નામિબિયા સરકારનેે વેચવા છે, 170 હાથી!


'દે શમાં દુકાળની સ્થિતિ છે, મનુષ્ય અને વન્યજીવો વચ્ચેનો સંઘર્ષ વધી રહ્યો છે અને તસ્કરી પણ સતત થઈ રહી છે. માટે અમે ઊંચી ઓલાદના ૧૭૦ હાથી વેચવા માંગીએ છીએ. હરાજીમાં ભાગ લેવો હોય એ તૈયાર રહે...'

આફ્રિકા ખંડના દેશ નામિબિયાના અખબાર 'ન્યુ એરા'માં આવી જાહેરખબર થોડા દિવસ પહેલા છપાઈ. કોઈએ છેતરપિંડી માટે કે તસ્કરી કરવા આવી જાહેરખબર આપી ન હતી. જાહેરખબર ખુદ નામિબિયાના વન-પર્યાવરણ મંત્રાલયે જ આપી હતી. નવાઈભરી જાહેરખબર લાગતી હોવા છતાં માત્ર નામિબિયા નહીં આફ્રિકાના ઘણા દેશોની આ વાસ્તવિકતા છે. વન્યજીવ એ સંપત્તિ ગણાતી હોય, તો એવી સંપત્તિ સાચવવાની અમુક દેશોની ક્ષમતા નથી, માટે એ સંપત્તિ વેચીને રોકડી કરી લેવામાં માને છે.

નામિબિયાએ હાથી વેચવા કાઢ્યા હોય એવો આ પહેલો કિસ્સો નથી. આ પહેલા જૂન ૨૦૧૯માં એક સાથે હજાર પ્રાણીઓની હરાજી કરી હતી. એ વખતે માત્ર હાથી ન હતા, હાથી સહિત અનેક સજીવો હતા. 

આફ્રિકા ખંડમાં દક્ષિણ-પશ્ચિમે સવા આઠ લાખ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો દેશ નામિબિયા તેના વન્યજીવો માટે પ્રખ્યાત છે. જગત જેને ત્રીજા વિશ્વના દેશો ગણે એવો પછાત છે. એક તરફ નામિબનું (જગતનું સૌથી જૂનું) રણ છે, તો વળી બીજી તરફ કાળજાળ કલહરીનું રણ છે. એટલે કે દેશના ઘણા ભાગમાં તો રણની રેતી સિવાય કશું નથી. વૈશ્વિક આર્થિક અનુક્રમમાં નામિબિયા હંમેશા છેલ્લાં-છેલ્લાં દેશોમાં હોય છે. 'ગ્લોબલ હંગર ઈન્ડેક્સ'માં નામિબિયાનું નામ આગળપડતું રહે છે. દેશની ઘણી વસ્તી અતિ ગરીબ છે. 

એવા દેશને હાથીઓ માટે ટનબંધ ખોરાક-પાણી ક્યાંથી કાઢવા, જ્યારે માણસો જ ભૂખે મરતાં હોય? 

જાહેરખબરમાં નામિબિયા સરકારે સ્પષ્ટ લખ્યું છે કે ગમે તેે પૈસા આપે એટલે હાથી આપી દેવા એવું નથી. હાથી માટે વિશાળ ફેન્સ કરેલો વિસ્તાર-વાડો-જંગલ હોવું જોઈએ. એ ઉપરાંત પ્રાણી સંચાલન માટે જરૂરી વિવિધ સુવિધા, નિષ્ણાત સ્ટાફ, સરકાર માન્ય સર્ટિફિકેટ વગેરે જોઈશે. ખરીદનાર નામિબિયામાંથી હોય કે બહારથી તેની સાથે કોઈ વાંધો નથી. અલબત્ત, પરદેશી ખરીદદારે પોતાના દેશમાં હાથી ખરીદવાની છૂટ છે, હાથી નામિબિયાથી પોતાના દેશમાં લઈ જવાની ક્ષમતા છે, વગેરે પૂરાવા રજૂ કરવાના રહે છે.

