પોશાકમાં ફેબ્રિક, સ્ટાઈલ અને ફેશનની સાથે તેની પ્રિન્ટ પણ મહત્ત્વની ગણાય છે. પરિધાન, બેલ્ટ, હેન્ડબેગ્સસ, સ્કાર્ફ અને શૂઝ પર રહેલી પ્રિન્ટ્સ સહુનું ધ્યાન ખેંચે છે. જેમ કે વિવિધ પ્રકારની લંબાઈ અને પહોળાઈની સ્ટ્રાઈપ્સની ફેશન પાછી આવી છે. ચેક્સની ડિઝાઈનથી સ્કુલ-ગર્લ જેવું નિર્દોષ લુક નીખરી ઊઠે છે. આકર્ષક રંગ ધરાવતી ભૌમિતિક ડિઝાઈન, ફૂલોની તથા પૈસલીની ડિઝાઈન અત્યંત સુરુચિપૂર્ણ દેખાય છે. અહીં સૌૈથી મહત્ત્વની વાત એ છે કે તમારા વસ્ત્રો પર રહેલી પ્રિન્ટ તમારા વ્યક્તિત્વ અને વિચારોની છબી દર્શાવે છે.
એક સમયે પ્લેન ફેબ્રિકની ફેશન હતી પણ હવે વળી પાછી પ્રિન્ટની ફેશન જોર પકડી રહી છે. આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ પણ પ્રિન્ટેડ કાપડને જ પ્રાધાન્ય આપી રહી છે. તેમાં મુખ્યત્વે આફ્રિકન પ્રિન્ટ, વાઈલ્ડ ગ્રીન પામ ટ્રી પ્રિન્ટ, બાંધણી સ્ટાઈલની પ્રિન્ટ, બોલ્ડ ક્રીમ અને એબોેની પ્રિન્ટ, સાદી મોનોક્રોમ પ્રિન્ટ, ફ્લોરલ કોલાઝ કે રસ્ટીક ફ્લાવર અને પૈસલી પ્રિન્ટ સિલ્ક, જ્યોર્જટ, શિફોન કે કોટન ફેબ્રિક પર જોવા મળે છે.
આ ઉપરાંત એમ્બ્રોઈડરી કરેલી રોઝ પ્રિન્ટ ધરાવતાં ડ્રેસ એકદમ ક્લાસિક દેખાય છે. સ્ટ્રાઈપમાં રેઈનબો સ્ટ્રાઈપ્સ ધરાવતાં ફેબ્રિકની માગ વધતી જાય છે. ફૂલોની ડિઝાઈન તોે જુની અને જાણીતી છે. જુદા જુુદા પ્રકારનાં નાના-મોટા ફૂલોની ડિઝાઈન ધરાવતાં ડ્રેસ અને સાડી તો પ્રત્યેક વયની નારીની સુંદરતાને નીખારે છે. સિલ્ક શિફોનમાં પોની સ્કાર્ફ સ્ટાઈલ પ્રિન્ટ અને લીફ મોટીફ મોહકતામાં ઉમેરો કરે છે.
ભારતમાં દાયકાઓથી જુદી જુદી પ્રિન્ટ ધરાવતાં કાપડની માગ જોવા મળે છે. આપણે ત્યાં સામાન્ય રીતે ફૂલ, વેલ, પૈસલી અને બ્લોક પ્રિન્ટની બોલબાલા વધુ હોય છે. ફેશન ડિઝાઈનરોના મતે પ્રિન્ટને કારણે કપડાનો અનોખો ગેટઅપ આવે છે. કાપડની શોભા તેના પર રહેલી છાપ છે. કાપડ ગમે તેટલું સારું હોય પણ તેના પર રહેલી પ્રિન્ટ જો સારી ન હોય તો તેને પસંદ કરવામાં આવતું નથી. વળી માનુની જે પ્રકારની પ્રિન્ટ પસંદ કરે છે તેનાથી તેનો સ્વભાવ, પસંદ-નાપસંદ અને લાગણીઓ પણ છતી થાય છે. મનોચિકિત્સકોના મતે વ્યક્તિ આપોઆપ પોતાના મૂડ પ્રમાણે જ પ્રિન્ટની પસંદગી કરે છે. જો તે ખુશખુશાલ હોય તો ફૂલો કે ઘેરા રંગની બીજી મોટી પ્રિન્ટને પસંદ કરશે અને જો મૂડ ઉદાસ હશે તો પ્લેન ફેબ્રિક અથવા ઝીણી પ્રિન્ટને પસંદ કરશે.
