ખેડૂતો અન્ના હજારેવાળી કરવા ધારતા હોય તો ખાંડ ખાય છે !

- એક યુનિયન આંદોલન  ચલાવે છે ને બીજુ યુનિયન તમાશો  જુએ છે. આ બધા એક થાય તો સત્તાને હંફાવી શકે પણ સ્થાપિત હિતો એમને એક થવા દેશે  નહિ


કે ટલાક રૂડા, રૂપાળા અને ઉપયોગી શબ્દો કદરૂપા અને નિરૂપયોગી થઇ ગયા છે!  થઇ ગયા છે કે  આપણે એ બધા શબ્દોને કદરૂપા અથવા બિનઉપયોગી કરી નાખ્યા છે. અથવા એમ પણ કહી શકાય કે એ બધા શબ્દો નિર્જીવ થઇ ગયા છે. અપેક્ષિત અસરકારકતા એ ગુમાવી ચૂક્યા છે ! એટલે એવા બધા શબ્દો એ આપણા કામના રહ્યા નથી, એમ કહીએ તો પણ અતિશ્યોકિત નથી !  એવા ઘણા બધા શબ્દોમાંથી સૌથી ઉદાહરણરૂપે છોડાક શબ્દો જોઇએ. સાથ, સહકાર, સહયોગ, સામુહિક અને સંગઠન જેવા શબ્દો પર હવે વિશ્વાસ રાખી શકાય તેમ નથી.

જરૂર પડે  આમાનો એક પણ શબ્દ ઉપયોગી  થતો નથી !  ચાલ, હું તારી સાથે આવું છું એવું કહી આપણી સાથે ચાલનાર ક્યારે આપણને એકલા પાડી દઇને અધવચ્ચેથી પાછો વળી જાય એ કહી શકાય નહિ !  એ જ રીતે સહકાર અને સહયોગ જેવા શબ્દો પણ પોતાનું સત્ય અને શક્તિ તો ગુમાવી બેઠા છે. વિશ્વાસ પણ ગુમાવી બેઠા છે !  કોઇના સહકાર પર વિશ્વાસ  રાખી શકાય નહિ !  સંયુક્ત કુટુંબની પ્રથા તૂટી ત્યારથી સમગ્ર સમાજ પણ સામુહિક્તા માટે વલખા મારે છે !  કારણ કે સામુહિકતા પર કોઇને વિશ્વાસ રહ્યો નથી. આપણે સ્વલક્ષી બની ગયા છીએ. આપણે સમૂહમાંથી આપણી જાતને સિફ્તપૂર્વક બાજી પર સેરવી લીધી છે. 

આપણી  મૂળભૂત તકલીફ એ છે કે આપણે સમાજ  વગર એકલા એકલા જીવી શકતા નથી. આપણે સમૂહમાં રહેવા ટેવાઇ ગયા છે અને આપણું વર્તન એનાથી સાવ વિપરિત છે અને તે  એકે સમૂહમાં પણ આપણે એકલા  રહેવું છે !  આપણે ભલે સમૂહમાં રહેતા હોઇએ પરંતુ આપણામાંનો દરેક માણસ પોતાનું  જીવન પોતાની રીતે એકલો એકલો જીવે છે. તમે કોઇ માણસને એકલો જંગલમાં છોડી દો, એ ત્યાં એકલો નહિ જીવી શકે !  એને સમૂહમાં અને  સમાજમાં વચ્ચે એકલા રહેવું છે.  સમૂહના નીતિનિયમો પણ એણે ફગાવી દીધા છે એટલે  એનામાં હવે એકબીજા પ્રત્યે લાગણી રહી નથી.

