વસમા 2020ની વિદાય
ઈન્વેસ્ટરો માટે પાયમાલથી માલામાલનું વર્ષ
સેન્સેક્સમાં ૨૫૬૩૮ના તળીયા બાદ ૮૩ ટકાની વિક્રમી તેજીએ ૪૭૦૫૫ની સર્વોચ્ચ સપાટી
કોરોના મહામારીએ વિશ્વને ઐતિહાસિક કટોકટીમાં ધકેલી દેતાં વિશ્વભરમાં મેગા લોકડાઉન લાદવાની ઊભી થયેલી પરિસ્થિતિએ વૈશ્વિક અર્થતંત્ર માટે આવી પડેલા મહા સંકટના કારણે ભારતીય શેર બજારો વર્ષ ૨૦૨૦માં ૨૩,માર્ચના રોજ ઐતિહાસિક કડાકો બોલાઈ ગયો હતો. સેન્સેક્સમાં ૧૦ ટકાની નીચલી સર્કિટ સાથે એ દિવસે ૩૯૩૪ પોઈન્ટથી વધુ કડાકો બોલાઈ જઈ ૨૫,૯૮૧નું તળીયું દેખાઈ ગયું હતું. જે ૨૪,માર્ચ ૨૦૨૦ના ૨૫૬૪૮.૯૦ના તળીયે આવી ગયો હતો. આ સાથે નિફટી ૫૦ ઈન્ડેક્સ પણ ૨૩,માર્ચ ૨૦૨૦ના ૧૧૩૫ પોઈન્ટના કડાકા સાથે ૭૬૧૦ સુધી આવી ૨૪,માર્ચ ૨૦૨૦ના ૭૫૧૧.૧૦નું તળીયું બતાવી દીધું હતું. ઐતિહાસિક કડાકાનું આ ૨૦૨૦ વર્ષ ઐતિહાસિક તેજીનું પણ નીવડી તળીયેથી ૮૩.૪૨ ટકા એટલે કે ૬૨૬૬ પોઈન્ટના વિક્રમી ઉછાળા સાથે ૧૩૭૭૭નો નવો ઈતિહાસ અને સેન્સેક્સમાં ૨૧૪૦૭ પોઈન્ટ એટલે કે ૮૩.૪૬ ટકાનો વિક્રમી ઉછાળો આઠ મહિના ટૂંકાગાળામાં નોંધાવી ૪૭૦૫૫નો નવો ઈતિહાસ રચી પસાર થઈ ગયું છે.
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝનું વર્ષ ૨૦૨૦માં શેરોમાં રૂ.૧,૬૨,૦૦૦ કરોડનું રોકાણ
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો(એફપીઆઈઝ)નું ભારતીય મૂડી બજારમાં વર્ષ ૨૦૨૦માં શેરોમાં રૂ.૧,૬૨,૦૦૦ કરોડથી વધુ જંગી રોકાણ થયું છે. જેમાં જાન્યુઆરીમાં રૂ.૧૨,૧૨૩ કરોડ, ફેબુ્રઆરીમાં રૂ.૧૮૨૦ કરોડ, મે મહિનામાં રૂ.૧૪,૫૬૯ કરોડ, જૂનમાં રૂ.૨૧,૮૩૨ કરોડ, જુલાઈમાં રૂ.૭૫૬૩ કરોડ, ઓગસ્ટમાં રૂ.૪૭,૦૮૦ કરોડ, ઓકટોબરમાં રૂ.૧૯,૫૪૧ કરોડ, નવેમ્બરમાં રૂ.૬૦,૩૫૮ કરોડ અને ડિસેમ્બરમાં રૂ.૫૩૦૦૦ કરોડનું ચોખ્ખું રોકાણ થયું છે. જ્યારે ત્રણ મહિના માર્ચમાં રૂ.૬૧,૯૭૩ કરોડની રોકાણ જાવક, એપ્રિલમાં રૂ.૬૮૮૪ કરોડ જાવક અને સપ્ટેમ્બરમાં રૂ.૭૭૮૩ કરોડની રોકાણ જાવક નોંધાઈ હતી. ઈક્વટી, ડેટ, ડેટ-વીઆરઆર અને હાઈબ્રિડ મળીને કેલેન્ડર વર્ષ ૨૦૨૦માં નેટ ધોરણે રૂ.૯૦,૦૦૦ કરોડનું ચોખ્ખું રોકાણ નોંધાયું છે. જેમાં ડેટમાં રૂ.૧,૦૪,૭૪૬ કરોડની રોકાણ જાવક અને ડેટ-વીઆરઆરમાં રૂ.૨૩,૦૩૯ કરોડનું પોઝિટીવ રોકાણ અને હાઈબ્રિડમાં રૂ.૧૦,૨૦૧ કરોડનું પોઝિટીવ રોકાણ થયું છે.