આફ્રિકા ખંડના દેશોમાં તો જંગલી સજીવોની લે-વેચ કાયદેસર છે. જેમ કે ઓક્ટોબરમાં જ ત્યાંની સરકારે 'વોટરબર્ગ પાર્ક'માંથી ૧૦૦ જંગલી ભેંસની હરાજી કરી હતી કેમ કે ઘાસ સાવ સુકાઈ ગયુ છે.

આફ્રિકા ખંડના અનેક દેશો મેન-એનિમલ સંઘર્ષથી પીડાઈ રહ્યા છે. વત્તા-ઓછા અંશે એ સમસ્યા આખા જગતમાં છે, પછી એ ગીરમાંથી બહાર નીકળતા દીપડા હોય કે ઉત્તર અમેરિકાના રહેણાંક વિસ્તારમાં આવી જતાં રીંછ હોય. આફ્રિકાના દેશોને આ સમસ્યા પોસાય એમ નથી. જો માનવ-વન્યજીવ સંઘર્ષ વધતો જ જાય તો છેવટે મનુષ્ય દ્વારા થતો પ્રાણીનો શિકાર વધે અને પ્રાણી દ્વારા થતો મનુષ્યનો શિકાર પણ વધે. ભલે હાથી મનુષ્યનો શિકાર નથી કરતા, પણ પોતાની અડફેટે આવનારા મનુષ્યોને કીક મારવાનું તો ભુલતા નથી જ.

એ સ્થિતિ ટાળવા વચ્ચેનો રસ્તો વધારાના પ્રાણી વેચી નાખવાનો છે.

સવાલ એ થાય કે એક તરફ પ્રાણીઓની વસ્તી ઘટી રહી છે, તો પછી આવા સજીવોને સાચવવા ન જોઈએ? પણ નામિબિયાની સમસ્યા જૂદી છે. આખા આફ્રિકા ખંડમાં તો હાથીની વસ્તી ઘટે છે, પણ નામિબિયામાં વધે છે! કેટલાક વર્ષો પહેલાં વસ્તી ઘટી રહી છે, એવી બુમરાણ મચી એટલે અનેક આંતરરાષ્ટ્રીય વન્યજીવ સંગઠનોએ નામિબિયામાં ડેરા-તંબુ તાણ્યા અને હાથીનું સંરક્ષણ શરૂ કરી દીધું. ૧૯૯૫માં નામિબિયામાં માંડ સાડા સાત હજાર હાથી હતા એ હવે વધીને ૨૪-૨૫ હજારે પહોંચી ગયા છે!

જ્યાં પ્રજાને ખાવા પૂરતું ધાન નથી, ધાન પેદા થાય એવી ફળદ્રૂપ જમીન મર્યાદિત છે.. ત્યાં હાથી-ઘોડા માટે ચણિયાર ક્યાંથી ખુલ્લાં મુકી દેવા? એટલે તો આફ્રિકાના અનેક દેશો 'ટ્રોફી હન્ટિંગ'ના નામે સિંહ સહિતના પ્રાણીઓના શિકારની મંજૂરી આપે છે. ધનપતિઆ આફ્રિકાના દેશોમાં આવે અને હજારો ડૉલર ખર્ચી સિંહ જેવા સેલિબ્રિટી સજીવનો શિકાર કરે. તેના બદલામાં એ જે-તે સજીવના અંગો ટ્રોફી તરીકે પોતાના દેશમાં લઈ જઈ શકે. માટે આ ટ્રેડિશન ટ્રોફી હન્ટિંગ તરીકે ઓળખાય છે. ટ્રોફી હન્ટિંગ ચલાવતા દેશોની દલીલ છે કે આ પ્રવૃત્તિથી વર્ષે લાખો ડૉલર મળે છે, જેનો ઉપયોગ અમે બીજા સજીવોની જાળવણીમાં કરી શકીએ છીએ. આ દલીલ સાવ ખોટી નથી.

