વધારે પડતા પઝેસીવ પાર્ટનરને તેની સાથીદાર પોતાના પરિવાર સાથે વધારે સમય ગાળે એ પસંદ નથી હોતું. આ પ્રકારની માનસિકતા ધરાવતા પુરુષો હંમેશા કોઈ કામસર અથવા તો પ્રસંગોપાત આમંત્રણ મળ્યું હોય ત્યારે જ પાર્ટનરના ઘરે જવાનું પસંદ કરે છે અને એવી અપેક્ષા રાખે છે તેની પાર્ટનર પોતાના ઘરે એકલા લઈ જવાના બદલે હંમેશા તેને પોતાની સાથે લઈને જ જાય.
જો કોઈ પ્રેમી દિવસમાં વારંવાર તેની પ્રેમિકાને કે પછી કોઇ પ્રેમિકા વારંવાર તેના પ્રેમીને ફોન કરતી હોય તો આ પ્રકારના વર્તન પાછળ કાં તો અખુટ પ્રેમ હોય છે અથવા તો પ્રિયપાત્ર તરફ એકાધિકારની ભાવના એટલે કે પઝેસિવનેસ હોય છે. જો આ વર્તન પાછળ પ્રેમની ભાવના હોય તો કંઈ ખાસ વાંધો નથી આવતો, પણ વધારે પડતા એકાધિકારની ભાવના હોય તો સંબંધોમાં મુશ્કેલી ઉભી થવાની શક્યતા અનેકગણી વધી જાય છે કારણ કે પ્રેમીનો વધારે પડતો એકાધિકાર ભાવ સામેના પાત્રની મુશ્કેલીમાં વધારો કરે છે અને આ લાગણીને કારણે સંબંધો તુટવાની શક્યતા અનેકગણી વધી જાય છે.
જો તમને તમારા પાત્રના આ પ્રકારના વર્તનથી ગુંગળામણની લાગણી અનુભવાતી હોય તો પ્રેમીને સ્પષ્ટ શબ્દોમાં પ્રેમ અને એકાધિકારના ભાવ વચ્ચેની ભેદરેખા દેવી જરૂરી છે. સામાન્ય રીતે એકાધિકારની ભાવના અસુરક્ષિતતાની ભાવનામાંથી જન્મ લે છે. સામાન્ય રીતે આ પ્રકારની લાગણીની એના શરૂઆતના તબક્કામાં ખબર નથી પડતી.
જોકે પ્રેમીપાત્રના કેટલાક લક્ષણો અને રીતભાતનું અવલોકન કરવામાં આવે તો સામેનું પાત્ર તમને પ્રેમ કરે છે કે પછી એનામાં એકાધિકારપણાની ભાવના રહેલી છે એનો સ્પષ્ટ ખ્યાલ આવી શકે છે. સામાન્ય રીતે એકાધિકારપણાની લાગણી પુરુષો અને સ્ત્રીઓ બન્ને અનુભવતા હોય છે, પણ ગર્લફ્રેન્ડ કરતા બોયફ્રેન્ડમાં પઝેસિવનેસનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે.
એકાધિકાર જમાવતા બોયફ્રેન્ડનું વર્તન જ તેના સ્વભાવનું સૌથી મોટું લક્ષણ છે. પઝેસિવ બોયફ્રેન્ડ તમારા જીવનના દરેક સંબંધોની ડોર પોતાના હાથમાં લઈ લેવા માગે છે. જો તે ક્યારેય તમારા ફોનના માધ્યથી તમારો સંપર્ક ન કરી શકે તો પછી એ દરેક ક્ષણનો તમારી પાસે તલસ્પર્શી હિસાબ માગે છે. મોડી રાતે તમે બહાર ગયા હો તો તેને તમારી સલામતિની ચિંતા કરતા અત્યારે તમે કોની સાથે બહાર ગયા છો એ વાતની ચિંતા વધારે સતાવે છે. આ પ્રકારના પઝેસિવ બોયફ્રેન્ડ તમે બરાબર તો છોને એવી પૃચ્છા કરવાના બહાના હેઠળ દિવસમાં અનેકવાર તમને ફોન કરે છે.
હવે મધરાતે જ્યારે તમે ગાઢ નિંદરમાં હો ત્યારે તમે બરાબર તો છો ને એવી પૃચ્છા કરવા માટે તમારો બોયફ્રેન્ડ ફોન કરે તો આ હરકત તેના રોમેન્ટિક સ્વભાવ તરફ નહીં, પણ એના શંકાશીલ માનસ તરફ અંગુલિનિર્દેશ કરે છે. હકીકતમાં આ પ્રકારની વ્યક્તિનું વારંવાર ફોન કરવા પાછળનું પ્રયોજન તમારી ખબર પુછવાનું નહીં, પણ તમે કોની સાથે શું કરી રહ્યા છો એ જાણવાનું છે. જો શરૂઆતના તબક્કામાં જ આ વૃત્તિને પારખીને એનો વિરોધ ન કરવામાં આવે તો ભવિષ્યમાં અ પ્રકારની વિચારસરણી ધરાવતા બોયફ્રેન્ડ અંગત ફોન લિસ્ટ અને મેસેજ ચેક કરીને કોને ફોન કરવો અને કોનો ફોન ન કરવો એની સુચના આપવાની હદ સુધી જઈ શકે છે.
