- એવરેસ્ટનો નકશો ગગનમાં રહીને તૈયાર કરવાનો વિચાર વિખ્યાત પર્વતારોહક અને નકશા તૈયાર કરનાર બ્રેડફોર્ડ વૉશબર્નના મગજનો કેડો મૂકતો ન હતો.
કુ દરતનો કરિશ્મા ઘણીવાર ચોંકાવનારો હોય છે.'સબસે ઊંચા હિમાલય હમારા' એવું કહેતા હતા એ માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ પાછી વધી ગઈ છે તાજેતરમાં એવા સમાચાર આવ્યા છે કે જગતના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈમાં ૮૬ સેન્ટિમીટરનો વધારો નોંધાયો છે. ચીન અને નેપાળના સંશોધકોએ મળીને આ નવી ઊંચાઈ માપી ૮૮૪૮.૮૬ મીટર (૨૯,૦૩૨ ફીટ)નો નવો આંકડો જાહેર કર્યો હતો. આ પહેલા એવરેસ્ટની ભારતે માપેલી ઊંચાઈ જગમાન્ય ગણાતી હતી. સર્વે ઓફ ઈન્ડિયાએ છેલ્લે ૧૯૫૪માં એવરેસ્ટની ઊંચાઈ માપી હતી, જે ૮૮૪૮ ફીટ (૨૯૦૨૯ ફીટ) નોંધાઈ હતી.
૧૮૫૬માં ભારતીય ગણિતશાસ્ત્રી અને સર્વે ઓફ ઈન્ડિયાના કર્મચારી રાધાનાથ શિકદરે જાહેર કર્યું હતું કે આ શિખર જગતનું સૌથી ઊંચું છે. ત્યારે તેનું નામ એવરેસ્ટ ન હતું.
અંગ્રેજ અધિકારી જ્યોર્જ એવરેસ્ટ સાથે રાધાનાથ ગ્રેટ ઈન્ડિયન સર્વેમાં સ ંકળાયેલા હતા અને આખા દેશના નકશા સહિતની ભૂગોળ માપન કામગીરી કરતા હતા. ત્યારે એ શિખર નકશામાં માત્ર નંબરથી ઓળખાતું હતું. જ્યોર્જ એવરેસ્ટની નિવૃત્તિ પછી તેના સ્થાને આવેલા એન્ડ્ર્યુ સ્કોટે બ્રિટિશ સરકારને પ્રસ્તાવ મોકલ્યો કે જગતના સૌથી ઊંચા શિખરને સર એવરેસ્ટનું નામ આપવું જોઈએ. એટલે એવરેસ્ટનું નામ અપાયું, જેઓ ક્યારેય શિખર સુધી ગયા ન હતા, કે શિખર જોયું પણ ન હતું. બન્યુ એવું કે રાધાનાયે વિશ્વના સૌથી ઊંચા મનાતા શિખરનો સર્વે પૂરો કર્યો ત્યારે એ ખૂબ ખુશ થઈ ગયો.
ખુશીનો માર્યો તે પાગલ બની ગયો અને આ શોધીને વધામણી આપવા તે વખતના સર્વેયર જનરલ ઓફ ઇન્ડિયા સર એન્ડ્રયુ વૉની ઓફિસમાં હાંફળો ફાંફળો ધસી ગયો. ''સાહેબ, મેં વિશ્વનું સૌથી ઊંચું શિખર શોધ્યું છે'' એવું બોલતાં તો તેની છાતી ગજગજ ફૂલી.
એન્ડ્રયુ વોના પુરોગામી સર જ્યોર્જ એવરેસ્ટના નામ પરથી એ શિખરને એવરેસ્ટ નામ આપવામાં આવ્યું હતું. આ શિખરને એના શોધક બંગાળી સર્વેયરનું નામ આપવાને બદલે એક અંગ્રેજ સર્વેયર જનરલનું નામ આપી તેને અમર કરી દેવાયો. તે વખતે અંગ્રેજો ભારત ઉપર રાજ્ય કરતા હતા એટલે વિશ્વના સૌથી ઊંચા શિખરના નામકરણનો યશ એક ભારતીયને તેઓ કેવી રીતે આપી શકે?
