સ્ટી વ વોઝનિઆક અને સ્ટીવ જોબ્સ. એમાં તમે કોને વધુ ઓળખો? નેચરલી, જવાબ આવશે, સ્ટીવ જોબ્સ. સ્ટીવ વોઝનિઆક પણ એપલના જ કો-ફાઉન્ડર હતા. પણ મહાબ્રાન્ડ એપલનું નામ પડે એટલે વર્તમાન સીઈઓ ટિમ કૂકનો ય ચહેરો યાદ ન આવે. કેવળ જોબ્સ જ યાદ આવે! એટલી હદે કે હમણા જોબ્સની નાની દીકરી ઈવે વીસીમાં પ્રવેશ કરવા સાથે એક બ્યુટી પ્રોડક્ટનો મોડલિંગ કોન્ટ્રાક્ટ સાઈન કરી એડ કેમ્પેઈન કર્યું. ઈવથી વધુ બ્યુટીફૂલ મોડેલ્સનો ઈન્સ્ટાગ્રામમાં ય ઢગલો છે. પણ આ તો સ્ટીવ'એપલ' જોબ્સની દીકરી, એ પહેચાને જાહેરાતથી વધુ તો જાહેરાતના સમાચાર જગતમાં છપાવી દીધા!
૧૯૮૪માં એપલ મેકિન્ટોશના લોન્ચિંગ બાદ સ્ટીવ જોબ્સને તો કંપનીમાંથી જ ગડગડિયું મળેલું, ને પાણીચા બાદ એણે પાણીદાર રિ-એન્ટ્રી કરી ૧૯૯૭માં કંપની કબજે કરી લીધી, એ ઇતિહાસ જાણીતો છે. પણ એ વખતે એપલની હાલત ખસ્તાહાલ હતી. ઈનોવેટર સ્ટીવ જોબ્સ પાસે આઇડિયાઝ તો હતા, ને પિક્સાર જેવી કંપનીની સફળતા ય હતી. પણ એકઝાટકે અમેરિકા અને બાકીના જગતમાં છવાઈ જવાની બ્રાન્ડબિલ્ડિંગની સ્ટ્રેેેટેજી ઘડવાની હતી. અને એ વખતે કોમ્પ્યુટરમાં શિરમોર કંપની આઈબીએમ (જે લેનોવોને વેચાઈ ગઈ)નું કેમ્પેઈન ચાલતું હતું જાહેરખબરમાં. સ્ટાન્ડર્ડ ટિપિકલ. 'થિંક'- મતલબ કોમ્પ્યુટરથી બુદ્ધિમાન બનો. એવું સ્કૂલી માસ્તરસા'બ જેવું ઠાવકું-ડાહ્યું.
અને એપલે એંઠા સફરજન સાથે કેમ્પેઈન શરૂ કર્યું 'થિંક ડિફરન્ટ'. નખરાળું ને નોટી. યૂથમસ્તી. વિચારો પણ હટ કે વિચારો. અલગ સપનું જુઓ, ચાલુ ચીલો છોડો. અને પછી સુપરહિટ થવા લાગી એપલની પ્રોડક્ટ લોન્ચ ઈવેન્ટ. જેમાં અવનવી ટ્રેન્ડસેટર પ્રોડક્ટસ તો આઈપોડથી આઈફોન સુધી આવી, પણ જેના સેન્ટર ફોક્સમાં કોઈ રૂડીરૂપકડી મોડેલ છોકરી નહોતી, કે કોઈ સાડા આઠ પેક્સ ધરાવતો ફિલ્મ સ્ટાર નહોતો.
સૂટ-ટાઈના કોર્પોરેટ ડ્રેસિંગને બદલે સિમ્પલ જીન્સ-ટીશર્ટમાં સ્વયં સીઈઓ સ્ટીવ જોબ્સ પોતે હતો! માલિકનું જ મોડલિંગ એવું ચાલ્યું કે બીજી મેગાબ્રાન્ડ જેમ કે, કોકોકોલાની જેમ એપલને સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ એડની જરૂર જ ન પડી. પહેલા જોબ્સ ને હવે લોગો જ બ્રાન્ડ એમ્બેસેડરનું કામ બજાવે છે.
