કો ઈ એક ટેકનોલોજી આપણાં હાથમાં આવે તેની પાછળ કેટલાય દિમાગોની રાત-દિવસની મહેનત જવાબદાર છે. આપણાં સ્માર્ટફોનમાં વાઈફાઈ કનેક્ટ કરતાં આપણને માંડ પાંચ-સાત સેકન્ડનો સમય લાગે છે, પણ એ ટેકનિકને સ્માર્ટફોન સુધી પહોંચતા પાંચ-સાત દશકા લાગ્યાં છે, પાંચ-સાત લોકોએ કલાકો-દિવસો-મહિનાઓ-વર્ષો સંશોધન પાછળ કાઢ્યા છે.
સ્માર્ટફોન, લેપટોપ, ટેબમાં વાયરલેસ ઈન્ટરનેટ કનેક્ટ કરવાનું કામ હવે ચંદ સેકન્ડમાં થાય છે, પરંતુ જ્યારે એ દિશામાં આરંભિક પ્રયાસો થતા હતા ત્યારે 'કનેક્ટેડ'ના નોટિફિકેશન માટે અથાક મહેનત કરવી પડી હતી.
ટેકનોલોજીમાં સતત પરિવર્તન આવતું હોય છે એટલે કોઈ એક સંશોધકને કોઈ એક ચોક્કસ શોધનો સંપૂર્ણ યશ આપી શકાતો નથી. ઘણી ટેકનોલોજી અપાર પરિવર્તનો પામીને આપણાં સુધી પહોંચે છે, તેમ છતાં કેટલાક સંશોધકોને પાયો નાખવાનો યશ તો જરૂર મળે છે.
વાયરલેસ કોમ્યુનિકેશનમાં એવો જ યશ નોર્મેન એબ્રમ્સનને મળે છે. નોર્મેન એબ્રમ્સને દાયકાઓ પહેલાં વાયરલેસ કમ્પ્યુટરિંગના ક્ષેત્રમાં સંગીન શરૂઆત કરીને એક મુકામ તય કર્યો હતો. એ જ પદ્ધતિ પરથી પછી વાઈ-ફાઈનો જન્મ થયો હતો.
અલોહાનેટ.
આ નામની કંપની ૧૯૯૪માં બની છે. અલાહોનેટનું નામ કાને પડે કે આંખ સામે આવે તો આપણને સામાન્ય રીતે એ નામની ટેકનોલોજી કંપની સાંભરે છે, પણ એ નામે થયેલી એક ક્રાંતિ યાદ આવતી નથી. એ નામે એક એવી ક્રાંતિ થઈ હતી જેણે ૨૦મી સદીના અંતને તો બદલ્યો જ બદલ્યો, પરંતુ ૨૧મી સદીના બે દશકા પર નામ કોતરાવી દીધું. એ ક્રાંતિનું નામ છે - વાયરલેસ કમ્પ્યુટર કોમ્યુનિકેશન.
નોર્મેન એબ્રમ્સન નામના અમેરિકન યુવાને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરીને ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી પીએચડી પૂરું કર્યું. એ પછી સ્ટેનફોર્ડમાં જ વિઝિટર પ્રોફેસર તરીકે કારકિર્દી શરૂ થઈ. આઠ-દસ વર્ષમાં તેમને હવાઈ યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્ટિસ્ટ અને પ્રોફેસર તરીકે તક મળી.
જ્યારે તેમનું સ્ટડી ચાલતું હતું ત્યારે તેમણે એક અરક્રાફ્ટ કંપનીમાં પાર્ટટાઈમ રીસર્ચ એન્જિનિયર તરીકે કામ કર્યું હતું. એમાં તેમને કમ્પ્યુટર એન્જિનિયરિંગના ક્ષેત્રનું બહુ જ ઉપયોગી પ્રેક્ટિકલ નોલેજ મળ્યું. એ નોલેજ આગળ જતાં વાયરલેસ કમ્પ્યુટર સિસ્ટમ વિકસાવવામાં પણ મદદરૂપ બન્યું.