પછી તો એવરેસ્ટની ઊંચાઇ માપવાની કામગીરી શરૂ થઇ. ઉત્તર ભારતનાં છ જુદાં-જુદાં મોજણી મથકો ઉપરથી એવરેસ્ટની ઊંચાઇ માપવામાં આવી. આ માપણીના અંતે એવું નક્કી થયું કે એવરેસ્ટની ઊંચાઇ ૨૯,૦૦૨ ફૂટ છે. તે વખતની થિયોડોલાઇટ, લેવલ સર્વે જેવાં ટાંચાં સાધનો વડે કરેલી મોજણી કેટલી કાળજીપૂર્વકની અને ચોકસાઇપૂર્વકની હશે તેનો ખ્યાલ એ વાત ઉપરથી આવી જશે કે આજનાં સોફિસ્ટિકેટેડ સાધનો વડે કરેલી એની ફેરમોજણીમાં અને એક સદીથી પણ અગાઉની મોજણી વચ્ચે માત્ર ૨૬ ફૂટનો તફાવત જણાયો છે. દાયકા પૂર્વે અત્યાધુનિક સાધનો વડે થયેલી મોજણીએ એવરેસ્ટની ઊંચાઇ ૨૯,૦૨૮ ફૂટ નક્કી કરી આપી.
જો કે આ કામ પણ આસાનીથી પાર પડયું નહોતુ. એવરેસ્ટની ઊંચાઈ નક્કી કરવા માટે અનેક સાહસિકોએ પોતાનું યોગદાન આપ્યું છે અને તેનો રોચક ઈતિહાસ છે.
એવરેસ્ટનો નકશો ગગનમાં રહીને તૈયાર કરવાનો વિચાર વિખ્યાત પર્વતારોહક અને નકશા તૈયાર કરનાર બ્રેડફોર્ડ વૉશબર્નના મગજનો કેડો મૂકતો ન હતો. કેમ્બ્રિજની શાળામાં બાળક વૉશબર્ન ભૂગોળ શીખતો હતો ત્યારથી જ એવરેસ્ટ તેના મગજ પર કબજો જમાવ્યો હતો.
૧૯૫૩માં વોશબર્ને નેશનલ જ્યોગ્રાફિક સોસાયટી ઉપક્રમે યુકોન(નેપાલમાં) માટેની ટુકડીની આગેવાની લીધી હતી. જાન્યુઆરી ૧૯૩૬માં આ સાહસ અંગેનો હેવાલ તૈયાર કરતી વખતે તેમને તેમની આરાધ્ય વ્યક્તિ (વિમાન ચાલક અને ફોટોગ્રાફર) આર્લ્બટ સ્ટીવન્સ યાદ આવી ગયા. તે વખતે સ્ટીવન્સ તેમના બલૂન 'એક્સપ્લોર-૨'ના ઉડ્ડયન અંગેનો હેવાલ તૈયાર કરી રહ્યા હતા. તેમના બલૂને ૭૨,૩૯૫ ફૂટની વિક્રમજનક ઊંચાઇ સર કરી હતી.
આકાશમાંથી નકશો બનાવવાની પ્રથમ સૂચના તેમને સ્ટીવ (સ્ટીવન્સ) તરફથી મળી હતી. હવે સ્ટીવે તેમને માઉન્ટ એવરેસ્ટનો નકશો આકાશમાંથી તૈયાર કરવાનો ખ્યાલ આપ્યો. એવરેસ્ટનો નકશો તૈયાર કરવાનું તેમના જીવનનું મહામૂલું સ્વપ્ન હતું. ૧૯૩૩માં બ્રિટિશરો વિમાનમાં એવરેસ્ટ ઉપરથી ઉડયા હતા. પરંતુ ખાલી ઊડવા માટે જ. સ્ટીવે વોશબર્નને એવરેસ્ટની આસપાસ ઊંચે ઉડ્ડયન કરીને નકશા તૈયાર કરવાની પ્રેરણા આપી. આ એક ગજબનો પ્રોજેક્ટ છે'' એવા સ્ટીવના શબ્દો તેમના મગજમાં કાયમને માટે કંડારાઇ ગયા.
