દાવત : અવનવી વાનગીઓનો રસથાળ


ડ્રાયફ્રુટ વેજિટેબલ

સામગ્રીઃ ૧ કપ માવો, અડધો કપ ફૂલમખાણા, પા કપ કાજુ, ૮-૧૦ બદામની કતરણ, ૨ બારીક સમારેલી ડુંગળી, ૨ સમારેલા ટામેટાં, ૩-૪ બારીક સમારેલાં લીલાં મરચાં, અડધી ચમચી મીઠું, અડધી ચમચી હળદર, અડધી ચમચી મરચું, ૧/૨ ચમચી ગરમ મસાલો, ૧ ચમચી ધાણાનો પાવડર, તળવા માટે તેલ કે ઘી.

સજાવટ માટેઃ થોડી કોથમીર, ૧ ચમચો મલાઈ.

રીત: ફૂલ મખાણા, કાુજ અને બદામની કતરણને તેલમાં સહેજ તળી આછા બદામી રંગના થવા દો. ડુંગળીને મિક્સીમાં ક્રશ કરી નાખો. હવે તેલ ગરમ કરીને ધીમી આંચે ડુંગળીને લાલ  રંગની થાય ત્યાં સુધી સાંતળો. તેનો રંગ લાલાશ પડતો થાય, એટલે તેમાં ક્રશ કરેલાં ટામેટાં અને વાટેલાં લીલાં મરચાં નાખી ખૂબ સાંતળો. બધો મસાલો બરાબર શેકાઈ જાય એટલે તેમાં મીઠું, મરચું, ધાણા, હળદર અને ગરમ મસાલો નાખી દો અને ૫-૧૦ મિનિટ સુધી ચડવા દો. તે પછી તેને આંચ પરથી ઊતારી નાખો અને ગરમાગરમ પીરસતાં પહેલાં તેના પર કોથમીર અને મલાઈથી સજાવટ કરો.

મેથી પુરી

સામગ્રીઃ ૪ વાટકી ચણાના લોટ, ૨ ચમચી ખાંડેલો અજમો, સવા ચમચી મીઠું, ૧ ચમચી મરચું, મોણ માટે ઘી કે તેલ, તળવા માટે તેલ, ૧/૪ કપ વાટેલી સૂકી મેથી. 

રીત:  ચણાનો લોટ, મીઠું, મરચું, અજમો અને સૂકી મેથી નાખી ઢીલો લોટ બાંધવો. લોટમાં થોડું થોડું તેલ નાખતાં જઈ લોટને ફણવતા જાવ. લોટ બરાબર ઢીલો થઈ જાય ત્યારે તેના નાના નાના લૂઆ કરો. કોરા વેસણને જ અટામણ તરીકે લઈ પાતળી પાતળી ગોળ પૂરીઓ વણી તેને છાપા પર પાથરતાં જાઓ. તેમને થોડી વાર સુકાવા દો. કડાઈમાં તેલ ગરમ કરીને પૂરીઓ તળો. ખાટી મીઠી ચટણી સાથે પૂરીઓ સ્વાદિષ્ટ લાગે છે.

કાજુ- પનીરનું શાક

સામગ્રીઃ ૧૦૦ ગ્રામ કાજુ, ૨૫૦ ગ્રામ પનીર, ૮-૧૦ ટામેટાં,૨ સમારેલી ડુંગળી, થોડી કોથમીર, ૩-૪ સમારેલા લીલાં મરચાં, ૨ કપ દૂધ, ૧ કપ દહીં, ૧ ચમચી મીઠું, ૧/૨ ચમચી મરચું, ૧/૨ ચમચી ગરમ મસાલો, ૮-૧૦ ચમચા શુદ્ધ ઘી.

રીત: કાજુને દૂધમાં નાખી મિક્સરમાં ક્રશ કરી નાખો. ડુંગળી અને દહીંને ભેગાં કરી મિક્સરમાં ક્રશ કરી નાખો. બન્ને મિશ્રણને જુદા જુદા વાસણોમાં કાઢો. હવે ટામેટાંની પ્યોરી બનાવો. શુધ્ધ ઘીને ગરમ કરી તેમાં દહીં અને ડુંગળીવાળું મિશ્રણ નાખી બરાબર સાંતળો. તે બરાબર ચડી જાય એટલે તેમાં દૂધ અને કાજુવાળુ મિશ્રણ નાખી બરાબર ચડવા દો. પછી તેમાં ટામેટાંની પ્યોરી, મીઠું, મરચું નાખી ૫-૧૦ મિનિટ સારી રીતે હલાવો. જ્યારે ગ્રેવી અને મસાલો બરાબર તૈયાર થઈ જાય એટલે તેમાં પનીરના મોટા મોટા ટુકડા કાપીને નાખો. ૫-૧૦ મિનિટ ધીમી આંચે મસાલો ચડવા દો. પછી આંચ બંધ કરી, શાક પર સમારેલ કોથમીરને મરચાં ભભરાવી ગરમ પીરસો.

