સમગ્ર વિશ્વ પણ આંદોલનમાં જોડાયું


અ શ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોઇડનું ગોરા પોલીસે ગળુ ઘૂંટણથી દબાવી મોત નિપજાવ્યું તેની વીડિયો ફૂટેજ વાઈરલ બનતા વિશ્વના તમામ નાગરિકોનું રોષ સાથે હૃદય દ્રવી ઉઠયું ત્યારે અશ્વેત સમુદાયની મનોસ્થિતિને સમજી શકાય તેમ છે. આ કૃત્ય એ હદનું ઘાતકી હતું કે અશ્વેતો હિંસક બને તો પણ એક તબક્કે એવું લાગે કે તેઓમાંનો એક વર્ગ હિંસક પ્રતિભાવ આપે તો પણ તે સહજ પ્રતિક્રિયા લાગે.

જો કે તે પણ યોગ્ય તો નહતું જ કેમકે જે હિંસા અને લૂંટફાટ થઈ અને તેનો જેઓ ભોગ બન્યા તે ગોરાઓને પણ અશ્વેતો પ્રત્યે સહાનુભૂતિ હતી. જ્યાં આ ઘટના બની તે મિનેસોટા રાજ્યમાં બીજા જ દિવસથી એટલે કે ૨૬ મેથી જ"Black Lives Matter"ના બેનેરો સાથે જાહેર માર્ગો પર દેખાવો શરૂ થયા. તે જ રીતે અમેરિકામાં વિશેષ કરીને જે રાજ્યોમાં અશ્વેતોની નોંધપાત્ર વસ્તી છે ત્યાં શરૂમાં આંદોલન અને તે પછી હિંસા ફાટી નીકળી. દુકાનો પણ મોટી સંખ્યામાં તોડફોડ કરીને લૂંટવાનું શરૂ થયું.

પોલીસ અને દેખાવકારો વચ્ચે હિંસક અથડામણો થઈ. અશ્વેતોના જૂથો ભારે ડરામણા દ્રશ્યો સર્જતા ખાસ કમાન્ડો જેવા યુનિફોર્મ અને ગન લઈને ફરતા હતા. આ દરમ્યાન અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે અશ્વેતોને ઘટના બદલ દુ:ખ વ્યક્ત કરવાની જગાએ હિંસક દેખાવકારો લૂંટારા છે, પોલીસ તેની જોડે સખ્તાઈથી કામ લે તેવા આદેશ આપતા પરિસ્થિતિ વધુ વણસી. મિનેપોલિસ પછી લોસ એંજલસના મેેમ્ફીસ, વોશિંગ્ટન ડી.સી., વોશિંગ્ટન-સીએટલ, ફિલાડેલ્ફીયા, ન્યુયોર્ક સીટી, સાન ફ્રાન્સીસ્કો, માયામી, જ્યોર્જિયા, શિકાગોમાં મહત્તમ આંદોલન તોફાનનો પ્રભાવ રહ્યો. છ જૂને અમેરિકાના ૨૦૦૦ સ્થળોએ કુલ ૫૦ લાખ નાગરિકોએ દેખાવો કર્યા.

અમેરિકાના ૪૦ ટકા રાજ્યો અને શહેરોમાં આ આંદોલન ફેલાયું હતું. ૨.૬ કરોડથી વધુ નાગરિકોએ ભાગ લીધો. અમેરિકાના ઈતિહાસનું આ સૌથી મોટુ દેખાવ-પ્રદર્શન હતું જે જૂનના પખવાડિયા સુધી ભારે સ્ફોટક હતું. અમેરિકાએ તેના ઈતિહાસમાં સૌથી મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ પણ ઉતાર્યો હતો. તેવી જ રીતે બે અબજ ડોલર સુધીની રકમનું પ્રોપર્ટી કે લૂંટફાટમાં દેશને નુકશાન થયું. આ હદના માનવસર્જિત નુકસાનની પણ અમેરિકાની સૌપ્રથમ ઘટના છે. એક તરફ કોરોના અને સામે જ અમેરિકાના પ્રમુખ માટેની ચૂંટણી આવી રહી હતી ત્યારે આ ઘટના વધુ નિર્ણાયક બની હતી.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KGsX5n
Previous
Next Post »