કો ઇપણ ક્ષેત્રે માણસને પોતાની આરઝુ મુજબની ઇચ્છિત સફળતા પ્રાપ્ત થાય છે ત્યારે એને જે આનંદ અને હરખ થાય છે એ આનંદનું માપ કાઢવા માટે એને તોલવા-માપવાનો ગજ કે ત્રાજવાં આપણી પાસે નથી. એનુ વર્ણન કરવા માટેના શબ્દો કવિઓ અને સાહિત્યકારો પાસે પણ નથી ! એ હરખ અમાપ-અવર્ણનીય હોય છે. એવા હરખને સમજપૂર્વક માણવા માટે પોતાની જાતને સંતુલિત રાખવી પડે, નહિતર એ હરખને અહંકારમાં રૂપાન્તર થતાં વાર લાગતી નથી! હરખને પચાવવો સહેલો છે. અહંકારને પચાવવો મુશ્કેલ છે. હરખથી માણસ વજનદાર બને છે. અહંકાર માણસને જિદ્દી અને ઉધ્ધત બનાવે છે ! એ ઉધ્ધતાઇ માણસને અધોગતિની ખીણમાં ધકેલી દે છે. કહેવાય છે ને કે અહંકાર તો રાજા રાવણનો પણ રહ્યો નથી ! આ વાત દરેક સત્તાધિશે ધ્યાનમાં રાખવા જેવી છે.
તમે ગમે તેટલા સશક્ત સત્તાધિશ હો તો પણ રાવણ જેટલા શક્તિશાળી તો નથી. રાવણ લંકાનો રાજા હતો. પોતાના અહંકારમાં ગયો એવું જ થયું.હવે કોઇ રાજા નથી. આપણે ત્યાં લોકશાહી આવી અને રાજાઓને તગેડી મૂક્યા. એ પ્રજાની શક્તિનું ઉદાહરણ યાદ રાખવા જેવું છે. કારણ કે પરિસ્થિતિનું પુનરાર્વતન થવા લાગ્યું છે. રાજા ગયા પણ એમનો રજવાડી મિજાજ આપણા સત્તાધિશોને આપતા ગયા છે. એ જ જિદ્દ એ જ અહંકાર અને એવા જ ધમકીભર્યા ફરમાનો લોકશાહીમાં પણ હરતા ફરતા થયા છે. લોકશાહીને કારણે હવે સીધા ફરમાનો તો છૂટતા નથી. દરેક ફરમાનને લોકશાહીનો નિયમ માપવો પડે છે.
દરેક ફરમાનને કાયદેસર કરવા લોકસભામાંથી પસાર થવું પડે. લોકસભામાંથી પસાર થાય એ કાયદો બની જાય અને એનો અમલ કરવો પ્રજાની ફરજ બને છે. પણ એ કાયદો ખરેખર પ્રજા માટે લાભદાયક જ હોય એવું નિશ્ચિત જ કહેવાય એવી સ્થિતિ હવે રહી નથી. હવે સરકાર પોતાના લાભ માટે કાયદો ઘડે છે અને બહુમતિના જોરે લોકસભામાંથી પસાર પણ થઇ જાય છે. ભારતની પ્રજામાં એનો ધક્કો લાગે છે અને ગણગણાટ શરૂ થઇ જાય છે.
ભારતની પ્રજા મૂળભૂત રીતે તો શાંતિપ્રિય પ્રજા છે. એ ધીમો ગણગણાટ કરીને શાંત થઇ જાય છે. એ પછી નોટબંધી હોય કે જી.એસ.ટી. હોય. ધીમો ગણગણાટથી વિશેષ કાંઇ ન થયું. પણ ક્યારેક એ ગણગણાટ રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે શાહીનબાગમાં ધામા નાખીને આસપાસના રસ્તા સીલ કરી દે છે. આ વખતે ખેડૂત આંદોલને દિલ્લી ફરતે ઘેરો ઘાલી દીધો. દિલ્હીના બધા જ દરવાજા, બધા જ રસ્તા સીલ કરી દીધા. સરકારની ઊંઘ ઉડાડી દીધી.
