Travel plans in 2020 be like
Expectations
Reality
જે કોઈ હયાત છે, એમના જીવનના સૌથી હેપનિંગ (ખરેખર તો નોન હેપનિંગ !) ઇયર ૨૦૨૦ ફાઈનલી માંડ અસ્તાચળે આવી ગયું છે, ત્યારે રિવાઇન્ડ કરવાની મોસમ ચાલે છે સમાચારોને. ડો. જગદીપ નાણાવટી જેને મજાકમાં 'વિષ-વિષ' વર્ષ કહે છે, એ ૨૦૨૦ના પાકા સરવૈયામાં ઉધાર બાજુ એવડી મોટી છે કે જમા તો બધું એમાં જ ખર્ચાઇ જાય એમ છે. પણ 'પેટમાં ગયુંબધું ગણ કરે' (જે ખાવ એ ભાવે નહિ તો ય એનું પોષણ તો શરીરને મળે જ) એવું ગલઢેરાંઓ કહેતા. એમ દરેક માઠું વરસ પણ અનુભવો તો મીઠાં આપે. નિષ્ફળતાઓનો, સંકટોના કસોટીકાળનો આ ફાયદો છે. સફળતા કહી નવું કશું શીખવે નહિ. જે ચાલી ગયું, ફાવી ગયું એનું પુનરાવર્તન જ કરાવ્યા કરે. પણ નિષ્ફળતા નવી નજર આપે. પોતાની ખામી અને ખૂબી બેઉ સ્પષ્ટ કરે, એ કટોકટીની બ્યુટી ! પીઢ બિઝનેસમેન ગોવિંદભાઈ ધોળકિયા હંમેશા બોધ આપતા હોય છે કે, તેજીમાં ક્વોન્ટીટી વધે, પણ મંદીમાં ક્વોલિટી વધે !
તો ૨૦૨૦ પર જોક્સ ને મીમ્સનો તો જગતમાં ઢગલો થઇ ગયો છે કે એક સ્પેશ્યલ પૂર્તિ એ મજાક મસ્તીની જ થઇ શકે ! અમેરિકામાં ભૂતપ્રેતના પર્વ હેલોવીન નિમિત્તે ઘરની બહાર ભૂતાવળ ભડકામણું ડેકોરેશન કરી મસ્તી કરવાનો રિવાજ પોપ્યુલર છે. એમાં એક ફોટો વાઇરલ થયેલો જેમાં એક ઘરની બહાર મોટું કટઆઉટ મૂકવામાં આવેલું : ૨૦૨૦ ! યાને આ વરસ જ સૌથી મોટો હોરર શો છે !
વેલ, અનેક અંગત અને જાણીતા સ્વજનોની કાયમી વિદાયનું ગમખ્વાર વર્ષ રહ્યું. મોટી ઉંમરના લોકો માટે ભલે મૃત્યુ માટે કશુંક નિમિત્તે બને. પણ ઘણી જાણીતી હસ્તીઓ કોવિડના કાળમાં અચાનક ગઇ અને સરખી વિદાય પણ ન આપી શકાય એનો વસવસો તો ઘણા વર્ષો કોરી નાખશે. જેમનું અંગત ગયું એ પરિવારને, અને જે જાહેર ગયા એના ચાહકોને આખું વર્ષ દુનિયા કશુંક ને કશુંક ગુમાવતી જ રહી. જાણે વરસ નહિ, પણ ગાલિબનો શેર જ : યૂં હોતા તો ક્યા હોતા નો અફસોસ !
ઠીક છે. સમય ભલભલા જખ્મો રૂઝાવી દે છે. ડાઘ રહી જાય તો ય પીડા નથી થતી પછી. ભારતીયો તો ગમે તેવી આફતમાં ય અવસર શોધીને હતા એવા જ 'જૈસે થે' રહેવા માટે જાણીતા છે.એક રીતે એનાં 'હમ નહીં સુધરેંગે'ની જીદ પણ છે. ને એક રીતે 'હરિ કરે સો હોય' સમજીને વિઘ્નો ને વિપત્તિઓમાંથી માર્ગ શોધવાની 'સર્વોઇવલ' યાને બચાવની જીજીવિષા પણ છે.
