પ્રા ર્થનાનું ભાવવિશ્વ એક એવું અનોખું અને અદ્ભુત હોય છે કે જેમાં ભીડનો-સંકુલતાનો કોઈ અવકાશ નથી હોતો અને જેની સાથે એમાં વાત કરવાની હોય છે એ વિભૂતિ પરમ તત્ત્વસ્વરૂપ હોય છે - જગતનું સર્વોચ્ચ વ્યક્તિત્વ હોય છે. પ્રાર્થનાના ભાવવિશ્વમાં ભીડ એટલે નથી હોતી કે ત્યાં માત્ર બે જ વ્યક્તિ ઉપસ્થિત હોય છે: ભગવાન અને ભક્ત. એમાં સામેનું વ્યક્તિત્વ સર્વોચ્ચ એટલે છે કે એનામાં દોષ એક પણ નથી અને ગુણોનો કોઈ સુમાર નથી.
પ્રાર્થનાના ભાવવિશ્વમાં બીજી કમાલ એ છે કે એમાં મહદંશે 'વન-વે' જેવો વાર્તાલાપ વ્યવહાર હોય છે, તો ક્યારેક બન્નેનો વાર્તાલાપ હોય એવી પણ ભક્તની અનુભૂતિ હોય છે. જેમ કે જૈન પરંપરાના સત્વના સાહિત્યમાં આવતી ''હું તો ક્રોધકષાયથી ભરીયો, તું તો ઉપશમરસનો દરિયો'' પંક્તિ 'વન-વે' જેવા વાર્તાલાપની દ્યોતક છે, તો ''મત કહેજો તુજ કર્મે નથી'' જેવી પંક્તિ બન્નેના વાર્તાલાપનું પ્રતીક છે. ધ્યાનાકર્ષક બાબત બન્નેમાં એ છે કે તેમાં માધ્યમ બને છે શબ્દો. આ શબ્દો માટે મજાની પંક્તિ લખાઈ છે પ્રભુને ઉદ્દેેશીને કે:-
સારું થયું શબ્દો મળ્યા તારા સુધી પહોંચવા,
ચરણ લઈને દોડયો હોત તો થાકી જાત.
શબ્દોનો માધ્યમથી થતી પ્રાર્થનાઓ પૈકીની પાંચ ગદ્ય પ્રાર્થનાઓ પર ગત લેખથી આપણે ચિંતનયાત્રા આરંભી છે. એ પૈકી જેનો વિચાર વિસ્તાર કરવાનો છે તે બીજા ક્રમની ગદ્ય પ્રાર્થના આ છે કે ''પ્રભુ! અન્યોને માફ કરી શકું એવી શક્તિ આપજો.''
માનવીય જીવન એવું છે કે જે સાવ જ એકાકી કે કોઈની પરોક્ષ પણ સહાય વિનાનું હોય એવું બની ન શકે. કારણ કે માનવી સામાજિક પ્રાણી છે. જે વ્યક્તિ પ્રથમ નજરે એકાકી લાગતી હોય એમાં જીવનનું બારિકાઈથી નિરીક્ષણ કરીશું તો જરૂર એ પ્રતીતિ થશે કે તે વ્યક્તિ પણ કોઈના પરોક્ષ સંપર્કથી યા પરોક્ષ સહાયથી જીવે છે. નક્કર વાસ્તવિકતા આ હોવાથી એમ માનવું જ રહે કે માનવીય જીવનમાં અન્યનો સંપર્ક-સંબંધ અનિવાર્ય પરિબળ છે. હવે બને છે એવું કે અન્ય વ્યક્તિઓ સાથે જે સંપર્ક-સંબંધ હોય એ કાયમ મીઠો-મધુર જ રહે એવું પ્રાયઃ બને નહિ. સ્વાર્થવશ-સમજફર્કવશ-આવેશવસ-અહંકારવશ એ સંબંધમાં ખટાશ-કડવાશ આવે ય ખરી. અમે આ શક્યતાના સંદર્ભમાં પ્રવચનો દરમ્યાન એક રમૂજી વિધાન કરીએ છીએ કે ''બગડે બે, આવો પાઠ તો આપણને સહુને બાળપણમાં જ શીખવી દેવામાં આવ્યો છે. એ પાઠ જ એમ સૂચિત કરે છે કે બે વ્યક્તિ હોય ત્યાં બગડવાની સંભાવના પૂરેપૂરી છે. તો પછી સંબંધ બગડે ત્યારે સામી વ્યક્તિ પ્રત્યે ખુન્નસ રાખવાની કે જાત પ્રત્યે હતાશા અનુભવવાની કોઈ જરૂર નથી.''
