ફૂલડાંને ઊડવા આકાશ !
પાંખ વિના પૂરે શે આશ ?
મેઘધનુષી પાંખોવાળા
પતંગિયાને ભાળી પાસત
ચંબેલી મલકંતી પૂછે,
'એક જ મારી પૂરશો આશ ?
મારો દેહ, તમારી પાંખ -
એક બનીને ઊડશું આભ ?દ
ચંબેલીનો દેહ રૂડો, ને
પતંગિયાની પાંખ ધરી,
અવની, આભ, અનંતે ઊડે,
મલકંતી મ્હેકંતી પરી.
પતંગિયું ને ચંબેલી!
એક થયાં ને બની પરી !
- કૃષ્ણલાલ શ્રીધરાણી
એક માણસ બગીચામાં બેઠો હતો. અચાનક તેણે ઝાડ પર એક કોશેટો જોયો. જેમાંથી પતંગિયું બહાર આવવાની કોશિશ કરતું હતું. પતંગિયું કલાકો સુધી પ્રયત્ન કરતું રહ્યું. માણસને થયું કે તેને બહાર નીકળવામાં મદદ કરવી જોઈએ. આથી તેણે કોશેટાનો થોડો ભાગ તોડી નાખ્યો. જેથી પતંગિયું સરળતાથી બહાર આવી શકે. પતંગિયું બહાર પણ આવ્યું. પરંતુ તે અવિકસિત હતું. પતંગિયાનું શરીર મોટું અને પાંખો નાજુક હતી જે એના શરીરને ચોંટેલી હતી. તે પછી ઊડી જ ન શક્યું. બિચારા આ બેડોળ પતંગિયાને એની બાકીની જિંદગી એક ઇયળની માફ્ક મોટા શરીર પર ચોંટેલી નાજુક પાંખો સાથે માત્ર આજુબાજુ મંદ ગતિએ ચાલવામાં પૂરી કરવી પડી. પેલો અજ્ઞાાની માણસ જાણતો જ ન હતો કે એક ઇયળમાંથી પતંગિયાનું સર્જન થવાની કુદરતની અજબ પ્રક્રિયામાં એણે બિનજરૂરી હસ્તક્ષેપ કર્યો હતો. એ સમજી જ ન શક્યો કે એ સંઘર્ષ પતંગિયાના જીવનનો અનિવાર્ય તબક્કો હતો. પૂર્ણ વિકસિત શરીર પામવા માટેની એ એક અગત્યની પ્રક્રિયા હતી. દયા કરવાના વ્હેમમાં પેલા માણસે પતંગિયાની અતિ અગત્યની આખી સંઘર્ષ પ્રક્રિયા જ ખતમ કરી નાખી.
માણસને પણ આ વાત એટલી જ લાગુ પડે છે. સંઘર્ષથી તેનામાં રહેલી નિહિત તાકાત બહાર આવે છે. એની અંદર રહેલું સત્વ પ્રગટ થાય છે. બાળકો આ પતંગિયા જેવા જ છે. તેમના જીવનમાં આવેલા સંઘર્ષને જુઓ, નોંધ લ્યો. પણ એના સંઘર્ષને ખતમ ન કરો. નહીં તો તમારા બાળકોની પરિસ્થિતિ સામે લડવાની કે સંઘર્ષ કરી સફળ થવાની અને જીતવાની ક્ષમતા જ ખતમ થઇ જશે. એવા પાંગળા વિકાસથી બાળક પંગુ જ બનવાનું. મુશ્કેલીઓનો સામનો કર્યા વિના શોર્ટકટથી જિંદગીમાં આગળ વધવાની ઇચ્છાથી જિંદગી એની પાકટતા ઘુમાવે છે.
