અગ્નિદાહની અધિકારી .


- સંધ્યા તો એકદમ શુબ્ધ ! જરા વારે કળ વળી અત્યારની અત્યંત તરત મનઃસ્થિતિમાં પણ એ મનોમન રાજી થઈ. પપ્પા એકદમ ચમક્યા ! સહેજવાર રોકાયા, પણ પછી મમ્મીનો હાથ પસવારી, હળવેથી બોલ્યા, એમ જ થશે !

ખા લી અડકાવેલું બારણું ખોલી અંદર આવી સંધ્યાએ ધબ્બ લઈને આરામ ખૂરશીમા પડતું મૂક્યું.

ખૂરશી સહેજ સળવળીને સ્થિર થઈ ગઈ. ઘડીભર તો એ આંખ મીંચીને એમજ બેસી રહી. પછી ખ્યાલ આવ્યો કે વજનદાર થેલી હજુ હાથમાં જ છે. સહેજ લંબાઈને નીચે મૂકી દીધી. હાથ દુખે છે. દુ:ખતા હાથને બીજા હાથથી દબાવતી ક્યાંય સુધી એમ જ ઢળતી સૂઈ રહી.

હમણાં હમણાં થાક બહુ લાગે છે. કામનો બોજો લાગે છે. પહેલાં તો નોકરી અને ઘરકામની બેવડી જવાબદારીથી બહુ થાકી જતી હતી. હવે નોકરી તો છોડી દીધી છે. છેલ્લા ત્રણ વર્ષથી મમ્મીની માંદગીને કારણે.. તે છતાંય નાનું મોટું કામ એટલું રહે છે કે થાકી જવાય છે. એનો એક પગ ઘરમાંને એક બહાર.

ભાઈ-ભાભી છે, જ પણ અલગ રહે છે. પહેલાં સાથે રહેતા હતાં, પણ મમ્મીને પક્ષઘાતનો એટેક આવ્યા પછી જ અલગ થયાં ! બહાનું સરસ શોધી કાઢ્યું બાળકોની સ્કૂલ દૂર પડે છે. લેવા મૂકવાનો સમય અને વાહનખર્ચ વધી જાય છે.

...ને પોતે માત્ર જોતી જ રહી ! ન તો કોઈએ એમને રોક્યાં કે ન એમની ટીકા કરી ! ખરા છે કુટુંબીજનો નરી આંખે જોવા છતાં ય જોયું ન જોયું કરે છે ! એમને ઠપકો કે ટીકા નહિ. ઉલ્ટાનું કહે,'હા, સાચી વાત છે. બાળકોનું એજ્યુકેશન એમનું ભવિષ્ય તો જોવાનું ને ?'

પપ્પાએ પણ કશું કહ્યું નહિ, પોતે ય માત્ર સમસમીને બેસી રહી, બીજું કરે પણ શું ? હોઠ સુધી શબ્દો આવી ગયાં. 'ઘરની નજીક જે સ્કૂલ છે એ પણ સારી જ છે. ને બાળકો હજુ નાના છે. દશમુ-બારમુ ધોરણ હોત તો અલગ વાત હતી' પણ પાછા ગળી ગઈ. પોતાનો અધિકાર શું છે મોટાભાઈને કહેવાનો ?

ને ભાભી તો એટલા તૈયાર છે ને ! પાકા મુત્સદી ! લકવાગ્રસ્ત મમ્મીની સેવા કરવાને બદલે એ જ કારણ આગળ ઘરી દીધું 'મમ્મીની તબિયત સારી નથી. બાળકો હેરાન કરે, એમને જરાય શાંતિ ન મળે, એ કરતા બાળકોને લઈને દૂર જ જતી રહું તો !'

લે.કર વાત. જે કારણસર દૂર રહેતા હોય તો એમણે અહીં રહેવા આવી જવું જોઈએ, એને બદલે અહીંથી દૂર ભાગે છે ! મમ્મીની પળોજણ કરવી ન પડે એટલે જતા રહે છે તે કહે છે એવું કે મમ્મીને શાંતિને આરામ મળે એટલે બાળકોને દૂર લઈ જાઉં છું !!