રોકાણકારોની સંપતિ રૂ.૮૪ લાખ કરોડ વધીને રૂ.૧૮૫.૨૧લાખ કરોડની સર્વોચ્ચ સપાટીએ
કેલેન્ડર વર્ષ ૨૦૨૦ના પ્રથમ ત્રિમાસિકમાં કોરોના મહામારી વચ્ચે રોકાણકારોની મૂડી-એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશનમાં અસાધારણ ધોવાણ જોવાઈ ૨૩,માર્ચ ૨૦૨૦ના દિવસે રૂ.૧૦૧.૮૬ લાખ કરોડના તળીયે આવી ગયા બાદ આવેલી ઐતિહાસિક તોફાની તેજીના પરિણામે ડિસેમ્બર ૨૦૨૦ના અંત સુધીમાં રૂ.૧૮૫.૨૧ લાખ કરોડની સર્વોચ્ચ સપાટીએ પહોંચી તળીયાથી આ સંપતિમાં રૂ.૮૪ લાખ કરોડથી વધુ વધારો નોંધાયો છે. જ્યારે ૩૧,ડિસેમ્બર ૨૦૧૯ના અંતના રૂ.૧૫૫.૫૩ લાખ કરોડની તુલનાએ વર્ષમાં રૂ.૩૦ લાખ કરોડ જેટલો વધારો નોંધાયો છે.
સોનામાં ઐતિહાસીક ઉછળકૂદઃ તેજીનો નવો રેકોર્ડ રચીને ૨૦૨૦ની થઈ રહેલી વિદાય
નવા વર્ષમાં વેક્સીનનો આશાવાદ છતાં તેજી આગળ વધશે
વિશ્વના તથા ઘરઆંગણાના ઝવેરીબજાર માટે વિદાય લેતું ૨૦૨૦નું વર્ષે ઐતિહાસિક ઉછળકુદ બતાવનારું વિત્યું છે અને ૨૦૨૧ના આગામી નવા વર્ષમાં પણ વધઘટે કિંમતી ધાતુઓના ભાવ ઉછળતા રહેવાની શક્યતા બજારના તજજ્ઞાો બતાવી રહ્યા છે. ૨૦૨૦ના આરંભના મહિનાઓમાં તથા વિશેષરૂપે જાન્યુઆરીથી માર્ચ દરમિયાનના ગાળામાં વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશદીઠ ઘટતા રહી એક તબક્કે ૧૫૦૦ ડોલરની અંદર ઉતરી નીચામાં ૧૪૭૧થી ૧૪૭૨ ડોલર સુધીના મથાળે ઉતરી ગયા હતા. જોકે ત્યાર પછીના ગાળામાં ચીનના ઘાતક કોરોના વાયરસનો ઉપદ્રવ ચીન બહાર વિશ્વભરમાં ફેલાતાં વૈશ્વિક અર્થતંત્ર માટે અનિશ્ચિતતાનો માહોલ શરૂ થયો હતો અને તેના પગલે સોના બજારમાં રેકોર્ડ તેજીનો દોર શરૂ થયો હતો. આ ગાળામાં માર્ચ પછીના મહિનાઓમાં સોનાના ભાવ ઉછળતા જોવા મળ્યા હતા અને ઓગસ્ટ સુધીમાં ભાવ વધી ઔંશદીઠ ૨૦૦૦ ડોલરની સપાટી કુદાવી ઉંચામાં ૨૦૬૦થી ૨૦૬૫ ડોલર સુધી પહોંચી જતાં સોના બજારના અત્યાર સુધીના ઈતિહાસમાં નવો વિક્રમ રચાયો હતો. આવા ભાવ આ અગાઉ ક્યારે પણ જોવા મળ્યા નથી એવું ઝવેરીબજારના પીઢ વેપારીઓએ જણાવ્યું હતું. વિશ્વબજાર ઉછળતાં ઘરઆંગણે પણ સોનાની આયાત પડતર વધી જતાં દેશના ઝવેરીબજારોમાં આ દરમિયાનના ગાળામાં સોનાના ભાવ ઉછળતા રહી ૧૦ ગ્રામના ઉંચામાં રૂ.૫૮ હજાર સુધી ટ્રેડ થતા જોવા મળ્યા હતા. આવા ભાવ આ અગાઉ નોટબંધી પછીના ગાળામાં દેખાયા હતા અને એ વખતના ભાવથી પણ ૨૦૨૦માં નવી ટોચ દેખાઈ હતી.
