ગી તામાં ભગવાન શ્રીકૃષ્ણે મનુષ્યના મનની પ્રસન્નતાનું વર્ણન કરતાં કહ્યું છે કે- પ્રસન્નતા પ્રાપ્ત થતાં મનુષ્યનાં સર્વ દુઃખોનો નાશ થાય છે અને એની બુધ્ધિ સ્થિર થાય છે. માનવજીવનમાં આધિ, વ્યાધિ અને ઉપાધિ દ્વારા દુઃખો આવ્યા કરે છે. આ દુઃખો પ્રસન્નતા પ્રાપ્ત થતાં દૂર થાય છે. પ્રસન્નતા એટલે પ્રભુકૃપાએ પ્રાપ્ત થયેલો અંતઃકરણનો આનંદ. જે સર્વથા મનોગમ અને મંગલમય છે. માનવજીવનનું મુખ્ય લક્ષ્ય પણ આનંદ પ્રાપ્ત કરવાનું છે. એટલે મનુષ્ય જ્યાંથી પણ આનંદ મળે ત્યાંથી આનંદ મેળવવા ઉત્સુક રહે છે.
ગામડામાં રહેતો માણસ પ્રાકૃતિક સૌંદર્ય, સ્વસ્થ આબોહવા તેમજ પૂરતાં સાધનો મળતાં આનંદમાં રહે છે. શહેરી માણસ પણ શિક્ષણ, હોસ્પિટલ, સિનેમાઘર, બાગબગીચા તેમજ અન્ય મનોરંજનનાં સાધનો જેવી સગવડો પ્રાપ્ત થતાં સુખ-આનંદનો અનુભવ કરતો રહે છે. આ ઉપરાંત કોઈને ખેતીકામમાં તો કોઈને નોકરીધંધામાં આનંદ આવે છે.
દુકાનદારને પોતાની દુકાન પ્રિય લાગે છે. ધંધો કરનાર કે મજૂરી કરનાર માણસ પણ પોતપોતાની રીતે આનંદનો અનુભવ કરે છે. આમ અહીં જગતમાં સૌ કોઈ આનંદમય જીવન જીવી રહ્યાં છે. પરંતુ એ આનંદ ઉચિત છે કે અનુચિત, સાત્ત્વિક છે કે અસાત્ત્વિક તે જોવાનું માત્ર બાકી રહે છે.
સંસારમાં માણસમાત્રને મળતો આનંદ લૌકિક છે, સ્થૂળ છે. તેનાથી મનુષ્યને ભૌતિક સુખો પ્રાપ્ત થાય છે. પરંતુ પોતાના જીવનનો ઉદ્દેશ્ય પૂર્ણ થતો નથી. ચિતંકો કહે છે કે- જો સંસારી માણસોએ શુદ્ધતમ- સાત્ત્વિક આનંદ મેળવવો હોય તો તેમણે પોતાનો દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે. આમ દૃષ્ટિ બદલાતાં જ તેને વધારે શુધ્ધ અને પૂર્ણ આનંદ પ્રાપ્ત થાય છે.
કિરતારની કવિતા જેવાં કોમળ રવિકિરણોને પ્રસારતો સૂર્ય દરરોજ પૂર્વ દિશામાં ઊગે છે. પરંતુ આપણે આપણો દૃષ્ટિકોણ બદલીને એક વિરાટ જગતના, એક મહાન શક્તિતત્ત્વના રૂપમાં જો તે સૂર્યનું ચિંતન કરીએ તો તે મહાપ્રાણ અનેક પ્રકારની વિશેષતાઓથી યુક્ત જીવનદાતા સમો લાગે છે. એટલે એમ દરરોજ નવા ઊગતા સૂર્ય પાસેથી નવી પ્રેરણા લઈ, જીવનના કણેકણને ક્ષણે ક્ષણને ચણી લેવા, વણી લેવા તલસતી આપણી આંખ ઊઘડે તો સાત્ત્વિક આનંદનો અનુભવ થાય.
ભગવાનની સેવાપૂજામાં જોડાયેલ બે હાથ કરતાં સત્કર્મમાં જોડાયેલ એક હાથ વધુ સારો. પુરાણોમાં વ્યાસમુનિએ કહ્યું છે તેમ પરોપકાર કરવાથી પુણ્ય મળે છે. જનસેવા એ જ પ્રભુસેવા છે. કુદરતી આફતોમાં સંક્ટગ્રસ્તોને તેમજ જરૂરતમંદોને મદદરૂપ થવામાં મળતો આનંદ સર્વથા સાત્ત્વિક છે. કોઈ કવિએ સાચું કહ્યું છે.
યદી નજરેં બદલી તો નજારે બદલ ગયે ।
કિસ્તીને મોડા રુખ તો કિનારે બદલ ગયે ।।
જેવી દૃષ્ટિ એવી સૃષ્ટિ. મનુષ્યને મળતો લૌકિક આનંદ દૃષ્ટિ બદલાતાં સાત્ત્વિક આનંદમાં પરિણમે છે. દૃષ્ટિ બદલાતાં ડાકુ સંત વાલ્મીકિ બની ગયો. કામુક રામબોલા સંત તુલસીદાસ બની ગયો. આંગળીઓ કાપનાર અંગુલિમાલ બૌધ્ધ ભિક્ષુ બની ગયો.
આમ્રપાલી વેશ્યામાંથી ભિક્ષુણી બની બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા લાગી. બેરિસ્ટર ગાંધી મહાત્મા બાપુ બની ગયા. આ બધાં એ વાતનાં પ્રમાણ છે કે જો દૃષ્ટિકોણ બદલવા માટે ગમે તે રીતે કોઈ એકાદ સ્ફુલ્લિંગનો સ્પર્શ થઈ જાય તો વ્યક્તિનો કાયાકલ્પ થઈ જાય છે.
- કનૈયાલાલ રાવલ
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rDsn9g
ConversionConversion EmoticonEmoticon