- તેંડુલકર, ધોનીથી માંડી કોહલી જેવા ક્રિકેટરો ભલભલા આંતરરાષ્ટ્રીય ફાસ્ટ બોલરોની ધૂલાઈ કેમ કરી શકે છે ?
- 'વ્હુ પેક્ડ માય પેરાશૂટ' જેવા કિસ્સા યુદ્ધ ભૂમિ પર નહીં ક્રિકેટર અને તમામ ક્ષેત્ર અને સફળ વ્યક્તિના જીવન સાથે જોડાયેલા હોય છે
- રઘુ 150 કિ.મી.ની ઝડપે થ્રો બોલિંગ કરી શકે છે: સ્વિંગ અને બેટ્સમેન ઇચ્છે તે રીતે બોલની પીચ પાડી પ્રેક્ટીસ કરાવે છે
ભા રતના તેડુંલકરથી માંડી કોહલી સુધીના બેટ્સમેનોને બેટિંગ પ્રેક્ટિસ ભારતના બોલરો જ કરાવતા હોય તેવુ નથી. બોલરો પ્રેક્ટિસ દરમ્યાન તેમની પૂરી પ્રતિભા, તાકાત અને વિવિધતા સાથે લગાતાર બોલિંગ કરતા રહીને તેમની શક્તિ નથી વેડફતા.
બેટસમેનોને ૧૫૦ કિલોમીટરની ઝડપે ફેંકાયેલ બોલમાં પ્રેક્ટિસ મળે તેમાં અવનવી હવામાં વળાંક અને સ્વિંગ બોલિંગની પ્રેક્ટીસ કરાવવા માટે 'થ્રોડાઉન' બોલર હોય છે.
ડી. રાઘવેન્દ્ર રાવ જે ક્રિકેટરોમાં રઘુ તરીકે જાણીતો છે તેનું ભારતના બેટ્સમેનો આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકે છે તેમાં મોટું યોગદાન છે.
રઘુ બોલરની જેમ એક્શન સાથે બોલિંગ કરીને પ્રેક્ટિસ નથી કરાવતો પણ થ્રો બોલિંગ કરતા બોલ ફેંકે છે જે ૧૫૦ કિલોમીટરની ઝડપના હોય છે એટલુ જ નહીં તેની થ્રો બોલિંગમાં તે ઇરાદાપૂર્વક બેટ્સમેનને મુંઝવે તેવા બોલ ફેંકે છે. બેટ્સમેન તેની નબળાઇ પર પ્રભુત્વ મેળવવા તેને જેવા બોલ જ્યાં પીચ પાડવી હોય કે બોડીલાઇન ફેંકવા હોય તે ધાર્યા ટપ કે નિશાન પર ફેંકે છે. તે ફાસ્ટ બોલર જેવા પડતા કે સ્પિનરની બોલિંગની પ્રેક્ટિસ પણ આપે છે. તવી જ રીતે કેચ પ્રેક્ટિસ આપવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.
આમ તો રઘુ ભારતની ટીમ જોડે જ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાનો હતો પણ તેને કોરોના થતા તે જરૂરી ક્વોરન્ટાઇન થઇને ફરી પ્રેક્ટીસ માટે સજ્જ થઇ ગયો છે.
તેનું ભારતીય ટીમમાં એ હદે મહત્વ છે કે ઓસ્ટ્રેલિયામાં પ્રવાસી ભારતીય ટીમ જોડે પ્રેક્ટિસ સેશનમાં જોડાયો ત્યારે તેનું સ્વાગત કરતા ભારતીય ક્રિકેટ બોર્ડે ટ્વિટ કરી.