વોશબર્ન જ્યારે બોસ્ટનના મ્યુઝિયમ ઓફ સાયન્સના ડિરેક્ટર પદેથી નિવૃત્ત થયા ત્યારે તો કેમેરા, લેન્સ, ફિલ્મ અને વિમાનોની ટેક્નોેલોજીમાં આમૂલ પરિવર્તન થઇ ગયું હતું. વોશબર્નની ઉંમર પણ ૭૦ વર્ષની થઇ ચૂકી હતી. પરંતુ તેમના મગજમાંથી સ્ટીવના પ્રેરક શબ્દો ખસતા ન હતા. તેમના ગાઢ મિત્ર બોલ બેટ્સ સાથે તેમણે એવરેસ્ટ અને અન્ય શિખરો સમેત ૩૦૦ ચોરસ માઇલના વિસ્તારનો નકશો તૈયાર કરવાનો પાકો મનુસુબો કર્યો.
૧૯૮૧માં તેણે એવરેસ્ટ ઉપર ઉડ્ડયન કરવાની નેપાળ સરકાર પાસે પરવાનગી માગી. તેમને કહેવામાં આવ્યું કે જો ચીન આવી પરવાનગી આપે તો નેપાળ તૈયાર જ છે. તેઓ ચીન ગયા અને આશ્ચર્ય એ છે કે ચીને તેમને હવાઇ મોજણીની પરવાનગી આપી. આ અગાઉ ચીને કોઇને આવી રીતે એના પ્રદેશ ઉપરથી એવરેસ્ટ ઉપર ઉડ્ડયન કરવાની પરવાનગી આપી નહોતી.
૧૯૬૪ના ઉનાળામાં તેમની યોજનાની તમામ વિગતો તૈયાર થઇ ગઇ. બોસ્ટન મ્યુઝિયમ ઓફ સાયન્સે ઉડ્ડયન અને ફોટોગ્રાફીનો અડધો ખર્ચ આપ્યો અને બાકીનો અડધો ખર્ચ નેશનલ જ્યોગ્રાફિક સોસાયટીએ આપવાની બાંહેધરી આપી.
ચોક્સાઇભર્યા નકશા તૈયાર કરવા માટે તેમને બે ચીજની જરૂર હતી. એક તો વાદળ મુક્ત સ્વચ્છ હવામાન અને બીજો છૂટાછવાયા હિમ વિનાનો પર્વતીય વિસ્તાર. તેમને ખબર હતી કે ડિસેમ્બરની શરૂઆતમાં અત્યંત ઠંડા પવનના સૂસવાટા ચોમાસામાં પર્વત પર જામેલો બરફ વાળીઝૂડીને સાફ કરી નાખે છે. ત્યાર પછીના બે મહિના દરમ્યાન જો આકાશ સ્વચ્છ હોય તો તેઓ તેમના હેતુમાં કામયાબ નીવડે તેમ હતા.
વોશબર્ન તેમનાં પત્ની અને મિત્ર બૉબ સાથે નેપાળ પહોંચ્યા. પરંતુ નસીબ બે ડગલાં પાછળ હતું. તેમનાં પત્ની બાર્બરા સખત તાવમાં સપડાયાં. સારામાં સારા અમેરિકન અને નેપાળી ડૉક્ટરો તાવમાં નિદાન કરી શક્યા નહિ. ૨૪મી નવેમ્બરે તેઓ બાર્બરાને બેન્કોક લઇ ગયા, ત્યાં તેમને કહેવામાં આવ્યું કે બાર્બરાને કેન્સર થયું છે અને જો તેને ઘેર પહોંચાડવામાં ન આવે તો તે ચાલવા માટે પણ અશક્ત બની જશે.
રઘવાઇ ગયેલા વોશબર્ને નેશનલ જ્યોગ્રાફિક સોસાયટીના બેરી બીશપને ફોન કરીને એવરેસ્ટ પ્રોજેક્ટની ટુકડીની આગેવાની લેવા વિનંતી કરી સ્વીસ એરના ફોટો અને સર્વે ડિવિઝનના વાઇસ પ્રેસિડન્ટ વેર્નર અલ્થેરને એરિયલ ફોટોગ્રાફી સંભાળવાનું કહેવામાં આવ્યું.
રવિવારની સવારે વેર્નર અલ્થેર વોશબર્ન અને બાર્બરાને ઝુરીચ એરપોર્ટ પર મળ્યા. તેમણે સમાચાર આપ્યા કે તેમને એવરેસ્ટની ફોટોગ્રાફી માટે એક જેટ વિમાન લઇ કાઠમંડુ પહોંચવાની અને બેરીને મળવાની સૂચના મળી છે.
