(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.22 ડિસેમ્બર 2020, મંગળવાર
મુંબઇમાં હાલ કોરોનાના કારણે સખત નિયમોનું પાલન કરવું પડે છે. તેવામાં આ કાનૂનનો ભંગ કરતા સેલિબ્રિટિઓની ધરપકડ કરવામાં આવી હતી. જોકે પાછળથી તેમને જામીન પર છોડી દેવામાં આવ્યા હતા.
મુંબઇ એરપોર્ટ પાસેની ડ્રેગન ફ્લાઇ કલબમાં પોલીસે સોમવારે રાતના છાપો માર્યો હતો. જેમાં ક્રિકેટર સુરેશ રૈના સહિત ૨૭ સેલિબ્રિટીઝ, સાત સ્ટાફના વિરુદ્ધ આઇપીસી ધારા -૧૮૮,૨૬૯ અને ૩૪ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કલ્બમાં હૃતિક રોશનની ભૂતપૂર્વ પત્ની સુઝેન ખાન સિંગર ગુરુ રંધાવા સહિત ઘણી સેલિબ્રિટીઓઝ હતી. જેમને પાછળથી જામીન પર છોડી દેવામાં આવ્યા હતા.
કહેવાય છે કે, આમાં ગાયક બાદશાહ પણ હતો જે પાછલા દરવાજેથી ભાગી છુટયો હતો. આ પાર્ટીમાં ૧૯ લોકો દિલ્હીથી આવ્યા હતા જ્યારે અન્યો પંજાભ અને દક્ષિણ મુંબઇના રહેનારા હતા. એમાંથી મોટા ભાગના લોકો શરાબના નશામાં ધૂત હતા. મહારાષ્ટ્રમાં હાલ લોકડાઉનના નિયમો લાગુ પાડવામાં આવ્યા છે. જેમાં રાતના ૧૧ વાગ્યા પછી કોઇ પણ પાર્ટી કે સાર્વજનિક કાર્યક્રમ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પોલીસના સૂત્રે જણાવ્યું હતું કે, એક જાણીતો ગાયક છાપો માર્યો એ દરમિયાન પાછલા દરવાજેથી ભાગી છુટવામાં સફળ રહ્યો હતો. જે બાદશાહ રેપર હતો.
સંયુક્ત પોલીસ કમિશ્નર વિશ્વાસ નાગરે પાટિલે જણાવ્યું હતું તે, સરકારે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને એક નિર્ણય લીધો હતો. જેના અનુસાર નક્કી કરેલા સમય પછી નાઇટ પાર્ટી, પબ, બાર અને હોટલ્સ બંધ કરવામાં આવે. અમને કલબમાં પાર્ટી ચાલી રહી હોવાના સમાચાર મળ્યા હતા અને ડીસીપી રાજીવના નેતૃત્વમાં એક ટીમ રેડ પાડવા માટે ત્યાં મોકલવામાં આવી હતી. જેમાં ૩૪ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
કલબ તરફથી હાલ કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પોલીસને શંકા છે કે, ઘણા લોકો પાછલા દરવાજાથી ભાગી છુટવામાં સફળ થયા છે. આ માટે તેઓ સીસીટીવી ફુટેજ જોઇ રહ્યા છે અને ભાગી છુટેલા લોકોને નોટીસ પાઠવવામાં આવશે. આઇપીસીની ધારા ૧૮૮ હેઠળ એક મહિનાની જેલ અને રૃપિયા દસ હજારનો દંડ થઇ શકે એમ છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mLX34q
ConversionConversion EmoticonEmoticon