લાગણી ન હોવાને કારણે પારકીપીડા પણ એને પજવતી નથી. દરેકે બીજાની ચિંતા કરવાનું છોડી દીધું છે !  આપણે શું ? કોણ પારકી પંચાતમાં પડે ? એકબીજાને મદદરૂપ થવાની હવે કોઇને આવશ્યકતા લાગતી નથી. પાડોશીને કોઇ મારી જાય તો તમે મદદરૂપ થવાને બદલે કાં તો  ઊભાં ઊભા તમાશો જોશો કાં તો બહાર ડોકિયું કરીને પાછા ઘરમાં ભરાઇ જતા હશો !  કાલે તમારો વારો આવશે. કાલે કોઇ તમને મારી જશે ને પાડોશી ઊભો ઊભો તમાશો જોતો હશે. મદદરૂપ થવાની ભાવના જ મરી પરવારી છે. સામેવાળો તકલીફમાં હોય ત્યારે એ મદદ માગશેની ધાકે તમે  એનાથી કોરોના કરતાં વધુ અંતર જાળવતા થઇ જશો.

આપણું રાજકારણ   વંઠી ગયું છે. એણે સમાજમાં વર્ગવિગ્રહ કરીને સામાજિક સામુહિકતા છિન્નભિન્ન કરી નાખી છે. રાજકારણને પ્રજાની સામુહિકતા પરવડતી નથી. ખાસ કરીને સત્તાપક્ષને તો પ્રજાકીય સામુહિકતા ગમતી જ નથી. પ્રજાને સંગઠિત થવા દેશે નહિ. એણે પ્રજામાં કોમવાદ અને જ્ઞાાતિવાદ ઘૂસાડી દીધા છે. પ્રજાને બે ત્રણ ટુકડામાં વહેંચી નાખ્યા છે.

એક  ટુકડાને માર પડે છે તો બીજો ટુકડો તમાશો જુએ છે. સત્તા સામે સામુહિક અને સંગઠિત અવાજ ઉઠાવવાની જરૂર હોય તો પણ એ સામુહિકતા અને એ સંગઠન લાવવા ક્યાંથી ? રાજકારણે તો બધાને વહેંચી નાખ્યા છે. કોમ કે જ્ઞાાતિ સુધી આ વાત સીમિત નથી.  અન્ય પ્રજાકીય જૂથોમાં પણ ભાગલા પાડી દેવામાં આવ્યા છે. મજદૂરોમાં પણ ભાગલા  પાડી દીધા હતા. અગાઉ શ્રમજીવીઓનું  એક જ સંગઠન હતું. જેને મજદૂર યુનિયન કહેવામાં આવતું હતું. હવે એ યુનિયનમાં પણ એકતા રહી  નથી. હવે એકના બદલે બે યુનિયનો ચાલે છે.

એક કોંગ્રેસ પ્રેરિત યુનિયન અને એક સંઘ પ્રેરિત યુનિયન !  મહારાષ્ટ્રમાં તો કામદાર યુનિયનના ચાર ટુકડા કરી  નાખવામાં  આવ્યા છે ત્યાં કોંગ્રેસ પ્રેરિત અને ભાજપ પ્રેરિત  ઉપરાંત   શિવસેના  પ્રેરિત, રાજ ઠાકરે પ્રેરિત  યુનિયન છે.  કામદારોને  પોતાનું એક જ  પ્લેટફોર્મ  હોવું જોઇએ તો જ  એમનો  અવાજ  અસરકારક  પુરવાર થાય.  પણ કામદારો વહેંચાઇ ગયા છે.  એક યુનિયન આંદોલન  ચલાવે છે ને બીજુ યુનિયન તમાશો  જુએ છે. આ બધા એક થાય તો સત્તાને હંફાવી શકે પણ સ્થાપિત હિતો એમને એક થવા દેશે  નહિ.

ખેડૂતોની  પણ એ જ દશા થઇ છે. ખેડૂતોમાં પણ  કોંગ્રેસ  કિસાન સંઘ અને ભાજપ કિસાન સંઘ , આમ ખેડૂતો એક  પ્લેટફોર્મ પર  આવવાના બદલે બે સંગઠનોમાં વહેંચાઇ ગયા છે. વહેંચાઇને પણ જે તે વર્ગમાં સંગઠિત થયા નથી.  ખેડૂતો અંગે  સરકારના  નવા  કાયદાનો વિરોધ  કરવા  પંજાબ  અને હરિયાણાના  ખેડૂતો બાલબચ્ચા સાથે દિલ્હીમાં ધામા  નાંખીને પડયા છે ! ત્યારે પંજાબ હરિયાણા સિવાયના ભારતના તમામ ખેડૂતો ખામોશ છે.