જોકે વિશ્વબજારમાં ૨૦૬૦થી ૨૦૬૫ ડોલરના મથાળેથી સોનાના ભાવ ઓગસ્ટ પછી ફરી ઘટવા માંડયા હતા અને એક તબક્કે ૧૮૦૦ ડોલરની અંદર તાજેતરમાં ઉતર્યાના વાવડ મળ્યા હતા. કોરોના વિરોધી વેકસીનની પ્રગતી વચ્ચે વૈશ્વિક અર્થતંત્ર વિશે આશાવાદ ફરી વધતાં વિશ્વબજારમાં સોનાના ભાવ રેકોર્ડ ઊંચા મથાળેથી ઘટતા જોવા મળ્યા છે. સામે વિશ્વબજારમાં શેરબજારોમાં રેકોર્ડ તેજી આવી છે. હવે નવા ૨૦૨૧ના વર્ષમાં વૈશ્વિકસ્તરે કોરોના વિરોધી વેક્સીનની પ્રગતી કેવી ઝડપથી આગળ વધે છે તેના પર બજારના ખેલાડીઓની નજર રહી છે. જોકે વિશ્વબજારના જાણકારોના જણાવ્યા મુજબ સોનામાં ઘટાડે ભાવ વધુ નીચા જવાની શક્યતા ઓછી તથા ઉંચામાં તેજી આગળ વધશે તો વૈશ્વિક ભાવ ૨૩૦૦ ડોલર થવાની ગણતરી પણ અમુક વર્ગ બતાવી રહ્યો છે. આમ થશે તો ઘરઆંગણે સોનાના ભાવ ફરી વધી રૂ.૬૦ હજાર ઉપર જતા રહે તો નવાઈ નહિં એવી ગણતરી ઝવેરીબજારમાં ચર્ચાઈ રહી છે. કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ ઉંચા જવાની પણ શક્યતા છે અને તેની અસર પણ દેશમાં ઝવેરીબજારમાં સોનાના ભાવ પર પોઝીટીવ જોવા મળશે એવી શક્યતા બજારના પીઢ ઝવેરીઓ વર્ષાન્તે બતાવી રહ્યા છે.
પ્રાઈમરી માર્કેટમાંથી IOP થકી ૨૦૨૦માં રૂ.૩૧,૦૦૦ કરોડથી વધુ મૂડી ઊભી કરી
ભારતના મૂડી બજારમાં પ્રાઈમરી માર્કેટમાં ૧૩ કંપનીઓએ શેરોના ઈનિશિયલ પબ્લિક ઓફરીંગ(આઈપીઓ) લાવીને રૂ.૩૧,૦૦૦ કરોડથી વધુ ફંડ ઊભું કર્યું છે. જે વર્ષ ૨૦૧૯માં ૧૬ કંપનીઓ દ્વારા આઈપીઓ લાવીને ઊભા કરાયેલા રૂ.૧૨,૩૬૨ કરોડના ફંડથી બમણાંથી વધુ છે. વર્ષ ૨૦૨૦માં ફાર્માસ્યુટિકલ્સ, ટેલીકોમ્યુનિકેશન, આઈટી, ફાઈનાન્શિયલ ક્ષેત્રની વૈવિધ્યિકૃત ક્ષેત્રોની કંપનીઓએ પ્રાઈમરી માર્કેટમાં આવીને ફંડ મેળવ્યું છે. જેમાં એસબીઆઈ કાર્ડસ એન્ડ પેમેન્ટસ સર્વિસિઝે રૂ.૧૦,૩૫૫ કરોડ, ગ્લેન્ડ ફાર્માએ રૂ.૬૪૮૦ કરોડ, પ્રમુખ છે. અન્યમાં રોસારી બાયોટેક, હેપ્પિએસ્ટ માઈન્ડસ ટેકનોલોજી, રઉત મોબાઈલ, કેમકોન સ્પેશ્યાલિટી કેમિકલ્સ, એન્જલ બ્રોકિંગ, ઈક્વિટાસ સ્મોલ ફાઈનાન્સ બેંક, લિખિથા ઈન્ફ્રાસ્ટ્રકચર અને મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ, બર્ગર કિંગ ઈન્ડિયા અને એન્ટની વેસ્ટ મેનેજમેન્ટના આઈપીઓનો સમાવેશ છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દેવા મુક્ત બની