પણ છતાં ય વરસની આખરમાં ફ્લેશબેક જોઇએ તો પર્સનલી કેટલાક યુનિવર્સલ પાઠ જડયા છે, એનું ક્વિક શેરિંગ કરીએ. ૨૦૨૧માં એન્ટ્રી લેતી વખતે જૂની વિશિઝના મેસેજીઝ છતાં નવા બનવાનો રસ્તો આ જ છે. આગલા વરસ કરતાં વધુ જ્ઞાાની બનવાનો ! વૃધ્ધિ પામવી એ જ ઉંમરમાં ઉમેરાતા વર્ષો થકી આવતું વૃદ્ધત્વ.
લેટ્સ સ્ટાર્ટ. ભલે થોડું રિપિટેશન રિવિઝન લાગે. પણ લેસન નવા વરસની યાત્રા રોશન કરશે. બધાને ૨૦૨૦ કરતાં ૨૦૨૧ સારું જ લાગશે કદાચ, તે શુભેચ્છાઓ તો ફળતી નથી. સ્ટિલ, હેપી ૨૦૨૧.
(૧) અતિ સર્વત્ર વર્જયેત. જે ઇફેક્ટ કરે એની ય સાઇડ ઇફેક્ટ હોય જ. વધુ પડતી એકધારી નાસ જ લીધા કરો તો શ્લેષ્મની પાતળી ત્વચા નાક-શ્વસનતંત્રની દાઝે અને બધુ ઉકાળા જ પીધા કરો તો ય ગરમ પડે. માનવ શરીર સમજો તો એનો કોડ મંત્ર છે : બેલેન્સ. સંતુલિત આહારવિહાર. સાવ ગળ્યું, તીખું, ખાટું, ખારું, તળેલું ખાવ જ નહિ તો જીવન શુષ્ક થઇ જાય ને અમુક જરૂરી પોષણ પણ ડાયેટિંગમાં ન મળે. એનાં જીવવાની મજા જતી રહે. માત્ર એ જ રોજેરોજ ખાધા કરો તો જીંદગી જ જતી રહે. મધ્યમાર્ગ ફિલસૂફીમાં જેવો હોય એવો બોડી ફિટનેસમાં 'માફકસર'નું 'સમપ્રમાણ' અતિ ઉપયોગી સત્ય છે. ઉંધુ ઘાલીને કોઈ એક જ વાત રામબાણ ઇલાજ કદી ન માનવી. શરીરને માત્ર આલ્કલાઇન પાણી જ જોઇતું હોય તો કુદરતે પાણી જ એવું બનાવ્યું હોત ને હોજરીમાં એસિડ એસિડ ન હોત. માટે સર્વાંગી સર્વગ્રાહી થઇને સારું સાચું સમજીને શુદ્ધતાનો આગ્રહ રાખી સમતોલ જીવવા પ્રયાસ કરવો.
(૨) લીગલી અને મેડિકલી પહેરવા અનિવાર્ય જ છે, એ માસ્ક ઘણાને મજબૂરી લાગે છે. ફાવતા નથી. 'આંખોથી લઈશું કામ...' જેવા શેરની માફક રોષ કે રોમાન્સ આંખોમાં જ વાંચવો પડે છે. ચહેરા ઓળખાતા નથી ને ગમે તેવું હળવું કે સુંવાળું હોય એ આવરણ અંદરથી ફાવતું નથી.માસ્ક બહારનું ફરજીયાત છે. પણ અંદરનું તો મરજીયાત છે ને ? તો શા માટે અસલી મિજાજ ને મોજ હોય એના પર બનાવટી ઠાવકાઈનો દંભી 'માસ્ક' ચડાવી ફરો છો ? જરાક એ ય ઉતારીને ચહેરો મોકળો કરવો.
(૩) ભણવાનુંહોય તો વેકેશનની મજા છે. શ્રમ હોય તો આરામની મજા છે. ભૂખ હોય તો ભોજનની મજા છે. નોકરી ધંધાએ જવાનું હોય તો રજાની મજા છે. જેમ શાંતિ હોય તો જ સંગીત માણવાનો જલસો પડે એમ મજા કશું ય કાયમી હોય તો આવતી નથી. ગેપ હોય તો આવે છે, ને લાંબી અસર જળવાય એમ ટકે છે. પ્રવૃત્તિ જ નથી, તો નિવૃત્તિની નિરાંત પણ કેવી ?