લાઇક સિમિલર મહામેગાબ્રાન્ડ ડિઝની. વૉલ્ટ ડિઝની હયાતીમાં જ ફિલ્મી કાર્ટૂન્સથી એવા તો જગમશહૂર હતા કે એમના નામથી જ એમ્યુઝમેન્ટ પાર્ક બન્યો ડિઝનીલેન્ડ જે નામ હજુ ચાલે છે. ફિલ્મી નટનટીઓ આંગળીને ટેરવે હોય એવા સુપર સ્ટુડિયો ડિઝનીએ પોતાની ઓળખ જ મૂળ માલિક વૉલ્ટ ડિઝનીના હસ્તાક્ષર રાખ્યા છે! ડીઆઈએસ એનઈવાય. ખરા અર્થમાં સિગ્નેચર ઓટોગ્રાફ નહિ, સ્વયં બ્રાન્ડ બની ગઈ!
પ્રોડક્ટ કરતાં માલિક મશહૂર હોય કે એડ. કેમ્પેઇનમાં હિસ્સો બને એવા કિસ્સા તો બનતા જ રહે છે. રાજકારણમાં તો આપણે ત્યાં ગણ્યાગણાય નહિ, વીણ્યા વીણાય નહિ એટલા ઉદાહરણો છે. પાર્ટી કરતાં પાવરફુલ લીડરના ફેસનો પ્રભાવ વધુ હોય. મહાત્મા ગાંધીથી નરેન્દ્ર મોદી. વાયા બાળ ઠાકરે ટુ એમજી રામચંદ્રન, લાલુપ્રસાદથી માયાવતી, ઓવૈસી ટુ મમતા એટ સેટરા એટ સેટરા. પણ વાત આપણે બિઝનેસની કરીએ. જેમાં સારી પ્રોડક્ટ બનાવવા કરતાં મોટી ચેલેન્જ એ પ્રોડક્ટ વિશે લોકોને જાણકારી પહોંચાડી ભરોસો પેદા કરવાની છે.
એ માટે સતત ક્રિએટીવ એજન્સીઓ નિતનવા નુસખા વિચારતી રહે છે. માર્કેટિંગ ભણતા સ્ટુડન્ટસના કોર્સ આઉટડેટેડ થાય એવા એવા નુસખા આવતા રહે છે. સોશ્યલ નેટવર્ક પરના વાઇરલ માર્કેટિંગને તો હવે બધા સમજતા થઈ ગયા છે. પણ ગેરિલા માર્કેટિંગ, એમ્બુશ માર્કેટિંગ, અન્ડરકવર માર્કેટિંગનો ખ્યાલ છે?
ગેરિલા માર્કેટિંગ એટલે કમ દામમાં વધુ પ્રચાર. ટિપિકલ હોર્ડિંગ-ટીવી-પ્રિન્ટ એડ્સને બદલે જુદી જગ્યાએ જુદી રીતે લોકોનું ધ્યાન ખેંચવું. કિંગકોંગ થ્રીડી ફિલ્મ થોડા વર્ષ પહેલા આવેલી ત્યારે અમુક બીચીઝ પર રેતીમાં વિરાટ પગલાં બનાવવામાં આવેલા. લેખ સાથેના બે ફોટોગ્રાફ જુઓ. એકમાં એરપોર્ટ પરનો કન્વેયર બેલ્ટ છે જેમાં ફરજીયાત ભલભલા મોટી તોપ જેવા મુસાફરો ય સામાનની રાહ જોવા ઉભા રહેવું પડે ને ધરાર બેલ્ટ સામે નજર ખોડી તાકતા ય રહેવું પડે.
કસિનો એન્ડ રિસોર્ટની એક સ્માર્ટ કંપનીએ પોતાની જાહેરાત હોર્ડિંગને બદલે એ પટ્ટા પર જ 'છપાવી' દીધી છે! વાઉ! એમ જ લિફ્ટમાં મોબાઈલના પણ સિગ્નલ ન મળતા ડાફુરિયાં મારતા ઉભવાનું હોય તો એક રિયલ એસ્ટેટ કંપનીએ તળિયે પોતાની જાહેરાત મૂકી છે. વિએતનામમાં જોરાવર અમેરિકા એનાથી હાંફી ગયેલું, આપણે ત્યાં છત્રપતિ શિવાજી એમાં ચતુર હતા. નાની ટુકડીઓ લઈ અંદાજ ન હોય એવી રીતે, એવી જગ્યાએ ગાફેલ શત્રુ પર હુમલો કરી પાસું પલટાવી દેવું, એ ગેરિલા વોરફેર. એમાંથી આવેલો શબ્દ છે.