તાજેતરમાં કૃષિવિષયક ત્રણ કાયદા સરકારે જાહેર કર્યા તે લોકસભામાંથી પસાર થયા હતા. લોકસભામાં બહુમતિ હોવાથી કાયદામાં શું યોગ્ય અને શું અયોગ્ય છે એ જોવાની સરકારને જરૂર પડી નહિ. પણ ખેડુતોએ એ કાયદા સ્વીકારવાની ના પાડી દઇ ત્રણેેત્રણ કાયદા પાછા ખેંચી લેવા સરકારને જણાવ્યું. સરકાર માટે આ વટનો સવાલ હતો. સરકાર પાસે બહુમતિનો અહંકાર હતો. સરકારને એ અહંકાર ઘવાય એ મંજુર ન હોવાથી કાયદો પાછો ખેચંવાની ના પાડી દીધી અને ખેડુતો છંછેડાયા છે. સરકાર પણ જીદ પર ચડી છે અને ખેડુતો પણ જીદ પર ચડયા છે. સરકારની જીદ પાછળ લાર્જર મેજોરીટીના અહંકાર છે અને ખેડુતોની જીદ પાછળ એમની પીડા કામ કરી રહી છે ! ખેડુતોને એવી શંકા છે કે ખેતી પ્રત્યે કોર્પોરેટક્ષેત્રની દાનત બગડી છે, અને એ માટે એ ઉદ્યોગપતિઓ ખેડુતોની જમીનો પડાવી લઇ જાતે ખેતી કરવા ઇચ્છે છે, એમનું એમ પણ કહેવુ છે કે ખેડુતો જે કાયદા વિરોધ કરી રહ્યા છે એ કાયદા ભલે પાર્લામેન્ટમાંથી પસાર થયા હોય પણ એ કાયદા ઘડાયા છે કોર્પોરેટક્ષેત્રમાં ! એનો અર્થ એ કે સરકાર આ રીતે ઉદ્યોગપતિઓને મદદ કરે છે. ખેડુતોની આ શંકા ભલે આમ હસી કાઢવા જેવી લાગે પણ ખરેખર એમાં તથ્ય છે. કારણ કે અગાઉ ઉદ્યોપતિઓ જે માલનું ઉત્પાદન કરતા હતા એ માલ માટે પ્રાદેશિક એજન્સીઓનું આયોજન કરતા હતા અને એ એજન્સી દ્વારા હોલ સેલરોને માલસપ્લાય થતો અને હોલ સેલરો દ્વારા રીટેલરોને માલનું વિતરણ થતું હતું. આજે ઉદ્યોગપતિઓ જાતે રીટેલર બની ગયા છે.
ઠેર ઠેર મોલ ઉભા કરી એ છુટક વેપાર કરતા થઇ ગયા છે. રીલાયન્સ પેટ્રોલના ઉત્પાદક છે છતાં રિલાયન્સના ઠેર ઠેર પેટ્રોલપંપ ઉભા થયા છે અને રીલાયન્સ છુટક પેટ્રોલ વેચે છે. ઉત્પાદક પોતે જ છુટક વેપાર કરતા થઇ જાય તો છુટક વેપાર પર દુકાનો ખોલીને પોતાનું ગુજરાન ચલાવતા નાના વેપારીઓ, જે વારસાગત છુટક વેપારીઓ છે, એ શું વેચશે ? અગાઉ ક્યારેક મે ક્યાંક કહેલી વાત અહિં ફરીથી ઉદાહરણ માટે કરવી મને યોગ્ય લાગે છે. એક સામાન્ય સ્થિતિનો માણસ મીઠાના ગાંગડા ખરીદીને એને દબાવીને પોતાના લેબલવાળી છપાયેલી પ્લાસ્ટિકની થેલીમાં ભરીને ગલીએ ગલીએ ફરીને માલ વેચતા ફેરિયાઓને એ થેલીઓ આપતો. ગલી મહોલ્લામાં આવેલી દુકાનો પર પણ થોડીક થેલીઓ મુકી આવતો. અને દસ હજારની મુંડીમાં ઉભા કરેલા આ કારોબારમાં રોજ સાંજ પડે પંદર સો બે હજારનો વકરો થઈ જતો જેમાંથી એના પાંચ સભ્યોના પરિવારનું ગુજરાન આરામથી ચલાવતો હતો.