સફરજનનું અથાણું

સામગ્રીઃ ૫૦૦ ગ્રામ ખાટાં સફરજન, ૫૦ ગ્રામ રાઈ, ૨૫ ગ્રામ જીરું, ૨૫ ગ્રામ મેથી, ૫૦ ગ્રામ વરિયાળી, ચપટી હીંગ, ૨ ચમચા મીઠું, ૨ ચમચા અધકચરુ વાટેલું લાલ મરચું, ૧ ચમચી હળદર, ૧ કપ સરસિયું, અડધો કપ સરકો.

રીત:  સારા સફરજન લઈ તેમને ધોઈને લૂછી નાખો. સફરજન મોટાં હોય, તો તેમની પાતળી ચીરીઓ કરી નાખો. નાનાં હોય, તો તેમને આખા જ રહેવા દો. તેમના પર હળદર મીઠું ભભરાવી રાખી મૂકો. કડાઈમાં જીરું, વરિયાળી, મેથી અને રાઈને સહેજ શેકી નાખો. તે ઠંડા પડે, એટલે અધકચરાં વાટી નાખો. સરકામાં આ બધો મસાલો બરાબર મિક્સ કરો. સફરજનનું પાણી નિતારી લઈ, તેને સરકાના મિશ્રણમાં ભેળવી દો. આખી રાત એક સ્વચ્છ વાસણમાં તેને પલાળી રાખો. બીજા દિવસે તેલને સહેજ ગરમ કરો અને તેમાં હીંગ નાખી દો. ઠંડુ પડે એટલે તેને અથાણામાં નાખી દો અને ત્રણ દિવસ પછી આ અથાણાનો જમવામાં ઉપયોગ કરો. 

માવા મિઠાઈ

સામગ્રીઃ ૧૦૦ ગ્રામ માવો, ૧૦૦ ગ્રામ રવો, ૧૦૦ ગ્રામ સૂકો મેવો, ૧ ચમચો ઘી, ૧૫૦ ગ્રામ સાકર, ૧/૨ કપ પાણી, એલચી અને ડેકોરેશન માટે બદામ-પીસ્તાની કાતરી.

રીતઃ વાસણમાં ઘી મૂકવું. ઘી ઓગળે એટલે રવો શેકવો. શેકાઈ જાય એટલે તેમાં માવો નાખી ૩-૪ મિનિટ હલાવવું. તેમાં ડ્રાયફ્રુટ્સ નાખવું. પાંચ મિનિટ હલાવવું. પછી તેને નીચે ઊતારી લેવું.

સાકર- પાણી મિક્સ કરી દોઢ તારી ચાસણી કરવું. ચાસણીમાં ઉપરનું પુરણ મિક્સ કરવું. ત્યારબાદ થાળીમાં ઘીવાળો હાથ કરીને પાથરવું. પછી ઉપર થોડો એલચીનો ભૂકો, બદામ-પિસ્તા ભભરાવવા- વરખ પણ લગાડી શકાય. થોડી વાર ઠારી લઈને તેના એક સરખા પીસ કરવા. 

સેવૈયા

સામગ્રીઃ ૧ લીટર દૂધ, ૨૦૦ ગ્રામ શેકેલી ઝીણી સેવ, પા વાટકી ખાંડ, ૧૦૦ ગ્રામ શુદ્ધ ઘી, ૨ ચમચા કિશમિશ, ૧૦-૧૨ સમારેલી બદામ, ૧૦-૧૨ કાજુના ટુકડા, ૨ ચમચા ચારોળી, ૨ ચમચા નાળિયેરની છીણ.

રીતઃ દૂધને ઉકાળીને તે ઘટ્ટ થાય એટલે તેમાં શુધ્ધ ઘી, સેવ અને ખાંડ નાખી ભેળવીને ગેસ પરથી નીચે ઉતારી લો. પછી તેમાં કિશમિશ નાખી ઢાંકી દો, એટલે કિશમિશ ફૂલી જશે. છેલ્લે તેમાં નાળિયેરની છીણ, કાજુના ટુકડા, સમારેલી બદામ અને ચારોળી નાખી સેવૈયા પીરસો.

કેળાનું રાયતું

સામગ્રીઃ બે કપ દૂધ, અડધો કપ ખાંડ, ૨-૪ એલચીનો ભૂકો, ૪-૬ કેળા, ૮-૧૦ કાતરેલી બદામ. 

રીત: દૂધને ઉકાળી ઠંડુ કરો. તેમાં ખાંડ નાખી હલાવીને દહીં જમાવી દો. દહીં જામી જાય એટલે તેને ફ્રિજમાં ઠંડુ થવા મૂકી રાખો. એ દહીંમાં કેળાંના ગોળ-ગોળ પતીકાં કાપીને નાખો. એલચીનો ભૂકો અને કાતરેલી બદામ નાખી હલાવો. ઠંડુ રાયતું સરસ લાગે છે.

- જ્યોત્સના                           



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38LJugo
Previous
Next Post »