એમ્બુશ માર્કેટિંગ એટલે હરીફ કંપનીના જ કેમ્પેઈન કે સ્ટાઈલ કે વાતનો ઉપયોગ કરી એને ટ્વીસ્ટ દઈ દેવો એ! ફેમસ એક્ઝામ્પલ છેક ૧૯૯૨નું છે. ક્રેડિટ કાર્ડ કંપની વિઝા અને અમેરિકન એક્સપ્રેસની સ્લોગનમાં બથ્થંબથ્થીનું. ત્યારે ફ્રાન્સના આલ્બર્ટવિલમાં વિન્ટર ઓલિમ્પિક્સ હતી.
જેમાં તગડા દામ ચૂકવી વિઝા એ સ્પોન્સરશિપ લઈને તંજ કસ્યો. 'ધ ઓલિમ્પિક્સ ડોન્ટ ટેક અમેરિકન એક્સપ્રેસ.' સમસમી ગયેલી અમેરિકન એક્સપ્રેસે સ્પેનના બાર્સિલોનામાં થનાર ઓલિમ્પિકનો ઉપયોગ કરી વળતો પ્રહાર કર્યો 'ફોર સ્પેન યુ ડોન્ટ નીડ વિઝા. જસ્ટ 'અમેરિકન' પાસપોર્ટ.' પણ આપણે ત્યાં તો પોલિટિકલ ઉદાહરણ હાથવગું છે, એકને બદલે બબ્બે વખત લોકસભા ચૂંટણીમાં મોદીસાહેબે ચાયવાલા અને ચૌકીદારના કોંગ્રેસી આક્ષેપ પર ફ્રી હિટ મારી શરૂ કરેલા 'ચાય પે ચર્ચા' અને 'મૈં ભી ચૌકીદાર'ના કેમ્પેઇન!
અન્ડરકવર માર્કેટિંગ એટલે વર્ડ ઓફ માઉથ. અગાઉ લોકોના ટોળામાં કંપનીના એજન્ટો ભળી જતા હતા, જાદૂગરના શોમાં એના જ માણસો ગોઠવેલા હોય સફાઈદાર વાહવાહી માટે એમ. હવે વૉટ્સએપ જેના ડિજીટલ મીડિયામાં સામાન્ય માણસનો નકાબ ઓઢીને ચોક્કસ માલસામાન કે વિચારધારા વેચવાવાળા બિઝનેસ કે પોલિટિકલ આઈટી સેલના એજન્ટો ફૂટી નીકળ્યા છે એમ. માર્કેટિંગ હોવા છતાં માર્કેટિંગ લાગે નહિ - એવા નુસખાઓ તો હવે ધંધા શું, ધર્મના ક્ષેત્રે પણ વધતા જાય છે. એને આકાશમાં રડારની નજરમાં છુપા રહી બોમ્બમારા કરતા સ્ટીલ્થ વિમાનો પરથી સ્ટીલ્થ માર્કેટિંગ કહેવાય છે. યુટયુબ, ટિકટોક, ઈન્સ્ટાગ્રામ ટાઈપ ઈન્ફલ્યુએન્સર્સમાં ખાસ્સું પોપ્યુલર છે.
આ બધામાં જૂનું, જાણીતું ને એવરગ્રીન તો સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ છે. જેના જોરે તો અઢળક સેલિબ્રિટીઝના ઘર ચાલે છે. જેમને કેમ્પેઇનમાં લેવાય, જેમના થકી કોન્સેપ્ટ, સર્વિસીઝ કે પ્રોડક્ટનો જ નહિ કોઈ સામાજિક સત્કાર્ય કે જેન્યુઈન જનજાગૃતિનો ય પ્રચાર થાય છે. દો બૂંદ જીંદગી કે-ની પોલિયો વેક્સીનમાં બડે બચ્ચન આવતા એમ જ. કોઈ હીરોઈનનો ફોટો હેર ઓઈલ બોટલ પર છપાય કે - કોઈ રાઈટર-થિંકરનો યુનિવર્સિટી બ્રોશરમાં. એમાં સોદો જરૂર છે, ગુનો નથી. કોઈ વાતને રસપ્રદ બનાવી એના પર ધ્યાન ખેંચવા માટે જાણીતો ચહેરો જોઈએ. જેને માર્કેટિંગની ભાષામાં 'આઈબોલ ઈફેક્ટ' કહે છે.
