'જ નની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરિયસી' એવી આપણી હિન્દુધર્મ સંસ્કૃતિની ભારતભૂમિમાં જન્મ લેવો દુર્લભ છે. આપણી ભારતભૂમિની સનાતન ધર્મસંસ્કૃતિ-આર્યસંસ્કૃતિના રક્ષક સ્વયં 'પરમાત્મા' છે. એવી આપણી આસ્થા છે. ભારતભૂમિમાં ઇશ્વરને અવતાર લેવાનું ગમે છે. માગસર સુદ પૂનમના પવિત્ર દિને 'દત્ત જયંતિ' છે. દત્ત ભગવાનનો પ્રાગટય દિન છે. શ્રીમદ્ ભાગવતમાં, અવધૂતગીતામાં તથા પંચશ્લોકી ભાગવતમાં 'દત્તાત્રેય પ્રભુનો' ઉલ્લેખ છે.
મહર્ષિ 'અત્રિનાં' પત્ની મહાસતિ 'અનસૂયાજીને' ત્યાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશે, આપેલા વચન મુજબ, એ ત્રણે દેવોના સંમિલિત સ્વરૂપ ભગવાન દત્તાત્રેયનો જન્મ થયો હતો.
યદુરાજાનો ઉદ્ધાર: યયાતિના જ્યેષ્ઠ પુત્ર 'યદુરાજા' હતા. તેમણે શાંતિ અને પરમસુખની શોધ માટે, વનમાં જઈ, તપઃશ્ચર્યા કરવાનું વિચાર્યું. વનમાં ગયા ત્યારે તેમણે 'માયામુક્તિ અવતાર' ગુરુદત્તાત્રેયને અવધૂતાવસ્થામાં જોયા. તેમણે આશ્ચર્ય થયું કે આ અવધૂતજી વિદ્વાન હોવા છતાં બાળકની જેમ લોકોમાં ફરે છે. આત્મામાં જ લીન રહે છે. અમૃત જેવી વાણી છે. કોઈ જાતનો સંતાપ નથી. વિષય ભોગથી રહિત છે. એકલા છે છતાં આનંદમાં છે. સંસારથી તદ્દન અલિપ્ત છે. ઇશ્વરના અવતારરૂપ લાગે છે. યદુરાજાએ વંદન કરી સત્કાર કર્યો. અવધૂતાવસ્થામાં રહેલા ભગવાન દત્તાત્રેયે યદુરાજાને બોધ કર્યો. ૨૪ ગુરુ અંગે પણ જણાવ્યું. યદુરાજાનો ઉદ્ધાર થયો. (શ્રીમદ્ ભાગવત એકદશસ્કંધ અદ્યાય ૭-૮-૯)
ભક્ત પ્રહલાદજીને બોધ:
(શ્રીમદ્ ભાગવત ભાગ-૧ સપ્તમ
સ્કંધ અધ્યાય ૧૩)
આ અધ્યાયમાં સંન્યાસધર્મ અને સિદ્ધાવસ્થાનું વર્ણન કરતાં નારદજી પ્રહલાદજીને બોધ આપે છે. તે વખતે પરમહંસના ધર્મસંબંધી પ્રહલાદ અને અજગરવ્રતધારી એક મુનિના સંવાદરૂપે એક પુરાતન ઇતિહાસને મહાત્મા પુરુષો ઉદાહરણ રૂપે કહે છે. આ વિધાનમાં 'મુનિ' એટલે 'પ્રભુદત્તાત્રેય' હતા એમ સમજવાનું કહે છે. આ સંવાદ દ્વારા પ્રહલાદજીને પ્રભુદત્ત પાસેથી 'ગૂઢજ્ઞાાન' પ્રાપ્ત થયું હતું.
દત્તાવતારની વિશિષ્ટતા:
- ત્રણે દેવો (બ્રહ્મા-વિષ્ણુ-મહેશ) ત્રણે દેવો મળીને એક સ્વરૂપે પ્રગટયા છે.
- ઐશ્વર્ય રૂપ (મુગટ-કુંડળ-ઘરેણાંવ)નો લોપ છે. ફક્ત પીતાંબર જટા કાષ્ટપાદુકા કાષ્ટનું કમંડળ છે.