(૪) ડિજીટલ ઇઝ નોટ ડેવિલ. ધાર્મિક સામાજીક કારણોસરથી મોબાઈલ કે ટીવીને બગડી ગયેલી નવી પેઢીના રમકડાં ગણતા ઘણા વડીલોએ લોકડાઉનના દિવસો એના જોરે જ સુખેથી પસાર કર્યા. નવી ટેકનોલોજી કંઇ શેતાનનું રૂપ જ નથી હોતી. ભગવાનનું વરદાન પણ નીવડે છે. શાળામાં મોબાઇલની મનાઇ કરવાવાળાઓની મૂછોના કાતરા કાપી લીધા કોરોનાએ, અને બંધ શાળામાં મોબાઇલ ચાલુ રખાવવા પડયા નવી શોધખોળોને ક્યારેય સીધી શંકાથી વખોડવી નહિ, પણ સમજીને સમયસર અપગ્રેડ થવું.
(૫) સંજોગો અનુકૂળ હોય અને જાત ચાલતી હોય ત્યારે પોસાય એટલો (બહુ ઉધારઉછીની કરી નહિ) ખર્ચ કરીને ય જેટલું હરીફરી લેવાય, ખાઇપી લેવાય એ માણી લેવામાં મુદત પાડવી નહિ. કાલ કોણે દીઠી છે ? ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે. અચાનક અંધારા થાશે ત્યારે જો આવા કશાક રસમય અનુભવો લીધા હશે, તો કોરોનાની જેમ જગત થંભી જશે, ત્યારે એની મધુર યાદો વાગોળવા થશે. રહી ગયાની તરસ કરતા માણી લીધાની તૃપ્તિનો આનંદ રહેશે. કોઇને કનડવાની નહિ, પણ ખુદને ખીલવાની મોજમાં આજ એ જ રાજ. પછી તો કાં નારાજ, કાં તારાજ.
(૬) ઈસ્ટ ઓર વેસ્ટ. સાયન્સ ઈઝ ધ બેસ્ટ. મેડિસીન કે વેક્સીન ઘણે અંશે જીવ તો એ બચાવે જ છે. શાસ્ત્રોક્ત શલ્યચિકિત્સાની વાત કરનારાએ ય ગ્લવ્ઝ ને એનેસ્થેશિયા, સોનોગ્રાફી ને બ્લડ ટેસ્ટ તો મોડર્ન સાયન્સના જ ઉપયોગમાં લેવા પડે છે. વિજ્ઞાાનના જોરે જ ધર્મ ફેલાય છે. વિજ્ઞાાનની શોધખોળોથી જ સંસ્કૃતિના મહિમાગાન કરતા મેસેજ ટાઇપ થાય છે કે વિડિયો બને છે. જીવન આસાન થાય એવી તમામ સગવડો સાયન્સે છેલ્લી બે-ત્રણ સદીમાં આપી છે. કમનસીબે, વિજ્ઞાાન ને વિજ્ઞાાનીઓને આપણે હીરો ગણતા નથી, એટલે ઊંચી ડોકે વાઇરસથી વેક્સીન સુધીની બાબતે બીજાઓ સમાચાર આપે ને આપણે આત્મનિર્ભરતાના નામે કોપી કરીએ, એની રાહ જોવી પડે છે. માઇક્રોસ્કોપ, સીરિન્જ કે વેન્ટીલેટર તો જવા દો, પહેલી ઝૂમ એપ કે પહેલું ટિકટોક કે પહેલી પબ્જી કેમ શોધતા નથી આપણે ? કોઇક બનાવે પછી આપણા વર્ઝન બનાવીએ એ બિઝનેસ છે, ઈનોવેશન નથી. ફોકસ ઓન સાયન્સ.