રહી રહીને મનમાં થયા કરે છે, પોતે તો દીકરી કાંઈ કહી નથી શક્તી, મમ્મી કાંઈ કરી શકે એવી સ્થિતિમાં નથી... પણ પપ્પા ?... પપ્પા ય કશું બોલતા નથી ? ન સમજે એવા અબુધ થોડા છે ? સચિવાલયમાં ઉચ્ચ હોદ્દા પર છે. ભલભલાને પાણી પીવડાવી દીધું છે.

પણ આ તો દીકરા આગળ લાચાર !!... આ દીકરાને કાંઈ કહી ન શકવાની લાચારી છે કે પછી દીકરાને કાંઈ કહેવું જ નથી !.. દીકરી છે ને ? છેને એ કામ કરતી ! દીકરાને કાંઈ કહેવું નથી. કોઈ કામ સોંપવુ નથી ને અળખામણા થવું નથી ! દીકરો છે ને ? ને પોતે તો દીકરી ! ઢસરડા કરતી દીકરી ! એ તો હું છું એટલે ! હું ન હોત તો ભાઈ-ભાભીએ જ મમ્મી પપ્પાને સાચવવા પડતને ?

અને છતાં ય પપ્પાને મારો ગુણ નથી, હું સેવા કરું છું, હોંશથી ને સ્વેચ્છાથી, મમ્મીને કારણે તો નોકરી છોડી... પણ એની કોઈ કદર- કિંમત નહિ, હા શરૂ શરૂમાં થોડા વખાણ થયા, પછી તો બધું કોઠે પડી ગયું.

ભાઈ-ભાભી તો સરકી ગયાં, પણ પપ્પા ? હું નોકરી કરતી ત્યારે એ થોડી મદદ કરાવતા હવે તો એ પણ નહિ, બધું મારે એકલીએ જ કરવાનું ? આમ જોઈએ તો મારી નોકરી પણ ગઈ ને મદદ પણ ગઈ : બદલામાં મને મળ્યું શું ? કદરના થોડાં શબ્દો પણ નહિ !

આ બધું તો સંધ્યાએ જ કરવાનું હોય ને ? એમાં શું ? રહી રહીને અફસોસ થાય છે કે નોકરી ન છોડી હોત તો ? આમે ય મારે જ ઘર સંભાળવાનું છે તો એ તો નોકરી સાથે પણ થઈ જાત ! ભાવાવેશમાં આવી ખોટો નિર્ણય લેવાઇ ગયો, નોકરી નથી કરતી નવરી ધૂપ, છે તો ઘર સંભાળે ને માની સેવા કરે એમાં શી નવાઈ ?

નોકરીને કારણે થોડી બચત થઈ હોત, ખાસ તો એ કારણે ધરની બહાર જવાનું ને હળવા મળવાનું, લોકો સાથે સંપર્ક જળવાત ! આ તો 'ઘરમાં'ને ઘરમાં ! બહાર જવાનું હોય તો ય ઘરનાં કામ માટે જ બેંકમાં જવું, શાકભાજી, કરિયાણું ખરીદવું, લાઈટનું બીલ, પાણી વેરો, હાઈસટેક્સ ભરવો, મમ્મીની દવા ફળફળાદિ લાવવા. કેટલાંય કામ ! ને આ કોઈ કામ એક ધક્કે ન પતે ! બે ચાર ધક્કા ખાવા પડે !

પપ્પાએ તો ઘરકામમાંથી નિવૃત્તિ લીધી છે ! આ કામ તો મારું !

ઘણીવાર રસ્તામાં કે બીલ ભરવા લાઈનમાં ઉભી હોઉં ત્યારે પરિચિત મળી જાય છે. પણ વાત કરવાની નવરાશ કોને હોય ? કેમ છો ? કે ઔપચારિક સ્મિતથી જ માત્ર પતાવવાનું ! ક્યારેક સમય મળે નિરાંત વાત કરવાની, લાઈટ બીલ ભરવા લાઈનમાં ઉભી હોઉં, નંબર ઘણો પાછળ હોય ને કોઈ મળી જાય તો સમય મળે નિરાંતે વાત કરવાનો..પણ વાત શું કરવી ? વાત નો વિષય શું ? એમની પાસે તો ફિલ્મ હોટેલ બાળકો પતિ, ઘણા વિષયો હોય. પોતાની પાસે શું ?

