લોગઇન:
પ્રેમનો પર્યાય છે આ બાંકડો,
બારમો અધ્યાય છે આ બાંકડો!
બે મળેલાં જીવ માંડે વારતા,
કેટલો હરખાય છે આ બાંકડો!
હાથમાં લઈ હાથ બેઠા હોય જે,
એમને પરખાય છે આ બાંકડો!
કેટલાયે લોક આવ્યા ને ગયા,
ખુદ કશે ક્યાં જાય છે આ બાંકડો!
તું સમજવાના પ્રયત્નો છોડને,
'તખ્ત' ક્યાં સમજાય છે આ બાંકડો!
- તખ્ત સોલંકી
ગુ જરાતી કવિતા અનેકવાર બાંકડા પર બેઠી છે. જેટલી વાર બેઠી તેટલી વાર તેણે નિરાંત અનુભવી છે. રમેશ પારેખે બગીચાના બાંકડે બેસાડયા, 'એકલા સાંજે બગીચે બેસવું શું ચીજ છે? બાંકડો શું ચીજ છે? બુઢ્ઢા થવું શું ચીજ છે?' હરિકૃષ્ણ પાઠકે 'ગાડી આવે જાય બાંકડે બેઠો છું'ની વાત કરીને સ્ટેશનના બાંકડે આરામ ફરમાવ્યો. મનોજ ખંડેરિયાએ સ્કૂલની છેલ્લી બેન્ચે બેસવાની વાત છેડી, 'મોજથી બેસ બાંકડે છેલ્લે, એ ભણેશ્રી ભણે તો ભણવા દે.' ગુંજન ગાંધીનો શેર પણ જુઓ, 'સાંજ થઈ વૃદ્ધો ગયા, એ ના ગયો; કેટલો આ બાંકડો લાચાર છે.' ભાવેશ ભટ્ટનો શેર પણ યાદ આવે, 'નથી સાંભળતો વૃદ્ધોની કોઈ વાત, નહીંતર બાંકડાને તાવ આવે.' આ લેખ લખનારનો શેર પણ સહજ યાદ કરવો ઘટે, 'વૃદ્ધથી રડવું જ રોકી ના શકાયું, વાત જ્યારે નીકળી આ બાંકડાની.' ક્યારેક બગીચાનો બાંકડો, ક્યારેક સ્કૂલનો, ક્યારેક સ્ટેશનનો! તખ્તસિંહ સોલંકીએ 'બાંકડો' રદીફ રાખી સરસ ગઝલ લખી છે. આજે તેનો આનંદ માણીએ.
ઉંમરના તમામ પડાવ બાંકડા સાથે જોડાયેલા છે. તેની પર બેસેલો બુઢાપો તો લખ્યે લખાય નહીં તેવો હોય છે. ઝીણવટથી જુઓ તો તેમાં વર્ષોની કરચલીઓનો હિસાબ દેખાય. મોતિયાવાળી આંખોની નિતરતી ભીનાશ પણ મળી આવે. બોખા સ્મિતની સહજતા પણ ત્યાં વેરાયેલી પડી હોય. નીચે જુઓ તો ગામ આખાની નિંદાનું નિંદામણ પણ વેંત-વેંત ઊગેલું દેખાઈ આવે.
વળી મશ્કરીનો મબલખ ફાલ પણ ખરો! કોઈને આંખોથી ઘટઘટ પીધાનાં સ્મરણ પણ મહેક-મહેક થતાં હોય. અનેક લોકોના વીતી ગયેલાં વર્ષોનો ખારો-તુરો-કડવો-મીઠો વિવિધ પ્રકારનો ઇતિહાસ પણ ખજાના જેમ સચવાયેલો મળી આવે. હોંશથી પુત્રની સફળતાની વાત કરતા પિતાની સાથોસાથ બાંકડાને પણ શેર લોહી ચડતું હશે! કેટકેટલાના ઘરની ઉદાસી બાંકડે કેટકેટલી વાર ઠલવાઈ હશે કોણ કહી શકે?