સામાન્ય રીતે પતંગિયું એટલે એક રંગબેરંગી ઉડઉડ કરતો નાનકડો જીવ, પણ એક અંદાજ પ્રમાણે પતંગિયાંના ૨૮,૦૦૦ જેટલા પ્રકાર છે. ફૂલોની આજુબાજુ જ તેમનું જીવન પસાર થાય છે. ફૂલોના રસને ચૂસીને તેઓ પોષણ મેળવતાં હોય છે. તે ઘન પદાર્થ ખાઈ શકતાં નથી. એન્ટાટકા સિવાય દરેક ખંડ પર પતંગિયા જોવા મળે છે. પતંગિયું ઇંડા તરીકે જન્મે છે, ઇંડામાંથી લાર્વા, લાર્વામાંથી ઈયળ અને ઈયળ ઉપર કોશેટો બને છે. જેને તોડીને પતંગિયું બહાર આવે છે.
આમ ચાર તબક્કાનું તેનું જીવન છે એ પછી ચાર દિશામાં ઉડવામાં પસાર કરે છે. જો કે પતંગિયાની દિશા અને દશા ફૂલો પર આધારિત છે. અમેરિકન એક્ટર અને લેખક જ્યોર્જ કાર્લીન કહે છે કે 'સખત મહેનત ઈયળ કરે છે અને પબ્લીસીટી પતંગિયાને મળે છે !દ યાદ એ રાખવાનું છે કે ઈયળની માફક આપણે જેને જીવનનો અંત માનીએ છીએ એ ખરેખર આરંભ પણ હોય શકે. માણસ જો સંઘર્ષ અને બદલાવને હોંશેથી સ્વીકારે તો ચોક્કસપણે જીવનના સૌંદર્યને પામે. પતંગિયા અનેક વિષમતાઓની વચ્ચે પણ જીવનનો આવિષ્કાર કરે છે.
દરેક જાતના પતંગિયાની માદા ચોક્કસ જાતના ફૂલ કે પાન ઉપર જ ઈંડા મૂકે છે. નર પતંગિયાની સંખ્યા માદા પતંગિયા કરતાં વધારે છે. તે છતાં પતંગિયાનો પ્રદેશ પુરુષપ્રધાન નથી. તેઓ વિવિધતાના વેશમાં સમાનતાનો સંદેશ આપે છે. માદા ૪૦૦ ઈંડાં મૂકે છે. તેમના ઈંડાનો રંગ પીળો, નારંગી અને લીલો હોય છે. તેઓ જન્મજાત રંગીન હોય છે. સુગંધ અને શમા પર ફના થનાર પતંગો બીજા અર્થમાં પણ રંગીન હોય છે. તેને ચાર પાંખો હોય છે. ચાર પાંખ આઠ પ્રહર ઉડવા માટે ઉત્સુક હોય છે. આળસ એનાથી જોજનો દૂર રહે છે.
પતંગિયાનું જીવનચક્ર ૨ થી ૪ અઠવાડિયાનું છે, પરંતુ કેટલીક જાતિઓ ૯ મહિના સુધી જીવંત રહે છે. તેમની સ્વાદ પારખવાની શક્તિ તેમના પગમાં હોય છે. તે સાંભળી શકતા નથી, પરંતુ હવાના કંપનથી બધું અનુભવે છે. પતંગિયા આંખમાં ૬,૦૦૦ લેન્સ છે જેની મદદથી તે અલ્ટ્રાવાયોલેટ કિરણોને જોઈ શકે છે. ઓરેન્જ કલરના કાળી ડિઝાઈનવાળા મોનાર્ક નામના પતંગિયા હજારો કિલોમીટરનો પ્રવાસ કર ે છે. જીવનમાં આયુષ્યનું મહત્વ નથી પણ કેવું જીવો છો એનું મૂલ્ય છે. જગતની અનેક મહાન હસ્તીઓએ નાની ઉંમરમાં ઉત્તમ પ્રદાન આપી આ જગતને અલવિદા કહી છે.