હવાઈ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે જોડાયા પછી સંશોધનની તક વધી. એક રીતે હવાઈ નોર્મેન એબ્રમ્સન માટે શુકનવંતુ સાબિત થયું. સર્ફિંગના શોખીન નોર્મેનને દરિયાના મોજાં પર સવાર થઈને એક દિવસ સર્ફિંગ કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમના દિમાગમાં વાયરલેસ કમ્પ્યુટરિંગનો વિચાર ઝબકી ગયો. મોજાં જે રીતે આપમેળે મૂવ થાય છે જ રીતે તરંગોની મદદથી ડેટા પણ વાયર વગર મૂવ કરાવી શકાય-એ વિચારે તેમનો સંશોધનનો નજરિયો બદલી નાખ્યો.
હવાઈ યુનિવર્સિટીમાં એક સમયે એક જ કમ્પ્યુટર હતું, જેના આધારે દરેકને ડેટાનો એક્સેસ મળતો હતો. ફોર્મ ભરવા માટે એ વખતે પ્રયોગ ખાતર યુનિવર્સિટીએ કમ્પ્યુટર પ્રયોજ્યું હતું, પણ એ માટે એક પછી એક દિવસો પછી વારો આવતો હતો. ઘણાં વિદ્યાર્થીઓએ કમ્પ્યુટર્સ વસાવ્યા હોવા છતાં તેમને એક્સેસ મળે એવું શક્ય ન હતું. એ વખતે અમેરિકામાં કમ્પ્યુટર એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે માર્કેટમાં કમ્પ્યુટર્સ ઉપલબ્ધ બની ગયા હતા, પરંતુ યુનિવર્સિટીમાં પણ બધાના કમ્પ્યુટર્સ જોડી શકાય એવી સિસ્ટમ વિકસી ન હતી.
હવાઈ યુનિવર્સિટી માટે તમામને વાયરથી કનેક્શન આપવું શક્ય ન હતું. એ મુશ્કેલી પામીને નોર્મેન એબ્રમ્સને રેડિયો તરંગોની ટેકનિકને બેઝ બનાવીને વાયરલેસ કમ્પ્યુટર સિસ્ટમ વિકસાવવાની દિશામાં કામ શરૂ કર્યું. વાયર વગર કમ્પ્યુટર્સના ડેટાને એકબીજા સાથે કેવી રીતે જોડી શકાય તે માટે તેમણે મહિનાઓ સુધી પ્રયોગો કર્યાં.
એ પહેલાં રડાર સિગ્નલ પર તેમણે અઢળક રીસર્ચ કર્યું હતું. ફ્રિકવન્સી મોડયુલેશન પર પણ અપાર અભ્યાસ કર્યો હતો. તેમણે ડિજિટલ કોમ્યુનિકેશનને લગતા રીસર્ચ પેપર્સ રજૂ કર્યા હતા. માત્ર રડાર સિગ્નલ કે વાયરલેસ કમ્પ્યુટરમાં જ નહીં, પરંતુ એરર કરેક્ટિંગ કોડમાં પણ તેમનું નોંધપાત્ર અને પાયાનું પ્રદાન છે.
થોડાંક વર્ષની મહેનત પછી અને અલ્ટ્રા હાઈ ફ્રિકવન્સી પર પ્રયોગો કર્યા પછી ૧૯૭૧માં તેમણે હવાઈ યુનિવર્સિટીના માસ્ટર કમ્પ્યુટરના ડેટાને વાયરલેસ ટેકનિકથી અન્ય કમ્પ્યુટર્સ સાથે જોડી દીધા. તેમનું આ કામ અલોહાનેટના નામથી ઓળખાયું. ઘણાં સંશોધકો આ ક્રાંતિને 'ઓનલાઈન'ની શરૂઆત પાછળ પણ જવાબદાર ગણાવે છે.
તેમણે જે સંશોધન હાથ ધર્યું હતું એ પ્રોજેક્ટનું નામ અલોહા સિસ્ટમ રાખ્યું હતું. એ દિશામાં આટલું કામ થયા પછી પણ તેમણે બીજા દોઢ દશકા સુધી વાયરલેસ સિસ્ટમને બહેતર બનાવવા માટે મથામણ ચાલુ રાખી. તેના પરિણામે ૮૦ના દશકામાં સ્પ્રેડ સ્પેક્ટ્રમ ટેકનિક ડેવલપ થઈ.