કેટલી વધુ આંખો ચોંટાડી શકે છે પોતાના પર એ મુજબ 'વેલ્યૂ' નક્કી થાય. જે તે વ્યક્તિ ક્રિકેટર હોય કે સિંગર, પોતાના ફિલ્ડમાં ટેલન્ટ ને મહેનતના જોરે લોકોને ખુદમાં રસ લેતા કરી ચૂકી હોય છે, ને એનું ઓડિયન્સ એ 'શેર' કરે છે. માટે એ ય કોઈ ચીટિંગ કે જૂઠને નકારાત્મક બાબતોનો પ્રચાર ન કરે, ત્યાં સુધી કાયદેસર હકની કમાણી છે.
પણ આમાં એક 'નિશ' યાને નાનકડું પણ બેશકીમતી પ્રિમિયમ સેગમેન્ટ એ છે કે જેમાં ખુદ કંપનીના સીઈઓ કે ડાયરેક્ટર કે માલિક જાતે જ 'ફેસ' બની જાહેરખબરમાં ચમકવા લાગે! જેમ કે, સ્ટીવ જોબ્સ જેવાં જ ભેજાંબાજ અને મસ્તમૌલા માનવી અમેરિકાના વર્જીન એમ્પાયરના રિચાર્ડ બ્રાન્સન. વર્ષો પહેલા ભારત આવેલા ત્યારે વિજય માલ્યા જેની નકલ કરવામાં ફસડાઈ પડયા એ બ્રાન્સન પર આખો લેખ લખેલો.
અહીં પણ લકઝરી કારને બદલે હાથી પર ચડીને એ ત્યારે મીડિયામાં લાડકા થઈ ગયેલા. કોકોકોલાના શેર હોલ્ડર વોરન બફેટનો ચીનમાં ઈન્વેસ્ટમેન્ટ ગુરૂ તરીકે એમનું ફોનફોલોઈંગ જોતા ચેરી કોકના ટિન પર ફોટો પ્રિન્ટ કરાયેલો. કાઈલી જેનરે કેવી રીતે એના હુસ્નને ખુદની જ કોસ્મેટિક બ્રાન્ડ માટે એન્કેશ કર્યું, એના પર પણ લેખ આવી જ ગયો છે.
હવે જગતનો બીજા નંબરનો અબજપતિ ઈલન મસ્ક ટેસ્લા કરતાં મોટી બ્રાન્ડ છે! અમિતાભે આવો જ નિષ્ફળ પ્રયાસ એબીસીએલમાં કરેલો. શાહરૂખ, સલમાન, આમીર બધા પોતપોતાની પ્રોડક્શન કંપનીના ફેસ ખરા, પણ એમનો ચહેરો જાણીતો તો ફિલ્મ એક્ટર હોવાને લીધે થયો છે.
જેમ ધોનીનો ક્રિકેટર હોવાને લીધે. ક્યારેક એવું ય થાય કે સીઈઓ રિટાયર થાય કે ગુજરી જાય, ત્યારે એના ચહેરાની ઓળખાણ પડે જગતને. ક્યારેક વળી રતન તાતા કે મુકેશ અંબાણી કે નારાયણમૂર્તિની જેમ ફેમસ હોય, પણ કંપનીની જાહેરાતનો ફેસ ન હોય. ક્યારેક સંસ્થાના બ્રાન્ડ કેમ્પેઈનમાં સ્થાપક કે ગુરૂનો ચહેરો જ એક 'લોગો'ની હદે લોકપ્રિય બને! ગુજરાત માટે જાણીતું ઉદાહરણ બીએપીએસ (બાપ્સ) અને સદ્ગત પ્રમુખસ્વામી બાપાનું છે. નાના પાયે શતાયુ દક્ષિણામૂર્તિ શિક્ષણ સંસ્થા (ભાવનગર)માં ગિજુભાઈનું!
