ભારતભરમાં હાથ ધરાયેલા લેટેસ્ટ ફેમિલી હેલ્થ સર્વેમાં એવું જાણવા મળ્યું છે કે મુંબઈની ટીનેજરોથી માંડીને મધ્યમ વયની મહીલાઓ સુધીનો વેસ્ટ-ટુ-હિપ રેશિયો (ડબલ્યુએચઆર) એટલો ઉંચો છે કે તેઓ આસાનીથી ડાયાબિટીસ અને હાયપરટેન્સન જેવી બિનચેપી બીમારીઓનો શિકાર બની શકે છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (એનએફએચએસ) - ૫ નો રિપોર્ટ એમ કહે છે કે તળ મુંબઈની ૧૫-૪૯ વર્ષની વય જુથ (એજ ગુ્રપ)ની ૫૪.૫ ટકા અને મુંબઈના ઉપનગરોની એ જ એજ ગુ્રપની ૫૮.૩ ટકા સ્ત્રીઓનો વેસ્ટ-ટુ-હિપ રેશિયો ૦.૮૫ કરતા ઘણો વધુ હતો. વર્લ્ડ હેલ્ત ઓર્ગેનાઇજેશનના સ્ટાન્ડર્ડ મુજબ ૦.૮૫ સુધીનો ડબલ્યુએચઆર આદર્શ ગણાય પણ એથી ઉંચો રેશિયો સ્વાસ્થ્ય માટે જોખમી છે.
મહારાષ્ટ્રની વાત કરીએ તો ૧૫-૪૯ની એજ ગુ્રપની ૪૪.૫ ટકા સ્ત્રીઓ અને ૪૦.૭ ટકા પુરૂષોમાં આ રેશિયો ઊંચો છે. અલબત્ત, મહારાષ્ટ્રના આંકડા બારિકાઈથી જોતા એ હકીકત તરફ ધ્યાન દોરાય છે કે વેસ્ટ-ટુ-હિપ રેશિયો (ડબલ્યુએચઆર) ગ્રામ્ય વિસ્તારો (૩૮.૬ ટકા મહીલાઓ અને ૩૮.૭ ટકા પુરુષો) કરતા શહેરી વિસ્તારોમાં બદતર (૫૧.૫ ટકા સ્ત્રીઓ અને ૪૩.૨ ટકા પુરૂષો) છે. વેસ્ટ-ટુ-હિપ રેશિયો (ડબલ્યુએચઆર) હકીકતમાં શું છે? ડબલ્યુએચઆર કમર ફરતું અને નિતંબ પર ચરબીનું પ્રમાણ દર્શાવે છે. શરીરમાં ચરબીની વહેંચણી માપવાની એ એક અસરકારક અને સહેલી પદ્ધતિ છે. સ્ત્રીઓનો ડબલ્યુએચઆર ૦.૮૫ કે એથી ઓછો અને પુરુષોમાં ૦.૯ કે એથી ઓછો હોવો જોઈએ. સામાન્ય માનવીને બીજો પ્રશ્ન એ થાય કે ડબલ્યુએચઆર શા માટે મહત્ત્વનો છે? પહેલી વાત તો એ કે દેહના આકાર અને બિનચેપી બીમારીઓના જોખમ વચ્ચે સીધો સંબંધ છે. જેમના નિતંબ કરતા કમર ફરતી ચરબી વધુ હોય એમને હૃદયરોગ અને ડાયાબિટીસ જેવા જીવનશૈલી સંબંધી રોગ થવાની શક્યતા વધુ હોય છે. નિતંબ અને સાથળ કરતા પેટ ફરતી ચરબી વધુ જોખમી છે.
ગયા અઠવાડીયે કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે ૨૦૧૯-૨૦ દરમ્યાન હાથ ધરાયેલા એનએફએચએસ- ૫ના પ્રથમ તબક્કાના આંકડા જાહેર કર્યા હતા. એમાં દેશના ૨૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેવાયા હતા. સર્વેના આંકડા એમ કહે છે કે જમ્મુ અને કાસ્મીરમાં ડબલ્યુએચઆરનું પ્રમાણ સૌથી ખરાબ (૮૯.૨ ટકા સ્ત્રીઓ અને ૬૬ ટકા પુરૂષો) જોવા મળ્યું હતું. એના પછી પશ્ચિમ બંગાળ (૮૦.૧ અને ૬૦.૫ ટકા) અને કેરળ (૭૦.૧ અને ૫૭.૨ ટકા) આવે છ. જ્યારે ગોવાની ૧૫-૧૯ એજ ગ્પુરની ૫૧.૧ ટકા યુવતીઓમાં ડબલ્યુએચઆર ઉંચો હતો પણ ગોવાના માત્ર ૩૪.૨ ટકા પુરૂષો જ અનહેલ્ધી કેટેગરીમાં આવતા હતા.
એક અગ્રણી એન્ડોક્રિનોલોજીસ્ટના મતે પ્રજનન વય જુથના અડધોઅડધ પુરૂષો અને સ્ત્રીઓ ઉંચો ડબલ્યુએચઆર ધરાવે છે એની પાછળનું મુખ્ય કારણ ગેજેટાઇજેશન (ગેજેટ્સનો વધુ પડતો ઉપયોગ) અને પશ્ચિમીકરણ છે.
'આપણી પાસે હવે બાઇક્સ અને કાર્સ આવી ગઈ છે એટલે આપણે ચાલવાનું અને સાઇકલ સવારી કરવાનું છોડી દીધું છે. સ્માર્ટફોન અને ટીવી આપણાં જીવનના કેન્દ્રબિન્દુ બની ગયા છે. એને લીધે માણસ બેઠાડુ બની જાય છે, જેને લીધે કમર અને પેટ પર ચરબીના થર જામે છે અને જેને પગલે હૃદયરોગ અને ડાયાબિટીસ જેવા રોગ થાય છે,' એમ તેઓ કહે છે.
આ ચરબી નિયમિત એકસરસાઈજ અને ડાયટિંગથી ઘટાડી શકાય છે. ભારતીયોએ તો ચરબી ઓછી કરવા વધારાના પ્રયાસ કરવાની જરૂર છે. ચરબી અને વજનને કાબુમાં રાખીને એક મોટો જંગ જીતી શકાય છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WR6rt7
ConversionConversion EmoticonEmoticon