આંતરરાષ્ટ્રીય સ્તરે વન્યજીવ સંરક્ષણ માટે કામ કરતી સંસ્થાઓના પ્રયાસથી આવા શિકાર પર વારંવાર પ્રતિબંધ મુકાય છે. જીવંત સજીવોની આયાત-નિકાસ પર પ્રતિબંધ મુકાય છે. હાથીદાંતની હેરાફેરી પર પણ પ્રતિબંધ મુકાય છે. પરંતુ ઘણા દેશોની ડિમાન્ડ છે કે આ પ્રતિબંધો યોગ્ય નથી, તેને હટાવો. 

'કન્વેન્શન ઓન ઈન્ટરનેશનલ ટ્રેડ ઈન એન્ડેન્જર્ડ સ્પિશિસ ઓફ વાઈલ્ડ ફોના એન્ડ ફ્લોરા (સીઆઈટીઈએસ-સિટિઝ)'ના ૧૯૯૦ના ઠરાવ મુજબ હાથીદાંતનો વેપાર ન કરવા જગતના ૧૮૨ દેશો સહમત થયા હતા. તસ્કરોના કામમાં એ પછી કંઈ ઘટાડો આવ્યો નથી. એટલે હવે તસ્કરી ઓછી કરવાને બદલે અનેક આફ્રિકી દેશો ડિમાન્ડ કરવા લાગ્યા છેે કે હાથીદાંતનો વેપાર કાયદેસર કરી દો. કેમ કે તસ્કરો તો બંધ કરવાના જ નથી, તો પછી તેમાંથી કમાણી કરી બીજા સજીવોના ઉત્થાન માટે કેમ ન વાપરવી? 

અલબત્ત, એ દેશો હાથીનો શિકાર કરવાની તરફેણમાં નથી, પણ મૃત્યુ પામે એવા હાથીઓના દાંત વેચવામાં વાંધો ન હોવો જોઈએ એવી ઝિમ્બાબ્વે, બોત્સવાના, નામિબિયા વગેરે દેશોની ડિમાન્ડ છે. નામિબિયાએ હાથીદાંત ન વેંચવાની સંધિમાંથી પોતાનું નામ પરત પણ ખેંચી લીધું છે. હકીકત એ પણ છે કે આફ્રિકાના દેશોમાં હાથીનું સંરક્ષણ કરતા રેન્જર્સને ખબર પડી જાય કે હાથીની હત્યા થઈ છે. તો પછી તસ્કરો તેના દાંત કાપી જાય એ પહેલા વનવિભાગ જ દાંત કાઢીને સરકારી તિજોરીમાં મુકાવી દે છે. જેથી વેપાર થતો અટકે.

આફ્રિકાના અનેક દેશોમાં હાથીદાંતના તસ્કરો સક્રિય છે. એ તસ્કરોની ગેંગ આંતરરાષ્ટ્રીય હોય અને વળી હેલિકોપ્ટર લઈ મૃગયા ખેલવા આવે એવી ખમતીધર પણ હોય છે. એટલે જો હાથી જેવા સજીવો વેચવા ન કાઢે તો ક્યારે શિકારીની ગોળીનો ભાગ બને તેનું નક્કી નહીં. જેમ કે ઈથિયોપિયામાં જૂન (૨૦૨૦) દરમિયાન એક જ દિવસમાં જ ૬ હાથી મારી નખાયા હતા. મોટી સંખ્યામાં હાથી મારવા તસ્કરો જળાશયમાં ઝેર ભેળવી દેતાં હોય છે. ત્યાં હાથી પાણી પીવે એટલે થોડી વારમાં તેમની લાશો પડવા લાગે. એ પછી તસ્કરો તેના હાથીદાંત કાપી રવાના થાય. 'નેશનલ જ્યોગ્રાફિકે' ટાંકેલા આંકડા મુજબ તો ૨૦૧૨થી ૨૦૧૪ સુધીના ૩ વર્ષમાં આફ્રિકા ખંડના વિવિધ દેશોમાં એક લાખ હાથીનો શિકાર થયો હતો. હાથીની કુલ સંખ્યા દોઢ-બે દાયકા પહેલા ૬ લાખ હતી એ ઘટીને હવે ૩ લાખ આસપાસ આવી પહોંચી છે.