એમાં પણ જે વ્યક્તિનું પુણ્ય તકલાદી હોય અને સ્વભાવ પિત્તળ હોય એને તો સંપર્કમાં-સંબંધમાં આવતી વ્યક્તિ સાથે બગડવાની શક્યતાઓ ભરપૂર રહે. બે-ચાર દૈનંદિન ઘટનાનાં ઉદાહરણો નિહાળીએ: સ્વભાવ પિત્તળ હોય અને પત્ની વારે-તહેવારે રસોઈમાં ભૂલો કર્યે જતી હોય તો ત્યાં 'બગડે બે' ઉક્તિ તરત સાર્થક થાય. નાદાન બાળક અણસમજમાં રમતાં રમતાં અગત્યનાં કાગળો ફાડી નાંખે ત્યારે પિત્તળ સ્વભાવની વ્યક્તિ સંતાનને માફ કરવાના બદલે નિર્દય મારઝૂડ કરી મૂકે એ સો ટકા સંભવિત છે. પુણ્યનો પનો ટૂંકો પડતો હોય અને જુવાનજોધ પુત્ર દરેક બાબતમાં પિતાના વિચારોથી વિરૂદ્ધ જ વર્તતો હોય ત્યારે રોજિંદા ઘર્ષણ નિશ્ચિત બની શકે છે. પુણ્ય ઓછું પડતું હોય અને લાખ સમજાવટ છતાં દીકરી રખડેલપણું મૂકવા તૈયાર ન થતી હોય ત્યારે નિત્યની જીભાજોડી-કંકાસો સર્જાઈ શકે છે. દૈનંદિન જીવનની આવી આવી બાબતો એ પુરવાર કરે છે કે સંબંધ બગડે ત્યારે વ્યક્તિ સામી વ્યક્તિને માફ કરવાનું વલણ બહુધા અપનાવી શકતી નથી. એ લગભગ સંઘર્ષમાં અને હૈયાંહોળીમાં તણાઈ જાય છે.
આપણે આ માનસિકતાથી મુક્ત થઈએ એ માટે જ પૂર્વોક્ત સરસ પ્રાર્થના કરાઈ છે કે ''પ્રભુ! અન્યોને માફ કરી શકું એવી શક્તિ આપજો.'' આ પ્રાર્થના જ્યારે હૃદયમાં પ્રત્યેક ખૂણે વ્યાપી જાય ત્યારે વ્યક્તિ, ઈરાદાપૂર્વકના અને મોટું નુકસાન કરે તેવા અપરાધને પણ કેવી સ્વસ્થતાથી માફ કરી શકે એ જાણવું છે? તો વાંચો જૈન ઈતિહાસની આ પ્રાચીન અને પ્રેરક ઘટના.
મહાન જૈન કવિ ધનપાલ એટલે વિદ્વાન રાજા ભોજની વિદ્વત્સભાના મુકુટમણિ. એમની કવિત્વ શક્તિ - કલ્પના શક્તિ બેમિસાલ હતી. આ મહાકવિએ વર્ષોની સખત જહેમત બાદ એક અદ્ભુત કાવ્યગ્રંથ રચ્યો. હસ્તલિખિત પ્રતના એ યુગમાં કવિએ ગ્રન્થની પ્રથમ પ્રત સાહિત્યરસિક રાજા ભોજને વાંચવા આપી. એ ગ્રન્થમાં પ્રસ્તુત થયેલ પરમાત્મા આદીશ્વર પ્રભુ-ચક્રવર્તી ભરતદેવ-અયોધ્યાનગરી વગેરેના એકેક વર્ણનો એવાં અદ્ભૂત હતા કે રાજા આફ્રીન પોકારી ગયા. પરંતુ એ પછી રાજાનાં દિલમાં અમર થઈ જવાની લાલસાએ જન્મ લીધો.
બીજા દિવસે મહાકવિ ધનપાલ રાજા પાસે આવ્યા ત્યારે રાજાએ વિચિત્ર વાત રજૂ કરી કે ''જો આ ગ્રન્થમાં તમે આદીશ્વરપ્રભુનાં સ્થાને મારા ઇષ્ટ પ્રભુનું, ચક્રવર્તી ભરતમહારાજાનાં સ્થાને મારું અને અયોધ્યાનગરીનાં સ્થાને ધારાનગરીનું નામ અંકિત કરી દો તો તમને કલ્પનાતીત સુવર્ણમુદ્રાઓનું ઈનામ આપું અને આ ગ્રન્થનો ઠેર ઠેર ફેલાવો પણ કરું.'' સત્ત્વ અને સમજણથી છલોછલ મહાકવિએ વળતી જ પળે આ લાલચનો ઈન્કાર કરતાં કહી દીધું કે ''ક્યાં રાગદ્વેષથી સર્વથા રહિત વીતરાગપ્રભુ અને ક્યાં અન્ય દેવ? ક્યાં ચરમશરીરી ચક્રવર્તી સમ્રાટ ભરતદેવ અને ક્યાં તમે? ક્યાં દેવનિર્મિત અયોધ્યાનગરી અને ક્યાં તમારી ધારાનગરી? ગ્રન્થમાં આવા કોઈ ફેરફાર શક્ય જ નથી.''