પણ માલિક ખુદ પ્રચાર માટે મોડેલિંગમાં ઉતરીને પહેચાન જ નહિ, દેશની શાન બને એવું યુનિક એક્ઝામ્પલ હતા ૯૮ વર્ષે વિદાય લઈ ગયેલા અને ભાગલા બાદ એકલપંડે બાપીકા મસાલાના વ્યવસાયને દુકાનથી સામ્રાજ્યમાં ફેરવીને લઘુઉદ્યોગકારોની ય પ્રેરણામૂર્તિ બનેલા આર્યસમાજી દાનેશ્વરી દેશભક્ત મહાશય ધરમપાલ ગુલાટી. જેમના નિધન થકી જ આ લેખ સૂઝ્યો છ!
યોગગુરૂ બાબા રામદેવ આજદિન સુધી એમની પતંજલિ બ્રાન્ડના મુખ્ય માર્કેટિંગ કેમ્પેઈનર રહ્યા છે, ને ટીવીના માધ્યમથી યોગ ફરી જાણીતો કરવા માટે અને સ્વદેશી - ડિસ્ટ્રીબ્યુશન ચેઈન ઉભી કરવા માટે ધન્યવાદના અધિકારી ય છે. ભલે એમના ભાઈને અન્યો ડાયરેક્ટર હોય, બાબા રામદેવના થકી જ પતંજલિ પ્રોડક્ટસ સુખ્યાત છે. એમને એમની ફાવટ પણ છે.
અકળાયા વિના સ્મિત કરીને, હસતા હસતા વાતો કરીને અને સમય સમય પર કરતબ જેવા સ્ટંટ કરીને ય ચર્ચામાં રહે છે. કોરોનાનો સેકન્ડ વેવ આવી ગયો ને અભય - ભારદ્વાજથી અહેમદ પટેલ જેવા સાંસદો ય આપણે ગુમાવ્યા, છતાં 'ઈલાજ'માંથી પાછળથી 'ઈમ્યુનિટી બૂસ્ટર' બની ગયેલી કોરોનિલ દવા કરોડોના ટર્નઓવરમાં વેંચાઈ! ગુજરાતના રામદેવ મસાલા ઘણા જૂના હોવા છતાં, નવા રામદેવજી ઈમેજ બનાવી ગયા.
પણ એમની પાસે ભગવું કપડું અને વાચાળ યાને ટોકેટિવ સ્કિલ છે. પણ એ ટીવી પર પ્રગટ થયા એથી ય પહેલા ધરમપાલ દાદાએ એમડીએચ મસાલા માટે એન્ટ્રી મારેલી, કોનો આઈડિયા હતો એની ઓથેન્ટિક વિગત નથી, પણ દૂરદર્શનયુગમાં ખાસ કોઈ સ્પેશ્યલ ઈફેક્ટ વિનાની એ સીધીસાદી જાહેરાતે ધ્યાન જ એમ ખેંચ્યું કે આ દમખમવાળા સ્પિરિટેડ બાપા પાઘડી ને મૂછે તાવ દેતા જાહેરખબરમાં આવે છે! એ બોલતા ય નહિ કશું.
એડ સિવાય પણ ઈન્ટરવ્યૂઝ કે ભાષણો બહુ ન આપતા. ધંધો ને વધારાની કમાણીમાંથી સામાજીક સેવાનું દાન જ એમનું ફોક્સ હતું. ધર્મગુરૂ તરીકેની વિશિષ્ટ આભાનું માઈલેજ નહોતું. છતાં એમડીએચ લીડિંગ બ્રાન્ડ બની ગઈ. રિયલી યુનિક. પ્રાઉડ ફીલિંગ થાય એવી કહાની. આપણે ત્યાં એટલાન્ટાના કોકોકોલા મ્યુઝિયમ જેવું 'સ્પાઈસ મ્યુઝિયમ' બને, તો એમાં માર્કેટિંગના કેસ સ્ટડીમાં ભણાવવા જેવો કિસ્સો છે!