પઝેસિવ અથવા તો એકાધિકાર ધરાવતા બોયફ્રેન્ડની સૌથી મોટી લાક્ષણિકતા એ છે કે તમારા સિવાય બીજા કોઈ સાથે તેની મિત્રતા નથી હોતી. આ પ્રકારના પ્રેમી એવું જણાવે છે કે તેમના પ્રિયજનથી વિશેષ તેેમના માટે કોઈ નથી. જોકે હકીકતમાં તેઓ આ રીતે તેમના પ્રિયજન પર એવું દબાણ કરતા હોય છે કે પ્રિયજનના જીવનમાં પણ તેમના સિવાય બીજું કોઈ ન હોવું જોઈએ અને પ્રિયજનના જીવનની નાનામાં નાની વાતની તેમને ખબર હોવી જોઈએ.
આ સંજોગોમાં જ્યારે તમે તમારા પ્રેમીને જાણ કર્યા વગર નજીકના મિત્રો સાથે નાનકડી પિકનીકમાં ભાગ લો તો તેઓ આ મુદ્દાનો મોટી ચર્ચાનો વિષય બનાવી દે છે અને તમને અહેસાસ કરાવે છે કે તમે તેની ભારોભાર અવગણના કરી છે. પઝેસિવ મનોવૃત્તિ ધરાવતો બોયફ્રેન્ડ આવી નાની વાત માટે લાંબો સમય સુધી ગુસ્સે રહેશે અને ક્યારેક તો મોટો ઝઘડો પણ કરશે.
જો પોતાની પ્રેમિકા અન્ય પુરુષને સારું એવું મહત્ત્વ આપતી હશે તો એકાધિકારની ભાવના ધરાવતા પુરુષનો ઇગો બહુ દુભાશે. કેટલીક યુવતીઓને તેમનો બોયફ્રેન્ડ થોડી ઇર્ષાનો અનુભવ કરે એ ગમતું હોય છે કારણ કે એનાથી તેમને બોયફ્રેન્ડ તેમને અત્યંત પ્રેમ કરતો હોય એવી લાગણી અનુભવાય છે. જોકે થોડી ઇર્ષાની આગમાં બળતા બોયફ્રેન્ડ અને એકાધિકારની ભાવના ધરાવતા બોયફ્રેન્ડના વર્તનમાં જમીન-આસમાનનો ફરક હોય છે. જો તમારો બોયફ્રેન્ડ પઝેસિવ હોય તો તેને તમે જેને થોડું મહત્ત્વ આપી રહ્યા છો એ વ્યક્તિ માત્ર તમારી સહકાર્યકર છે એટલી માહિતીથી સંતોષ નથી થતો અને તે સતત તમારા અને સહકાર્યકરના સંબંધો વિશે તમારા વર્તૃળમાં જાતજાતના સવાલો કરતો રહે છે.
જો બોયફ્રેન્ડ પઝેસીવ હોય તો તમને જેની સાથે સારું ફાવતું હોય એવા સહકાર્યકર સાથે તેને ક્યારેય નથી બનતું.હવે આધુનિક યુવતીઓ સ્વાવલંબી થઈ ગઈ છે જેના કારણે હવે તે સ્વતંત્રતાની લાગણી અનુભવે છે. હવે યુવતીઓ પોતાના જીવનના દરેક નિર્ણયો પોતાની મેળે જ લેવાનું પસંદ કરે છે અને એમાં કોઈની દખલગીરી સહન નથી કરતી. યુવતીઓને પોતાના જીવનમાં અને ખાસ કરીને પહેરવેશની પસંદગીમાં કોઈની પણ દખલગીરી પસંદ નથી હોતી. તે હંમેશા પોતાની પસંદગીને અનુરુપ અને પોતાની સગવડતા સચવાય એવા જ વસ્ત્રો પહેરવાનું પસંદ કરે છે.
જો તમારો બોયફ્રેન્ડ વસ્ત્રોની બાબતમાં તમારી પસંદગી અને લાગણી સમજવાને બદલે તમારે શું પહેરવું જોઈએ અને શું ન પહેરવું જોઈએ એ નક્કી કરવા લાગે તો એ પ્રેમની નહીં, પણ એકાધિકારપણાની લાગણીની નિશાની છે. જો તમારો બોયફ્રેન્ડ પઝેસીવ હશે તો તેને તમારા તમામ સ્કર્ટ ટુંકા લાગશે, જિન્સ વધારે પડતા ટાઇટ લાગશે અને શર્ટ્સ વધારે પડતું અંગપ્રદર્શન કરે એવા લાગશે. તેને લાગશે કે જે કપડાં તેની ગર્લફ્રેન્ડનું વધારે પડતું અંગપ્રદર્શન કરે છે એ કપડાં પહેરવાની સદંતર મનાઈ ફરમાવી દેશે.
વધારે પડતા પઝેસીવ પાર્ટનરને તેની સાથીદાર પોતાના પરિવાર સાથે વધારે સમય ગાળે એ પસંદ નથી હોતું. આ પ્રકારની માનસિકતા ધરાવતા પુરુષો હંમેશા કોઈ કામસર અથવા તો પ્રસંગોપાત આમંત્રણ મળ્યું હોય ત્યારે જ પાર્ટનરના ઘરે જવાનું પસંદ કરે છે અને એવી અપેક્ષા રાખે છે તેની પાર્ટનર પોતાના ઘરે એકલા લઈ જવાના બદલે હંમેશા તેને પોતાની સાથે લઈને જ જાય. હકીકતમાં આ પ્રકારના પુરુષોને એવી બીક હોય છે કે તેની સાથીદારની માતા જો તેનો સ્વભાવ પારખી જશે તો તેે દીકરીની કાનભંભેરણી કરીને તેને કાયમ માટે અલગ કરી દેશે. આ પ્રકારના પુરુષની પત્ની ક્રમશઃ પોતાના પરિવારથી કપાઈ જાય છે.
- નયના
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mdoioo
ConversionConversion EmoticonEmoticon