(૭) વાઇરસથી થતી બીમારીઓ બાબતે શરદીથી એઇડ્સ સુધી હજુ બડે બડે દેશ, છોટે છોટે સાબિત થાય છે. એન્ટી વાઇરલ દવાઓ જ આવતીકાલના રોગચાળાઓ માટે આપણું નવું કવચ હશે. આ બાબતે જે લોકો ઈન્વેસ્ટમેન્ટ કરશે મની ઓર બ્રેઇન એ કમાશે. કાં આરોગ્યથી તન, કાં ઐશ્વર્યથી ધન.
(૮) એક દરવાજો બંધ થાય ત્યારે બીજો ખૂલે છે. ટુરિઝમ કે એન્ટરટેઇન્મેન્ટને તાળાં લાગે, તો અનાજ ઉત્પાદન કે દવા - સેનિટાઇઝર - માસ્ક ઉત્પાદનમાં આવક વધે ય છે. પણ બદલતા 'ન્યૂ નોર્મલ'માં પહેલા કરતાં ઘણી વધુ બેકારીનો સામનો ય કરવો પડશે. ખાસ કરીને ભારત જેવા દેશોમાં જ્યાં ઈન્સેન્ટીવ્ઝ ઓછા છે અને અનઓર્ગેનાઇઝ્ડ સેકટરની ઈકોનોમી છે.
લગ્નોની ધામધૂમ બંધ થાય, એનાં મંડપ કે બેન્ડના કારગીરે ભૂખે મરવું પડે. ફિલ્મો જોવા કે રેસ્ટોરાંમાં કોઇ જાય નહિ તો એના ડોરકીપર કે વેઇટર ફૂટપાથ પર વિથ ફેમિલી આવી જાય. એટલે ઘરનનું ખાઇને સાત્વિક જીવવું આપણી તબિયત ફાંકડી કરે, તો ય અર્થતંત્રની રોકડી કરી શકે છે. બધા વર્ક ફ્રોર્મ હોમ કરે તો ઓફિસ આધારિત રિયલ એસ્ટેટ કે ટ્રાન્સપોર્ટેશન સેક્ટર જ ફડચામાં જાય ! વધતી બેકારી એટલે વધતા ક્રાઇમ. વધતું ડિપ્રેશન, ગુસ્સો, આપઘાત.
(૯) જીવનમાં થોડીક કમાણી થાય, તો મજાઓ મુલતવી ન જ રાખવી, પણ કમસેકમ એક-દોઢ વરસ ઘેર બેસવાનું આવે તો સુખશાંતિથી જીવી શકીએ અને અચાનક હોસ્પિટલનો ખર્ચ આવે તો એને પહોંચી વળીએ એટલી બચત / મૂડીરોકાણ / ઈન્સ્યોરન્સ તો રાખવા જ. આ મામલે પશ્ચિમ કરતાં પૂર્વના શરણે રહીને થોડાક 'ગુજરાતી' બનવામાં વાંધા કરો, તો બે છેડા ભેગા કરવામાં સાંધા થશે. કારણ કે ફોરેનની જેમ રોકડી સહાય અહીં બધાને નહિ મળે. લોનના આંબાઆંબલી હશે !
(૧૦) ઘરનું ઘર, એક બાઈક કે કાર, સારા મોબાઈલ - ટીવી લાઈટ, એસી, ફ્રિજ આજના સમયમાં કોઇ લકઝરી નથી, નેસેસિટી છે. એના પર તગડા ટેક્સ લેવાય પણ છે. એ લાઈફ કોઇ અબજપતિની નથી, મિડલ ક્લાસની છે. જેઓ પાસે અમીર જેવી સાહ્યબી નથી, ગરીબ જેટલી મદદ નથી. અને પરિવાર સામે ને સાથે સ્વમાનથી જીવવાની ખુદ્દારી કે મજબૂરી વોટ એવર રહે જ છે. માટે 'આણે તો માલ બનાવી લીધો હશે, આને શું જરૂર?' એવા ભ્રમમાં ન રહેવું. પ્રામાણિક ટેક્સપેયર આ મધ્યમવર્ગ જ છે. જે કમનસીબે ધાર્મિક કે સાંસ્કૃતિક લાગણી દુભાવા પૂરતો જ બોલકો કે સંગઠ્ઠિત છે!
