વણજારા વાલમ લોલ .


માળવેથી પોઠયું હાલિયું રે, વણજારા વાલમ લોલ

હાલિયું ગુજરાત દેશમાં રે, ટાંડાના નાયક લોલ.

તારે રે'વા મેડી માળિયાં રે, વણજારા વાલમ લોલ

મારે રે'વા છાજલ ઝૂંપડી રે, ટાંડાના નાયક લોલ.

તારે ખાવા ઘઉં બાજરો રે, વણજારા વાલમ લોલ

મારે ખાવા ખોરી જાર છે રે, ટાંડાના નાયક લોલ.

તારી ગાંઠે છે નાણલું રે, વણજારા વાલમ લોલ

અમને નિર્ધન નો'તાં રાખવાં રે, ટાંડાના નાયક લોલ.

સૌ હાલ્યા પરદેશમાં રે, વણજારા વાલમ લોલ

અમને મેલ્યાં એકલાં રે, ટાંડાના નાયક લોલ.

***

ઉં ટ, બળદ, ગધેડાં જેવાં પશુઓ પર અનાજ કે અન્ય જણસની ગુણીઓ નાખીને એક પ્રાંતથી બીજા પ્રાંતમાં જતા વણજારાના મણિયારો પ્રકારનાં લોકગીતો આપણે ત્યાં ગવાય છે. મણિયારો ખૂબ વિલંબિત તાલ છે. પશુઓ પર ભાર મુકેલો હોય ને વણજારાનો સમૂહ એની સાથે ચાલતો હોય એટલે ગીતનો લય વિલંબિત જ રહે એટલે જ આવાં ગીતો મણિયારા પ્રકારનાં હોય છે, ચાહે એ કચ્છના રણમાંથી પસાર થતા હોય કે રાજસ્થાનના...

'માળવેથી પોઠયું હાલિયું...' મસ્ત મસ્ત મણિયારો છે. દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમી મધ્યપ્રદેશને જોડતો અમુક ભૂભાગ 'માળવા' તરીકે ઓળખાય છે ત્યાંથી વણજારાઓનો સમૂહ 'પોઠ' અર્થાત્ પશુઓ ઉપર ગુણીઓ મુકીને ગુજરાત તરફ રવાના થયો છે પણ 'ટાંડાના નાયક' એટલે કે પોઠના કાફલાના મુખીને સંબોધીને એનું પ્રિયપાત્ર સંભવિત વિરહથી ગ્લાનિ અનુભવે છે ને કહે છે કે તારે તો રહેવા માટે મેડી-માળિયાં છે હું અહીં ઘાસની ઝૂંપડીમાં વસું છું. તને તો ઘઉં-બાજરો ખાવા મળે છે પણ મારે તો ખોરી જુવારથી પેટ ભરવાનું છે. તારી પાસે નાણું છે ને હું નિર્ધન છું, આ બધી સ્થિતિ તો સહ્ય છે પણ તમે સૌ પરદેશ ચાલ્યા ને હું અહીં એકલી ઝૂરતી રહીશ એ સ્થિતિ મારા માટે અસહ્ય બની રહેશે.

ગુજરાતી લોકગીતોનું 'માળવા' કનેક્શન નવું નથી. 'મેંદી તે વાવી માળવે' , 'માળવેથી પોઠયું હલકી સાહેબજી' - જેવાં લોકગીતોમાં માળવાનો ઉલ્લેખ આવે છે. ગુજરાત રાજ્ય છે, અગાઉ મુંબઈ સાથે જોડાયેલું હતું પણ ગુજરાત પહેલેથી જ સમૃદ્ધ ગણાતું હોઈને લોકગીતમાં 'ગુજરાત દેશ' જેવો દરજ્જો ભોગવી રહ્યું છે. મણિયારો ગાવો ઘણો કઠીન છે. એવું મનાય છે કે જે લોકગાયક-લોકગાયિકા મણિયારો વિના વિઘ્ને ગાઈ શકે એનો તાલ એકદમ પાક્કો હોય છે કારણકે અતિવિલંબિત તાલને લીધે બતાલ થઈ જવાની પુરી શક્યતા રહે છે. વળી અનુભવી વાદક જ સાચો મણિયારો વગાડી શકે, એની પણ આમાં આકરી કસોટી થાય છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2J9g5UO
Previous
Next Post »