કોહલીએ પણ રઘુની પ્રશંસા કરતા કહ્યું કે ૨૦૧૩થી ભારતની બેટિંગમાં જે પણ સુધારો થયો છે તે રઘુને આભારી છે. કોહલીએ ઇન્સ્ટાગ્રામ પરની એક ચેટમાં કહ્યું હતું કે રઘુ સામે પ્રેક્ટિસ કર્યા પછી આંતરરાષ્ટ્રિય મેચમાં બેટિંગમાં ઉતરો ત્યારે ફાસ્ટ બોલરને સમજીને રમવાનો તમને ક્રીઝ પર સમય મળતો હોય તેમ લાગે.
ધોનીએ તેને વિદેશી ભૂમિ પર વિદેશી બોલર ઘરઆંગણે બોલ ફેંકતો હોય તેવા થ્રો ડાઉનથી પ્રેક્ટિસ કરાવે છે તેમ કહી તેને તે 'ફોરેન પેસર' તરીકે બોલાવતો હતો.
રઘુ કર્ણાટકના કુમતા જિલ્લાનો વતની છે અને સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવે છે.
૨૦૦૮ થી ૨૦૧૧ તે નેશનલ ક્રિકેટ એકેડમીમાં ખેલાડીઓને પ્રેક્ટીસ કરાવતો હતો અને તે પછી ભારતીય ક્રિકેટ બોર્ડે ભારતની ટીમના ખેલાડીઓને થ્રોડાઉન પ્રેક્ટિસ કરાવવા તેને રાખી લીધો છે. તે પ્રવાસી ભારતીય ટીમ જોડે પણ જાય છે. આમ તો તેંડુલકર દ્વારા નેશનલ એકડમીને તે મળ્યો હતો. તે તેના ગામથી મુંબઇ તેંડુલકરને મળવા અને તેની થ્રોડાઉનની આવડત અંગે જણાવવા આવ્યો હતો. તેંડુલકરને મળતા અગાઉની મુંબઇમાં પ્રથમ રાત્રિ તે કબ્રસ્તન નજીક રોકાયો હતો કેમ કે તેની પાસે હોટલમાં રહેવાના પૈસા ન હતા. તેંડુલકરે તેને પ્રેક્ટિસ માટે મુંબઇમાં જ રહેવાનું ગોઠવી આપ્યુ. તેંડુલકર, ધોની, કોહલી કહે છે કે અમારી બેટિંગ રઘુને આભારી છે તેનાથી વિશેષ સિદ્ધિ શું હોય?
પેલો બહુ જ જાણીતો પ્રેરણા પ્રસંગ 'વ્હૂ પેક્ડ માય પેરાશૂટ' યાદ હશે જ. અમેરિકાના નેવી જેટ પાયલોટ ચાર્લ્સ પ્લમ્બે વિએતનામ સામેના યુધ્ધમાં દુશ્મન દેશની અવકાશી સરહદ ઓળંગીને તેમના જેટ પ્લેનથી ૭૪ વખત બોમ્બમારો કર્યો હતો. ચાર્લ્સ પ્લમ્બ અમેરિકાના યુધ્ધ ઇતિહાસના પરમવીરોમાંના એક મનાય છે. ૭૫મી વખત બોંબમારો કરવા ગયા ત્યારે વિએતનામના સરફેસ ટુ એર મિસાઇલે ચાર્લ્સ પ્લમ્બના વિમાનને તોડી પાડયું. પણ વિએતનામની જ નહીં અમેરિકાની સેના અને નાગરિકોને પણ આશ્ચર્ય થયું કે મિસાઇલ એટેક છતા જે ક્ષણે પ્લમ્બનું વિમાન ધડાકાભેર ઉડી ગયુ છતા પ્લમ્બ તે જ ક્ષણે તેની પેરાશૂટથી જમીન પર તત્કાળ કઈ રીતે કૂદી શક્યા ?
વિએતનામ સેનાએ તેમને પકડીને યુધ્ધ કેદી તરીકે જેલમાં રાખ્યા.
