તમે કિયા તે ગામના ગોરી રાજ
અચકો મચકો કાં રે લી
અમે નવાનગરનાં ગોરી રાજ
અચકો મચકો કાં રે લી
તમે કિયા તે ગામથી આવ્યા રાજ
અચકો મચકો કાં રે લી
અમે પોરબંદરથી આવ્યા રાજ
અચકો મચકો કાં રે લી
તમે કેટલી તે બેનું કુંવારી રાજ
અચકો મચકો કાં રે લી
અમે સાતેય બેનું કુંવારી રાજ
અચકો મચકો કાં રે લી
તમે કેટલા ભાઈ કુંવારા રાજ
અચકો મચકો કાં રે લી
અમે સાતેય ભાઈ કુંવારા રાજ
અચકો મચકો કાં રે લી
તમને કેવી તે ગોરી ગમશે રાજ
અચકો મચકો કાં રે લી
અમને શામળાં તે ગોરી ગમશે રાજ
અચકો મચકો કાં રે લી
એ કાળીને શું કરશો રાજ
અચકો મચકો કાં રે લી
એ કાળી કામણગારી રાજ
અચકો મચકો કાં રે લી
શિ ષ્ટસમુદાય કલ્પનાશક્તિથી કવિતા સર્જતો પણ લોકસમુદાય જીવનઘટમાળના પ્રસંગોનાં ગીતો-લોકગીતો રચતો. શિષ્ટ પાસે ભાષા હતી તો લોક પાસે બોલી. શિષ્ટ સર્જક યોગ્ય શબ્દો, છંદો-અલંકારોના અભાવે બંધાઈ જાય એવું બને, લોકની ઊમઓને વ્યક્ત થવા શબ્દો બોલચાલના હોય ને છંદો-અલંકારોનો ખપ જ નહીં. શિષ્ટનું સાહિત્ય પુસ્તકોમાં કેદ થઈ ગયું તો લોકનું સીમાડા પાર ગયું, જીવંત રહ્યું.
'તમે કિયા તે ગામના...' ગુજરાતમાં અને જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં હૈયે, હોઠે ચડેલું લોકગીત છે. સૌથી પહેલો પ્રશ્ન તો એ થાય કે આ લોકગીત છે કે ફિલ્મગીત? હા, આ લોકગીત છે પણ બહુધા લોકોએ જે ગાયું ને સાંભળ્યું છે એ ફિલ્મગીત છે, જેમાં થોડા શબ્દો જુદા છે. એટલે કે લોકગીતના શબ્દો બદલીને ફિલ્મગીત બનાવ્યું છે. ફિલ્મોમાં આવું કરવું પડે છે, સિચ્યુએશન મુજબ. ગુજરાતી ફિલ્મોમાં લોકગીતો આવ્યાં એનાથી લોકગીતો પ્રચલિત થયાં એ સ્વીકારવું રહ્યું.
અગાઉ લગ્નમાં જાન ત્રણ-ચાર દિવસ રોકાતી. એ વેળાએ વર-કન્યા પક્ષ સાથે મળીને ગીત-સંગીતના જલસા કરતા, પરસ્પરને ઉખાણાં પૂછતાં, અર્થ નાખતા. એ પરંપરાનું આ લોકગીત છે. વરપક્ષના યુવકો કન્યાપક્ષની યુવતીઓને પ્રશ્ન કરે છે કે તમે કયા ગામના છો? પરસ્પર પ્રશ્નોત્તરી ચાલે, એમાંથી માતાપિતા કેટલાયનાં જોડલાં ગોઠવી દેતા.
અહીં સાત કન્યાઓ ને સાત મૂરતિયા કુંવારા છે એને માટે વાત થઈ રહી છે. યુવકોએ 'શામળી' ગોરી પર પસંદગી ઉતારી એ મહત્વનું છે કેમકે શ્યામરંગ કૃષ્ણ જેવો કામણગારો છે! બીજું, બહુ અપેક્ષા દુઃખનું, કુંવારા રહી જવાનું કારણ બની શકે એટલે મર્યાદિત અપેક્ષાનો અહીં સંદેશો અપાયો છે.
ફિલ્મગીતમાં 'અમે ગોંડલ ગામના ગોરી રાજ...' ગવાયું છે. 'ગ' નો પ્રાસ મેળવવા આમ કરાયું હોય. વળી આપણે ત્યાં સૌ 'અચકો મચકો કારેલી...' ગાય છે. વાસ્તવમાં 'કાં રે એલી' નો અપભ્રંશ થઈને 'કારેલી' થયું છે. ગુજરાતી પતિ પોતાની પત્નીનું નામ ન લે એને બદલે 'એલી' કહીને બોલાવે એ પરંપરા હજુ ગામડાંમાં છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/347qOX2
ConversionConversion EmoticonEmoticon