વિ દ્યુત જામવાલ નિશંકપણે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો નંબર વન એક્શન હિરો છે. એને મન માર્શલ આર્ટસ માત્ર ફિલ્મોમાં એક્શન સીન આપી પૈસા કમાવા પુરતુ સીમિત નથી. ભારતની પ્રવાચીન માર્શલ આર્ટ કળાને વિશ્વના નકશા પર મુકવા વિદ્યુત વરસોથી મહેનત કરતો રહ્યો છે. આ સંદર્ભમાં એણે ઘણાં નીતનવા શિખરો સર કર્યા છે. એણે દાયકાઓથી પ્રેક્ટીસ કરીને કેરળની પ્રાચીન યુદ્ધ કળા કલારીપયાટ્ટુમાં નિપુણતા હાંસલ કરી છે. કેરળમાં આ ભારતીય માર્શલ આર્ટ પદ્ધતિ માત્ર કાલારી તરીકે પણ જાણીતી છે. જામવાલના કાલારી માર્શલ આર્ટસની ટ્રેનિંગ લેતા વિડીયોઝે દુનિયા આખીના ફિટનેસ એક્સપર્ટસનું ધ્યાન ખેંચ્યું છે. અહીં નોંધવુ ઘટે કે કાલારી માર્શલ આર્ટસ મૂળ કેરળમાં જન્મેલી પ્રાચીનતમ યુદ્ધ કળા છે, જે આજે આખા દક્ષિણ ભારતમાં શીખવવામાં આવે છે. દુનિયાના તમામ પ્રકારના માર્શલ આર્ટસની જનક કાલારી છે અને કુંગ ફુ માર્શલ આર્ટ પણ એમાંથી જ આવ્યું હોવાનું નિષ્ણાતો માને છે.
વિદ્યુત જામવાલ આજે દેશનો ફિટનેસ આઇકન બની ચુક્યો છે. તાજેતરમાં એણે એક ઓનલાઈન વિડીયો મુક્યો છે, જેમાં એ કાલારીની ટેકનીકનો ઉપયોગ કરી એક અદ્ભુત કરતબ કરતો દેખાય છે. આજ સુધી કોઈએ ક્યાંય જોયો ન હોય એવો અસાધારણ કરતબ જામવાલે કરી બતાવ્યો છે. વિડીયોની શરૂઆતમાં એક્શન સ્ટાર પોતાની આંખો પર પીઘળતું મીણ ચોપડી આંખો પર કપડાનો પટ્ટો બાંધતો દેખાય છે. આંખે પાટો બાંધ્યા બાદ 'ખુદા હાફિઝ'નો હિરો હાથમાં તલવાર અને ઢાલ લે છે અને પછી તલવારથી શાકના ટુકડાં કરી બતાવે છે. જોનારને મંત્રમુગ્ધ કરી દેતા આ કરતબ પર વરસોની ટ્રેનિંગ અને પ્રેક્ટીસ બાદ જ હાથ અજમાવી શકાય છે. વિદ્યુતનું આ કરતબ એટલું અસાધારણ છે કે જોનારને પહેલી નજરે માન્યામાં ન આવે. એ આપણને અસંભવ જ લાગે પણ વિદ્યુત જામવાલને ક્યાં કોઈ સિદ્ધિ અસંભવ લાગી છે?
યુવાનોમાં ચર્ચાનો વિષય બની ગયેલા પોતાના વિડીયો વિશે વાત કરતા વિદ્યુત કહે છે, 'શારીરિક ફિટનેસ મેળવવી એક સતત ચાલતી પ્રક્રિયા છે અને એમાં પુરેપુરા પોક્સ અને સાતત્યની જરૂર હોય છે. કાલારીપયાટ્ટુમાં એવું મનાય છે કે તમારુ મસ્તિષ્ક જ્યારે જોતુ બંધ થઈ ગયું હોય ત્યારે આંખો પણ કોઈ કામની નથી રહેતી. મેં વીડિયોમાં જે કરતબ કર્યું છે એ કરવા ઘણાં બધા કોન્સનટ્રેશન અને ટ્રેનિંગની જરૂર પડે છે. હું લાંબા સમયથી એની ટ્રેનિંગ લેતો હતો અને આ કરતબમાં સફળ થવાનું મારુ એક સપનું હતું. ફિટનેસપ્રેમીઓ સાથે મને એનો વિડીયો શેયર કરતા આનંદ થાય છે. પરંતુ એમને મારી છે કે જરૂરી ટ્રેનિંગ લીધા બાદ અને કોઈ માસ્ટરના માર્ગદર્શન હેઠળ જ આવું કરતબ કરવાનો તેઓ પ્રયાસ કરે. આમાં વગર વિચારે ઉત્સાહમાં આવી ઝંપલાવવામાં બહુ મોટુ જોખમ છે,' એવી ચેતવણી જામવાલ ઉચ્ચારે છે.
બહુ ઓછા લોકોને એ વાતની જાણ છે કે દુનિયાના ટોપના ૧૦ માર્શલ આર્ટ એક્સપર્ટસમાં વિદ્યુતનું નામ આવે છે. ફિટનેસ મેળવવા ઇચ્છતા લોકો માટે એ એક પ્રેરણાસ્ત્રોત છે. એના ફેન્સનો એક વિશાળ વર્ગ છે. રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતીનને સામેલ કરતી દુનિયાની ૧૦ અનુઠી વ્યક્તિઓની યાદીમાં આપણાં જામવાલને પણ સ્થાન મળ્યું છે. પોતાના ચેટ ફોરમ 'એક્સ-રેયડ બાય વિદ્યુત' મારફત એ લોકોને જગતના શ્રેષ્ઠ એક્શન મેન્સનો પરિચય કરાવતો રહે છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ambTw8
ConversionConversion EmoticonEmoticon