નિવૃત્તિ પછી તેમણે ૧૯૯૪માં અલોહા સિસ્ટમ્સ નામની કંપની પણ સ્થાપી. એ કંપની વાયરલેસ કોમ્યુનિકેશન ક્ષેત્રે દુનિયાભરની ટેકનો કંપનીઓને ટેકનિકલ માર્ગદર્શન આપતી હતી. ઘણી સ્માર્ટફોન કંપનીએ મોબાઈલમાં ઈન્ફ્રારેડ, બ્લુટૂથ અને વાઈ-ફાઈની સર્વિસ શરૂ કરી ત્યારે અલોહા સિસ્ટમ્સે એટલે કે નોર્મેન એબ્રમ્સને ટેકનિકલ સપોર્ટ આપ્યો હતો.
તેમની વાયરલેસ ટેકનિક પરથી જ પ્રેરિત થઈને ૯૦ના દશકામાં મોબાઈલ નેટવર્ક અવેલેબલ બન્યું હતું. મોબાઈલ નેટવર્ક અને વાઈ-ફાઈ સર્વિસ અલોહાનેટને આભારી છે. ૧૯૮૦ પછી ૧જી નેટવર્ક અસ્તિત્વમાં આવ્યું ત્યારે વાયરલેસ સિગ્નલ આપવાની પદ્ધતિમાં અલોહાનેટની વાયરલેસ ટેકનિક્સની બેઠી નકલ કરવામાં આવી હતી. વાયરલેસ કમ્પ્યુટર કોમ્યુનિકેશનમાં પાયાનું પ્રદાન આપવા બદલ નોર્મેન એબ્રમ્સનને ધ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈલેક્ટ્રિકલ એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સે તેમને એ ક્ષેત્રનું છઠ્ઠા નંબરનું પારિતોષિક આપ્યું હતું. એટલે કે રેડિયો તરંગો અને વાયરલેસમાં ટોચના છ સંશોધકોમાં તેમને માનભેર સ્થાન મળ્યું હતું.
નોર્મેન એબ્રમ્સને જ્યારે વાયરલેસ કમ્પ્યુટરિંગના ક્ષેત્રે સંશોધનો કર્યા ત્યારે કમ્પ્યુટરયુગ શરૂ થવામાં હતો. પછીના દશકાઓમાં તેમણે વાયરલેસ સિસ્ટમ વિકસાવી તેનો બહુ મોટો પ્રભાવ પડયો. ૧૯૯૦ પછી વાયરલેસ રિવોલ્યુેશન શરૂ થયું ત્યારથી તો દરેક સર્વિસમાં નોર્મેનના મૂળ કોડિંગમાંથી કોપી-પેસ્ટ થઈ રહ્યું છે.
આજે કમ્પ્યુટર્સ, લેપટોપથી લઈને સ્માર્ટફોન સહિતના કેટલાંય ડિવાઈસમાં વાયરલેસ સિસ્ટમ અભિન્ન હિસ્સો છે. વાયરલેસ ટેકનિક વગર આજની ડિજિટલ ક્રાંતિની કલ્પના થઈ શકે તેમ નથી. આપણે એક સાદો મેસેજ કરીએ તેનાથી લઈને વાઈ-ફાઈ કનેક્ટ કરીએ ત્યાં સુધીની તમામ સુવિધા નોર્મેનની વાયરલેસ પદ્ધતિને આભારી છે.
ંકોરોનાના કારણે આ ૮૮ વર્ષના સંશોધકનું ગયા સપ્તાહે નિધન થયું. નવા સંશોધકોને મેસેજ આપીને કહેતાઃ 'સંશોધનો માટે પ્રકૃતિ સૌથી મોટો પ્રરેણાસ્ત્રોત છે. મને આપમેળે આગળ-પાછળ થતાં દરિયાના મોજાં જોઈને વાયરલેસ કમ્પ્યુટર્સ કોમ્યુનિકેશનની પ્રેરણા મળી હતી. જો તમે કુદરતને નિરાંતે નિહાળશો તો તમને એમાંથી કંઈ કેટલાય નિયમો-સમીકરણો સમજાઈ જશે. લેબમાં જેટલો સમય આપો એનાથી અડધો સમય કુદરતને જોવામાં પણ આપજો'.
