વાણીનો સંયમ વ્યક્તિને ઘણાં વાદ-વિવાદથી બચાવે છે


એ ક કહેવત છે, 'ન બોલવામાં નવ ગુણ' અર્થાત્ મૌન રહેવાથી કે ઓછું બોલવાથી, નકામા વાદ-વિવાદથી કે કજીયા-કંકાશથી બચી જવાય છે. માટે, બને ત્યાં સુધી ન જોઈતું બોલીને વાદ-વિવાદ ઉભા ન કરવા જોઈએ. મુંગા રહેવામાં માલ છે ભાઈ! કહ્યું છે કે, જીભમાં હાડકું નથી, પણ હાડકા ભંગાવી નાંખે એવી એની તાકાત છે માટે બીજા સાથે વાત કરતા હોઈએ ત્યારે વાણીમાં વિવેક રાખવો ખુબ જરૂરી છે. 'આંધળાના આંધળા જ હોય' એવું દ્રોપદીએ કીધું. એથી દુર્યોધન ગુસ્સે થયો અને દ્રોપદીના ચીર ખેંચાયા. વાણીનો ખુબ મહિમા છે. વાણીમાં મૃદુતા રાખવી. બોલવામાં વિવેક રાખવો. સંત તુલસીદાસ કહે છે -

બાની એસી બોલીયે, જો મનુઆ શીતલ હોય,

ઔરનકું શીતલ કરે, આપ ભી શીતલ હોય.

વિવેકથી બોલેલી વાણી, અન્યને શાંત કરે, પોતે પણ શાંતી પામે. જ્યારે ક્રોધાવેશમાં બોલેલ વાણીથી સાંભળનાર અશાંત થાય, પોતે પણ અશાંત થાય અને આજુબાજુનું વાતાવરણ પણ અશાંત થાય અને તેમાંથી વેરઝેરનું બીજ રોપાય તેમાંથી કજીયા-કંકાશ વધે માટે બોલતા પહેલા તેના પરિણામનો વિચાર કરવો. કવી અબ્દુલ રહેમાન ખાનખાના કહે છે -

'રહિમન જીહવા બાવરી, કર ગઈ સરગ, પાતાલ,

ખુદ કહ ભીતર ઘુસ ગઈ, જીતી પડે કપાલ.'

અર્થાત્, જીભ તો બોલીને અંદર, મોંમાં જતી રહી પરંતુ જુતા તો કપાળને ખાવા પડયા. મતલબ પરિણામ બોલનારને ભોગવવું પડયું. સંત તુલસીદાસ પણ કહે છે કે મધુરવાણી મંત્ર સમાન છે.

'તુલશી મીઠે વચનસે, સુખ ઉપજત ચહું ઔર,

વશીકરણ યહ મંત્ર હે, તજદે વચન કઠોર.'

આમ કર્કશવાણી કોઈને સાંભળવી ગમે નહી, વળી આમ જોઈએ તો મૌન રહેવાથી કે ઓછું બોલવાથી આપણી જીવન-ઉર્જાશક્તિ બચે છે, ને વધારે બોલવાથી ઉર્જાશક્તિ વેડફાય છે. ઘણાં લોકો બહુ બોલબોલ કરે છે. ન જોઈતું કે વધારે પડતું બોલી નાંખે છે. જેનાથી તેઓ વારંવાર વાદ-વિવાદમાં ફસાય છે. સંત મલુકદાસ કહે છે -

'મલુકા વાદ ન કીજીયે, ક્રોધે દેય બહાય,

હાર માનું અનજાત તે, બક બક મરૈ બલાય.'

માટે, વધુ પડતો વાદ-વિવાદ ઉભો થાય ત્યારે મૌન બની જવું એ જ ઉત્તમ ઉપાય છે. આમેય નાહકનો વાદ-વિવાદ કરવાથી તેનું કોઈ પરિણામ તો આવતું નથી. સમાધાન થતું નથી, પરંતુ પરિસ્થિતી વણસે છે માટે ક્રોધાવેશમાં આવી કદીયે વાણી ઉચ્ચારવી નહિ. સંત તુલસીદાસ કહે છે ઃ કૌઆ કિસકા લેત હે, કોયલ કીસકો દેત, અપની મીઠા બાનીસે જગ અપના કરી લેત. મતલબ કે કાગડાએ કોઈનું કાંઈ લઈ લીધું નથી, ને કોયલે કોઈને કશું આપ્યું નથી પણ કાગડો કર્કશ વાણીને લઈને અળખામણો છે, ને કોયલ તેની મીઠી વાણીને લઈને બધાને પ્રિય છે અને છેલ્લે...

'આંખમાં રાખશો અમી તો દુનિયા જાશે ગમી,

જીભમાં રાખશો અમી તો દુનિયા જાશે નમી.'

- ધનજીભાઈ નડીઆપરા



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37qlvE3
Previous
Next Post »