કેવડિયામાં ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા પ્રકૃતિપ્રેમી રુચિ દવેએ પતંગિયા ઉપર ગહન અભ્યાસ કરેલો છે. નિષ્ઠાપૂર્વક અવિરત કામ કરતા તેઓ પતંગિયાના સંવર્ધન અને સંરક્ષણ માટે ખૂબ મહેનત કરે છે અને નોખા-અનોખા પ્રોજેક્ટ્સ પણ કરે છે. તેમના નેજા હેઠળ તૈયાર થયેલ પુસ્તક 'અ પિકટોરિયલ ગાઈડ ટુ બટરફ્લાઈઝ' પતંગિયાપ્રેમીઓ માટે ખૂબ ઉપયોગી નીવડે તેમ છે જેમાં ગુજરાતમાં જોવા મળતા બધા પતંગિયાઓને આવરી લેવાયા છે.
રુચિબેનની સક્રિયતા અને પ્રયત્નોથી નર્મદા જિલ્લાના કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે એક પતંગિયા પાર્ક પણ બનાવાયો છે. અહીંયાનું ખાસ વાતાવરણ પતંગિયાને અનુરૂપ છે. આ પાર્ક ગુજરાત વન વિભાગ દ્વારા પાંચ એકરમાં વિકસાવવામાં આવ્યો છે. ખાસ તો આ પાર્કમાં એવા પ્લાન્ટ્સ લગાવ્યા છે કે જેનાથી પતંગિયા વધુ આકર્ષાય. કહેવાય છે કે આવા પ્લાન્ટ્સ પતંગિયા માટે ડેઝર્ટ-મીઠાઈ સમાન છે.
લોકડાઉન દરમિયાન રાષ્ટ્રીય પક્ષી અને ફૂલની જેમ સરકારને રાષ્ટ્રીય બટરફ્લાય પસંદ કરવાનો વિચાર આવ્યો. સપ્ટે. ૨૦૨૦માં ભારતમાં પ્રથમવાર એવું બન્યું કે રાષ્ટ્રીય પતંગિયાની પસંદગી માટે ઓનલાઈન વોટીંગ કરવામાં આવ્યું. પતંગિયાની ૭ પ્રજાતિને ચુંટણી માટે અલગ તારવવામાં આવ્યા. આ માટે દેશભરમાંથી ડેટા એકત્રિત કર્યા પછી, બટરફ્લાય નિષ્ણાતોની ટીમે આંતરિક મતદાન દ્વારા સાત પતંગિયાઓની અંતિમ સૂચિ તૈયાર કરી. તેમાં તે ધ્યાનમાં રાખવામાં આવ્યું કે આ પ્રજાતિ ન તો દુર્લભ હોય અને ન તો સામાન્ય.
ફૂલની બે પાંખડી જેટલું જ વજન ધરાવતું પતંગિયું વાતાવરણને રંગીન બનાવે છે. જેમ સામાન ઓછો હોય તો પ્રવાસ સુલભ બને એમ જીવનમાં પણ ભાર ઓછો હોય તો એ સડસડાટ જાય છે, એવું પતંગિયાપુરાણ કહે છે. ટાગોરે પતંગિયાને ઊડતું ફૂલ કહ્યું અને ફૂલને ડાળ પરનું પતંગિયું કહ્યું. જો કે તમારામાં સૌદર્યદ્રષ્ટિ હોય તો તમને લાગશે કે પતંગિયા સ્વયં સંચાલિત ફૂલો જ છે. દાહોદની એક શાળામાં 'પતંગિયાપર્વ' શીર્ષક હેઠળ ભૂલકાઓનો વાષકોત્સવ યોજાયો હતો. મનમોહક પતંગિયા માત્ર બાળકોને નહીં, પરંતુ નાનામોટા સૌને આકર્ષે છે. ઉડતા પતંગિયા સાથે આપણું મન પણ એની હળવાશ ઓઢીને ઉડવા લાગે છે. કોઈ કવિ એવો નહીં હોય જેની કલમને પતંગિયું ન સ્પર્શ્યું હોય. હાયકુના પિતામહ સ્નેહરશ્મિની પંક્તિઓ મંત્ર જેવી છે.