જગદીશ ચંદ્રઃ વાયરલેસ કોમ્યુનિકેશનના સૂર્ય
વાયરલેસ કોમ્યુનિકેશનના સર્જક તરીકે જગદીશ ચંદ્ર બોઝને હવે રહી રહીને દુનિયાભરમાં સ્વીકૃતિ મળી છે. ઘણાં વર્ષો સુધી જી. માર્કોનીને વાયરલેસ કોમ્યુનિકેશનના જનક કહેવાતા હતા. રેડિયો તરંગોની શોધ કરવાનો યશ માર્કોનીને મળતો હતો. એ ઈટાલિયન ઈલેક્ટ્રિકલ એન્જિનિયરે લોંગ ડિસ્ટન્સ રેડિયો ટ્રાન્સમિશનમાં ૧૮૯૪માં નોંધપાત્ર કામ કર્યું હતું. એ પહેલાં હેનરિચ હર્ટ્ઝે પણ રેડિયો તરંગોનો ખ્યાલ આપ્યો હતો. માર્કોનીએ એ શોધને આગળ વધારી હતી. માર્કોની અને જર્મન સંશોધક કાર્લ બ્રાઉનને તો રેડિયો તરંગોના નોંધપાત્ર કામ બદલ ૧૯૦૯માં સંયુક્ત નોબેલ પણ મળ્યો.
હર્ટ્ઝ, માર્કોની અને બ્રાઈનના રેડિયો તરંગોની મર્યાદા હતી. એ મર્યાદાને ઓળંગીને ખરા અર્થમાં વાયરલેસ કોમ્યુનિકેશનને પ્રસ્થાપિત કરવાનું કામ જગદીશ ચંદ્ર બોઝે કર્યું. ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન જેને સ્ટાન્ડર્ડ માને છે એવા રેડિયો તરંગોની શોધ જગદીશ ચંદ્ર બોઝે કરી હતી.
૧૮૯૪થી ૧૮૯૬ દરમિયાન જગદીશ ચંદ્ર બોઝે પ્રયોગો કરીને ૬૦ ગીગાહર્ટ્ઝ સુધીના શક્તિશાળી રેડિયો તરંગો સાબિત કર્યા હતા. ૧૮૯૯માં બ્રિટનની રોયલ ઈન્સ્ટિટયૂટમાં તેમણે સંશોધનપત્ર રજૂ કરીને સાબિતી આપી હતી, પણ એ વખતે જગદીશ ચંદ્ર બોઝની આ શોધને ખાસ મહત્વ અપાયું ન હતું. તેમણે પેટન્ટ નોંધાવી ન હતી એટલે પેટન્ટ નોંધાવનારા માર્કોની વર્ષો સુધી રેડિયો સાયન્સના જનક તરીકે સમ્માન મેળવતા રહ્યા.
વર્ષો પછી વાયરલેસ કોમ્યુનિકેશન માટે ઓથેન્ટિક ગણાતા સંગઠન ધ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈલેક્ટ્રિકલ એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સ (આઈઈઈઈ)એ જગદીશ ચંદ્ર બોઝના પાયારૂપ સંશોધનોને ધ્યાનમાં લઈને તેમને સત્તાવાર રીતે જ રેડિયો સાયન્સના પિતામહ્ જાહેર કર્યા હતા. એ પછી દુનિયાભરના રેફરન્સ મટિરિયલમાં એડિટિંગ થયું હતું અને જગદીશ ચંદ્ર બોઝ ઓફિશ્યલી વાયરલેસ કોમ્યુનિકેશનના સૂર્ય સાબિત થયા હતા.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Wcdmwy
ConversionConversion EmoticonEmoticon