- ચાંદીના આયાતકારો વાયદા કરતાં નીચા ભાવોએ ચાંદી વેચી રહ્યાના નિર્દેશો
વિશ્વબજારમાં ફેડે પોતાની મીટીંગમાં વ્યાજ દર યથાવત રાખીને આવતા વર્ષ સુધી તેમાં કશો ફેરફાર નહીં કરે તેવા સમાચારે રોકાણકારોની નજર ફેડની મીટીંગ પર મંડાઈ હતી તેના પ્રત્યાઘાતે સોનાએ અઠવાડીયાથી ઉંચા ભાવો દાખવ્યા અને સોનાના ભાવોમાં ૩૫થી ૪૦ ડોલર પ્રતિ ઔંસની તેજી આવીને શુક્રવારે બપોરે સોનું ૧૮૮૦ ડોલર પ્રતિ ઔંસનો ભાવ ક્વોટ થતું હતું. ફેડે બોન્ડના ભાવો પણ યથાવત રાખ્યા અને જાહેર કર્યું કે તેઓ દર મહિને ૮૦ બીલીયન ડોલરના બોન્ડો ખરીદશે તથા એજેન્સીઓની મોરગેજના ટેકાવાળી સીક્યુરીટીઝની ૪૦ બીલીયન ડોલરની પ્રતિ માસ ખરીદી કરશે. જે સોનાને ટેકો આપશે. અમેરિકાના ઈલેકટેડ પ્રમુખ બાઈડન ડોલરની છાપણી વધારશે અને નવું તંત્ર ચાર વાતોને વધુ મહત્ત્વ આપશે તેમાં (૧) કોવિદ-૧૯ને કાબૂમાં લેવાના પ્રયત્નો (૨) નાણાકીય રીકવરી લાવીને અર્થતંત્રને મજબૂતાઈ આપશે (૩) રંગ ભેદની મર્યાદાને દૂર કરશે (૪) અને વાતાવરણમાં પ્રદુષણના દૂષણને કાબૂમાં લાવશે.
લોકડાઉનને કારણે સોનાની ખાણો આંશિક બંધ રહી, સોનાનું ઉત્પાદન ઘટયું અને આ તરફ રોકાણકારોની સોનાની માંગ વધી તેણે ૨૦૨૦ના વર્ષમાં સોનાને સૌથી ઊંચો રેકોર્ડ તોડ ભાવ ૨૦૭૦ ડોલર પ્રતિ ઔંસને વટાવીને ઉંચા ભાવ દાખવ્યો તે દર્શાવે છે કે સોનું જ રોકાણકારોની પ્રથમ પસંદગી છે.
એકંદરે માંગ સામે પૂરવઠો ઘટતા સોનું ૨૩૦૦ ડોલર પ્રતિ ઔંસનો ભાવ દાખવે તો નવાઈ નહીં. વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીમાં તેજી આવી છે અને અઠવાડીયા દરમિયાન ૬૦-૭૦ સેન્ટનો ઉછાળો દાખવીને ૨૫૫૦ સેન્ટ પ્રતિ ઔંસના ભાવો વટાવે છે.
ન્યૂયોર્કના કોમેક્સ બજારમાં નાતાલની રજા પાડતા ચાંદીના સોદાઓ ઓછા પ્રમાણમાં પડશે પણ આ ઓછા કોન્ટ્રાક્ટ પણ ચાંદીના ભાવોને તેજી તરફ દોરશે અને નવા વર્ષના આગમને ચાંદી ૨૮૦૦ સેન્ટ પ્રતિ ઔંસને વટાવીને ૩૦૦૦ સેન્ટ તરફની દીશા પકડશે.
સ્થાનિક સોના બજારમાં વૈશ્વિક સોનાના મજબૂત થતા ભાવોથી સોનાના ભાવમાં રૂ.૭૦૦ પ્રતિ દસ ગ્રામ ઉંચકાયો અને ભાવો રૂ.૫૧૦૦૦ પ્રતિ દસ ગ્રામના ભાવને આંબી ગયા. ત્યારે વાયદા બજારમાં સોનાના ભાવોમાં રૂ.૯૦૦નો ઉછાળો આવતા સોનાનો ફેબુ્રઆરી વાયદો રૂ.૫૦૧૦૦ પ્રતિ દસ ગ્રામ ક્વોટ થાય છે.
જુના સોનાની આવક ધીમે ધીમે વધી રહી છે ત્યારે મોરગેજમાં મૂકીને લોકો- સોના સામે ઉછીના પૈસા લેવાની પ્રથામાં સુધાર થઈ રહ્યો છે. પરિણામે નાણાનો પૂરવઠો વધે અને લોકો પોતાની જરૂરીયાત પુરી કરી શકે તે માટે આવા નાણાનો ઉપયોગ કરી રહ્યા છે અને કોવિદ-૧૯થી થતા નુકસાનની ભરપાઈ કરી રહ્યા છે.
આયાતી સોનામાં વધારો નોંધાશે અને નાતાલ બાદ સોનાની માગ વધતા સોનાની આયાત વધશે. માગ વધતા સ્થાનિક સોનાના ભાવો ઉછળશે અને સોનું ફરી એકવાર રૂ.૫૪૦૦૦થી રૂ.૫૫૦૦૦ પ્રતિ દસ ગ્રામના ભાવને આંબે તો નવાઈ નહીં.
સ્થાનિક ચાંદી બજારમાં ચાંદીના ભાવોમાં અચાનક ઉછાળો નોંધાયો અને આ અઠવાડીયામાં રૂ.૪૦૦૦ પ્રતિ કિલોનો વધારો નોંધાવીને ચાંદીને રૂ.૬૭૦૦૦ પ્રતિ કિલોના ભાવ પર લાવી મૂકી ચાંદીના શોરૂમમાં ઘરાકી સળવળી છે અને શોરૂમ તરફથી પણ ચાંદીની માગ વધી છે અને દુકાનદારો નવો સ્ટોક બનાવવા ચાંદી ખરીદી રહ્યા છે. ચાંદીનો વાયદો અઠવાડીયાની શરૂઆતમાં રૂ.૬૨૫૮૦ પ્રતિ કિલો બોલાતો હતો તે તાજેતરમાં રૂ.૬૭૫૨૫ પ્રતિ કિલો બોલાય છે. હાજર ચાંદીની લે-વેચ રૂ.૩૦૦ પ્રતિ કિલોના ભાવ ફેરે થાય છે.
ચાંદીના આયાતકારો વાયદા કરતા રૂ.૧૦૦૦ પ્રતિ કિલોના નીચા ભાવે ચાંદી વેચી રહ્યા છે. ચાંદીના સીક્કાની માગ સાધારણ છે. ચાંદીના ઉંચકાયેલા ભાવે રોકાણકારો નીચા ભાવે ખરીદેલી ચાંદી વેચીને નફો તારવી રહ્યા છે. એકંદરે ચાંદીમાં મોટી ઉથલપાથલ થઈ શકે અને ચાંદી રૂ.૬૨૦૦૦થી રૂ.૬૮૦૦૦ પ્રતિ કિલો વચ્ચે અથડાશે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3avnhG8
ConversionConversion EmoticonEmoticon