મમ્મીની માંદગી અને ઘરકામ સિવાય કોઈ વિષય જ ક્યાં રહ્યો છે ?

યાદ નથી કેટલા સમયથી સારી નવલકથા નથી વાંચી ! કે કોઈ સારું પિક્ચર જોવાયું હોય ! હા ક્યારેક રાત્રે એકાદ સિરિયલ જોવાઈ જાય છે. બસ, હા, ભાઈ ભાભી બાળકો અવાર નવાર પિકનીક પિક્ચરનો કાર્યક્રમ કરે છે. પણ એમને સંધ્યા યાદ આવતી નથી ! મમ્મીની પાસે તો સંધ્યાએ જ રહેવાનું, એનાથી નીકળાય જ કેમ ? એની પાસે આવા મોજશોખનો સમય નથી, કારણ મમ્મી માત્ર એની જવાબદારી છે !

અરે ! ભાઈભાભી તો અલગ રહે છે. પણ પપ્પા ? એ પણ એમના મિત્રો સાથે પાર્ટી પિકનિક મનાવે જ છે. એને ય દીકરી યાદ નથી આવતી !

સંધ્યા ક્યાંય સુધી ઘુંઘવાયા કરી,

અંદરથી મમ્મીની બુમ સંભળાઈ મમ્મી સ્પષ્ટ નથી બોલી શક્તી, પણ ઘરનાં સૌ ટેવાઈ ગયા છે એના અસ્પષ્ટ ઉપચારો સમજી શકાય છે.

મમ્મીને પાણી પીવું હતું. પાયું, મમ્મીએ એનો હાથ પકડી લીધો. એ એને પાસે બેસવાનું કહેતી હતી. સંધ્યા થાકી હતી. હજુ રસોઈ કરવાની બાકી છે, તો ય મમ્મીનો હાથ પસવારતી બેસી રહી, 'તને શું થાય છે ? આટલો પરસેવો કેમ ? ગરમી થાય છે ? ' કહેતા તેણે મમ્મીનાં આખા શરીરે પાવડર છાંટી દીધો. મમ્મીના ચહેરા પર મલકાટ આવ્યો.

એણે ય દુપટાથી મોં લુછી લીધું... કેટલી ગરમી થાય છે ! પપ્પાને કે ભાઈને આ રૂમમાં એ.સી. ફિટ કરાવવાનું યાદ નથી આવતું ? ભાઈએ ગયા ઉનાળામાં એના ફલેટમાં એક નહિ પણ બે બે એ.સી. ફીટ કરાવ્યા, એક પોતાના બેડરૂમમાં એક બાળકોના બેડરૂમમાં ! અહીં મમ્મીનો રૂમ કોઈને યાદ નથી આવતો ! કાશ હું નોકરી કરતી હોત !

પપ્પાને પણ સૂઝકો નથી પડતો એમને શું ? એમને તો આમેય ગરમી ઓછી જ લાગે છે. એ તો બહાર ફરતા જ હોય, વળી ગરમી લાગે તો જમ્યા પછી પણ બે કલાક બગીચામાં ફૂવારાની ઠંડક માણવા પહોંચી જાય છે !

પણ મમ્મી ક્યાં જાય ? આટલી બધી દવાઓની ગરમીને પથારીમાં જ પડયા રહેવાનું, એને અકળામણ ન થાય ? અને હું ! હું પણ મમ્મીને છોડીને ઘડીક ઠંડક માણવા કે ટહેલવા નીકળી શક્તી નથી !

મમ્મીનો બોજો નથી લાગતો, સ્વેચ્છાએ સેવા કરે છે, પણ એનો અર્થ એ નહિ કે મમ્મી માત્ર એની જ જવાબદારી ! ભાઈ-ભાભી કે પપ્પાની કોઈ ફરજ નહિ ? ના છૂટકે કોઈ કામસર, કોઈને બેસાડીને ગઈ હોય તો એના પાછા ફરવાની જ રાહ જોવાતી હોય, એ ઘરમાં પગ મૂકે કે ભાઈ-ભાભી ઉભા થઈ જાય !