(૧૧) ગમે તેવી આફત હોય, કોઈ પણ પક્ષના રાજકારણીઓ હંમશા તેજીમાં જ રહે છે. સત્તા હોય એને સંપત્તિ બનાવવાના કીમિયાઓ જડતા જ રહે છે.
(૧૨) મંદિર, મસ્જીદ, ચર્ચ, ગુરૂદ્વારા બધા મૂળ તો આપણી ધારેલી (ધારયેતિ ઇતિ ધર્મ:) આસ્થાના કેન્દ્રો છે. એ બંધ રહે એથી પ્રલય નથી આવતો, ખુલ્લા રહે એથી સ્વર્ગ નથી મળતું. બેશક, શ્રદ્ધા મુજબ એને માન-ધ્યાન આપો. પણ એનું અવલંબન ન રાખો. ઉપરવાળો એક વાઇરસ મોકલીને એના નીચેવાળા એજન્ટોની દુકાનોને તાળા લગાવી શકે છે. અપને માહીં ટટોલ. અપ્પ દીપો ભવ. યાત્રાના આનંદ માટે બધું બરાબર. પણ ખરો તો ભીતરનો ભેરુ, ન દરગાહ ન દેરું.
(૧૩) ઓટીટી, ઓનલાઈન, વર્ક ફ્રોમ હોમ, બિટકોઈન, નેટ મીટિંગ, વિડિયો લેક્ચર્સ આર હીઅર ટુ સ્ટે. પણ આ તો શરૂઆત છે. હવે આ રસોઈ દાઢે વળગી એટલે એનો વ્યાપ ને માંગ વધશે, ઘટશે નહિ.
(૧૪) વર્ગમાં જ સ્વર્ગ, પરીક્ષાની જ પ્રતીક્ષા, ગુણાંક એ જ ગુણવત્તા, ગોખણપટ્ટી એ જ જ્ઞાાન - આ બધાનો નકાબ એકઝાટકે વગર તલવારે એક અદ્રશ્ય વાઇરસે દુનિયાભરમાં ચીરી નાંખ્યો છે. ભલે, સંચાલકો તમાચો મારીને કારોબાર ખાતર મોં રતમડું રાખે ને વોટબેન્ક સાચવવા સરકાર આંખ આડા કાન કરે, જેનો આત્મા શિક્ષકનો છે, એને તો બ્રહ્મજ્ઞાાન થઈ જ ગયું હશે કે એજ્યુકેશનમાં સેલ્ફ લર્નિંગની જ આવતીકાલ છે. મસ્તી કરવા કે પ્રોબ્લેમ સોલ્વિંગ માટે, પ્રેક્ટિકલ્સ કે ગુ્રપ બિહેવિયર એન્ડ સ્પોર્ટસ માટે ભેગા થવાનું બરાબર બાકી ભણતર તો શાળા બંધ હોય ત્યારે ય જીવતર પાસેથી ચાલુ જ રહે છે.
(૧૫) જેને શોખ હોય એને એકાંત ખાવા કરડવા દોડતું નથી. કંટાળો કંટાળાજનક લોકોને જ આવે છે. ફિલ્મો, મ્યુઝિક, બૂક્સ કે કોઈ ક્રિએટીવ આર્ટ ને કંઈ ન હોય તો ફ્રેન્ડ સર્કલને ફોરજી સ્પીડનું નેટ હોય તો ય એક વરસ શું તપસ્વીની જેમ બે-ત્રણ-પાંચ વરસ પણ સમય તો ઘરમાં જ પસાર થઈ જ શકે છે. હા, કમાણી માટે ફરજીયાત બહાર નીકળવું પડે. બાકી જે જાતને ભૂલે છે કોઈ કળામાં, એને સદેહે સ્વર્ગ જ છે આ દુનિયા. બહુ રઝળપાટ પછી ઘરમાં બેસીને તાજામાજા થવાનો, કસરત કરીને તંદુરસ્તી વધારવાનો ય એક જલસો છે.