૧૨ કલાક બાદ બાર્બરાને બોસ્ટનની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ત્યાં ડૉક્ટરોએ એવું નિદાન કર્યું કે તે કેન્સરથી નહિ પણ એક જૂજ રક્તરોગથી પિડાતી હતી અને તેનું નિદાન સમયસર થયું હોવાથી કોઇ પણ જાતનો ભય રાખવાનું કારણ ન હતું.
બુધવારે જેટ વિમાન ઝુરીચ પહોંચ્યું. તેમાં નકશા તૈયાર કરવા માટેનો મોટો કેમેરા ગોઠવવામાં આવ્યો હતો. આલ્પ્સ પર્વત ઉપર ૪૦,૦૦૦ ફૂટ ઊંચે કેમેરાની ચકાસણી કરવામાં આવી. શનિવારે બેરી કાઠમંડુ પહોંચી ગયો અને વેર્નર અને તેના સાથીઓને લઇને જેટ પ્લેને કાઠમંડુ ખાતે ઉતરાણ કર્યું.
આ ટુકડી સાથે વિમાને નકશા માટેનાં ફોટા લેવા માટે એવરેસ્ટ ઉપર સાડા ત્રણ કલાક સુધી ઉડ્ડયન કર્યું. બીજા ત્રણ કલાકમાં તે ફિલ્મ ધોવાઇને ફોટા તૈયાર થઇ ગયા. ફોટા ખૂબ જ સ્પષ્ટ હતા, એટલે ટુકડીને પોતાનાં વર્ષોથી સેવેલ સ્વપ્ન અને જે આયોજન કર્યું હતું તેની પૂર્તિ થયેલી લાગી.
નાતાલની સવારે ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી અને વોશબર્ન તથા બાબરા સફાળા જાગી ગયા. સામે છેડેથી વેર્નરનો અવાજ આવ્યો, ''હું હમણાં જ ઝુરીચ આવી પહોચ્યો છું. મારી બ્રીફકેસમાં એવરેસ્ટનાં ૧૬૦ અફલાતૂન ફોટા પડયા છે. કાઠમંડુ સ્થિત અમારી ટુકડી વતી હું આ સમાચાર અને શુભેચ્છા નાતાલની ભેટ તરીકે પાઠવી રહ્યો છું.''
ફોટા ઉપરથી ખૂબ જ સરસ નકશો બની શકે છે. પરંતુ એ તૈયાર કરતી વખતે ખૂબ જ કાળજી અને ચોકસાઇ રાખવી પડે છે. નાની ટેકરીઓ પણ ચોકસાઇમાં ભંગ પાડી શકે છે. અને એવરેસ્ટનો વિસ્તાર તો એટલો બધો ખરબચડો છે કે તેના ફોટા ઉપરથી નકશો બનાવવામાં ખૂબ જ ચોકસાઇ રાખવી પડે.
હવે ટુકડીએ નેપાળથી નજર હઠાવીને નાસા પ્રતિ કેન્દ્રિત કરી, કારણ કે ફોટા ઉપરથી અત્યંત ચોકસાઇભર્યો નકશો તૈયાર કરવા માટે ભરોસાપાત્ર 'ગ્રાઉન્ડ કન્ટ્રોલ'ની જરૂર હતી. જમીન ઉપરનાં બિંદુઓની ફૂલગૂંથણીને ગ્રાઉન્ડ કન્ટ્રોલ કહે છે. આ બિંદુઓ ફોટામાં સ્પષ્ટપણે ઓળખી કઢાય તેવાં છે અને તેમનાં સ્થાન અને ઊંચાઇની ચોક્કસપણે ખબર હોય છે. જેમ જંગી બિલ્ડિંગ માટે ઉચ્ચ ગુણવત્તા ધરાવતી સ્ટીલ ફ્રેઇમની જરૂર પડે છે. તેમ ફોટા ઉપરથી નકશા બનાવવા માટે આ બિંદુઓની ફૂલગૂંથણી (ગ્રાઉન્ડ કન્ટ્રોલ)ની જરૂર પડે છે.