અત્યારે એમ જ છે, પપ્પા બહાર ગયાં છે. ભાઈએ સવારે ફોનથી ખબર પૂછી લીધા, આજે બાળકો કજિયા કરે છે એમને ખેર ! આ બાળકોનું બહાનું સારું છે !

એણે ફટાફટ કામ આટોપવા માંડયું, ત્યાં ફરીથી મમ્મીની બૂમ પડી, 'આજે મમ્મી કેમ આવું કરે છે ?'

જો કે આજને બદલે ત્રણ ચાર દિવસ એમ જ વીતી ગયાં, મમ્મીની તબિયત લથડી, હોસ્પિટલમાં એડમિટ કર્યા.

ત્યાં તો ભાઈ-ભાભી આવી ગયાં ! લોકોને બતાવવાનું હોય તો તરત જ હાજર ! જો કે કામ તો સંધ્યાનું વધ્યું ! એ બીજે દિવસે મમ્મીની પાસે રહે, સંધ્યા ઘર સંભાળે, એમનું ટીફિન પણ મોકલવાનું, બાળકોને પણ એણે જ સાચવવાના ને એ જ બાળકોને લઈને ભાભી રાત્રે ઘરે જતા રહે, રાત્રે હોસ્પિટલમાં સંધ્યાએ રહેવાનું ! આમ આખા દિવસનો થાક ને રાત્રિના ઉજાગરા !

બે ત્રણ વાર સંધ્યાએ ભાભીને કહ્યું પણ ખરૂ, રાત્રે સૂવાનું પણ બાળકો ? બાળકો મમ્મી વિના સૂવે નહિ ને ?

હા, ભાઈ સૂતો પણ મમ્મીના બાથરૂમ, સંડાશ તો સંધ્યાએ જ કરવાના હોય ને ? આમે ય ઘરે પણ એ જ કરે છે !

ભાભી તો બાળકોને સ્કૂલે મોકલ્યા પછી આવશે ને સાંજ સુધી રોકાશે.. સગાસંબધી ખબર કાઢવા તો દિવસે જ આવે ને ?

સંધ્યાને ચચરે છે બધું, પણ મનમાં ને મનમાં ઘૂંઘવાયા કરે છે. એકે શબ્દ બોલી શક્તી નથી. જ્યાં પપ્પા જ કાંઈ બોલતા નથી ત્યાં ! પોતે તો નાની છે.

આજે સવારથી મમ્મીની તબિયત વધુ બગડી છે. સગાસંબંધી સૌ હાજર છે.

મમ્મીએ કયારનો ય એનો હાથ પકડી રાખ્યો છે. છોડતી જ નથી અને એ પણ આંસુ સારતી મમ્મીનો હાથ, ગાલ, કપાળ પસવારતી રહી છે.

મમ્મી કયારનીય કાંઈક કહેવા પ્રયત્ન કરે છે.

પપ્પા એકદમ નજીક આવ્યા, બોલ શું કહેવું છે તારે ? તારી બધી જ ઇચ્છા પૂરી કરીશ. વિના સંકોચે બોલ, તારી ઇચ્છા પ્રમાણે જ થશે.. બોલ કહે તો ?

મમ્મીએ એક નજર ભાઈ પર નાખી અસ્પષ્ટ સ્વરમાં કહ્યું, જો કે બે ત્રણ વાર રોકાયા પછી એ પૂરું કરી શકી ...! મને અગ્નિદાહ સંધ્યા આપે મને કાંધ પણ સંધ્યા જ આપે.

સૌ અવાક્ !

સંધ્યા તો એકદમ શુબ્ધ ! જરા વારે કળ વળી અત્યારની અત્યંત તરત મન:સ્થિતિમાં પણ એ મનોમન રાજી થઈ.

પપ્પા એકદમ ચમક્યા ! સહેજવાર રોકાયા, પણ પછી મમ્મીનો હાથ પસવારી, હળવેથી બોલ્યા, એમ જ થશે !

સંધ્યાના ગળામાં રૂંધાયેલું ધુ્રસ્કુ બહાર આવવાને બદલે પાછું અંદર ઉતરી ગયું. એની આંખમાં સ્વસ્થતા ઉભરાઈ.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LOuVAV
Previous
Next Post »