રાઈટ ઈસ્યુ, જિયો પ્લેટફોર્મ્સ, રિટેલ વેન્ચર્સમાં મળી રૂ.૨.૬૦ લાખ કરોડનું જંગી ફંડ ઊભું કરી ઈતિહાસ રચાયો
વર્ષ ૨૦૨૦માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે વિશ્વભરમાં કોરોના મહામારીએ આવી પડેલા આર્થિક સંકટ વચ્ચે વિશ્વના વિખ્યાત રોકાણકારો પાસેથી રૂ.૨.૧૨ લાખ કરોડનું જંગી ફંડ ઊભું કરીને રિલાયન્સને સંપૂર્ણ દેવા મુક્ત કરવાનો ઈતિહાસ રચ્યો હતો.રિલાયન્સ જિયો પ્લેટફોર્મ્સમાં ગુગલ સહિતના રોકાણકારોએ રૂ.૧.૫૨ લાખ કરોડથી વધુ રોકાણ મેળવ્યા સાથે રિલાયન્સ દ્વારા આ વર્ષમાં જ શેરોનો મેગા રાઈટ ઈસ્યુ લાવીને રૂ.૬૦,૦૦૦ કરોડથી વધુ ફંડ એકત્ર કરવામાં સફળતા મેળવી હતી. આ સાથે આ વર્ષમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેના રીટેલ એકમ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડમાં સિલ્વર લેઈક પાર્ટનર્સ, કેકેઆર, એડીઆઈએ સહિતના વૈશ્વિક રોકાણકારોને ૧૦ ટકા હોલ્ડિંગ વેચીને રૂ.૪૭,૨૬૫ કરોડનું ફંડ ઊભું કર્યું હતું.
દેશના ફોરેકસ રિઝર્વમાં એક જ વર્ષમાં ૧૨૦ અબજ ડોલરથી વધુનો વધારો
દેશનું ફોરેકસ રિઝર્વ જે ૨૦૧૯ના અંતિમ સપ્તાહમાં ૪૫૭.૪૭ અબજ ડોલર રહ્યું હતું તે ૨૦૨૦માં ૧૨૦ ડોલર વધી ૫૭૮ અબજ ડોલરને પાર કરી ગયું હતું. કોરોનાને કારણે ક્રુડ તેલ તથા ગોલ્ડની આયાતમાં ઘટાડો જ્યારે દેશના મૂડી બજારમાં સંસ્થાકીય રોકાણકારોની જંગી લેવાલીને કારણે ફેરેકસ રિઝર્વમાં એક વર્ષમાં આટલો જંગી વધારો જોવા મળ્યો છે. ે હાલમાં દેશના ફોરેકર રિઝર્વનું સ્તર દેશના એક વર્ષના આયાત બિલને પહોંચી વળી શકાય એટલું છે. રિઝર્વ બેન્ક દ્વારા મની માર્કેટમાં દરમિયાનગીરીને કારણે પણ રિઝર્વમાં વધારો જોવા મળ્યો છે.
વિક્રમી સપાટી સાથે બિટકોઈનમાં ફરી ચમકઃ ૨૨૦ ટકાથી વધુ વળતર
૨૦૧૭ બાદ સતત ત્રણ વર્ષ સુધી શાંત રહ્યા બાદ ક્રિપ્ટોકરન્સી બિટકોઈનમાં ૨૦૨૦માં ફરી ચમક જોવા મળી હતી. ૨૦૨૦માં બિટકોઈને તેની અગાઉની સપાટી તોડી ૨૪૦૦૦ ડોલરની નવી સપાટી હાંસલ કરી રોકાણકારોને એક વર્ષમાં ૨૨૦ ટકાથી વધુનું વળતર પૂરું પાડયું છે. કોરોનાના કાળમાં ખેલાડીઓએ આવક કરવા માટે ક્રિપ્ટોકરન્સીઝ સામે નજર દોડાવી હતી. ૨૦૨૧ના વર્ષમાં પણ બિટકોઈનમાં રોકાણકારોનો ખેલો ચાલુ રહેવા ધારણાં રખાઈ રહી છે. વૈશ્વિક સ્તરે નીચા વ્યાજ દરનો લાભ લઈ બિટકોઈનને વૈશ્વિક ફન્ડો એસેટ કલાસ તરીકે ઊભી કરી રહ્યાના સંકેતો મળી રહ્યા છે.