રાજકોટના બાલાજી હનુમાન થકી સિંદૂરિયો રંગ લઈ સિનેમા કેન્ટીનમાં વેચતા જેમ બાલાજી એ જ કલરનું નેશનલ બ્રાન્ડનેમ થઈ ગયું મલ્ટીનેશનલ સામે, એમ એનડીએચ વાળા દાદાજીએ કોર્પોરેટ કલ્ચરના નિયમો અને ધારાધોરણોનો ભાંગીને ભૂક્કો બોલાવી દીધો. નેચરલ એટ્રેકશનનો રૂલ એવો છે કે ધ્યાન આકર્ષવા માટે સુંદર, યુવાન, રૂપાળો, જાણીતો ચહેરો જોઈએ. એટલે જીલેટથી જોકી સુધીની પુરૂષોની પ્રોડક્ટની જાહેરાતોમાં ય સુંદરીઓ હોય છે. એ તો સોશ્યલ નેટવર્ક પર ફિમેલ્સને મળતી લાઈક્સ પરથી ય સમજાઈ જાય.
ધરમપાલ મહાશય સ્ત્રી નહોતા, યુવાન પુરૂષ નહોતા, ઉંચા ખરા પણ કંઈ રૂડારૂપાળા નહિ. કાયમ ભારતીય પોશાક જોધપુરી કે બંડી અને પાઘડીમાં સજ્જ. હેટ કે સૂટ નહિ. વયોવૃદ્ધ હતા ને જૂનવાણી ભરાવદાર મૂછો ય રાખતા. જાતભાતના ચાર્ટસ લઈ મમ્બોજમ્બો લેંગ્વેજમાં કંપનીની દોલત કોતરી ખાતા કોમ્પેન્ટિયા માર્કેટિંગ જન્કીમન્કીઝની થિયરીમાં તો આવા એડ કેમ્પેઈન કલીયર જ ન થાય, પણ ધરમપાલજીએ તો પ્રેકટિકલી સુપરહિટ કરી બતાવ્યું! એટલી હદે કે હાથીની અંબાડીએ શહેનશાહી સવારી નીકળે, અને આધુનિક 'ચિરંજીવી' તરીકે બ્રિટનના ક્વીન એલિઝાબેથની હરોળમાં એમને મુકતા મિમ ઈંગ્લીશ સ્પીડિંગ યૂથમાં ય બહુ પોપ્યુલર થયા! પેઢીઓનું, ભાષાનું, દેખાવનું બધું અંતર જાણે પૂરાઈ ગયું! ઘર-ઘરમાં ભારતીય પરિવારના 'મોભી' એવા વડીલની છબીમાં એ ફિટ થઈ ગયા.
આ ય 'આત્મનિર્ભર' ભારતનો ચહેરો છે. કેવળ વોકલ ફોર વોક, મેઈક ઈન ઈન્ડિયા બિઝનેસ નાનેથી મોટે ગુલશનકુમારની ટી-સીરીઝની જેમ સફળ બનાવ્યો, એમ નહિ. આપણા દેશમાં આપણી પબ્લિકનો ટેસ્ટ પારખતા આવડવાની કોઠાસૂઝ જોઈએ અને મૌલિક નવીન 'દેશી' વાત મૂકવાનો કોન્ફિડન્સ પણ! એકતા કપૂરે પરદેશી સોપ ઓપેરાનું ઇન્ડિયનાઈઝેશન કર્યું, એક આગવો ટચ આપ્યો. સાસ-બહૂ સિરિયલના ફેન ન હો તો ય એ સ્ટાર ટીવીમાં ભારતીય ક્રાંતિ હતી.
એમ જ મિર્ઝાપુર કે સ્કેમ કે સિમ્પલ મર્ડર કે સેક્રેડ ગેમ્સ કે અપહરણ કે અસુર કે પાતાલલોક કે લૈલા કે આશ્રમ જેવી વેબસીરિઝોએ ૨.૦ વર્ઝન કર્યું એ રિવોલ્યુશનનું. ઈન્ટરનેશનલી ઈન્સ્પાયર્ડ ડાર્ક કેરેક્ટર્સ, એક્શન એન્ડ સેંટાયર પણ ફીલ આખી ઈન્ડિયન રસ્ટિક. મિટ્ટી કે ધૂલવાળી 'દેસી ધમાલકમાલ!' ગાળો હોય કે સેક્સ. એ ય ભારતીય મસાલેદાર વઘાર સાથે. આપણી ન્યુઝ ચેનલની જેમ. વેસ્ટર્ન ફૂડ જેવું ફિક્કુંફસ નહિ.