એ મીઠું જોઈને ટાટાના મોઢામાં પાણી આવ્યું અને ટાટા મીઠું વેચવા બજારમાં બેસી ગયો અને એનો જ માલ વેચાય એટલા માટે સરકારે પણ આયોડિનયુક્ત મીઠું ખરીદવાની ફરજ પાડી. ફરજ ચુકે તો દંડ અથવા સજા પણ નક્કી થઈ ગઈ. ફેરિયાઓએ અને મહોલ્લાની દુકાનોએ પેલા ગરીબ ઉત્પાદકની મીઠાની થેલીઓ બાજુ પર ખસેડી દીધીને એના સ્થાને ટાટાના નમકની થેલીઓ ગોઠવાઈ ગઈ ! આમ સરકાર ઉદ્યોગપતિઓને લોન પણ આપે છે ને એમનો માલ વેચવા ગ્રાહક પણ લાવી આપે છે. ત્યારે પણ એવો સૂર સંભળાયો હતો કે ટાટા ભલે રેલવેના પાટા બનાવે, મોટર ગાડીઓ અને ટ્રકો બનાવે એ સામે અમને ક્યાં કશો વાંધો છે, પણ ટાટા જેવો ટાટા બજારમાં મીઠું વેચવા બેસી જાય તો અમારે શું વેચવાનું ? અમારા પરિવારનું ગુજરાન કઈ રીતે ચલાવવાનું ?
આ વાત નમક વેચવા સુધી સીમિત નથી રહેતી. સૌરાષ્ટ્રની કેશર કેરીની માગ હવે વિદેશોમાં પણ વધવા માંડી એટલે મુકેશ અંબાણીએ બે હજાર આંબા ઉછેર્યા હોવાની જાહેરાત કરી હતી. એનો અર્થે એ કે હવે આંબાવાડીઓ પર પણ ઉદ્યોગપતિઓનો ઈજારો થઈ જશે. અને કેરી પણ હવે ઔદ્યોગિક ઉત્પાદન ગણાશે. નાની મોટી દુકાનો પર નાના મોટા પેકેટના તોરણો એટલા બધા લટકે છે કે અંદર બેઠેલો દુકાનદાર પણ દેખાતો નથી. એ પેકેટ પણ ઉદ્યોગપતિઓના અથવા એમના પિતરાઈઓના છે.
એ પેકેટમાં શું હોય છે? એ ચણા મમરાના પેકેટ છેે. ગાંઠિયાના પેકેટ છે. પાપડીના પેકેટ છે. ચેવડાના પેકેટ છે ! જે લોકો સેવ મમરા, ગાંઠીયા પાપડી વેચવા માટે બજારમાં ઉતરી પડવામાં નાનમ ન અનુભવતા હોય એ લોકો ખેતી કરવા પણ લલચાય તો આશ્ચર્ય ન થવું જોઈએ. આ પરિસ્થિનો નજર સામે રાખીને જોતા ઉદ્યોગપતિઓની ખેતી પર દાનત બગડી હોવાની ખેડૂતોની શંકા વાજબી લાગશે. ખેડૂતોની એ શંકા પાછળ ભવિષ્યની ચિંતા ધબકતી હોવાનું સંભળાય છે. એમને ચિંતા છે કે આ લોકો અમારી જમીનો પર ખેતી કરતા થઈ જશે તો અમે માલિક મટીને ચાકર બની જઈશું. ખેડૂતને બદલે ખેતમજુર બની જઈશું !
ખેડૂત કુદરતી આફતોથી પીડિત છે. વેપારીઓ દ્વારા શોષિત છે. અને સરકાર દ્વારા ભયભીત છે. ખેડૂતની હંમેશા અવગણના થઈ છે. દેશની આઝાદી વખતે દેશમાં ખાસ કોઈ ઉદ્યોગ નહોતા. ત્યારે ખેતીને ખેતીની ઉદ્યોગમાં ગણના થતી હતી. અને સમગ્ર દેશ ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખાતો હતો.
આઝાદી પછી ઔદ્યોગિક વિકાસ થવા લાગ્યો, સરકાર દ્વારા ઉદ્યોગોને પ્રોત્સાહન મળવા લાગ્યું. ઝડપી ઔદ્યોગિક વિકાસ જોઈ સરકારની નવીનવી ઔદ્યોગિક નીતિઓ અમલમાં આવતી ગઈ. એ બધી નીતિઓ ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહિત કરનારી હતી એમાં ખેતી સાવ ભૂલાઈ ગઈ ! ખેડૂતો રણીધણી વગરના થઈ ગયા. ખેતી વરસાદ પર નિર્ભર છે અને વરસાદ પજવે છે.