ચાર્લ્સ પ્લમ્બની ચાહના ઓર વધી. અમેરિકાના નાગરિકો માટે તે હીરો હતા. યુધ્ધ પુરૂ થયું. બંને દેશો વચ્ચેની સમજૂતીના ભાગ રૂપે ચાર્લ્સ પ્લમ્બને જેલ મુક્ત કરીને અમેરિકા પરત મોકલાયા.
ચાર્લ્સ પ્લમ્બનું સ્વાગત કરવા માનવ મેદની ઉમટી પડી. અખબારો, ટીવી મીડિયામાં છવાઈ ગયાં. ઠેર ઠેર સત્કાર સમારંભો થયા. બધા તેમને તેમના ૭૪ વખતના બોંબમારાના શૌર્યની તો દાદ આપતા જ હતા પણ તેમને હીરો માનવાનું એક મહત્ત્વનું કારણ એ પણ હતું કે સરફેસ ટુ એર મિસાઇલમાં તેનું વિમાન પલકવારમા આગમાં ખાક થઇ ગયું તો પણ સમયસૂચકતા અને સાહસને સલામ આપવી પડે તેમ ત્વરીતતાથી પેરાશૂટથી જમ્પ લગાવીને આબાદ બચી ગયા હતા.
ચાર્લ્સ પ્લમ્બ પણ તેને પોતાનું આ અંગત સિધ્ધી-સાહસ જ માનતાહતા.
ચાર્લ્સ પ્લમ્બ તેઓ તેમની પેરાશૂટ જમ્પિંગની બહાદૂરીની વાત એક હોટલમાં યોજાયેલ એક સત્કાર સમારંભમાં કરી રહ્યા હતા ત્યારે જ સમારંભ પૂરો થયો બાદ એક જર્જરિત વૃધ્ધ ચાર્લ્સ પ્લમ્બ નજીક ચૂસ્ત સલામતિની કોર્ડનને વીંધતો ચાર્લ્સ પ્લમ્બની નજીક આવી પહોંચે છે. ચાર્લ્સ પ્લમ્બને એમ કે દેશના લાખો નાગરિકોની જેમ આ પણ મારી સાથે તસવીર ખેંચાવવા માંગતો હશે. થોડી અવગણના અને વધુ કેફમાં આવતા ચાર્લ્સ પ્લમ્બે 'યસ ગ્રાન્ડ ઓલ્ડમેન...' કહ્યું ત્યાં જ આ વૃધ્ધ બોલ્યા 'તમે જ ચાર્લ્સ પ્લમ્બને... મને તમારા માટે ગૌરવ છે, કેટલા વર્ષે તમને ફરી જોવાની તક મળી.'
ચાર્લ્સ પ્લમ્બે કુતૂહલ સાથે પછ્યું 'તમે કોણ ? આપણે મળ્યા છીએ ?'
વૃધ્ધે સહજતાથી એટલું જ કહ્યું કે 'તમે જે પેરાશૂટથી જમ્પ લગાવ્યો હતો તે પેરાશૂટ મેં બનાવી હતી. અમે નૌકા યુધ્ધ જહાજની ગોદીમાં બેઠા બેઠા પેરાશૂટ ભારે જતન, નિષ્ઠા અને કૂનેહ કસબ વાપરીને સૈનિકો દિર્ઘાયુ ભોગવે તેવી પ્રાર્થના સાથે બનાવીએ છીએ. એવી પેરાશૂટ બનાવીએ જે આપત્તિની વેળાએ આંખના પલકારાના સમયમાં ખૂલી જાય જેથી આપણો સૈનિક વિમાનમાં દુશ્મન દ્વારા ધડાકો કરાય તે જ ક્ષણે પેરાશૂટથી છલાંગ લગાવી શકે. જો પેરાશૂટ જ તરત જ ખૂલે તેવી બની ન હોય તો ?'
ચાર્લ્સ પ્લમ્બ તો સુન્ન થઇ ગયા. જાણે ખરેખર તેમના શૌર્યના કેફનું આસમાનમાંથી જમીન પર ઉતરાણ થયું. પેરાશૂટ બનાવીને તેને પેક કરવી તે જ કૂશળતા માંગી લે છે.