ખેડૂત હિતની વાત હોય તો એ પંજાબને જ કેમ સમગ્ર ભારતને લાગુ પડે છે તો સમગ્ર ભારતના  ખેડૂતોએ સંગઠિત થઈને નવા કાયદા સામે અવાજ ઊઠાવવો જોઈએ   પણ એવું થતું નથી. બે વર્ષ પહેલા મહારાષ્ટ્રના ખેડૂતોએ આ રીતે જ મુંબઈને ઘેરી લીધું હતુ એ આંદોલન પણ લાંબુ ચાલ્યું હતુ. ત્યારે પંજાબ હરિયાણા ચુપ હતુ. આજે પંજાબ હરિયાણાના ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે ત્યારે મહારાષ્ટ્ર ખેડૂતો ચુપ છે !  આ સ્થિતિમાં સરકારને ચારે બાજુથી ઘેરવી હોય તો શી રીતે ઘેરાય ?

સરકારની નીતિ પણ પથ્થર જેવી છે. ગમે તેટલું પાણી રેડો  પથ્થર કોરો જ રહેવાનો!  કોરોના ભલે દેશને ધમરોળતું હોય, ચીન ભલે સરહદ પર નવા ગામોનું નિર્માણ કરતું હોય, ખેડૂતો ભલે આંદોલન કરતા હોય, એ બધા પાછળ સમય બગાડવા કરતાં રાજસ્થાનની સરકાર કઈ રીતે હસ્તગત કરી લેવાય એનું જ આપણે તો આયોજન કરવાનું ! કોરોના કાળમાં ભલે બધું થંભી ગયું હોય, સરકારી કાર્યોમાં ક્યારેય રૂકાવટ આવી છે ખરી? કોરોનાની છાતી પર ઊભા રહીને બિહાર વિધાનસભાની ચૂંટણી કરી કે નહિ ? કેટલાક  રાજયોમાં વિધાનસભાની  પેટા ચૂંટણીઓ થઈ કે નહિ ?  કોરોનાને બાજુ પર હડસેલીને મધ્યપ્રદેશની  કમલનાથની સરકાર ઉથલાવી કે નહિ ?  હૈદરાબાદમાં માથું મારીને આંધ્રમાં ઘૂસી ગયા કે નહિ ? 

દર આંતરે દિવસે કંઈને કંઈ લોકાર્પણના કાર્યક્રમો ધમધોકાર ચાલ્યા કરે છે ને ? એમાં કોરોના, ચાઈના અને ખેડૂતો સરકારનો વાળ પણ વાંકો કરી શક્યા ખરા? ખેડૂતો અન્ના હજારેવાળી કરવા ઈચ્છતા હોય તો ખાંડ ખાય છે. અન્નાને મનમોહનસિંઘવાળી યુ.પી.એ.ની સરકાર સામે બાઝવાનું હતુ. અને ખેડૂતોએ  મોદીવાળી એન.ડી.એ સરકાર સામે ટક્કર લેવાની છે. આંદોલનના મોઢે ફીણ આવી જશે !  કોઈ નક્કર પરિણામ વગર આંદોલન સમેટાઈ જશે. આમાં બે ખાસ મુદ્દા ડોકિયા કરી રહ્યાં છે.

પરિણામ સરકાર તરફી આવશે કે ખેડૂત તરફી આવશે એ જોવાનું રહે છે. ખેડૂતો જંગ જીતી જાય તો અત્યાર સુધી ટૂંટિયું વાળીને પડી રહેલા અન્ય જૂથોને પણ આંદોલન કરવાની ચાનક ચડે ! આ સ્થિતિને સરકાર સમજે છે. સરકાર માટે ડોશી મર્યાનો પ્રશ્ન નથી. જમ પેધા પડી જવાની ચિંતા છે. અને જો આ ખેડૂત આંદોલન નિષ્ફળ જાય તો એ પછી ભવિષ્યમાં કોઈ માઈનો લાલ આંદોલન કરવાની હિંમત કરશે નહિં !  આ સ્થિતિમાં સરકાર કઈ નીતિ અપનાવશે એ સમજી પણ શકાય છે અને કલ્પી પણ શકાય છે !