(૧૬) આપણે જેને ટાઈમપાસ ગણતા હતા, એવી બાબતો મિસ થાય ત્યારે જ મૂલ્યવાન લાગે છે. મેળો, ગરબા, મૂવી ઈન સિનેમા, મધરાતે ઇટિંગ આઉટ, બર્થ ડે - મેરેજ સેલિબ્રેશન્સ, પરિવારની પાર્ટી બધું ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાતું હતું. અચાનક એ છીનવાઈ ગયું તો ખબર પડી કે ભાવ માત્ર ગોલ્ડ કે રિલાયન્સના જ નથી વધતા. જે નાની નાની બાબતોનો અભાવ સાલે, એ જ જીવનની મોટી મીઠાશ હતી એમ જાણવું. ડાન્સ, ડ્રિન્ક, ડયુરેક્સવાળી પાર્ટી તો નથી થવાની હમણા. પણ મસ્તી નથી, તો હસ્તી નથી.
(૧૭) કુદરત માણસ પેદા કરતા પહેલા ડાયનોસોર સાફ કરે છે, એમ જ કોરોના પેદા કરતા પહેલા મોબાઈલ ભેટ આપે છે. પેલું ગમ્મતગતકડું (મિમ) હતું ને : અડધું ૨૦૨૦ તો મોબાઈલ ચાર્જ કરવામાં જતું રહ્યું. યસ, સ્ક્રીન ઇઝ ન્યુ સ્કેન નાઉ.
(૧૮) જીવન માત્ર ડાહીડાહી ફિલસૂફીથી જીવાતું નથી. મનોરંજનનો મસાલો ય જોઈએ. ને એ માટે માણસ આસપાસ જોઈએ. ગમે તેટલી ડિસ્ટન્સીંગની ટેવ પાડો. મેનકાઇન્ડ ઇઝ સોશ્યલ. ટચ, કિસ, હગ આર અવર નીડ્સ. પ્રાથમિક જરૂરિયાત છે હળવુંમળવુંભળવુંફરવું જોડે એ! માણસ માણસનો સથવારો ઝંખે છે. એ ય થેરપી છે. જગત પહેલા જેવું એ છૂટથી હળવામળવાનું ભીડમાં થશે, ત્યારે જ લાગશે. કોવિડમાં સદ્ગત મોટા ભાગના દર્દીઓ હોસ્પિટલમાં એકલા જ ગુજરી ગયા છે. ઘેર સ્વજનોના ચહેરા જોવા એ ય ઉપચાર છે. સ્નેહનું સ્મિત એ ય સારવાર છે. રોગ તો બીજા ય છે. પણ હેલ્થ, હાઇજીન, હ્યુમન બોડી અંગેની જાગૃતિ હવે શરૂ થઈ છે.
(૧૯) સુશાંત-રિયા-અર્ણવ-કંગના બધામાં કોન્સપિરસી થિયરીઝ ચલાવી દેશ આખો ધંધો લાગેલો, ત્યારે ચેતવેલા અહીં. કોઈ મામા-માસી થતા નથી ને ઘેર પાલી જુવાર પણ નાખવાના નથી. કાલ્પનિક ભૂતકાળ-ભવિષ્યના નામે લડવાની નવરાશ વધી જાય, એ ઉસ્તાદોને તો ફાવતું મળે. નવરા બેઠાં લોકો ફ્રસ્ટ્રેટેડ ને આળા થઈ ગયા છે. દરેક સેલિબ્રિટી એમના ભાગના જલસા કરતી પાપી લાગે છે. કશું એમને ઘડવું નથી, તોડવું છે. આ મોટો રોગ છે કોરોના કરતા. સાયકોઝોમ્બીઝ આર હિઅર ટુ સ્ટે. પહેલા કરતાં ય નાની વાતમાં હર્ટ થવાનું વધશે હજુ તો. માટે હસતા રહેવું.
(૨૦) તાડા કુત્તા ટોમી, સાડા કુત્તા કુત્તા?!
ઝિંગ થિંગ
'તમે કરોળિયાનું જાળું તોડશો, તો એ પાગલ થઇ ઉધામા નહિ કરે ચૂપચાપ નવું જાળું બનાવવા લાગશે' (લુઇ બોર્જસ)
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aU3sZ8
ConversionConversion EmoticonEmoticon