ધારો કે શિકાર નથી થતો તો કમોતના કિસ્સા પણ આંખ ઉઘાડનારા બને છે. જેમ કે બોત્સવાનામાં તો મેથી જુલાઈ દરમિયાન ૩૫૦ હાથી મૃત્યુ પામ્યા. ક્યાંક વળી આ આંકડો ૫૦૦ નોંધાયો હતો. કઈ રીતે મૃત્યુ પામ્યા એ ખબર નથી, પરંતુ એ તસ્કરી ન હતી. કેમ કે મરેલા હાથીના દાંત તો અકબંધ હતા. કોઈ રહસ્યમ બિમારી કે પછી બીજું કારણ એ તપાસ થઈ રહી છે.

એટલે આફ્રિકાના દેશો પાસે મહત્ત્વનો પ્રશ્ન છે કે હજારો સજીવો મરવા દેવા કે સેંકડોની હરાજી કરી બીજાને બચાવવા પ્રયાસ કરવો?

આવી જાહેરાત પાછળનો એક ઉદ્દેશ કદાચ આંતરરાષ્ટ્રીય મદદ મળી રહે એવો પણ હોય. કેમ કે વન્યજીવ ક્ષેત્રે કામ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ફંડ આપીને કે પછી અમુક જંગલ વિસ્તાર દત્તક લઈને તેનો ખર્ચ ઉપાડી લે છે. ઝામ્બિયાએ ૨૦૧૬માં જાહેરાત કરી હતી કે પાંચ વર્ષમાં ૨ હજાર હિપ્પોની હત્યા કરશે. પરંતુ તેની ભારે ટીકા થતા એ નિર્ણય અટકાવવો પડયો હતો. બાદમાં હિપ્પોની જાળવણી માટે મદદ પણ મળી હતી.

અલબત્ત, આર્થિક મદદ દર વખતે ઉપયોગી નથી થતી. કેમ કે મર્યાદિત વિસ્તારમાં વન્યપ્રાણીઓની સંખ્યા વધી જાય અને તેને ક્યાંય સ્થળાંતરિત કરી શકાય એમ ન હોય તો આર્થિક મદદનું શું કરવું? રૂપિયા તો ખવડાવી શકાતા નથી. ઘાસ જ ન ઉગ્યું હોય એમાં ક્યાંથી સજીવોને સાચવવા?

૨૦૧૯માં ૧૦૦૦ સજીવોને વેચ્યા ત્યારે પણ નામિબિયા માટે મૂળ કારણ પાણીની અછત હતી. સીધી વાત છે કે પાણી ન હોય એટલે માત્ર પીવાની નહીં, ખાવાની પણ સમસ્યા ઉભી થાય, પાક પેદા ન થાય, ધરતી હરિયાળી ન થાય અને ધન-ધાન્ય ઉગે નહીં. ૨૦૧૮થી આજ સુધીમાં નામિબિયામાં ૬૪ હજાર વિવિધ મોટાં સજીવો ભુખમરાથી મૃત્યુ પામ્યા છે. એટલે દુકાળની સ્થિતિ કેવી ગંભીર હશે, તેનો અંદાજ આવી શકે છે.