૧૯૮૩ની બીજી ડિસેમ્બરે વાદળવિહીન સ્વચ્છ આકાશમાં યુ.એસ.સ્પેસ શટલ 'કોલમ્બિયાં'એ એવરેસ્ટ ઉપરથી ૧૫૬ માઇલની ઊંચાઇએ ઉડ્ડયન કર્યું હતું. કોલમ્બિયાંના નકશા બનાવવા માટે પશ્ચિમ જર્મનીનો કેમેરા ગોઠવાયેલો છે. તેમાં ઝડપાયેલા ઇન્ફ્રારેડ (પારરકત) ફોટા બિલકુલ સ્પષ્ટ હતા. નકશા સચોટ હોવાનું ટુકડીને પણ લાગ્યું.
નકશાને ભૂતકાળમાં અત્યંત શ્રમપૂર્વક તૈયાર થયેલા નકશાઓ સાથે સરખાવીને તેની ચોકસાઇની ચકાસણી કરવાની હતી. ઝુરીચની વિખ્યાત હવાઇ મોજણી સંસ્થામાં જૂના બ્રિટિશ, ચાઇનીઝ અને ઓસ્ટ્રીયન નકશાઓની નકલો હતી તે અને કમ્પ્યુટર મૂલ્યાંકન કાર્યક્રમ દ્વારા એ નકશાઓની વિગતોની અવકાશમાંથી લીધેલા ફોટા સાથે સરખામણી કરવામાં આવી.
ગ્રેએનના હેવાલના આધારે બીજા એક નકશા-નિષ્ણાતો જેટ પ્લેનમાંથી લીધેલા એવરેસ્ટના મોટા કદના ફોટા ગુ્રએનના કન્ટ્રોલ પર ગોઠવીને એક અતિ સુંદર રેખાંકન આલેખતો નકશો તૈયાર કર્યો. પ્રયોગ શાળામાં બે વર્ષની અટપટી અને પરસેવો નિતારે તેવી સખત મહેનતના ફળ સ્વરૂપે આ નકશો તૈયાર થયો.
બર્ન (સ્વિત્ઝર્લેન્ડ) ખાતે નકશા નિષ્ણાતોની એક ટુકડીએ એવરેસ્ટની ટેકરીઓ અને ગ્લેશિયર્સ (હિમપ્રવાહો)ની અસંખ્ય વિગતો નકશામાં પૂરી ને હાથે બનાવેલો એક અત્યંત ચોકસાઇભર્યો નકશો તૈયાર કર્યો. ટુકડીની ધીરજને દાદ દેવી ઘટે. ઘણીવાર માત્ર એક ઇંચ જેટલો નકશો બનાવતાં આખો દિવસ વીતતો હતો. ટુકડીની ધીરજ, ખંત, ચીવટ અને ચોકસાઇ અદ્ભૂત હતાં.
નકશામાં પર્વતો અને ખીણો (અલબત્ત નાના સ્કેલ પર) આબેહૂબ દર્શાવવામાં આવ્યા. અર્થાત, ત્રિપાર્શ્વ પરિમાણ બતાવતો નકશો તૈયાર થયો. હજારો કલાકની મહેનતે તૈયાર થયેલા આધારભૂત નકશાને આખરે પ્રિન્ટિંગ પ્લેટ્સ ઉપર બરોબર ફીટ કરવામાં આવ્યો અને નેશનલ જ્યોગ્રાફિક સોસાયટીના વડા મથકે રવાના કરવામાં આવ્યો. ત્યાં નેપાળ અને ચીનના નિષ્ણાતોના સહકારથી જુદા-જુદા સ્થળોનાં નામનો બે વર્ષથી વધુ સમય સુધી અભ્યાસ કરવામાં આવ્યો. કેટલાંક શિખરો અને ગ્લેશિયરોના નામકરણ ચાર ભાષાઓમાં કરવામાં આવ્યાં.
આ એવરેસ્ટ પ્રોજેક્ટમાં નવ રાષ્ટ્રોએ યોગદાન કર્યું હતું, યુનાઇટેડ સ્ટેટ્સ, સ્વીટ્ઝર્લેન્ડ, નેપાળ, ગ્રેટબ્રિટન, પશ્ચિમ જર્મની, સ્વીડન, યુગોસ્લાવિયા અને જાપાન. વાસ્તવમાં આ પ્રોજેક્ટ આવા કાર્યના નિષ્ણાતોનો શોખીનોનો પ્રોજેક્ટ હતો. તમામે એકમેકનો માન-મરતબો સાચવીને સહકારની ભાવનાથી કામ કર્યું હતું.