'પતંગિયું ત્યાં/થયું અલોપ, શૂન્ય/ ગયું રંગાઈ.' માણસ જ્યારે સમય ન હોવાના બહાના હેઠળ પોતાની નબળાઈઓ કે નિષ્ક્રિયતાને ઢાંકે છે ત્યારે રવીન્દ્રનાથ ટાગોર કહે છે કે ‘The butterfly counts not months but moments, and has time enough.’ હરીન્દ્ર દવેએ તો પતંગિયાને ખોળે જ લીધું લાગે છે. એટલે જ તેઓ કહે છે કે 'મારા પડછાયામાં પતંગિયું સૂતું છે : હવે બળતા સૂરજથી કેમ કરીને ભાગું ?' કોઈ રોમાંચક ઘટના બને ત્યારે પેટમાં પતંગિયા ઉડતા હોય તેવો અનુભવ ઘણાએ કર્યો હશે. પ્રાચીન ગ્રીક લોકો અનુસાર, બટરફ્લાય એ એક આત્મા છે જે અંતિમ સંસ્કાર વખતે દેહમાંથી બહાર નીકળી જાય છે. હરઘડી આપણી રખેવાળી કરતા ઈશ્વરની પ્રતીક્ષા કરતા આપણે થાકીને અથરા ન થઈએ એ માટે કવિ ઉદયન ઠક્કર અદ્ભૂત આશ્વાસન આપે છે !
'હા, એ કહેતા તો હતા કે વાડીનું રખવાળું કરવા ટાંકણે આવી જઈશ,
એક એક પતંગિયાની પાંખમાં રંગોળી પૂરતાં વાર તો લાગે જ ને !'
પ્રકૃતિ માંહેન ું ચૈતન્ય જ્યારે આપણા ભીતરને સ્પર્શે છે ત્યારે આપણું હૃદય પોતે જ જાણે પતંગિયું બની જાય છે. પછીથી બનતી કોઈ પણ સારી નરસી ઘટના મેઘધનુષના રંગોનો આહલાદક અહેસાસ આપે છે. જીવનની દરેક પળને જાણે અવસર બનાવી રંગોની રજાઈ ઓઢાડે છે. ઈશ્વરે માણસને કરેલા ચુંબન જેવા આ પતંગિયાઓની પાંખો પર લખેલો સંદેશ રોજ આપણી સામે હોય છે. શ્વાસોમાં જીવન ભરીને ધબકવાનું ઇજન આપે છે. બસ, એને ઉકેલવાની જરૂર છે. ઉપર ઉડતા પતંગિયા આભમાં પથરાયેલી ફૂલોની પાંખડીઓ જેવા છે. પતંગિયા ઉડવા માટે પાંખો ફેલાવી જીવનની આનંદયાત્રામાં જોડાય છે એ જોઇને હું પણ મારી બાંહો ફેલાવીને જીવનને બાથમાં લઉં છું.
ભૌતિક સુખની પાછળ સતત દોડતા માનવીને કોણ સમજાવે કે ખભા પર બેઠેલી પતંગિયા જેવી સુખની ક્ષણો તો ને તો જ હાથમાં આવશે જો માણસ જરા થોભીને આજુબાજુ જોશે, અનુભવશે. દોડતા માણસના ખભા પરથી તો સુખનું પતંગિયું ઉડી જ જવાનું. ઓસ્ટ્રેલિયામાં જન્મેલા વિચારશીલ લેખિકા નિક્કી રો ખૂબ સરસ વાત કહે છે કે "A girl should be like a butterfly. Pretty to see, hard to catch." આ પૃથ્વી આમ તો એક કોશેટો જ છે જેના પર જન્મીને આપણે સર્જનાત્મક પાંખો ફેલાવી આપણા વ્યક્તિત્વના અવનવા રંગો નિખારવા જોઈએ.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37iD6xK
ConversionConversion EmoticonEmoticon