ક્યારેક પ્રાણી વેચી શકાય એવી સ્થિતિ હોતી નથી. સમય હોતો નથી અથવા તો પ્રાણીના ખરીદદારો મળતા નથી. એટલે આફ્રિકાના ઘણા દેશો હિપ્પો સહિતના પ્રાણીઓને મારી નાખે છે. આફ્રિકાના ઘણા દેશોમાં વારંવાર પાણીની અછત સર્જાય છે. હિપ્પોને તો સતત પાણીમાં જ રહેવા જોઈએ. નિર્ધારિત માત્રા કરતા સંખ્યા વધી જાય અને અંદરોઅંદર સંઘર્ષ થાય એવા સંજોગોમાં તેમને સરકારી મૃત્યુ આપી દેવામાં આવે છે. ૨૦૧૬-૧૭ના દુકાળ વખતે દક્ષિણ આફ્રિકાએ આ રીતે સોએક હિપ્પો અને અઢીસો જેટલી ભેંસ મળીને સાડા ત્રણસો સજીવોને વધેરી નાખ્યા હતા. દક્ષિણ આફ્રિકાનું 'ક્રૂગર નેશનલ પાર્ક' જગતના સૌથી મોટા વન્ય અભયારણ્યો પૈકીનું એક છે. ત્યાં ચારેક હજાર હિપ્પો, ૪૫-૫૦ હજાર ભેંસો રહે છે. એ મોટી સંખ્યા સાચવવા નાનો-નાનો ભોગ લેવાતો રહે છે. દક્ષિણ આફ્રિકામાં ત્યારે આકરો દુકાળ હતો. એટલે સરકારે એવી દલીલ કરી હતી કે પાર્કમાં પાણી વગર ટળવળતાં આ સજીવોને જોઈને દુઃખી થવાં કરતાં તેમાંથી થોડાક ઓછાં કરવા શું ખોટા?

સજીવોને મારવા-જીવાડવા તો કુદરતના હાથમાં છે, એટલે આ પ્રકારની હત્યાનો વિરોધ થાય. નામિબિયાએ હત્યાને બદલે ઓછો નુકસાનકારક કહી શકાય એવો હરાજી-વેચાણનો માર્ગ પસંદ કર્યો છે. 

જમીનને સ્પર્શે એવડા દાંત ધરાવતા હાથી

કેન્યામાં 'ત્સાવો નેશનલ પાર્ક' આવેલો છે, જેના હાથી કદાવર દંતશુળ માટે જાણીતા છે. બિગ ટસ્કર (ટસ્ક એટલે હાથીદાંત અને ટસ્કર એટલે એવો હાથી જેના દાંત લગભગ જમીન સુધી પહોંચતા હોય) કહેવાતા આવા હાથીઓની સંખ્યા આખા આફ્રિકામાં સાવ મર્યાદિત છે અને એમાંથી દસેક તો ત્સાવોના જંગલમાં છે. દસેય હાથીના દાંતનું સરેરાશ વજન (પોલા હોવા છતાં) ૪૫ કિલોગ્રામ જેટલું છે. એમાં પણ ત્યાં રહેતા 'એલયુ-૧' (તસવીરમાં દેખાય એ) નામના હાથીના દાંતનું વજન તો સંશોધકોએ ૬૦ કિલોગ્રામ જેટલુ અંદાજ્યું છે.

રતાશ પડતી ચામડી ધરાવતા આ હાથીના સંરક્ષણ માટે મોટી ફોજ કામ કરે છે. તો પણ ૨૦૧૪માં 'સાતાઓ' નામના કદાવર દાંત ધરાવતા ૪૫ વર્ષિય હાથીને તસ્કરો ઝેર પાયેલા તીર વડે મારી નાખ્યો હતો. એ કેન્યાનો સૌથી મોટો હાથી હતો, જેના દાંત સાડા છ ફીટ લાંબા હતા. ઉંમરની દૃષ્ટિએ જંગલવાસી સૌથી મોટો આફ્રિકી હાથી ફેબુ્રઆરી ૨૦૨૦માં મૃત્યુ પામ્યો. કેન્યાના 'એમ્બોસેલી નેશનલ પાર્ક'ના હાથીનું નામ 'ટિમ' હતું, ઉમર ૫૦ વર્ષ હતી.

આફ્રિકા ખંડના કેટલાક દેશોમાં ખાનગી માલિકીના જંગલો છે. એ જંગલ માલિકો સરકાર માન્ય દસ્તાવેજો રજૂ કરીને પ્રાણીઓની લે-વેચ કરી શકે છે. સિંહ-ચિત્તા-હાથી-ગેંડા જેવા દુર્લભ સજીવો વેચવાના હોય તો વળી થોડી વધારાની મંજૂરી લેવી પડે. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ILQtx2
Previous
Next Post »