ક્યાંક અતિવૃષ્ટિ અને ક્યાંક અનાવૃષ્ટિ, બંને રીતે ખેડૂત બરબાદ થાય છે ખરા ટાણે વરસાદ ખેંચાય ત્યારે સિંચાઈ માટેની અન્ય પૂરતી જોગવાઈઓ નથી. નર્મદા યોજનાનું પાણી પેટા કેનાલોના અભાવે ખેતરે ખેતરે પહોંચી શકતું નથી. એ માટે પેટના આંતરડાની જેમ ખેતરે ખેતરે પેટા કેનાલો પાથરી દેવી પડે. એ કામ થઈ શક્યું નથી. અતિવૃષ્ટિ- અનાવૃષ્ટિ ઉપરાંત બીયારણ મોઘું થયુ છે.
વાવણી પછી વરસાદ ખેંચાય તો ફરીથી વાવણી કરવી પડેને ફરી મોંઘું બિયારણ ખરીદવું પડે. ખેડ-ખાતર પાછળ આર્થિક અને શારીરિક ખર્ચ વેઠવો પડે. જેમ તેમ ખેતી થતી હોય તો ઈયળ વિગેરે અનેક જાતની જીવાતો ખેતીના પાકને નુકશાન પહોંચાડે. એ બધામાંથી પસાર થયા પછી ફસલ હાથમાં આવે છે ત્યારે એને પૂરતો ભાવ મળતો નથી. જગતના દરેક ઉત્પાદકો ખર્ચ અને નફો બંનેની ગણતરી કરીને પોતાની પ્રોડકટનો ભાવ નક્કી કરે છે.
એક ખેડૂત જ એવો છે જેને પોતાના ઉત્પાદનનો પોતાની મરજી મુજબનો ભાવ નક્કી કરવાની સગવડ આપવામાં આવી નથી. વેપારી જે ભાવે માગે એ ભાવે માલ વેચી દેવો પડે. કારણ કે ખેડૂતે ફસલના વાયદે લીધેલુ ધિરાણ ચૂકવવાનું હોય છે. ફસલ આવતાં જ ઉઘરાણી શરૂ થઈ જાય છે એટલે ખેડૂતો વેપારી માગે એ ભાવે માલ વેચી મારે છે. ખેડૂતના ઘરમાંથી બધો જ માલ માર્કેટમાં પહોંચી જાય એ પછી એના ભાવ વધી જાય છે. શાકભાજી મોંઘી થઈ હોવાની બૂમો સંભળાય છે.
ખેડૂત પાસેથી સાત રૂપિયા કે દસ રૂપિયામાં ખરીદેલી વસ્તુ બજારમાં સાઠ રૂપિયામાં વેચાય તો ખેડૂતનો જીવ બળે કે ના બળે? ખેડૂતને પોતાની તનતોડ મહેનતનું વળતર અને ખેતી ખર્ચમાં વપરાયેલા નાણાં પણ પૂરતા ન મળે તો ખેડૂતને ગુસ્સો ના આવે ? ખેડૂતનો ગુસ્સો મંકોડા જેવો હોય છે. મંકોડો ગુસ્સે થાય તો વાંકો વળીને પોતાની જાતને જ બચકુ ભરે. એમ ખેડૂતને ગુસ્સો આવે તો બટાકા અને ટામેટા રોડ પર નાખી દે. લીંબુ ગાડો ભરી ભરીને ઉકરડા પર ઠાલવી દેને આમ મંકોડાની જેમ પોતાની જાતને જ નુકશાન પહોંચાડે છે. આમાં વેપારી કે સરકાર બંનેમાંથી કોઈનું કંઈ જતુ નથી. ખેડૂત જ બરબાદ થાય છે.
અડપલું......
સમજા નહીં થા પેડ હવા કે મિજાજ કો
તન કર ખડા રહા તો જડો સે ઉખડ ગયા
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rdD7uL
ConversionConversion EmoticonEmoticon