વી આર લાઉડ પીપલ. રંગો, ધાંધલધમાલ, ઉત્સવોના મોડમાં જીવતા ને જીતતા. વધુ પડતું ભણી લીધા પછી આપણામાં શરમ રોપી દેવામાં આવે છે. પછી અંદરથી ગમે તો ય રંગબેરંગી કપડાં પહેરવામાં બીક લાગે છે. મજા ન આવે તો ય શાસ્ત્રીય સંગીત નૃત્યનાં ડોકા ધુણાવવા પડે છે. ગોખેલા ચિબાવલા ટેલીમાર્કેટિંગના હેલ્પલાઈન કે સ્કીમના વાક્યો કોઈ ભાવ વિના રોબોટની જેમ બોલવા ને સાંભળવા પડે છે.
એમડીએચ (મહાશિયાં દી હટ્ટી)ના દાદાજીએ હળદરમરચું છાંટી દીધું. આ દંભીસ્તાન પર! હકથી હિન્દુસ્તાની દિલ દેખાડી ઉભા રહી ગયા અને એટલે જ ઝપાટાબંધ એ ભારતીય પબ્લિક સાથે કનેક્ટ થઈ ગયા. એસી ચેમ્બરમાં બંધ રહી રિસર્ચ એજન્સીઓની સ્ટ્રેટેજી ડિસ્કસ કરવાની વાત તો ઈલેક્શનમાં નથી ચાલતી, બિઝનેસ સિલેક્શનમાં ક્યાંથી ચાલે? તમારી ઓરિજીનાલિટી પર અડગ આત્મવિશ્વાસ રાખો, ને ટ્રેન્ડથી દોરવાઈ જવાને બદલે નવો શરૂ કરો. અને બેકિંગ ચીકણા ગ્લોસી બ્રોશરો કે મીડિયા મેનેજમેન્ટનું નહિ, બેસ્ટ ક્વૉલિટી પ્રોડક્ટનું રાખો તો ચમત્કાર બની શકે છે. અપવાદ આગળ નીકળી શકે છે! ઈમેઈલ પરની પ્રપોઝલો કરતા ગટ ફીલિંગ પર બિઝનેસ દિલ સુધી ચાલે! હજુ ફોરેનની કંપનીઓ આ સમજતી નથી, ને ભારતમાં પૈસા ભણેલા અભણો પર ગુમાવે છે.
બસ, નકલ કરવાને બદલે અસલ રહેવું. કશુંક નવું, કશુંક આગવું ખુદની છાપ છોડતું ઉભું કરવું. આપણને ગમે ને દુનિયા ય રમે એવું. ડિફરન્ટ ડ્રીમ્સ. પછી ઓરિજીનાલિટી અને દ્રઢ સંકલ્પબળ હશે તો મોરપીંછથી મોહન અને ગોળ ચશ્માથી મોહનદાસ નામ લીધા વગર દેશ આખાને ઓળખાઈ જશે!
ફાસ્ટ ફોરવર્ડ
''સુપરહીરોઝ શું કરે? જિંદગી બચાવે, ને કટોકટીમાં ઝઝૂમીને અણીના સમયે ઉકેલ લઈ આવે. એ તો કાલ્પનિક છે. પણ વાસ્તવમાં વિજ્ઞાાનીઓ વર્ષોથી આ જ કામ પ્રસિદ્ધિ વિના કરી રહ્યાં છે. મારા માટે સાયન્ટીસ્ટસ સુપરહીરો છે.'' (ટાઈમમાં કિડ ઓફ ધ ઈયર ગીતાંજલિ રાવ, શાહરૂખ ખાનને ટેક-ઈવેન્ટમાં ૮ વર્ષ પહેલાં ૧૨ વર્ષની ઉંમરે)
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3472WTc
ConversionConversion EmoticonEmoticon