૨૦૨૦ના ફેબ્રુઆરી-માર્ચમાં પહેલીવાર કોરોના વાઇરસના ચેપની વાત પ્રગટ થઇ ત્યારથી એક નામ તમે અખબારોમાં સતત વાંચ્યું હશે- જ્હૉન હોપકીન્સ યુનિવર્સિટી અથવા જ્હોન હોપકીન્સ હૉસ્પિટલ. છેક સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં અમેરિકામાં ગુલામી પ્રથા નાબૂદ કરવા માટે જે જે લોકોએ અવાજ ઊઠાવેલો અને લોકજાગૃતિ માટે આંદોલન ચલાવેલું એવા નરવીરોમાં જ્હોન હોપકીન્સનું પણ નામ છે. ગર્ભશ્રીમંત પરિવારમાં જન્મેલા જ્હૉન હોપકીન્સે અઢળક દાન કર્યું છે એટલે એમના નામે ડઝનબંધ શિક્ષણ સંસ્થાઓ તેમજ હાસ્પિટલો બોલે છે. આ યુનિવર્સિટીમાં ભણી ગયેલા કે ભણનારા યુનિવર્સિટીના કમ્પાઉન્ડમાં ઊભેલી જ્હૉન હોપકીન્સની પ્રતિમાને આદરની નજરે જોતા રહ્યા હતા.
પરંતુ નો મોર. તાજેતરમાં એવી ચોંકાવનારી હકીકત પ્રગટ થઇ કે જ્હૉન હોપકીન્સ ગુલામી પ્રથા નાબૂદ કરવા લડેલા એ વાત જેટલી સાચી છે તેટલી જ એ વાત પણ સાચી છે કે જ્હૉન હોપકીન્સને પોતાને ત્યાં પણ ગુલામો હતા. તેમની પાસે ઢોરની જેમ કામ લેવામાં આવતું. ક્યારેક કામમાં ભૂલ થાય તો તેમને ભૂખ્યા પણ રાખવામાં આવતા અને શારીરિક સજા પણ કરવામાં આવતી. જ્હોન હોપકીન્સ યુનિવર્સિટીએ પોતે જાહેર કર્યું હતું કે સૈકાઓ જૂના રેકર્ડ તપાસતાં અમારા ધ્યાનમાં આવ્યું હતું કે જ્હોન હોપકીન્સને ત્યાં ૧૮૪૦ અને ૧૮૫૦ વચ્ચે ઓછામાં ઓછા પાંચ ગુલામ હતા. એક તરફ જ્હોન હોપકીન્સ ગુલામી નાબૂદ કરવાની લડતના લડવૈયા હતા અને બીજી તરફ તેમની પોતાની હવેલીમાં પાંચેક ગુલામો પરિવારની સેવા કરતા હતા.
યુનિવર્સિટીએ પ્રગટ કરેલા નિવેદનમાં જણાવ્યા મુજબ 'તાજેતરમાં અમે હોપકીન્સના ભૂતકાળના ઇતિહાસ પર નજર ફેરવતા હતા ત્યારે અમારા ધ્યાનમાં આવ્યું હતું કે ૧૮૪૦માં તેમને ત્યાં એક ગુલામ હતો અને ૧૮૫૦માં તેમને ત્યાં બીજા ચાર ગુલામ કામ કરતા હતા... ત્યારપછી તેમણે ગુલામો રાખ્યા હતા કે કેમ એની વિગતો મળી નથી... અગાઉની માન્યતા પ્રમાણે જ્હોન હોપકીન્સના પિતાએ ૧૮૦૭માં પોતાના તમામ ગુલામોને મુક્ત કરી દીધા હતા...'
આ નિવેદન પ્રગટ કર્યા બાદ સ્વાભાવિક રીતે જ યુનિવર્સિટી થોડી મૂંઝવણભરી પરિસ્થિતિમાં મૂકાઇ ગઇ હતી. દાનેશ્વરી, ગુલામી પ્રથા નાબૂદ કરવા માટે લડત ચલાવનારા અને પ્રખર શિક્ષણકાર એવા પોતાના સ્થાપક માટે આવું સત્ય પ્રગટ થાય તો સ્વાભાવિક રીતે જ યુનિવર્સિટીની પ્રતિમા ખરડાય. ખાસ કરીને આજે કોરોના કાળમાં દુનિયાભરના કોરોના પેશન્ટ્સ અને સંખ્યાબંધ દેશની માહિતી અપડેટ કરીને રજૂ કરનારી સંસ્થા તરીકે એની નામના છે. એવા સમયે એના સ્થાપકનો ખરડાયેલો ભૂતકાળ પ્રગટ થાય એ કેવી રીતે પરવડે. એટલે હવે યુનિવર્સિટીએ એવી જાહેરાત કરી હતી કે અમારા સ્થાપકની ભૂતકાળની વિગતો અમે ફરી તપાસી રહ્યા છીએ.
બાય ધ વે, અમેરિકાના મેરીલેન્ડમાં જ્યાં હોપકીન્સની સંસ્થાઓ આવેલી છે એ સ્ટેટમાં ૧૮૬૪માં ગુલામી પ્રથા પૂરેપૂરી નાબૂદ થઇ ચૂકી હતી. લગભગ એજ અરસામાં અમેરિકાના બંધારણમાં ૧૩મો સુધારો કરીને દેશભરમાંથી ગુલામી પ્રથા નષ્ટ કરી દેવામાં આવી હતી. બરાબર અગિયાર વર્ષ બાદ એટલે કે ૧૯૭૬માં હોપકીન્સ યુનિવર્સિટીની સ્થાપના થઇ હતી. યુનિવસટીએ જાહેર કર્યું કે અમારા સ્થાપકની કોઇ વિશ્વસનીય અને વિસ્તૃત જીવનકથા હાલ નથી. અમે એ દિશામાં અભ્યાસ કરાવીને આગળ વધવા માગીએ છીએ.
હાલ જ્હોન હોપકીન્સની જે ઇમેજ દુનિયાભરમાં છે એ એમના વારસદાર નબીરાઓની એક મહિલા (ગ્રાન્ડનીસ) હેલન થોમે લખેલી હોપકીન્સની જીવનકથા પર આધારિત છે. આ જીવનકથાનું ટાઇટલ 'ધ હિલ' છે. એમાં એવો દાવો કરાયો છે કે જ્હોન હોપકીન્સનાં માતાપિતાએ પોતાના ફાર્મ એન અરુન્ડેલ પ્લાન્ટેશનમાંથી તમામ ગુલામોને મુક્ત કરી દીધા હતા.
જો કે યુનિવર્સિટીએ એકરાર કર્યો છે કે પુસ્તકમાં વર્ણવાયેલી આ વિગતનો કોઇ સચોટ પુરાવો નથી. પોતાના પૂર્વજોની ઇમેજને સુદ્રઢ કરવાના ઇરાદાથી લેખિકાએ આ વાત જોડી કાઢી હોઇ શકે. કેટલાક સમીક્ષકો આ મુદ્દાને રંગભેદી અન્યાય તરીકે ઓળખાવે છે.
વાસ્તવિકતા જે હોય તે, અત્યારે તો કોરોના ચેપ અને તાજેતરમાં થયેલી અમેરિકી પ્રમુખપદની ચૂંટણીને લીધે અમેરિકી મિડિયાએ આ વાતને ઝાઝું મહત્ત્વ આપ્યું નથી એ યુનિવર્સિટી માટે બહુ મોટું આશ્વાસન છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qZOCps
ConversionConversion EmoticonEmoticon