બાંકડે બેસેલું યૌવન હવામાં પ્રિયતમાની ફરફરતી લટને કાન પાછળ ગોઠવતું મળી આવે. ક્યારેક મૌન ઓઢીને બેસેલા માસુમ ચહેરાઓ ત્યાં બેસીને ફૂલ જેમ ખીલતા હશે ત્યારે બાંકડાને પણ પતંગિયા જેમ પાંખો ફૂટતી હશે. આંખની ભીનાશ અને હૈયાના હરખ સાથે વર્ષો બાદ થયેલું મિલન બાંકડાને પણ ગર્વનો અહેસાસ કરાવતું હશે. કોઈએ આપેલું ગિફ્ટબોક્સ જ્યારે તેની પર મૂકીને ખોલવામાં આવતું હશે ત્યારે ગિફ્ટ પામનારની સાથોસાથ બાંકડાના હૈયે પણ હરખ નહીં માતો હોય.
સ્કૂલના દફ્તરોએ પણ અહીં પડાવ નાખ્યો હશે. બોરિંગ લેક્ચરને રસપ્રદ બનાવવામાં તે સહભાગી બન્યો હશે. કોઈના ગુસ્સા કે શોકનો પણ તે મૂક સાક્ષી બની રહ્યો હશે. કોઈ રડયું હોય ત્યારે તેનાં આંસુ ન લૂછી શકવા બદલ તેને અફસોસ પણ થયો હશે. જગતને હજી સરખું જોયું પણ નથી એવા શિશુના સ્તનપાનની મહાન ઘટના પણ તેણે જોઈ હશે. સ્કૂલનાં માસૂમ ફૂલ પણ તેની પીઠ પર ખીલ્યાં હશે. કાલેજના મિત્રોની કરામતો પણ તેણે નજરે નિહાળી હશે. બુઢાપાનું ઉપનિષદ તો તેણે રોજેરોજ વાંચ્યું હશે. ઉંમરના કેટકેટલા પડાવ અહીં આવ્યા હશે, બેઠા હશે, ચાલ્યા ગયા હશે.
રાખડી અને ફ્રેન્ડશિપ બેલ્ટનો પરિચય પણ તેણે કર્યો હશે. પીળા અને રાતાં બંને ગુલાબોની મહેક તેણે માણી હશે. ટેકણલાકડી અને બેટદડો પણ તેની પાસે રોકાયા હશે. તૂટતાં ચૂરચૂર થતાં સપનાંની સાથોસાથ નવી આશાનો અમિ પણ તેણે અનેકવાર પીધો હશે. ક્યારેક આખા આભનો ખીલીપો તેની પર ઊતરી આવ્યો હશે તો ક્યારેક પંખીઓના કલરવથી તે ભરચક પણ થયો હશે. વરસાદ, ટાઢ, તાપમાં તેણે કેટકેટલું જોયું હશે, જાણ્યું હશે, અનુભવ્યું હશે... આવા બાંકડાને તમે સમજવા પ્રયત્ન કરો તોય સમજી સમજી કેટલું સમજી શકો?
તખ્ત સોલંકીએ બાંકડાની જુદી જુદી છબીઓ ગઝલમાં ઝીલી છે. તેવી જ રદીફવાળી એક અન્ય ગઝલથી લોગઆઉટ કરીએ.
લોગઆઉટ
આભ હેઠું ઉતર્યું છે બાંકડે;
મોરનું પીંછું ખર્યું છે બાંકડે.
સ્તબ્ધ થઇ બેસી રહ્યાનું છે સ્મરણ,
ચિત્રકારે ચિતર્યું છે બાંકડે.
લઈ સુવર્ણી સોણલાં ઊંડું ગગન,
સ્વપ્ન પંખી ફરફર્યું છે બાંકડે.
ટેરવેથી સ્પર્શ એવો પીગળે,
પુષ્પ રક્તિમ નિખર્યું છે બાંકડે.
આંખમાં આવી ગયાં હર્ષાશ્રુઓ,
એક સરવર નિતર્યું છે બાંકડે.
- પૂણમા ભટ્ટ
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mvpWBL
ConversionConversion EmoticonEmoticon