ્રકૃતિનો છે. જ્યારે હકીકત તેનાથી વિપરિત છે. તે બહુ હસમુખો, મોજીલો, લહેરી છે. તે સેટ પર સતત રમૂજ કરીને બધાને હસાવતો રહેતો. મને લાગે છે કે રણદીપે ઘણી ગંભીર ફિલ્મો કરી છે તેથી તેની છાપ પણ એવી જ છે.
સેટ પર બધા એક પરિવારની જેમજ રહેતા હતા. આમ છતાં તેમણે પહેલી નવેમ્બરે આવેલો ઈલેનાનો બર્થ-ડે કે દિવળી જેવા મહાપર્વની ઉજવણી પણ નહોતી કરી. ઈલેના કહે છે કે મારો બર્થ-ડે ઉજવવાની મેં સ્વંય ના પાડી હતી. અમે કોરોનાના ભય વચ્ચે શૂટિંગ કરી રહ્યાં હતાં. આવી સ્થિતિમાં કોઈપણ ઉજવણી કરીને સમય વેડફવા કે વધારાનું જોખમ વહોરવા કરતાં શક્ય એટલું જલદી શૂટિંગ આટોપી લેવું ડહાપણભર્યું લેખાય. અમને સલામત અને સ્વસ્થરહીને શૂટિંગ પૂરું કરવામાં જ રસ હતો.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38bIphP
ConversionConversion EmoticonEmoticon