શિયાળાની સખત ઠંડી હોવાથી રાજમહેલમાં ત્યારે રાજાની પાસે અગ્નિનું તાપણું પ્રજ્વલિત હતું. મહાકવિના સત્ત્વશીલ ઉત્તરથી રાજા એવા ક્રોધવિષ્ટ થઈ ગયા કે એમણે ગ્રન્થની એ એકમાત્ર હસ્તપ્રત બાજુના અગ્નિમાં નાંખી દીધી! મહાકવિ વર્ષોની શબ્દસાધના એક ક્ષણમાં રાખ થઈ ગઈ! મહાકવિ કમાલ સ્વસ્થતા દાખવીને એક પણ આક્રોશવચન ઉચ્ચાર્યા વિના ઘરે આવ્યા. ત્યાં મહાકવિએ ધારી ન હતી એવી નવી કમાલ સર્જાઈ. એમની એકમાત્ર દીકરી તિલકમંજરી અત્યંત બુદ્ધિશાળી અને વિદુષી હતી. સમગ્ર ઘટનાક્રમ જાણ્યા પછી તિલકમંજરીએ હળવાશથી કહ્યું: ''પિતાજી! જરાય ચિંતા ન કરો. તમારો એ ગ્રન્થ મને સંપૂર્ણ કંઠસ્થ છે. હું રોજ પ્રભાતે તમારા ખંડમાં કચરો કાઢવા આવતી હતી ત્યારે પૂર્વદિવસના લખાયેલ પેજ વાંચી જતી હતી. એ એક વાર વંચાયેલ પેજ મને આપોઆપ યાદ રહી ગયા છે. તમે કલમ હાથમાં લો. હું એ ગ્રન્થ પૂરેપૂરો લખાવી દઈશ!'' ખરેખર આ રીતે એ ગ્રન્થ પુનરવતાર પામ્યો અને આ અકલ્પ્ય ઘટનાની યાદગીરીમાં મહાકવિએ ગ્રન્થને નામ આપ્યું 'તિલકમંજરી'. મહાકવિએ રાજાના અપરાધને મનમાં ન લીધો. પરંતુ રાજાના આવા અવિચારી સ્વભાવથી બચવા એ નગરનો ત્યાગ કરી તેઓ અન્યત્ર વસ્યા.
સામી વ્યક્તિના ગંભીર અપરાધને આ ગજબનાક સ્વસ્થતાથી માફ કરવાની આ કમાલ આપણને પણ આત્મસાત્ થાય એ માટે આપણે પૂર્વોક્ત પ્રાર્થના તો કરીએ જ. ઉપરાંત 'પ્રેક્ટીકલ' ઉપાયોરૂપે કેટલાક સંકલ્પ પણ કરીએ:
* અન્યોની પહેલી ભૂલ માફ કરીશ: નાનું બાળક શાળામાં પહેલી વાર એકડો ગલત લખે તો એને શિક્ષકની થપ્પડ કે ઠપકો મળતો નથી હોતો. ત્યારે એને માત્ર સાચી સમજ આપવામાં આવે છે. એ પછી પણ વારંવાર એ એકની એક ભૂલ કર્યા જ કરે તો એને કદાચ ઠપકો મળે. બસ, આપણે પણ આ વાસ્તવિકતાને લક્ષ્યમાં રાખીને કમસેકમ અન્યોની પ્રથમ ભૂલ તો માફ કરીએ. એમાં ઉગ્રતાનો નહિ, સમજાવટનો અભિગમ દાખવીએ.
* અન્યોની નાની નાની ભૂલ માફ કરીશ: નાના હતા ત્યારે માતાએ આપણી ઘણી નાની નાની ભૂલો માફ કરી હતી. અરે! અત્યારે પણ પરિવારજનો-મિત્રો-સ્વજનો આપણી અનેક નાની નાની ગલત આદતો-ભૂલોને ચલાવી લે છે-સહી લે છે. જો એ સહુ આપણી નાની નાની ક્ષતિઓ સહી લે છે, તો આપણે કેમ અન્યોની ક્ષતિઓ-ભૂલો ચલાવી ન લઈએ? જીવનશૈલી એ જ સરસ છે કે જેમાં કમસેકમ નાની નાની ભૂલોને નજરઅંદાજ કરવાની ઉદારતા તો હોય જ.
* જેનો હવે કોઈ ઉપાય નથી તેવી મોટી ભૂલોને માફ કરીશ: મહાકવિ ધનપાલની ઘટનામાં નિહાળ્યું કે હસ્તપ્રત અગ્નિશરણ થઈ ગઈ. હવે એ પ્રત પરત આવી શકે તેમ ન હતી. એથી મહાકવિએ તે મોટી ભૂલને-મોટા અપરાધને ય વીસરી જવાનો અભિગમ દાખવ્યો. આપણે પણ એવી પરિસ્થિતિમાં માફ કરવાનો અભિગમ દાખવીએ તો હતાશાથી જરૂર બચીએ.
છેલ્લે, માફી જેનાં કારણે નથી આપી શકાતી એ ગુસ્સા માટે મજાનું વિધાનઃ તમે જો સાચા છો તો ગુસ્સો કરવાની જરૂર નથી અને જો તમે ખોટા છો તો ગુસ્સો કરવાનો અધિકાર નથીં
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WkVxvg
ConversionConversion EmoticonEmoticon