જુન ત્રિમાસિકમાં દેશના આર્થિક વિકાસ દરમાં ૨૪ ટકાનો ઐતિહાસિક ઘટાડો
કોરોનાને કારણે દેશમાં લાગુ કરાયેલા લોકડાઉનને કારણે વર્તમાન નાણાં વર્ષના જુન ત્રિમાસિક ગાળામાં દેશના આર્થિક વિકાસ દરમાં ૨૩.૯૦ ટકાનો ઐતિહાસિક ઘટાડો જોવા મળ્યો હતો. લોકડાઉનને કારણે ઔદ્યોગિક તથા સેવા ક્ષેત્ર બંધ પડી ગયા હતા. એટલું જ નહીં ઉપભોગતાની આવક પર અસર પડતા માગમાં જોરદાર ઘટાડો નોંધાયો હતો. ૧૯૯૬થી જ્યારથી ભારતે ત્રિમાસિક ગાળાના જીડીપીના આંકડા જાહેર કરવાનું શરૂ કર્યું છે ત્યારબાદ પ્રથમ વખત આટલો મોટો ઘટાડો જોવા મળ્યો છે. ઉત્પાદન, બાંધકામ તથા વેપાર ક્ષેત્રમાં જંગી ઘટાડો થયો હતો જ્યારે કૃષિ ક્ષેત્રનો વિકાસ દર પોઝિટિવ રહ્યો હતો.
ડિફોલ્ટ કંપનીઓ પાસેથી નાણાં વસૂલવાની જોગવાઈ ધરાવતા આઈબીસી મોકૂફ
લોન્સના રિપેમેન્ટમાં નિષ્ફળ જતી કંપનીઓ પાસેથી નાણાં વસૂલવા ૨૦૧૬થી દેશમાં લાગુ કરાયેલા ઈન્સોલવેન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (આઈબીસી) હેઠળ નવા કેસ દાખલ કરવાની કવાયત મોકૂફ રાખવામાં આવી છે. ંકોરોનાને કારણે સરકારે આઈબીસીની જોગવાઈઓનો અમલ કરવાનું પહેલા ૨૫મી માર્ચ ૨૦૨૦થી ૬ મહિના માટે મોકૂફ રાખ્યું હતું. ત્યારબાદ આ મુદતને ત્રણ-ત્રણ મહિના માટે બે વખત મોકૂફ રાખીને ૨૫ માર્ચ ૨૦૨૧ સુધી લંબાવાઈ છે. રિઝર્વ બેન્કના આ નિર્ણય કેટલા કારંગત નિવડે છે તે તો ૨૦૨૧ના અંત ભાગમાં સ્પષ્ટ થવા વકી છે.
મ્યુ. ફંડોએ ઇક્વિટીમાંથી ભંડોળ પાછું ખેંચ્યું : ડેટમાં ઠાલવ્યું
૨૦૨૦ના વર્ષમાં પ્રતિકળ માહોલ વચ્ચે ઇક્વિટી બજારમાં તેજીના ઘોડાપૂર જોવા મળ્યા હોવા છતાંય મ્યુચ્યુઅલ ફંડોએ વર્ષ દરમિયાન ઇક્વિટીમાંથી ભંડોળ પાછું ખેંચ્યું હતું. જ્યારે ડેટ સાધનોમાં પોતાનું રોકાણ વધાર્યું હતું.
વર્ષ દરમિયાન મ્યુચ્યુઅલ ફંડોએ ઇક્વિટીમાંથી રૂ. ૫૨,૬૯૨.૪૩ કરોડ પાછા ખેંચ્યા હતા. તેની સામે તેઓએ ડેટ માર્કેટમાં રૂ. ૨,૧૭,૦૯૮.૮૦ કરોડનું નવું ભંડોળ ઠાલવ્યું હતું.