ખેડૂતો હવે મોકા પરસ્ત રાજકારણને ઓળખી ગયા છે આવું ક્યાંક થાય તો દરેક પક્ષ પોત પોતાની રાજકીય ખીચડી બનાવી લેતા હોય છે. પંજાબના ખેડૂતોએ એ તકવાદી રાજકારણીઓએ સ્પષ્ટ જણાવી દીધું કે અમને કોઈ રાજકીય પક્ષોનું સમર્થન જોઈતું નથી. અમે  સમર્થન માગ્યું નથી. તમારે સ્વૈચ્છાએ અમારી લડતમાં જોડાવું હોય તો તમારા બેનર વગર આવવું. અમારા આંદોલનમાં અમે કોઈના ઝંડા લહેરાવા દેવાના નથી !  ખેડૂતોનું આ સમયસરનું એલાન હતુ !  કારણ કે હંમેશા એવું બને છે કે જ્યારે પણ કોઈ આંદોલન શરૂ કરે છે ત્યારે વિપક્ષો એમાં પોતાની હયાતી અને વજૂદ સાબિત કરવા કુદી પડે છે. આંદોલન બીજે ફંટાઈ જાય છે. પ્રજાનો અવાજ દબાઈ જાય છે ને માત્ર રાજકીય ઘોંઘાટ જ ઘૂઘવતો રહે છે. 

વર્તમાન સત્તા પાસે લાર્જર મેજોરિટીની ઈમ્યુનિટી છે. અને આપણે હંમેશા જોયું છે કે જેની પાસે પાર્લામેન્ટરી મેજોરિટી છે એણે હંમેશા મેજોરિટીના સ્ટીમ રોલર નીચે આંદોલનને આંખના પલકારામાં   કચડી નાંખ્યું છે.  પંજાબના ખેડૂત આંદોલનને સમર્થન આપવા કેડે ઘૂઘરા બાંધીને થનગની રહેલા  કોંગ્રેસ સહિત  દરેક પક્ષને પૂછવું છે કે તમારી પાસે આંદોલન માટેનો ઉત્સાહ અને તાકાત છે  તો એ માટેના ઘણા અવસરો ચાલ્યા ગયા,  તમે કેમ કંઈ બોલ્યા નહિ.  એરપોર્ટ વેચાઈ ગયું તમે ખામોશ રહ્યા. રેલવે વેચાઈ ગઈ, તમે કાંઈ ન બોલ્યા. 

આંદોલન માટે ઉશ્કેરે એવું તો ઘણું બધું બની ગયુ. કેમ ચુપ રહ્યા ? અત્યારે ખેડૂતો જે કાયદા વિરૂધ્ધ લડી રહ્યાં છે એ કાયદો સરકારે જાહેર કર્યો ત્યારે કેમ વિરોધ ન કર્યો ? એ કાયદા વિરૂધ્ધ ખેડૂતો કેટલાય દિવસ કરગરતા રહ્યા ત્યારે કેમ તમે એમના સૂરમાં સૂર મિલાવ્યો નહિ ?  છેવટે ખેડૂતોએ આંદોલન  શરૂ કર્યું ત્યારે પણ તમે તેલ જુઓ, તેલની ધાર જુઓને  નીતિને  અપનાવીને ખામોશ રહ્યા, અને જ્યારે  આંદોલન લાંબુ ચાલ્યું, આંદોલનને જોર પકડયું ત્યારે તમે એ આંદોલનના ખભે ચડી બેસવા કૂદાકૂદ કરવા માંડયા ! હવે તમને  પૂછવાનું મન થાય છે કે કુદકા શેના મારે છે? ખેડૂતોના સમર્થન માટે કે મોદી સરકારના વિરોધ માટે છે ?

અડપલું

જબ તલકે મૈંને કિસીસે અપના હક માગા ન થા,

તબ તલક કોઈ ભી મેરે ખૂન કા પ્યાસા ન થા !



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gFpWOg
Previous
Next Post »