એરિસ્ટોટલે સાચું જ કહ્યું છે કે આપણામાંની દરેક વ્યક્તિ કુદરતને સમજવામાં યથાશક્તિ અલ્પ ફાળો આપતી હોય છે, અને જ્યારે એ તમામ હકીકતો એકત્ર કરવામાં આવે ત્યારે તેનો મહિમા કંઇ ઓર જ હોય છે.''
વિશ્વના સૌથી ઊંચા હિમાલયની છેલ્લી મોજણી ૧૯૮૪માં બોસ્ટનના મ્યુઝિયમ ઓફ સાયન્સ અને નેશનલ જ્યોગ્રાફિક સોસાયટીના ઉપક્રમે હાથ ધરવામાં આવી હતી. આ મોજણીના ફળસ્વરૂપે એવરેસ્ટ વિસ્તારના ૩૮૦ ચોરસ માઇલના નકશા તૈયાર થયા હતા. મોટા સ્કેલ (૧:૧૦,૦૦૦)ના દશ નકશા અધિકૃત મનાય છે.
જો કે હિમાલયની મોજણીની સૌ પ્રથમ શરૂઆત ગ્રેટ ટ્રિગોનોમેટ્રિકલ સર્વે ઓફ ઇન્ડિયાથી થઇ હતી. ૧૮૪૦ના દાયકાના પાછલા ભાગમાં બ્રિટિશ મોજણીકારોએ ઉત્તર ભારતની ત્રિકોણિયા શ્રેણીની ધારે આવેલાં છ ભૂ માહિતીમથકો ખાતેથી હિમાલયનાં શિખરોની મોજણી-માપણી શરૂ કરેલી. ૧૮૫૨માં તેમણે એવરેસ્ટ (જે તે વખતે શિખર એક્સ ફાઈવ તરીકે ઓળખાતું હતું)નું સ્થાન અને ઊંચાઇ નક્કી કર્યા હતા. આમ છતાં, અત્યાર સુધીની એવરેસ્ટની સર્વસ્વીકૃત ઊંચાઇ ૨૯,૦૨૮ ફૂટ ૮૮,૮૪૮ મીટર)તો છેક ૧૯૫૪માં નક્કી થઇ.
એવરેસ્ટનું સ્થાન અને ઊંચાઇ નવી મોજણી માટે અત્યંત મહત્ત્વનાં હતાં. આ નવી મોજણીમાં એવરેસ્ટને મુખ્ય ગ્રાઉન્ડ કન્ટ્રોલ અથવા મુખ્ય સંદર્ભ, બિંદુ તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યો. આને માટે ૧૯૨૧ અને ૧૯૭૫ વચ્ચે જમીનની મોજણી અને ઓછી ઊંચાઇથી લીધેલા ફોટાની મદદથી તૈયાર કરાયેલા ચાઇનીઝ, બ્રિટિશ અને ઓસ્ટ્રિયન નકશા પણ ખૂબ મહત્ત્વના હતા.
એવરેસ્ટનું સ્થાન અને ઊંચાઇ નક્કી કરવામાં, અવકાશમાંથી કરવામાં આવેલી સ્ટિરિયોગ્રાફીએ એક નવું પરિમાણ ઉમેર્યું. ૧૯૮૩ના ડિસેમ્બરની બીજી તારીખે સ્પેસ શટલ 'કોલમ્બિયાં' એવરેસ્ટ ઉપરથી ૧૫૬ માઇલની ઊંચાઇએ પસાર થયું. પશ્ચિમ જર્મનીના અત્યંત આધુનિક હવાઇ મોજણી માટેના કેમેરાએ ઘણા ઇન્ફ્રારેડ ફોટા ઝડપ્યા. એમાં ઝડપાયેલું દરેક પ્રતિબિંબ ૧૩,૮૦૦ ચોરસ માઇલનું હતું.