ચાર્લ્સે પ્લમ્બ એમ કહે છે કે તમારી સફળતા, સિધ્ધિ, યશ કે સન્માન પાછળ એક કે એક કરતા વધુ વ્યક્તિઓનું યોગદાન હોય છે. દૂનિયા તમને પૂજે છે પણ તમારા ઉધ્ધારક અને તમને ઉજાળનારાઓ તો પાશ્ચાદમાં કે અજ્ઞાાત છે.
તેઓને જશ આપો, શક્ય હોય તો જાહેરમાં તેઓનો ઉલ્લેખ કરો, કોઇપણ સફળતા ટીમ વર્કને આભારી હોય છે. આ પ્રસંગ અમે અહીં દાયકા પહેલા આપી ચૂક્યા હતા પણ બદલાયેલી પેઢીને માટે 'થેંક્સ ગિવિંગ'નો ગુણ કેળવવો જ રહ્યો.
પ્રત્યેક વ્યક્તિએ તેમના જીવનના આવા ઉડીને આંખે વળગે તેવા જ નહીં પણ થોડી સ્મૃતિ ડૂબકી લગાવીને પણ યાદ કરવા જોઇએ. અને વખત આવે તેની હાજરીમાં ખોખારો ખાઈને કહેવું જોઇએ કે 'યુ પેક્ડ માય પેરાશૂટ' તેમણે 'વ્હૂ પેક્ડ માય પેરાશૂટ' પર લેક્ચર્સ આપ્યા અને પુસ્તક પણ બેસ્ટ સેલર જ છે.
કમનસીબે આપણે આપણા માતા-પિતા, સંતાનો, ભાઈ-બહેનને પ્રોત્સાહિત કે બિરદાવી નથી શક્તા તો અન્યના યોગદાનની તો ક્યાંથી નોંધ લઈએ.'
હા, માણસ બહુ ચાલાક પ્રાણી છે. તે ઘણી વખત ઇરાદાપૂર્વક અમૂકના નામ આગળ કરે છે અને અમૂક પ્રદાનકર્તાઓના નામનો જાણી જોઈને ઋણ સ્વીકારમાં છેદ ઉડાડી દે છે. ક્રિકેટમાં પણ રઘુ જેવા પેરાશૂટ પેક કરનારા હોય છે. બે કલાકની ફિલ્મ પુરી થતા જે પ્રદાનકર્તાઓના નામોની યાદી વાંચી પણ ન શકાય તેવા ઝીણા અક્ષરોથી અને વાંચીએ તો ઝડપથી પડદા પરથી પસાર થઇ જાય તે રીતની હોય છે. અંદાજે આવા બસ્સો નામો તો એક ફિલ્મના પ્રદાનમાં હશે જ. આ બધા જ પેરાશૂટ પેક કરનારા જેવા છે.
વ્યક્તિ કે ઉદ્યોગની સફળતા સાંકળની કડીઓથી બનેલી હોય છે.
શોએબ અખ્તરને ફટકારીને તેંડુલકરે દાદ મેળવી કે ધોની અને કોહલી વિશ્વના ધૂરંધર ફાસ્ટ બોલરોની ધુલાઈ કરે તેમજ આ બોલરોના સ્વિંગ અને યોર્કરને આબાદ રીતે રમીને નામ અને દામ કમાય ત્યારે રઘુ એક બેડરૂમના ફ્લેટમાં બેઠા બેઠા મેચ જોઈને કહેશે કે 'સર, અખ્તરથી માંડી સ્ટાર્કના આ સ્વિંગ બોલ જેવા જ થ્રોથી મેં તમને પ્રેક્ટિસ કરાવી હતી. આઈ પેક્ડ યોર પેરાશૂટ.'
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3h3yS05
ConversionConversion EmoticonEmoticon