ખાનગી ઈન્વેસ્ટમેન્ટમાં વધારો થશે તો જ આર્થિક વિકાસના અંદાજો સાચા પડશે


૨૦૨૦માં દેશનો આર્થિક વિકાસ દર ઐતિહાસિક નીચી સપાટીએ જોવાયા બાદ ૨૦૨૧માં ભારતના જીડીપી આંકમાં જોરદાર ઉછાળ જોવા મળવાની વિવિધ રેટિંગ એજન્સીઓ ધારણાં મૂકી રહી છે. કેટલીક રેટિંગ એજન્સી તો એશિયામાં ભારતનો આર્થિક વિકાસ દર સૌથી ઊંચો રહેવાની વાત કરી રહી છે. ભારતના જીડીપીનો આંક ૮ ટકાથી વધુ મુકાઈ રહ્યો છે. કોઈપણ દેશના આર્થિક વિકાસ માટે ઈન્વેસ્ટમેન્ટ અને રોજગારમાં વધારો થાય તે જરૂરી છે. ઈન્વેસ્ટમેન્ટ ખાસ કરીને ખાનગી ઈન્વેસ્ટમેન્ટમાં વધારો જે તે દેશના વિકાસ માટે પ્રથમ શરત છે. 

દેશના ઉદ્યોગો હાલમાં પૂરતી ક્ષમતાએ કામ કરતા નહીં હોવાથી ખાનગી ઈન્વેસ્ટમેન્ટમાં વધારો અપેક્ષા પ્રમાણે જોવા મળતો નથી. ઉત્પાદન ક્ષેત્ર હાલમાં ક્ષમતાના ૬૫થી ૭૦ ટકાએ કામ કરી રહ્યું છે, તેને જોતાં કોરોના કાળ બાદ ખાનગી ઈન્વેસ્ટમેન્ટ પ્રવૃતિ નજીકના ભવિષ્યમાં વધવા સામે શંકા છે. માળખાકીય ક્ષેત્રમાં પણ ખાનગી ઈન્વેસ્ટમેન્ટને લઈને અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. નોન પરફોર્મિંગ એસેટસમાં વધારાને કારણે બેન્કો આ ક્ષેત્રોને ધિરાણ કરવાથી અચકાઈ  રહી છે.  એકવીસમી સદીના  પ્રથમ દસકાના મધ્ય  ભાગમાં એટલે કે નાણાંકીય વર્ષ ૨૦૦૩-૦૪થી ૨૦૦૭-૦૮ દરમિયાન ભારતના આર્થિક વિકાસ દરમાં જંગી વૃદ્ધિ માટે કોર્પોરેટ ઈન્વેસ્ટમેન્ટમાં  થયેલો વધારો કારણભૂત રહ્યો હતો. ૨૦૦૮ની વૈશ્વિક નાણાંકીય કટોકટી બાદ કોર્પોરેટ ઈન્વેસ્ટમેન્ટને બ્રેક લાગી હતી. 

વર્તમાન સદીના પ્રથમ  દાયકામાં   ઈન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ  ખાનગી ક્ષેત્ર તથા જાહેર ક્ષેત્રની ભૂમિકા અલગઅલગ જોવા મળી હતી. ૨૦૦૪-૦૫થી ૨૦૦૭-૦૮ દરમિયાન જ્યારે  દેશનો એકંદર આર્થિક વિકાસ દર સરેરાશ  ૯ ટકા  આસપાસ રહ્યો હતો ત્યાર જાહેર ક્ષેત્રની સરખામણીએ ખાનગી ક્ષેત્ર નોંધપાત્ર ઊંચા દરે વિકસી રહ્યું હતું. આ સમયગાળા દરમિયાન ખાનગી કોર્પોરેટ  ઈન્વેસ્ટમેન્ટમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી.   

ખાનગી ક્ષેત્ર દ્વારા ઈન્વેસ્ટમેન્ટમાં આટલો જંગી વધારો થવા પાછળનું કારણ  ઊંચી રિટેલ માગ રહી હતી.  વર્તમાન સદીના બીજા  દાયકાના પ્રારંભમાં  ભારત સામે અને આર્થિક   પડકારો રહ્યા હતા તેનો અંત હજુપણ આવ્યો નથી.  બેન્કિંગ ક્ષેત્રની નબળી કામગીરી ઉપરાંત કોરોનાને કારણે બીજો દાયકો લગભગ ધોવાઈ ગયો છે.   ઘરઆંગણે તથા વૈશ્વિક સ્તરે મંદ માગને  જોતા ૯ ટકાનો આર્થિક વિકાસ દર ફરી હાંસલ કરવાનું ભારત માટે અશકય નથી પરંતુ કપરું તો બની જ રહેશે. ખાનગી ક્ષેત્રનું માનસ સુધારી ઈન્વેસ્ટમેન્ટમાં વધારો કરવા  કોઈપણ પ્રોત્સાહન દેશના આર્થિક વિકાસ દરને  ઊંચે  લઈ જવામાં   મદદરૂપ બની શકે છે.