સ્વીટ્ઝર્લેન્ડના ફોટોગ્રામેટ્રી સેન્ટર ખાતે યુરોપિયન અને ચાઇનીઝ નકશાઓમાં દર્શાવાયેલાં શિખરો અને અન્ય કેન્દ્રોનાં સ્થાન સાથે સ્ટિરિયો ફોટોગ્રાફીમાં ઝડપાયેલા સ્થાનો સાથે સરખાવામાં આવ્યાં.
કમ્પ્યુટરે આ નકશામાં રહેલી ભૂલો શોધી કાઢી. ૨૦મી ડિસેમ્બર ૧૯૮૪ના રોજ જેટ પ્લેનમાંથી ૪૦,૦૦૦ ફૂટની ઊંચાઇએથી લીધેલા ફોટા પરથી નવા એક્સો ગ્રાઉન્ડ-કન્ટ્રોલ પોઇન્ટસની પસંદગી કરવાનું શક્ય બન્યું. એ ફોટોગ્રાફી પરથી તૈયાર થયેલા નકશામાં શિખરો અને ખીણોની વિગતો એટલી સ્પષ્ટતાથી ઉપસી છે કે ૧૯મી સદીમાં જમીન પરથી એવરેસ્ટની મોજણી કરનારને તો એનો સ્વપ્ને પણ ખ્યાલ નહિ હોય!
હવે આપણે નવી નોંધાયેલી ૮૬ સે.મી.ની. વધારાની ઊંચાઈનું રહસ્ય જોઈએ.
નવી ઊંચાઈમાં ફેરફારનું કારણ આધુનિક સાધનોનો ઉપયોગ અને એવરેસ્ટના કદમાં કુદરતી રીતે થતો વધારો છે. આખો ભારત જે ભૂસ્તરિય પ્લેટ પર છે, એ પ્લેટ ઉત્તર તરફ સરકી રહી છે અને તેના દબાણને કારણે એવરેસ્ટ દર વર્ષે અમુક મિલિમીટર જેટલો ઊંચો થાય છે. ચીને પોતાની રીતે ઊંચાઈ માપીને વારંવાર આંકડા જાહેર કર્યા હતા અને નેપાળને એ આંકડા સ્વિકારવા દબાણ કર્યું હતું. નેપાળ એ માટે તૈયાર થયું ન હતું. એટલે છેવટે બન્ને દેશોએ સાથે મળીને ઊંચાઈ માપવાની કામગીરી આરંભી હતી.
૨૦૧૫માં આવેલા ભુકંપને કારણે પણ એવરેસ્ટની ઊંચાઈમાં થોડો ફેરફાર થયો હતો. ચીને ૧૯૭૫માં અનેે ૨૦૦૫માં એમ બે વખત પોતાની રીતે ઊંચાઈ માપીને આંકડા જાહેર કર્યા હતા. પરંતુ એ નેપાળ સરકારે માન્ય રાખ્યા ન હતા.
એવરેસ્ટનો મોટો હિસ્સો નેપાળમાં હોવાથી નેપાળની સહમતી વગર નવી ઊંચાઈ જાહેર કરવાનો ચીન માટે કોઈ અર્થ ન હતો.
દરેક ઊંચાઈ સમુદ્ર સપાટીને તળિયું ગણીને માપવામાં આવે છે. ભારતે બંગાળના અખાતની સપાટીના સંદર્ભમાં ઊંચાઈ માપી હતી અને નેપાળ પણ સપાટીને સંદર્ભ માની ચાલતું હતું. ચીને પીળા સમુદ્રના સંદર્ભમાં ઊંચાઈ માપી હતી. પરંતુ હવે જીપીએસ દ્વારા મળતી માહિતી, ટ્રિગોનોમિટ્રિ (ત્રિકોણમિતિ) વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નેપાળ અને ચીનના સંશોધકોની ટીમ અલગ અલગ રીતે એવરેસ્ટ પર પણ ગઈ હતી. નેપાળે આસપાસના બાર શિખર સાથે સરખામણી કરી હતી. એમ વિવિધ રીતે માપણી કરીને અંતિમ આંકડો જાહેર કરવામાં આવ્યો હતો.
આમ આપણો હિમાલય એટલે કે એવરેસ્ટ શિખર નવી ઊંચાઈ સાથે સૌથી ઊંચા પર્વતનું બિરૂદ જાળવી રાખી ઊન્નત મસ્તકે ઊભો છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aA67a2
ConversionConversion EmoticonEmoticon