ફેશન ડિઝાઈનરો વિવિધ ડિઝાઈનના ડ્રેસ તૈયાર કરતાં પૂર્વે જુદી જુદી પ્રિન્ટને મિક્સ એન્ડ મેચ કરીને ચોક્કસ પ્રકારનું ફેબ્રિક તૈયાર કરે છે. જેમ કે જુદા જુદા પ્રકારના ફૂલો અને વેલનો સમન્વય, એક પ્રિન્ટ ઉપર બીજી પ્રિન્ટ છાપીને એટલે કે ઓવરડાય કરીને અલગ પ્રિન્ટ તૈયાર કરવી, હળવા રંગોમાં ચેપલ સ્ટાઈલ ગોથીક પ્રિન્ટ, પ્રિન્ટેડ સ્ટ્રાઈપ્સ વગેરે. પારંપરિક કલમકારી વર્કની પ્રિન્ટને પાશ્ચાત્ય રૂપ આપવા માટે પીચ, પિંક, ગળી જેવો બ્લુ કે ઘેરો લાલ રંગ મદદરૂપ સાબિત થાય છે. તે જ પ્રમાણે મોટીફમાં ગુલાબ અને કમળના ફૂલની પસંદગી વધુ કરવામાં આવે છે. ગોથીક સાથે ગ્રાફિટીનો સમન્વય કરેલી કે મોઝેક પ્રિન્ટથી પણ આગવી અસર ઉપજે છે. અને મહત્ત્વની વાત એ છે કે આવી પ્રિન્ટ માત્ર ભારતીય ડિઝાઈનના પરિધાનમાં જ નહિ વેસ્ટર્નવેરમાં પણ શોેભે છે.
કેટલાક ડિઝાઈનરો હેન્ડમેડ પ્રિન્ટને વધુ પસંદ કરે છે. તેઓ કુદરતી સૌંદર્યમાંથી પ્રેરણા લઈ ઓર્ચિડ, પતંગિયા, વેલ જેવી પ્રિન્ટને પસંદ કરી ગામડાના કારીગરો પાસે તેના લાકડાના બીબા બનાવી તેનો ઉપયોગ કરે છે. જોકે આ, કપડા પર છાપ પાડવાની અત્યંત જુની અને પ્રચલિત પધ્ધતિ છે. અને ચોેક્કસ ડિઝાઈનની પ્રિન્ટ તૈયાર થતાં લગભગ આઠ દિવસ થઈ જાય છે. જૂની અને નવી ટેક્નીકના ફ્યુઝન દ્વારા તૈયાર થતી પ્રિન્ટની ડિઝાઈન પહેલી જ નજરે આંખોમાં વસી જાય છે. જેમ કે પારંપરિક પૈસલી અને ગ્રાફિક પ્રિન્ટનો કે પોલકા ડોટ્સ સાથે ડાયમંડનો સમન્વય મોઝેક ઈફેક્ટ આપે છે.
કાપડને પસંદ કરતી વખતે પ્રિન્ટના કદને ખાસ ધ્યાનમાં રાખવંુ જોઈએ. જેમ કે મોટી મોટી છાપ ધરાવતાં ડ્રેસ બધા પર શોભતાં નથી. ઝીણી અને ઊભી પ્રિન્ટથી ફિંગર પાતળું દેખાય છે અને આડી પ્રિન્ટ ધરાવતાં ડ્રેસથી શરીર ભરાવદાર લાગે છે. ટ્રાઉઝર્સ અને સ્કર્ટ જેવા કમરથી નીચેના ભાગમાં પહેરાતાં પરિધાનમાં મોટી પ્રિન્ટ શોભતી નથી. તેમાં માઈક્રો પ્રિન્ટ સરસ દેખાય છે. માનુનીએ પોતાના ફિગરને ધ્યાનમાં રાખીને ચોક્કસ પ્રકારની પ્રિન્ટ પસંદ કરવી જોઈએ. ઓછી ઊંચાઈ ધરાવતી યુવતીએ ઊભી પ્રિન્ટના ફેબ્રિકને પ્રાધાન્ય આપવું જ્યારે અત્યંત સુકલકડી અને લાંબી કાયા ધરાવતી માનુનીએ આડી પ્રિન્ટને પસંદ કરવી. છેવટે માનુનીના બાહ્ય દેખાવમાંથી જ તેના વિચારો અને વ્યક્તિત્વની ઝાંખી થાય છે એટલે વસ્ત્રોની પસંદગી બાબતે અત્યંત સાવધ રહેવું જરૂરી છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38LtWt0
ConversionConversion EmoticonEmoticon