ભૂલભરેલી ઔદ્યોગિક નીતિઓ  તથા મોટા  પ્રોજેક્ટો મંજુર કરવામાં  ઢીલને  પરિણામે  વર્તમાન સદીના બીજા દાયકામાં ખાનગી  ઈન્વેસ્ટમેન્ટ માનસ ખરડાયેલું  હતું. આ મુદ્દાઓને તાકીદે હાથ ધરાશે તો જ   રોકાણકારોનું માનસ સુધરી શકે છે જેની એકંદરે દેશના અર્થતંત્ર પર હકારાત્મક અસર જોવા મળશે. માળખાકીય સુવિધા ઊભી કરવાની  જવાબદારી   જાહેર ક્ષેત્ર  એટલે કે સરકાર  યોગ્ય રીતે પાર પાડશે તો ખાનગી ક્ષેત્રના વિકાસ માટેનો માર્ગ વધુ સરળ બનશે અને ઈન્વેસ્ટમેન્ટમાં વૃદ્ધિ જોવા મળી શકશે.   

૧૯૮૦ તથા ૧૯૯૦ના દાયકામાં  માળખાકીય ક્ષેત્રમાં ભારત જીડીપીના સાડાપાંચથી છ ટકા ઈન્વેસ્ટમેન્ટ કરતું રહ્યું હતું. જો કે  આમાંનું મોટા ભાગનું રોકાણ જાહેર ક્ષેત્ર તરફથી આવતું હતું. પરંતુ ત્યાર પછી સ્થિતિ બદલાઈ અને માળખાકીય ઈન્વેસ્ટમેન્ટ વધીને જીડીપીના ૯ ટકા આસપાસ રહેવા લાગ્યું હતું અને તેમાં  ખાનગી ક્ષેત્રનો હિસ્સો વધીને  બે-તૃતિયાંશ જેટલો થઈ ગયો હતો. ખાનગી ક્ષેત્રને પોતાના રોકાણ માટે આવશ્યક નાણાં જાહેર ક્ષેત્રની બેન્કો  પાસેથી આસાનીથી મળી રહેતા હતા.  પરંતુ  પ્રોજેકટોના ધીમા અમલીકરણને કારણે બેન્કોમાં નોન - પરફોર્મિંગ એસેટસની સમશ્યા ઊભી થવા લાગી અને આજે તેણે મહાકાય સ્વરૂપ ધારણ કરી લીધું છે અને આ સમશ્યા એેટલી ઘેરી બની ગઈ છે બેન્કો હવે ખાનગી ક્ષેત્રને ધિરાણ કરતા  ખચકાટ અનુભવે છે. ખાનગી ક્ષેત્રના રોકાણ સાથેના પ્રોજેકટો સમયસર પૂરા થયા હોત તો ખાનગી ક્ષેત્રને ઈન્વેસ્ટમેન્ટ કરવાનો ઉત્સાહ વધી ગયો હોત. 

ખાનગી ક્ષેત્રના ઈન્વેસ્ટમેન્ટને ફરી વધારવું હશે તો  બેન્કોની એનપીએની સમશ્યાનો બને એટલો વહેલો ઊકેલ લાવવો રહ્યો જેથી બેન્કો ખાનગી ક્ષેત્રને રોકાણ કરવામાં ઉદાર નીતિ અપનાવે.   કેન્દ્રની વર્તમાન સરકારે કોરોનાની મહામારી વચ્ચે પોતાની બીજી મુદતનું એક વર્ષ પૂરું  કર્યું છે ત્યારે  ખાનગી ઈન્વેસ્ટમેન્ટમાં વૃદ્ધિ  થાય તેવા પગલાંની અપેક્ષા રખાઈ રહી છે.  ઈન્વેસ્ટમેન્ટમાં વધારો થાય તે માટે વ્યાજ દરમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે પરંતુ નીચા વ્યાજ દરથી  વિકાસ થતો નથી તે અગાઉ અનેક વેળા જોવાયું છે.

દેશના શેરબજારોમાં લિસ્ટેડ કંપનીઓના નફામાં કોરોના કાળમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, પરંતુ આ વધારો કર્મચારીઓની છટણી તથા તેમના વેતનમાં કાપ જેવા પગલાંને કારણે જોવા મળ્યો છે. રિઝર્વ બેન્ક દ્વારા તાજેતરમાં હાથ ધરાયેલા સર્વેમાં નવેમ્બરનો કન્ઝયૂમર કોન્ફીડેન્સ ઘણો નીચો રહ્યો હતો. આ પાછળનું કારણ રોજગાર તથા આવકને લઈને પ્રવર્તતી અનિશ્ચિતતા રહેલી છે.  ઉત્પાદન  એકમો છેલ્લા અઢી-ત્રણ વર્ષથી ક્ષમતાના ૬૫થી ૭૦ ટકાએ કામ કરી રહ્યા  છે જેમાં વધારો થવો જરૂરી છે. આ વધારો ત્યારે જ શકય બનશે જ્યારે ઉપભોગ માગ વધશે અને ઉપભોગ માગ વધારવા રોજગારનું ચિત્ર મજબૂત હોવું જરૂરી છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nGA0tk
Previous
Next Post »