ફંડો દ્વારા ઇક્વિટીમાં થતા માસિક રોકાણ પર નજર કરીએ તો, જાન્યુઆરી, એપ્રિલ, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બરમાં ભંડોળ પાછું ખેંચ્યું હતું. માત્ર ત્રણ માસ ફેબુ્રઆરી, માર્ચ અને મે માસ દરમિયાન જ ફંડોએ ઇક્વિટીમાં નવું રોકાણ કર્યું હતું.
બોન્ડ માર્કેટની બોલબાલામાં વધારો : નીચા દરનો ફાયદો
વ્યાજના નીચા દરો તથા રિઝર્વ બેન્કની ઉદાર નીતિને પરિણામે વર્તમાન વર્ષમાં કંપનીઓ દ્વારા બોન્ડ મારફત અત્યારસુધીમાં રૂપિયા ૭.૪૫ લાખ કરોડ ઊભા કરાયા છે જે ઓલ ટાઈમ હાઈ છે.
૨૦૧૯માં કંપનીઓએ બોન્ડ મારફત રૂપિયા ૬.૮૭ લાખ કરોડ ઊભા કર્યા હતા. કોરોનાના કાળમાં સરકાર દ્વારા જાહેર કરાયેલી રાહતો તથા રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દરમાં ઘટાડાને કારણે કંપનીઓને બજારમાંથી સસ્તા દરે નાણાં ઊભા કરવામાં હાલમાં સ્થિતિ સાનુકૂળ બની છે.
અનેક કંપનીઓએ ઈક્વિટીઝના વેચાણ મારફત નાણાં ઊભા કરવાને બદલે બોન્ડસ મારફત નાણાં ઊભા કરવાનું વધુ પસંદ કર્યું હોવાનું એક એનાલિસ્ટે જણાવ્યું હતું.
રિઝર્વ બેન્કના વિવિધ પગલાંને કારણે બજારમાં હાલમાં નાણાંની ભરપૂર લિક્વિડિટી જોવા મળી રહી છે. ૧૦ વર્ષની મુદતના કોર્પોરેટ બોન્ડસ માટેનો વ્યાજ દર જે ગયા વર્ષે ૭.૫૦ ટકા હતો તે હાલમાં ઘટી ૬.૫૦ ટકા પર આવી ગયો છે. ખાનગી ઉપરાંત સરકારી કંપનીઓ દ્વારા મોટી માત્રામાં નાણાં ઊભા કરવામાં આવ્યા છે.
પ્રતિકૂળતા વચ્ચે PE તથા M&Aના સોદામાં વધારો
વ્યાજના નીચા દરો તથા રિઝર્વ બેન્કની ઉદાર નીતિને પરિણામે વર્તમાન વર્ષમાં કંપનીઓ દ્વારા બોન્ડ મારફત અત્યારસુધીમાં રૂપિયા ૭.૪૫ લાખ કરોડ ઊભા કરાયા છે જે ઓલ ટાઈમ હાઈ છે.
૨૦૧૯માં કંપનીઓએ બોન્ડ મારફત રૂપિયા ૬.૮૭ લાખ કરોડ ઊભા કર્યા હતા. કોરોનાના કાળમાં સરકાર દ્વારા જાહેર કરાયેલી રાહતો તથા રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દરમાં ઘટાડાને કારણે કંપનીઓને બજારમાંથી સસ્તા દરે નાણાં ઊભા કરવામાં હાલમાં સ્થિતિ સાનુકૂળ બની છે.
અનેક કંપનીઓએ ઈક્વિટીઝના વેચાણ મારફત નાણાં ઊભા કરવાને બદલે બોન્ડસ મારફત નાણાં ઊભા કરવાનું વધુ પસંદ કર્યું હોવાનું એક એનાલિસ્ટે જણાવ્યું હતું.
રિઝર્વ બેન્કના વિવિધ પગલાંને કારણે બજારમાં હાલમાં નાણાંની ભરપૂર લિક્વિડિટી જોવા મળી રહી છે. ૧૦ વર્ષની મુદતના કોર્પોરેટ બોન્ડસ માટેનો વ્યાજ દર જે ગયા વર્ષે ૭.૫૦ ટકા હતો તે હાલમાં ઘટી ૬.૫૦ ટકા પર આવી ગયો છે.
ખાનગી ઉપરાંત સરકારી કંપનીઓ દ્વારા મોટી માત્રામાં નાણાં ઊભા કરવામાં આવ્યા છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34NMkjO
ConversionConversion EmoticonEmoticon