છતાં આ વલોપાત શાને ?


આ પણે 'જો જીતા વો હી સિકંદર'વાળી વાત વારંવાર ગોખ્યા કરીએ છીએ, પણ જેમને આપણે 'જીતેલા' કે 'સિકંદર' માનીએ છીએ એમની હૈયાંની દુનિયામાં ડોકિયું કરવાની તક મળે તો ? અહીં મુશ્કેલી એ છે કે આ જિન્દગીના કહેવાતા સિકંદરો કદી ખરેખરી હાલતની કબૂલાત કરતા નથી, પણ જો કોઇમાં મનોવૈજ્ઞાાનિક પરખ હોય તો સમજી શકે કે આ 'સિકંદરો' સુખી નથી, બેચેન છે, ભયંકર અસલામતીથી પીડાય છે, એમને કોઇક અજાણ્યો વલોપાત છે.

કમાલ છે ને ? જેમના જેવા બનવા માટે આપણે દિવાસ્વપ્ન જોતા ફરીએ છીએ એ લોકોના હાથે તો નર્યો ખાલીપો છે. તમે દલીલ કરી શકો કે આ 'ખાલીપો' છે એમ કેમ કહી શકો ? જવાબ બહુ સીધો સાદો છે. જો આ 'ખાલીપો' ન હોય તો આટલા ચતુર, આટલા માલદાર આટલા વગદાર હોવા છતાં આટલી બેચેની શાને ? ડૂબતો તરણાંને પકડે એમ પૂર્વગ્રહની મમત શા માટે ? પોતાનાથી ક્યાંય 'પાછળ' હોય એવા પ્રતિભાશાળીથી પણ અસલામતીજન્ય ખુન્નસ શા માટે ? વય ૬૫-૭૦ ઓળંગી ગઈ હોય, કેડ પર ચાર-પાંચ કરોડની સંપત્તિનો કબજો હોય, છતાં પાંચસો-હજારનો સહજ ધર્માદા કરતાં હિંમત કેમ ન ચાલે ? કયો ભય, કઇ અજ્ઞાાત વિટંબણા ડરાવે છે ?

ખૂબ ખૂબ કમાઈ, ખૂબ વાડીવજીફા, જર-જમીન-ઝવેરાત પ્રાપ્ત કર્યા પછી વયનાં સિત્તેર વર્ષો ઓળંગી ગયા પછી પણ ધાર્મિક ટ્રસ્ટમાં કે મંદિર-દેરાસરમાં જોડાઈને 'બિન્ધાસ્ત' 'ખાજોટી' પાછલે બારણેથી મલીદો ચાટવાની પ્રવૃત્તિમાં સંડોવાયેલા વડીલોનો પનારો પડયો છે ત્યારે ગુસ્સો નથી આવતો, દયા આવે છે: મરણાસન્ન માંદલું કૂતરૂં કોળિયો ખાવાની ત્રેવડ ન હોય છતાં મોઢેથી લાળ ટપકાવતું હોય ત્યારે જે સૂગ-દયા પેદા થાય એવા જ ભાવ જાગે છે. પ્રશ્ન થાય: શું આ લોકોને ફરી જુવાની આવવાની કોઈ 'ગેરંટી' મળી હશે? શું અમરત્વની ચાવી કોઈ સાધુબાવા આપી ગયા હશે ? કઇ તાકાત એમને હજુ પણ જર-ઝવેરાતની ગૂણીઓ ભરવા માટે દોડતા રાખે છે?

વાત માત્ર પૈસા ધન સંબંધિત નથી.

કોઈ પણ ક્ષેત્રમાં દુન્યવી રીતે ટોચ પર પહોંચેલા જણની બાબતમાં જ્યારે પનારો પડે ત્યારે આશ્ચર્યનો પાર ન રહે. પાપાપગલી કરનારા કે અર્ધે રસ્તે પહોંચનારાને કદી ન હોય એટલી બિનસલામતીથી આ કહેવાતા વગદાર, 'સફળ' લોકો પીડાતા હોય છે: એમનું ચાલે તો કોઈ જ પ્રતિભાશાળી ને મુલકમાં રહેવા ન દે. રખે પોતાની મૃગજળની ઠકરાત ઝૂંટવાઈ જાય તો ?

જિન્દગીનાં કુરુક્ષેત્રમાં ખરા લડવૈયાએ એક સત્ય જેટલું વહેલું જાણી લેવાય એટલું સારૂં છે. તમે ખાસ પ્રકારની ઝળહળતી જ્યોત વડે ધાતુઓ સાંધતા કારીગર જોયા છે ? કહે છે કે આ ઝળહળાટ નરી આંખે ન જોવાય નરી આંખે જોતાં અંધાપો આવે. કોઈપણ પ્રકારની નકરી દુન્યવી સફળતાનો ઝળહળાટ પહેલું કામ એ કરે કે અંધાપો લાવે. પેલા કારીગર એટલે જ આવી ઝળહળ જ્યોત સાથે કામ પાર પાડતાં પહેલાં આંખો પર ખાસ પ્રકારનો કાચ રાખે, જે રક્ષણ કરે. આપણામાંથી મોટાભાગના આવો રક્ષણકર્તા કાચ રાખતા નથી. આપણી આંખે, છતી આંખે અંધાપો આવે છે. હા, ઘણાને આ જરા નિરાંતે વાંચવા જેવી ખોખલી ફિલસુફી લાગશે. અચાનક ડિપ્રેશન, બિનસલામતી ચારે બાજુથી ઘેરી લે ત્યારે પછી આ વાતો ખોખલી ફિલસુફી નહીં પણ નક્કર, ટકોરાબંધ વાસ્તવ લાગશે, પણ ત્યારે જિન્દગીની વન-ડે ક્રિકેટના પચાસ ઓવર્સ પૂરા થવામાં હશે !



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38qnAzj
Previous
Next Post »