શિયાળો તેનો ચમકારો બતાવી રહ્યો છે. ટાઠમાં ગરમ કપડાં પહેર્યા વિના બહાર નીકળવાનું મુશ્કેલ બની રહ્યું છે. પણ કેટલાંક ગરમ વસ્ત્રો તમને ગમતા હોય તોય શોભતા નથી તેથી તે પહેરીને બહાર નીકળતા તમે સંકોચ અનુભવો છો. આવી સ્થિતિમાં કરવુૅં શું. કેવા ગરમ કપડાં પહેરવા જે ની પેટર્ન, રંગ અને ફિટિંગ તમને જચે એવા હોય. આનું માર્ગદર્શન આપતાં ફેશન ડિઝાઇનરો કહે છે કે જેકેટ, ઓવરકોટ, બ્લેઝર, કાર્ડિગન્સ કે શ્રગ જેવા ગરમ કપડાં હમણાં ઇન છે. તમે તમારા વર્ણ અને દેહયષ્ટિ મુજબ તેની પસંદગી કરી શકો છો.
કાર્ડિગન્સઃ
કાર્ડિગન્સ તમે સાડી, પંજાબી સ્યુટ, કુરતી, ફોર્મલ્સ જેવા કોઇપણ પરિધાન સાથે પહેરી શકો છો. આખી બાંયનુ આ ગરમ વસ્ત્ર સ્વેટરની જેમ પહેરી શકાય છે. ફરક માત્ર એટલો કે તે આગળથી ખુલ્લું રાખવાનું હોય છે. આ તેની પેટર્નની ખૂબી છે.
જેકેટ્સઃ
શિયાળામાં પહેરવા જેકેટ્સ એટલે કે કોટી સૌથી જાણીતું અને લોકપ્રિય વસ્ત્ર છે. તેમાં રાઉન્ડ નેક, હૂડેડ અને લેધર જેવી વિવિધતા જોવા મળે છે. જો તમે પાતળા હો અને તમને બહુ ટાઢ લાગતી હોય તો હૂડેડ જેકેટ તમારા માટે બેસ્ટ ચોઇસ છે. તેનાથી જરુર પડયે તમે તમારું માથું ઢાંકી શકો છો. અને જ્યારે તમને જરુર ન જણાય ત્યારે તમે તેને માથા પરથી ઉતારી નાખી પણ શકો છો. આવું જેકેટ ખરીદ્યા પછી તમને અલગ સ્કાર્ફ સાચવવાની જરુર નહી પડે. આ સિવાય સાડી પર પહેરી શકાય એવી ખાસ પ્રકારની કોટી પણ મળી રહે છે. તમે તમારી સાડીઓ સાથે મિક્સ એન્ડ મેચ કરી શકાય એવી બે-ચાર રંગની કોટી ખરીદી રાખો અને તે તમારી અલગ અલગ સાડીઓ સાથે પહેરો. તેનાથી તમારી ટાઢ પણ દૂર થશે અને તમે સ્ટાઇલિશ પણ દેખાશો.
બ્લેઝર્સ
કોર્પોરેટ ઓફિસોમાં કામ કરતી માનુનીઓ માટે બ્લેઝર્સ અચ્છો વિકલ્પ છે. ખાસ કરીને ટ્રાઉઝર્સ કે જીન્સ પહેરતી યુવતીઓ માટે બ્લેઝર 'બડે કામ કી ચીઝ હૈ'. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તે રાઉન્ડ નેક કે હાઇ નેક જેવા કોઇપણ પેટર્નના ટી-શર્ટ કે કોલરવાળા શર્ટ પર પહેરી શકાય છે. વળી તે ટ્રાઉઝર તેમ જ જીન્સ બંને પર સારા લાગે છે. તમે ચાહો તો જેકેટ્સની જેમ બે-ત્રણ કલરના બ્લેઝર પણ ખરીદીને રાખી શકો છો. ત્યાર બાદ તે તમારા શર્ટ કે ટી-શર્ટ સાથે મેચ થાય એ રીતે પહેરી શકો છો. તમે વધુ બ્લેઝર ખરીદવા ન માગતા હો તો શ્વેત, શ્યામ અને ક્રીમ કલરના બ્લેઝર ખરીદી લો. આ રંગોને મોટાભાગના બધા જ કલરના ડ્રેસ સાથે મિક્સ એન્ડ મેચ કરી શકાશે.
શ્રગ
આને તમે કાર્ડિગન્સનો ટૂંકો અવતાર કહી શકો. આ ગરમ વસ્ત્રમાં તમારા ખભા અને હાથ ઢંકાઇ જાય છે. ઘણાં ફેશન ડિઝાઇનરો તેને ભારતીય પોશાક સાથે પણ પહેરી શકાય એવી ડિઝાઇનમાં પણ બનાવે છે.
ઓવરકોટ
ગરમ વસ્ત્રોમાં ઓવરકોટ સૌથી ગરમ ગણી શકાય તેથી જો તમારા શહેરમાં અસહ્ય ઠંડી હોય કે તમે બરફીલા હિલસ્ટેશન પર ફરવા જવાના હો તો જ ઓવરકોટ ખરીદજો. મુંબઇ જેવી મામૂલી ટાઠમાં તમે ઓવરકોટની ગરમી સહન નહીૅ કરી શકો. આ કોટની ખાસિયત એ છે કે તે દરેક પ્રકારના વેસ્ટર્ન આઉટફીટ પર પહેરી શકાય છેેે. તેનો ઊંચો કોલર તમારી સમગ્ર પીઠને ઠાંકી રાખીને કડકડતી ટાઠ સામે તમારું રક્ષણ કરે છે. વળી તેમાં તમારું વ્યક્તિત્વ પણ એકદમ પ્રભાવશાળી લાગે છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WcuBOo
ConversionConversion EmoticonEmoticon