- તેમની આસપાસ વેદ, ગાયત્રી, પવિત્રતાનાં પ્રતીકરૂપ ગાય, શ્વાન, પંખી નદી વૃક્ષ છે
- શંખ ત્રિશૂળ શક્તિનાં પ્રતીક છે.
- 'કમંડળ' 'યોગક્ષમ'નું પ્રતીક છે.
- જીવનને ગુણગ્રાહી બનાવી સ્વકલ્યાણ કરવાનો એક વિશિષ્ટ માર્ગ બતાવ્યો છે.
પ્રભુદત્ત 'સાકાર' સ્વરૂપે કેવા ?
જગત પ્રતિપાળ, કલિતારક, ભયહારક, સુખકારક, કરુણાવાન, ભક્તવત્સલ, ઋણમોચક, અધમોધારણ, દયામૂર્તિ, મૃતિમારણ, તેમના ૧૬ અવતારની ૧૬ જયંતી ઉજવાય છે.
હે પ્રભુદત્તા, દુઃખીનાં દુઃખડાં આપ ટાળો,
પડે પ્રેમથી જે પાયે, તેને ઉગારો.
નિરાકાર સ્વરૂપે કેવા ?
બ્રહ્માનંદ, દ્વંદ્વાતીત, ગગનસદ્રશ્ય, ભાવાતીત, ત્રિગુણ રહિત, નિત્યવિમલ, અચલ, નિગમાગમસાર, પરિખંડિતજાલ (માયાની જાળ દૂર કરનાર) અગઅક્ષર (અગમ્ય) પરબ્રહ્મ...
પ્રભુદત્તના દર્શન માટેની આતુરતા કેવી હોય ?
'આવ દિગંબરા, દત્તકરુણાકરા,
તુજ વિણ ચેન ન પડતું
ઘર-ઉદ્યોગે ચિત્ત નવ ઠરે.
દુઃખી હૃદય, નિત્ય રડતું
ખાનપાન, ઝેર સમ લાગે
ગાડી બંગલા, વ્યર્થ ભાસે, તુજ વિણ જીવન ખારું લાગે.
ચિત્તને સ્થિર કરવા માટેની પ્રાર્થના:
અનસૂયા ત્રિ સંભૂત, દત્તાત્રેય મહામને,
સર્વદેવાધિદેવ ત્વં, મમચિત્તં સ્થિરં કુરુ
શરણાગત દીનાર્ત, તારકટ ખિલકારક,
સર્વ ચાલક દેવત્વં, મમ ચિત્તં સ્થિર કુરુ,
સર્વમાંગલ્ય માંગલ્યે, સર્વાધિ વ્યાધિ ભેષજ,
સર્વ સંકટ હારિન ત્વં, મમચિત્તં સ્થિરં કુરું
- નામસંકીર્તન, પાઠ, દત્તબાવની, સ્તોત્રો, શ્રી ગુરુલીલામૃતગ્રંથનું પુનઃશ્વરણ
શ્રધ્ધાપૂર્વક કરવાથી ત્રિતાપ ટળે છે. પાઠ-સ્તોત્ર સંજીવની રૂપ છે. જીવન શાંત અને મંગલમય બને છે.
- ગુજરાતમાં ગિરનાર, નારેશ્વર શ્રદ્ધેયતીર્થો છે.
- ગુરુદત્ત ઉપાસનામાં 'આદુંબરવૃક્ષ'નો મહિમા મોટો છે. તેની નીચે બેસી કરેલ પાઠ, સ્તુતિ, પૂજન ફળદાયી બને છે.
- ભગવાન દત્તાત્રેયની બિરુદાવલિ: (દત્ત પ્રભુને વંદના)
આનંદ ભૂમંડલાચાર્ય, વૈદિક ધર્મ પ્રચારક,
યોગમાર્ગ પ્રવર્તક, અત્રિ વરદ્ અનસૂયાનંદન,
પરબ્રહ્મ સ્વરૂપ, શ્રીમદ્ દત્તાત્રૈયાવધૂતો,
વિજયતેતરામ... વિજયતેતરામ... વિજયતેતમામ
ઓમ દ્રાં દત્તાત્રેયાય નમઃ
- લાભુભાઈ ર. પંડયા
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WGLeSz
ConversionConversion EmoticonEmoticon