'ત મારાં બાળકોને પ્રેમ આપો, તમારા વિચારો નહીં.' એવું ખલીલ જિબ્રાનનું વિખ્યાત ક્વોટ છે. દરેક બાળક પોતાની રીતે વિચારી શકે છે. એની પાસે પોતાની આગવી કલ્પનાશક્તિ અને અવનવા તરંગો હોય છે. આ બધું લગભગ ધૂળમાં પડેલાં બીજની જેમ હોવાથી, ઘણે ભાગે એવું બનતું હોય છે કે, કાં તો 'બાળક અણસમજ છે' એવું માની લેવામાં આવે છે અને કાં તો એની આસપાસના લોકોના વિચારો, માન્યતાઓ, નિયમો વગેરે બાળકનાં મન પર અને જીવન પર ચડી બેસે છે. પરિણામે, બાળકમાં એક પ્રકારની પરતંત્રતા કે પંગુતાનો જન્મ થાય છે. એ અંદર-અંદર રૂંધાય છે અને ધુંધવાય છે.
બાળકોને પોતાના વિચારો અને પોતાની દુનિયા છે. બાળકોને એ દુનિયામાં રહેવા દેવા, એ મોટાઓનું કર્તવ્ય છે. સામાન્ય રીતે, બાળક જરાક સમજણું થાય એટલે તરત જ એની આસપાસના લોકો, 'આમ ન કરાય', 'તેમ ન કરાય', 'આવું ન કરાય', 'આવું તે કરાતું હશે?' ઇત્યાદિ નિષેધાત્મક વલણોથી જ સતત તેને ઠમઠોરે છે. આમ થવાથી બાળકનાં મનમાં એક પ્રકારની દ્વિધા જન્મે છે- ' ખરેખર મારે શું કરવાનું છે? અને શું નથી કરવાનું?' આ બે પ્રશ્નોની વચ્ચે તેનું મન અટવાયા કરે છે. એમ થવાથી તેના પોતાના વિચારો, કલ્પનાઓ, ઝંખનાઓ સાવ દબાઇ જાય છે.
જો બાળકને 'ફૂલ' માનો છો, તો તેને પોતાની રીતે ખીલવા દો! મહેકવા દો! જો બાળકને 'કુમળો છોડ' માનો છો, તો તેને પોતાની રીતે વિકસવા દો! જ્યાં અને જ્યારે તમારી જરૂર જણાય, ત્યાં અને ત્યારે જ વચ્ચે આવો! બાકી ચિત્રમાં આવ્યા વગર તેની સાથે રહો.આમ થવાથી દરેક બાળકની આગવી ખાસિયતો બહાર આવશે. પોતાની રીતે દરેક બાળક ગતિ અને પ્રગતિ કરી શકશે. આગળ જતાં આપણને કુશળ કલાકારો, કવિઓ, ડાક્ટર, વૈજ્ઞાાનિક વગેરે મળશે! જે બધાને પોતાના કાર્યમાં પૂરતો સંતોષ મળતો હશે. જીવનમાં પણ તેઓ સુખી હશે. સમાજને પણ તેઓ ભરપૂર ઉપયોગી થતાં હશે.
કુદરતે આપેલી પ્રતિભાની આંગળી પકડીને જે બાળક જીવનમાં આગળ ચાલી શકે છેત તે ક્યારેય નિષ્ફળ કે નિરાશ થતું નથી કે હારતું પણ નથી.
- કિરીટ ગોસ્વામી
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ndeH2h
ConversionConversion EmoticonEmoticon